રચનાવલી/૧૭૫

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૭૫. લોસ્ટ હરાઇઝન (જેમ્સ હિલ્ટન)


અણુશસ્ત્રોનો નાશ કરવામાં ગલ્લાતલ્લા થઈ રહ્યા છે. અણુસંધિ પર કરાર કરવા કરાવવામાં ઈરાદાઓ અથડાઈ રહ્યા છે. અણુયુદ્ધના ભણકારા માનવજાતને જંપવા દેતા નથી. કાંકથી ને કયાંકથી યુદ્ધના નગારા બજી ઊઠે છે. ક્યાંક એક જાતિ બીજી જાતિને, ક્યાંક એક કબીલો બીજા કબીલાને, ક્યાંક એક ધર્મ બીજા ધર્મને, ચીક એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્રને ઘર્ષણમાં ઉતારી રહ્યાં છે. બબ્બે વિશ્વયુદ્ધના મોટા પાયે થયેલા નરસંહારો જોયા પછી અને છેલ્લે અખાતી યુદ્ધમાં માનવ સંપત્તિનો વ્યાપક વિનાશ જોયા પછી પણ માનવજાતને ડહાપણ આવતું નથી. આવા ભય અને ઓથાર વચ્ચે કલ્પનાનું સ્વર્ગ રચવું, યુદ્ધ વગરનું, ભય અને આતંક વગરનું જગત કલ્પવું એ એકલોલની એકમાત્ર મિરાત રહી છે. આથી જ જેમ્સ હિલ્ટનની નવલકથા ‘લુપ્ત ક્ષિતિજ’ (લોસ્ટ હરાઇઝન)નું શાંગ્રિલા કપોલકલ્પિત સ્થળ હોવા છતાં આજ સુધી ઝંખનામાં ઊભું થતું રહ્યું છે. ‘લોસ્ટ હરાઇઝન’નો પ્રભાવ કલ્પી શકાય છે. ૧૯૩૩ની સાલમાં રચાયેલી આ નવલકથા વખતે પહેલા યુદ્ધથી મનુષ્ય ત્રાસી ગયો હતો. અને બીજા યુદ્ધનાં એંધાણ જોતો હતો. વીસમી સદીના ત્રીજા દાયકામાં એ અંધાધૂંધ સમયમાં અને અસ્તવ્યસ્ત ગતમાં મૂલ્યોની શોધમાં ચાલી રહેલી પ્રજાને ‘લૉસ્ટ હરાઇઝન' જેવી નવલકથામાં એમનાં સ્વપ્નો અને એમની આશાઓને એક આધાર મળ્યો હતો. આમ તો ‘લોસ્ટ હરાઇઝન’ એક કપોલકલ્પના આગળ ધરે છે. ઘણા બધા કપોલકલ્પનાના પ્રદેશોની જેમ શાંગ્રિલા પણ એક એવું સ્થળ છે, જ્યાં સદેહે ભાગ્યે જ પહોંચી શકાય અને તેથી આત્મવિનાશી બહારના જગતથી શાંગ્રિલા દૂરનું સ્થળ જ રહ્યું છે, ખૂબ લાંબા આયુષ્ય, સુખ અને સંતોષનું સ્થળ રહ્યું છે. ‘લોસ્ટ હરાઇઝન’ કથામાં રહેલી કથા છે. હ્યૂ કન્વે ઓક્સફર્ડમાં એક આશાસ્પદ અને દેખાવડો યુવાન વિદ્યાર્થી હતો. નવલકથાકાર રુથરફર્ડ એને ઓળખતા હતા પણ છેલ્લાં દશ વર્ષ કન્વે બ્રિટિશના એલચી તરીકે પૂર્વના દેશોમાં ભમતો રહ્યો હતો. રથરફર્ડને એની જાણ ન રહી. પછી એક દિવસ ચુંગકિયાંગની કૅથલિક હૉસ્પિટલમાં રથરફોર્ડની નજરે ફરી હ્યુ કન્વે ચઢે છે પણ હ્યુ એકદમ દૂબળો, થાકેલો અને નિરાશ લાગે છે. હ્યૂ રુથરફર્ડની આગળ પોતાની અસાધારણ આપવીતી રજૂ કરે છે. ૩૭ વર્ષની ઉંમરે ૧૯૩૧માં હ્યુ બેસ્કલમાં એલચી હતો, પણ એ વખતે બેલ ક્રાંતિથી ઘેરાયેલું હતું. માંડ માંડ થોડા અંગ્રેજોને બચાવીને હ્યુ ભારતના મહારાજાઓએ મોકલેલા ખાસ વિમાનમાં ચઢે છે. જેનો ચાલક કેનર કરીને એક અંગ્રેજ હતો. એની સાથે એના હાથ નીચે કામ કરતો યુવાન ચાર્લ્સ મોલિન્સન છે, વાતોડિયો હેન્રિ બાર્નર્ડ છે, અને અંગ્રેજ મિશનરી કુમારી બ્રિન્કો છે. એકાદ કલાકના વિમાનના ઉડ્ડયન બાદ મોલિન્સનને લાગે છે કે વિમાન નિર્ધારિત માર્ગે ઊડતું નથી અને ચાલક પણ કેનર નથી. હ્યૂ કન્વે પણ તરત જુએ છે કે તેઓ તિબેટની કોઈ પર્વતમાળા પરથી ઊડી રહ્યાં છે બધાની નજર ચાલક પર પડે છે કે ચાલક તો કોઈ ચીની છે. ચાલક કોઈ એક ખીણમાં વિમાનનું એકદમ ઊભું ઉતરાણ કરે છે અને ત્યાંના વતનીઓ બંદૂક સાથે એમને વીંટળાઈ વળે છે. વિમાનમાં બળતણ ભરાય છે અને વિમાન પાછુ ઊડવા માંડે છે. ચાલક આ અંગે કોઈ સમજૂતી આપતો નથી. કલાકોના ઉડાણ પછી ચાલક હિમાચલ પર્વતમાળાના કોઈ સમથળ ભાગ પર બળપૂર્વક ઉતરાણ કરે છે. એમાં એ ગંભીર રીતે થવાય છે પણ બધાને નજીકની શાંગ્રિલા લામાસરાઈમાં શરણ લેવાનું કહી મૃત્યુ પામે છે, શાંગ્રિલા સુધી પહોંચતા બધાંને લાગે છે કે સમસ્ત નિર્જન પર્વતમાળાની વચ્ચે એ એક ફળદ્રુપ ભૂમિભાગ છે. કોઈ પશ્ચિમના પ્રવાસી દ્વારા ન તો એની શોધ થઈ છે ન તો એનો નકશો બન્યો છે. ત્યાં, બધાને આરામદાયી ઓરડાઓ અને સારું ભોજન આપવામાં આવે છે મોલિન્સન ત્યાંના ચાંગને તરત પૂછે છે કે તેઓ ભારત ક્યારે જઈ શકશે. ચાંગ કહે છે કે શાંગ્રિલા એટલું બધું કપાયેલું છે કે જ્યાં સુધી મજૂરોની ટુકડી પર્વતોમાંથી પાછી નહીં ફરે ત્યાં સુધી કશું કહી શકાય નહીં. બધાંને ખબર પડે છે કે શાંગ્રિલા લામાસરાઈ મહાલામા દ્વારા ચાલે છે. હ્યુને ચાંગની રીતભાત પરથી એવું લાગે છે કે એમને જાણી જોઈને શાંગ્રિલા લાવવામાં આવ્યાં છે અને એમને ક્યારેય જવા દેવામાં આવશે નહીં. હ્યુ મહાલામાને મળે છે ત્યારે મહાલામા શાંગ્રિલા સ્થળ અંગે વાત માંડે છે. ઈ.સ. ૧૭૩૪માં પચાસેક વર્ષની આસપાસના પ્રવાસી ફ્રેન્ચ ફાધર પોલે આ બુદ્ધ લમાસરાઈની સ્થાપના કરેલી. અહીંની પ્રસન્ન અને શાંત જીવનશૈલીથી પ્રભાવિત ફાધરે પ્રજાને ખ્રિસ્તી બનાવવાનું છોડી દીધું. લાંબા સમય અને અંતરને કારણે ચર્ચથી પણ એમનો સંબંધ કપાઈ ગયો. પેરોલ અહીં જ રહી ગયા. ધીમે ધીમે એમણે ખ્રિસ્તી ધર્મ અને બૌદ્ધ ધર્મનાં ઉત્તમ તત્ત્વોનો સમન્વય કરવાનો પ્રયત્ન કર્યો. ૧૭૮૯માં ફાધર પેરોલ મરણ પથારીએ હતા પણ અહીંનાં ચોખ્ખાં હવાપાણી અને અહીંની સ્થાનિક પ્રજાની કોઈ ચમત્કારિક ઔષધિથી ફાધર પેરોલ બચી ગયા. પેરોલ અહીં શાંત અને અભ્યાસીનું જીવન જીવતા રહ્યા. રડ્યોખડ્યો કોક જ અહીં શાંગ્રિલા આવી ચડતો. અહીં શાંગ્રિલામાં માણસો બહરના જગતના ઘમસાણથી અને એના સંઘર્ષથી મુક્ત બનીને પૂરી સંવાદિતાથી જીવતા અને કામ કરતાં. આ શાંગ્રિલામાંથી પાછું કોઈ ગયું નથી. હ્યુને ખબર પડે છે કે નવું યુદ્ધ નજીક આવી રહ્યું છે તેથી સભ્યતા અને સંસ્કૃતિના સંરક્ષણ માટે એમને અહીં લાવવામાં આવ્યાં છે. હ્યુને એ પણ ખબર પડે છે કે મહાલામા પોતે જ ફાધર પેરોલ છે અને ફાધર ૨૫૦ વર્ષનું આયુષ્ય ધરાવે છે. હ્યુ બાકીની જિંદગી શાંગ્રિલામાં ગુજારવા તૈયાર છે પણ મોલિન્સન ઇંગ્લૅન્ડ જવા ચાહે છે. અલબત્ત, કુમારી બ્રિલો શાંગ્રિલામાં રહી ખ્રિસ્તી ધર્મમાં પ્રજાને દોરવાની ઇચ્છા ધરાવે છે. બાર્નર્ડ વતનમાં પાછા ફરી ધરપકડ વહોરવા અને કૈદ ભોગવવા ઇચ્છતો નથી. ગ્રંથાલયમાં અને અભ્યાસના દિવસો વીતતા હતા, ત્યાં મહાલામાને પોતાનું મૃત્યુ નજીક દેખાતા હ્યુને સૂત્ર સંભાળી લેવાનું કહે છે. મહાલામાને શ્રદ્ધા હતી કે યુદ્ધમાં આખું જગત નાશ પામવા છતાં હ્યુ કે શાંગ્રિલામાં ઉત્તમ રીતે સંસ્કૃતિને જાળવી રાખી શકશે. આ બાજુ મજૂરો આવી જતાં મોલિન્સન ઊપડવાની તૈયારીમાં છે અને હ્યુને સાથે રહી સહાય કરવા વિનંતી કરે છે હ્યુ મોલિન્સનની વિનંતીથી નીકળી તો પડે છે પણ એને ખાતરી હતી કે માનવભય અને માનવચિંતાથી અસ્પષ્ટ એવા એકમાત્ર પૃથ્વી પરના સ્વર્ગીય સ્થળને એ છોડી રહ્યો છે. હ્યુની કથા રથરફોર્ડ આગળ પૂરી થાય છે. ત્યાંની હૉસ્પિટલના એક ડૉક્ટર રથરફર્ડને જણાવે છે કે હ્યુને કોઈ વૃદ્ધ ચીની બાઈ દ્વારા અહીં લાવવામાં આવ્યો છે. છેલ્લે રથરફોર્ડને જાણવા મળે છે કે હ્યુ સાજો થઈ ગયો હતો અને ફરી શાંગ્રિલાની શાંતિ અને પ્રસન્નતાની શોધમાં એ ઊંચા હિમાલય ભણી ચાલી નીકળ્યો છે. સાહિત્ય ઘણીવાર ઇચ્છાઓની પૂર્તિ કરવાનું કામ કરે છે, અને મનુષ્યની રંગતી શ્રદ્ધાને આધાર આપે છે. ‘લૉસ્ટ હરાઇઝન’ નવલકથા એવા સાહિત્યનું જ પ્રતિનિધિત્વ કરે છે. અને આ પ્રતિનિધિત્વ પાછું સરલ અને વિશેષ પ્રકારના કાવ્યાત્મક ગદ્યથી કરે છે. નવલકથાકાર જેમ્સ હિલ્ટન ૧૯૩૫ પછી હૉલિવુડમાં પહોંચી અનેક ફિલ્મોની પટકથાના લેખક રહી ચૂક્યા છે. આનો લાભ એ થયો કે ‘લૉસ્ટ હરાઇઝન’ નવલકથા ફિલ્મ, ટી.વી. અને રેડિયોના માધ્યમો દ્વારા અગણિત સહૃદયો સુધી પહોંચી છે. આથી જ એને મળેલું હોથોર્નડન ઈનામ સાર્થક થયું છે. જેમ્સ હિલ્ટનનું હૉલિવુડ પહોંચ્યા પછી ૧૯૫૪માં કેન્સરથી અવસાન થયેલું.