રચનાવલી/૨૧૦


૨૧૦. અપરાધ અને સજા (દોસ્તોયેવસ્કી)


એવું કહેવાયું છે કે પાપ કર્યા વિના જીવવું મુશ્કેલ છે. એનો અર્થ એ થયો કે મનુષ્ય મનુષ્યની સામે સીધો યા આડકતરો અપરાધ કર્યા વિના રહેતો નથી અને મનુષ્ય મનુષ્ય સામે અપરાધ કર્યા પછી એનાથી ઊભી થતી યાતના અને વેદનાથી એને ભરપાઈ કરે છે. આવી જ કોઈ વાતને લઈને ફિયોદોર મિખાઇલોવિચ દોસ્તોયેવ્સ્કી (૧૮૨૧-૧૮૮૧)એ એના નાયક રાસ્કોલનિકોલની કથા ‘અપરાધ અને સજા’ (‘ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ’)માં વણી લીધી છે. ‘અપરાધ અને સજા'નું સ્થાન માત્ર રશિયન નવલકથાઓમાં જ નહીં પણ વિશ્વની નવલકથાઓમાં ઊંચેરું છે. ઝારની સામે રાજકીય ગુનો કર્યાનો આક્ષેપ દોસ્તોયેવ્સ્કી પર આવતા એને નવ વર્ષનાં જેલ અને દેશવટો મળે છે. સજા ભોગવીને પાછા ફર્યા બાદ દોસ્તોયેવ્સ્કીએ જે નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, લઘુનવલો અને પત્રકારી લેખન કર્યા, એ બધામાં ૧૮૬૬માં પ્રકાશિત થયેલી ‘અપરાધ અને સજા’ એની સૌથી લોકપ્રિય અને સમર્થ નવલકથા છે. નાયક દ્વારા થતી હત્યાની આસપાસ નાયકના માનસના પલટાઓ અને પલટાઓમાં અપરાધભાવ સાથેની અસહ્ય પીડા — આ બધું બતાવે છે કે આ નવલકથા માત્ર જાસૂસી નવલકથા નથી, માત્ર રહસ્યકથા નથી પરંતુ અપરાધી ચેતનાનાં ઊંડાણો ઉલેચતી માનસકથા છે. સેન્ટ પિટ્સબર્ગનો ગરીબ વિદ્યાર્થી રાસ્કોલનિકોલ કોઈએક હત્યાની યોજના કરે છે અને યોજના પ્રમાણે વૃદ્ધ વિધવા અને એની બહેનની હત્યા કરીને એમના ઝર-ઝવેરાતને ચોરી લે છે. પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું ફરમાન થતાં ભૂખ અને બિમારીથી ત્રસ્ત રાસ્કોલનિકોલ કબૂલાત કરી લેવાનો નિર્ણય તો કરે છે પણ પોલીસ તો ભાડૂત તરીકે એને ઘરમાલિકને રકમ નહોતી આપી એની ફરિયાદ અંગે જ પૂછતાછ કરે છે. એટલે એ હાશકારો અનુભવે છે. પણ પોલીસની પૂછતાછ દરમ્યાન એ એવો જવાબ આપે છે કે એને અંગે શંકા ઊભી થાય છે. આ પછી ચાર દિવસ સખત તાવમાં પીડાતા રાસ્કોલનિકોલે સંનેપાતમાં જે જવાબ આપ્યા એને કારણે એને અંગેની શંકા ઓર વધે છે. થોડા દિવસ પછી રાસ્કોલનિકોલ બહાર જઈ ખૂનીઓની યાદી વાંચતો હોય છે ત્યારે એક જાસૂસ એનો પીછો કરે છે અને એની સાથેની વાતચીત દરમ્યાન ઘણી માહિતી કઢાવે છે પણ રાસ્કોલનિકોલ પર તહોમત મૂકી શકાય એવો કોઈ પુરાવો એને મળતો નથી. ગુનાશોધક વિભાગના વડા દારા રાસ્કોલનિકોલની જાતજાતના પ્રશ્નો પૂછીને માનસિક સતામણી થતી રહે છે. રાસ્કોલનિકોલના મનમાં એવું ઠસી ગયું હતું કે કોઈ પણ પ્રતિભાવાન વ્યક્તિ પોતાનું ધ્યેય સિદ્ધ કરવા ગમે તે કરી શકે છે અને પોતે એક પ્રતિભાવાન વ્યક્તિ છે. વળી એની એવી પણ માન્યતા હતી કે હત્યાનું કામ કરીને એણે પુણ્યનું કામ કર્યું છે. વિધવા વૃદ્ધાને અને એની બહેનને યાતનામાંથી ઉગારી લીધાં છે અને પોતાની ગરીબાઈ દૂર કરી આગળ અભ્યાસનો પ્રબંધ કર્યો છે. આ કારણોએ રાસ્કોનિકોલ પોતાની જાતને બચાવ્યા કરતો હતો. દરમ્યાનમાં રાસ્કોલનિકોલ સોનિયા નામની એક વેશ્યાના પરિચયમાં આવે છે અને એની સાથે બાઇબલ વાંચે છે. આવી નીચલા દરજ્જાની નારીની ઈશ્વરશ્રદ્ધાથી રાસ્કોલનિકોલ ખૂબ પ્રભાવિત થાય છે. સોનિયા તરફ એને અપાર અનુકંપા જાગે છે. અને એ સોનિયાને ખાતરી આપે છે કે પોતે એને બંને હત્યાના ભેદ અંગે કહેશે. આ વાત બાજુની રૂમમાં સ્વિદ્રિગેયલોવ સાંભળી જાય છે. છેવટે સ્વિદ્રિગેયલોવ રાસ્કોલનિકોલે કરેલી હત્યાના ભેદ જાણી જતાં એ રાસ્કોલનિકોલને તંગ કરે છે. એક બાજુ ગુનાશોધક વિભાગના વડાની દૃઢ થયેલી શંકા અને બીજી બાજુ વિદ્રિગેયલોવે જાણી લીધેલું રહસ્ય આ બંનેને કારણે રાસ્કોલનિકોલની નીંદર હરામ થઈ જાય છે. મા અને બહેન તરફથી પ્રેમની પૂરી ખાતરી થતાં અને સોનિયાની શુદ્ધ લાગણી જોતાં રાસ્કોલનિકોલ પોલિસ પાસે બ્યાન આપવા છેવટે તૈયાર થાય છે. એના પર મુકદ્દમો ચાલે છે અને આઠ વર્ષની સાઇબીરિયામાં જેલ મળે છે. સોનિયા રાસ્કોલનિકોવની પાછળ પાછળ સાઇબીરિયા જાય છે. અને ત્યાં જેલની નજીકમાં કોઈ ગામમાં રહી લોકોની સેવામાં પોતાનું મન પરોવે છે. સોનિયાની સહાયથી રાસ્કોલનિકોલનો છેવટે નવો જન્મ થાય છે. આ તો નવલકથાની મુખ્ય કથા છે. આ ઉપરાંત રાસ્કોલનિકોલ સાથે જોડાયેલાં બીજાં અનેક પાત્રોની કથા એમાં વણાયેલી છે. અન્ય પાત્રોની મદદથી રાસ્કોલનિકોલને ખાતરી થાય છે કે ફક્ત બુદ્ધિ અને તર્કથી એ પોતાની જિંદગી પર કાબૂ રાખી શકતો નથી. એમ કરવાથી તો જિંદગી ખાલીપાથી અને ખોટા ઘમંડથી ઉબાઈ જાય છે. એને એની પણ ખાતરી થાય છે કે સુખ મળતું નથી, મેળવવાનું હોય છે અને એ યાતના દ્વારા જ મળે છે. દરેક વ્યક્તિએ પોતાનો ક્રોસ પોતે વહન કરવાનો રહે છે. આમ હત્યારાના મનના બદલાવોનાં નાનાં નાનાં રેખાંકનોથી, સોનિયા જેવી વેશ્યાની બાબતમાં સમાજથી તરછોડાયેલા તરફ બતાવેલી સહાનુભૂતિથી અને ૧૯મી સદીના રશિયન શહેરમાં ગરીબાઈથી ખદબદતી વસતીનાં વર્ણનોમાં દાખવેલી વાસ્તવિકતાથી દોસ્તોયેવ્સ્કીએ ‘અપરાધ અને સજા’ નવલકથાને ઉત્તમ કોટિએ પહોંચાડી છે.