રચનાવલી/૨૧૪


૨૧૪. ઓમોન રા (વિક્ટોર પેલેવિન)


તોલ્સતોયે એકવાર કહ્યું હતું કે રશિયન લેખક એ જે લખે છે એના સ્વરૂપ અંગે ચિંતા કરતો નથી એને બદલે એ લેખક ઇચ્છે તે નીપજાવી લે છે અને જેમાં એ વ્યક્ત થવું હોય છે તે સ્વરૂપમાં એ વ્યક્ત કરવા સમર્થ હોય છે. આજે સાહિત્યમાં સ્વરૂપો અને ખાસ તો નવલકથાનું સ્વરૂપ આંતરરાષ્ટ્રીય સ્તરે એક લાકડીએ અને એક ધોરણે લગભગ હંકારાઈ રહ્યું છે ત્યારે રશિયામાં તોલ્સતોયના શબ્દોને સાચા પાડતા વિક્ટોર પેલેવિન અને યુરી મિલોસ્લાવ્સ્કી જેવા નવલકથાકારો હજી નવલકથાના સુવર્ણકાળના મિજાજને તેમજ પુશ્કિન ગોગલના વારસાને જાળવીને રશિયાની અપૂર્વતાને પ્રગટાવી રહ્યા છે. તેમાં ય યુરી મિલોસ્લાવ્સ્કીના પ્રભાવને આગળ વધારતો વિક્ટોર પેલેવિન ‘ન્યૂયોર્કર’ સામયિક જણાવે છે તેમ આજના યુરોપના ઉત્તમ યુવા નવલકથાકારોમાંનો એક છે અને એની સરખામણી ફ્રાન્ઝ કાફકા અને જોસેફ ટેલર સાથે થઈ રહી છે. છત્રીસ વર્ષની ઉંમરનો વિક્તોર પેલેવિન રશિયાના સૉવિયેટ મહાસંઘના પતનને અંતે આવેલા પેરેસ્ટ્રોઇકા કાળ પછીના સમયની પેઢીનો બુલંદ અવાજ છે. રશિયાની આધુનિક જીવનની અંધાધૂંધી અને એની વિસંગતિને આ નવલકથાકાર પોતાની કલ્પનાના ગંભીર ગુબ્બારાઓ દ્વારા અર્થ આપવાનો પ્રયત્ન કરી રહ્યો છે. ઉન્માદ અને ખરાબીએ ચઢેલા આજના રશિયન માહોલમાં પેલેવિનની કલ્પનાઓનાં મૂળ પડેલાં છે. પેલેવિન કહે છે કે જો તમે સાધારણ જીવન જીવવા માંગતા હો તો રશિયા પૃથ્વી પરની નકામામાં નકામી જગા છે, પણ જો તમે લેખક હો અને જો તમારી બુદ્ધિમાં, તમારા દિમાગ પર શ્રદ્ધા હોય તો કદાચ એ ઉત્તમ જગા છે. રશિયન પ્રજા સોવિયેત સંઘને વિશ્વમાં એક ચિરસ્થાયી વ્યવસ્થા માનતી હતી. માનતી હતી કે એ ક્યારેય બદલાશે નહીં અને ઓચિંતી એ વ્યવસ્થા ભાંગી પડી. રશિયન પ્રજાને ખબર પડી કે ઓળખ સદંતર ભૂંસાઈ જતી હોય છે. આનો આઘાત રશિયાનો લેખક પોતાના લેખનમાં સમાવીને ચાલી રહ્યો છે. સૉવિયેટ કાળાસમુદ્રની હૉટલમાં જંતુ તરીકે અને મનુષ્ય તરીકે એક સાથે જીવતાં પાત્રોને દર્શાવતી પેલેવિનની ‘જંતુઓનું જીવન’ નવલકથા કે આધુનિક મૉસ્કોની માનસિક હૉસ્પિટલમાં કવિ પાત્રની આસપાસ ગૂંથાતી ‘ચેપાયેવ’ નવલકથા જાણીતી છે. તે જ રીતે જાહેર મુતરડીની રખેવાળ નાયિકા વેરા પાવલોવાની આદર્શ વિચારધારાને રજૂ કરતી ‘વેરા પાવલોવાનું નવમું સ્વપ્ન' કે મરઘાં ઘરમાં બે મરથી બચ્ચાના જીવન ચિંતનને રજૂ કરતી ‘સાધુ અને છ અંગૂઠા’ જેવી એની નવલિકાઓ પણ જાણીતી છે. એની નવલકથા ‘ઓમોન રા’નો એન્ડ્ર્યુ બ્રોમફીલ્ડે અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે. એક જમાનામાં સોવિયેટ અવકાશ કાર્યક્રમ સોવિયેટ સંઘના નાગરિકોને માટે ગર્વનો અને આનંદનો વિષય હતો પણ એ અત્યારે સાવ મૃતપ્રાય છે. ચન્દ્ર અને ગ્રહોની સફર હવે ફિક્કી પડી ગઈ છે. આ પરિસ્થિતિમાં રશિયન અવકાશ કાર્યક્રમ પર સીધો કટાક્ષ કરવાને બદલે પેલેવિને આ જે ગર્વ અને. આનંદનો લોપ થયો છે એને નવલકથાનો વિષય બનાવ્યો છે. આ નવલકથાનો નાયક ઓમોન છે. રશિયન ભાષામાં એનો અર્થ ‘સોવિયેટનાં વિશિષ્ટ લશ્કરી દળો’ એવો થાય છે. ઓર્મોનના પિતા પોલિસમાં છે અને આ પોલિસપિતા પોતાના પુત્રની ફત્તેહ ઝંખે છે, ઓમાન સાથે ‘રા’ જોડાવાથી ઇજિપ્તના સૂર્યદેવની તેજસ્વિતાનો અર્થ ઓમોન સાથે જોડાયેલો છે. ઓમોન લશ્કરના અવકાશ કાર્યક્રમમાં જોડાય છે અને બહુ વહેલો એનો ભ્રમ ભાંગી જાય છે. પણ યુવાનો હોવાથી થોડોઘણો એનો ભ્રમ ચાલુ રહે છે. ઓમોનમાં એક પ્રકારની નિર્દોષતા છે અને વૉલ્તેરની જેમ પેલેવિન જેવો નવલકથાકાર પણ માને છે કે કુટિલો હંમેશાં ફાવે છે કારણ કે કુટિલ હોય છે; જ્યારે સારા માણસો સારા હોવાથી ક્યારેય કશું શીખતા નથી. કુટિલ અને સારાઓની વચ્ચે એક મોટી ખાઈ છે અને તેથી કુટિલ ક્યારેય સુધરતો નથી અને સારો માણસ ક્યારેય બગડતો નથી. ઓમોન એવો નિર્દોષ નાયક છે. એના ઉપરી વડાઓ એને સૉવિયેટ અવકાશયાત્રા માટે લઈ જાય છે અને જણાવે છે કે ચન્દ્ર પર એક સ્વયંસંચાલિત અવકાશયાન છૂટું મુકવાનું છે. ઓમોન એ અંગેની ટુકડીનો એક માણસ છે. હકીકતમાં અવકાશયાન સ્વયંસંચાલિત નહોતું પણ એમાં કોઈ અવકાશયાત્રીને મોકલવાનો હતો અને આ યાત્રા એકમાર્ગી જ રહેવાની હતી. ઓમોનનો ઉપરી વડો ઓમોનને સમજાવે છે કે અમેરિકાએ અવકાશયાત્રીઓને ચંદ્ર પર ઉતાર્યા છે એમનું ધ્યેય શાંતિનું છે પણ મધ્ય આફ્રિકાના માણસોને ખબર પડશે ત્યારે? (ઉપરીનો ઈશારો એકબાજુ ગરીબાઈ અને બીજી બાજુ અપાર દ્રવ્યરાશિનાં વિનાશ તરફ હતો.) આ પછી ઉપરી વડો ઉમેરે છે કે આ તબક્કે અવકાશયાત્રી સાથેનું યાન મોકલવું ગજાબહાર છે પણ સ્વયંસંચાલિત યાન તો જરૂ૨ મોકલી શકાય તેમ છે. ઉપરી વડાનો આડંબર એથી આગળ વધે છે. કહે છે કે, ‘આ અમેરિકનો માણસોની જિંદગી સાથે ખેલે છે, એને જોખમમાં મૂકે છે આપણે તો માત્ર યંત્રોને જ જોખમમાં મૂકીએ છીએ. વિચાર એવો છે કે વિશિષ્ટ રીતે સ્વયંસંચાલિત યાન મોકલવું છે જે ધરતી પર વૈજ્ઞાનિક માહિતી પહોંચાડી શકે.’ આ બધી પરિસ્થિતિ વચ્ચે માત્ર સાંભળ્યા કરતો ઓમોન એના વડાને પૂછે છે : ‘મને પૂછવાની રજા છે?’ વડો કહે છે : ‘પૂછો’. ઓમોન પૂછે છે : ‘આપણું યાન એ ચોક્કસ સ્વયંસંચાલિત છે ને?’ વડો જવાબ આપે છે : ‘સ્વયં સંચાલિત છે.’ ઓમોન છેવટે પૂછે છે : ‘તો પછી મારી એમાં શું જરૂર છે?’ આવું પૂછતાં જ વડાએ મસ્તક નીચે ઢાળી દીધું અને એક નિઃશ્વાસ નાંખ્યો. પ્રપંચ અને આડંબરનો પડદો ચીરાઈ ગયો છે પણ નવલકથાને અંતે ઓમોન પોતાને ચંદ્ર પર ઊતરેલો જુએ છે. ચન્દ્ર પણ મૉસ્કો જેવો જ અંધારો અને ભયજનક ભાસે છે. કપોલકલ્પનાના વૈજ્ઞાનિક તરંગો પર તરતી આ નવલકથા રશિયાની પરિસ્થિતિ, એનું માનસ, એના પ્રપંચો અને એના આડંબરને બરાબર ખુલ્લાં કરે છે.