રચનાવલી/૨૨૦


૨૨૦. નેલી ઝાક્સ


વીસમી સદીના પૂર્વાર્ધમાં યુરોપે મડદાંઓના ઢગલા જોયા છે. બબ્બે વિશ્વયુદ્ધો અને બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન આધુનિક વિજ્ઞાનનો ઉપયોગ કરીને લાખોની સંખ્યામાં ગણતરીપૂર્વક અને પદ્ધતિપૂર્વક હિટલરને હાથે જે યહુદીઓનો સંહાર થયો છે એનો વિશ્વના ઇતિહાસમાં કોઈ જોટો નથી. પૃથ્વી પરથી યહુદીઓને નેસ્તનાબુદ કરવાના આવા પ્રયત્નો અનેકવાર થયા છે પણ મૃત્યુ છાવણીઓમાં એક જગ્યાએ એકઠા કરી ગૅસ ચૅમ્બરમાં ગૂંગળાવી મારી નાંખીને એને સામૂહિક ભઠ્ઠીમાં હોમવાના થોર અને ઘાતકી કૃત્યને એક આબ્બા કોનર નામના યહુદી કવિએ જબરદસ્ત વાચા આપી છે. કહે છે : ‘અમારા પિતાએ, ઈશ્વરની કૃપાથી ચાલીસ ચાલીસ વર્ષથી એક જ ઑવનમાંથી બ્રેડ લીધા કર્યો એમણે ક્યારેય કહ્યું નહીં કે ઑવનોમાં સમસ્ત લોકો ભૂંજાઈને ધૂમાડો થઈ શકે છે અને કશું બન્યું ન હોય એમ ઈશ્વરની દયાથી જગત ચાલ્યા કરે છે.’ કહેવાય છે કે હિટલરની આવી મૃત્યુ છાવણીઓમાં આઉસવિત્સની છાવણી ભયંકરમાં ભયંકર હતી. તેથી જ ટી.ડબલ્યુ અડોર્નો જેવા ચિંતકે કહ્યું કે, ‘આઉસવિત્સ પછી કવિતા લખવી શક્ય નથી.’ પણ યહુદીઓને લલાટે ચોટેલી યાતના હંમેશા એમની ભીતરનો ઊંડો સૂર બની છે. નેલી ઝાક્સ ઘોર યાતનામાંથી ઊંડો સૂર ઊભો કરતી યહુદી કવિ છે. ૧૮૯૧માં બર્લિનમાં જન્મેલી નેલી ઝાક્સે ૧૭ વર્ષની ઉંમરથી કવિતા લખવી શરૂ કરેલી. કેટલીક પ્રગટ થયેલી પણ મોટા ભાગની કવિતા અપ્રગટ રહેલી. નેલી જર્મનભાષામાં લખતી અને પ્રારંભમાં ગ્યોથે અને શિલરનો એના પર પ્રભાવ રહ્યો. પણ હિટલર સત્તામાં આવ્યો અને નાત્સીઓનો જુલ્મ દિન-બ-દિન વકર્યો ત્યારે નેલીએ એકલવાસ સાધ્યો જર્મન અને યહુદી રહસ્યવાદીઓનું સાહિત્ય વાંચ્યું અને તક મળતાં જ એ સ્વીડન પલાયન થઈ ગઈ. સ્વીડનમાં નેલી કવિ તરીકે પુષ્ઠ બની. હોલ્ડરલિન અને રિલ્કે જેવા જર્મન કવિઓ અને બાઈબલનો જૂનો કરાર એને પ્રેરણા આપતા રહ્યા ૧૯૬૬માં યહુદી કવિ સેમ્યુઅલ એગ્નોન સાથે નેલી ઝાક્સને નોબેલ ઇનામ મળ્યું ૧૯૭૦માં નેલી અવસાન પામી. બાઈબલના જૂના કરારને અનુસરનારા કવિઓ અને લેટિન ગ્રીક તેમજ ખ્રિસ્તી યુરોપ પરંપરાને અનુસરનારા કવિઓ વચ્ચે ભેદ છે. યુરોપીય કવિ એવું માને છે કે બબ્બે વિશ્વયુદ્ધો અને યહુદી હત્યાકાંડની જંગાલિયતે સભ્યતાનો અને મૂલ્યોનો ખાત્મો બોલાવ્યો છે. રોઝેવિચ જેવો કવિ માને છે કે એનાં કાવ્યો એણે શબ્દોના ખંડેરોમાંથી, શબ્દોના ઊકરડાઓ અને મોટામસ કબ્રસ્તાનમાંથી રચ્યા છે. ટૂંકમાં યુરોપીય કવિ વ્યક્તિગત વેદનાને વર્ણવે છે. ત્યારે, જૂના કરારને અનુસરતા કવિઓ પોતાના લોકોનો અવાજ બનવા મથે છે. યહુદીઓની ત્યારે, જૂના કરારને અનુસરતા કવિઓ પોતાના રાષ્ટ્રીયતા એમનો ધર્મ છે અને ધર્મની ચેતનાનો પોતે એક અંશ છે એવી માન્યતા રહી છે. યહુદીઓ હંમેશા દેશવટો ભોગવતા રહ્યા. અલાયદી વસાહતોમાં જીવતા રહ્યા. હતાશા અને આશા, બલિ અને આશ્વાસન યહુદીઓના ઇતિહાસમાં જોડેજોડે ચાલ્યાં છે. આથી જ યહુદી કવિ પોતાની જાતને નથી વ્યક્ત કરવા માગતો કે નથી એ પોતાની કોઈ કબુલાત કરવા માગે છે. સ્વતંત્ર કવિતાની સૃષ્ટિ પણ રચવા નથી માગતો. યહુદી કવિ એક અર્થમાં ધાર્મિક છે પણ એ જડ નથી, રહસ્યવાદી છે. યાતનામાં જાણે કે એને જીવનનો સાર દેખાય છે. આથી જ યુરોપીય કવિ સામૂહિક યાતનાની સાથે કામ પાડવામાં નિષ્ફળ જાય છે ત્યાં યહુદી કવિ એ સામગ્રીને પલટાવી નાંખે છે અને જાડી હકીકતોને ભયંકર રીતે અંતિમરૂપ આપે છે. નેલી ઝાક્સ જેવી યહુદી કવિમાં આ બધાની આપણને ખાતરી થાય છે. નેલી એક જ પંક્તિમાં યાતનાનો પરિચય આપે છે કહે છે : ‘જ્યાં તમે ઊભા છો તે વેદનાની નાભિ છે.’ અન્ય જગ્યાએ યાતનાનો જુદો પરિચય કરાવે છે. નેલી ઇઝરાયેલને કહે છેઃ તેં સાંજના સૂરજના લોહીમાં તારી જાતને ફંગોળી છે જાણે કે એક યાતના બીજી યાતનાને શોધે છે. તારો પડછાયો લાંબો છે અને તારે માટે મોડો પડ્યો છે. નેલી ઝાક્સે આપેલું સાક્ષાત મૃત્યુનું ચિત્ર જુએ છે. કહે છે : ‘આ કેવું મૃત્યુ! બધા મદદગાર ફરિસ્તાઓ એમની લોહી નીંગરતી પાંખે કાળના કાંટાળા તાર પર છિન્નભિન્ન લટકી રહ્યા છે.’ કયારેક નેલીની યાતના દિવસ અને રાતનાં રૂપોને પણ બદલી નાખે છે. કહે છે : ‘રાત્રિ એક કાળો વાઘ, ગર્જ્યો અને ત્યાં દિવસ નામનો ઘાવ ફંગોળાયો તણખાઓથી નીંગરતો’ ક્યારેય મનુષ્યની ચીસનો લૅન્ડસ્કેપ ચીતરતા નેલીએ યાતનાને નક્કરરૂપ આપ્યું છે કહે છે : ‘ચીસનાં તીરો લોહિયાળ ભાથામાંથી છૂટતાં’ યાતના છાવણીઓની મૃત્યુભઠ્ઠીઓની ચીમનીઓને નેલીએ નિષ્ઠુરતાથી રજૂ કરી છે : ‘ઓ ચીમનીઓ! ચતુરાઈથી નિર્માયેલા મૃત્યુના નિવાસો પરની ઓ ચીમનીઓ, જ્યારે ઇઝરાયેલનું શરીર હવામાં ધૂમાડો થઈને દૂર વહી ગયું. તારાએ એને આવકાર્યું. ચીમનીની સફાઈ અને તારો કાળો ધબ્બો દૂર થઈ ગયો!’ નેલીએ ‘પથ્થરોનું વૃંદગાન’ કાવ્યમાં પથ્થરોને બોલતા કર્યા છે. એમાં મનુષ્ય અને પથ્થરની સરખામણીથી ઘાતકી મનુષ્યને રજૂ કર્યા છે. પથ્થર કહે છે : ‘અમને જ્યારે કોઈ અડકે છે એ કંદતી દીવાલને અડકે છે. તમારો વિલાપ હીરાની પેઠે અમારી કઠિનતાને કાપે છે. કઠિનતા ચૂરચૂર થાય છે. અને કોમળ હૃદય બની જાય છે. પણ તમે પથ્થરમાં પલટાઓ છો.’ નેલી ઝાક્સ જર્મનીમાં નાત્સી યાતનામાંથી ગુજરી છે અને છટકીને બહાર ચાલી ગઈ છે. પરંતુ એના પોતાના કહેવાય એવા લાખો લોકોને ચીમનીમાંથી ધૂમાડા થઈ ઊડતા સાંભળ્યા છે, હજી પણ મૃત્યુ છાવણીઓ, બૉમ્બ વર્ષો, બળજબરીથી કરાવાયેલા વસ્તીઓનાં સ્થળાંતરો, અપહરણ અને બાનમાં રીંબાતા નિર્દોષ જીવો – આ બધાં કૃત્યો ચાલુ જ છે. સંસ્કૃતિનું કર્યું કારવ્યું સતત ધૂળમાં મળ્યા કરે છે તેથી જ નેલી ઝાક્સની જેમ આપણે પણ પૂછી શકીએ કે ‘કેટકેટલા દરિયાઓ વિલીન થયા છે આ રેતમાં?’