રચનાવલી/૫૫

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૫૫. રામાશ્વમેઘ (દા. ખુ. બોટાદકર)


શુદ્ધ હોવા છતાં લોકવિરુદ્ધનું આચરણ જાહેરજીવનમાં પડેલી વ્યક્તિ કરી શકતી નથી. બલ્કે, એમ કહો કે જાહેરજીવનમાં પડેલી વ્યકિતને ડગલે ને પગલે જે કઠોર નિર્ણયો લોકહિતમાં લેવા પડતા હોય છે ત્યારે પોતાનું હિત ગમે એટલું જોખમાતું હોય તો પણ હૃદય પર પથ્થર મૂકી કામ કરવું પડે છે. ‘પ્રકાશનો પડછાયો’ જેવી દિનકર જોશીની નવલકથા કે ‘ગાંધી વિરુદ્ધ ગાંધી' જેવું એ નવલકથા પરથી તૈયાર થયેલું નાટક તાજેતરનો નમૂનો છે. જાહેર વ્યક્તિએ લીધેલા કઠોર નિર્ણયો બહારથી હૃદયહીન લાગે છે, પણ જાહેરજીવનની પાછળ એક મનુષ્યનું અંગતજીવન ધબકે છે. આ ‘અંગતજીવનને મનુષ્ય ક્યાં સુધી અને કેટલે સુધી ટૂંપી શકે? બુદ્ધિપૂર્વકનું આચરવું પડતું કપટ ક્યાં સુધી નભી શકે?’ જીવનમાં કોઈ એવી પળ આવે છે જ્યારે દબાવી રાખેલું ભીતર વિસ્ફોટક રીતે પ્રગટ થવા ચાહે છે. આ બાબતમાં રામનો દાખલો બહુ જાણીતો છે. રાજા રામ અને મનુષ્ય રામ વચ્ચેનો સંઘર્ષ કોઈને અજાણ્યો નથી. પંડિતયુગના જાણીતા કવિ દામોદર ખુશાલદાસ બોટાકદરે એમના ‘નિર્ઝરિણી' કાવ્યસંગ્રહમાં આ જ વિષયને લઈને ‘રામાશ્વમેઘ' નામે એક કાવ્ય લખ્યું છે. નારીભાવના અને ગૃહભાવનાને સદા ગાતા રહેલા આ કવિની ‘જનની' રચનાની જનનીની જોડ સખીનહીં જડે રે લોલ' જેવી પંક્તિ તો ગુજરાતી ભાષામાં લગભગ કહેવતરૂપ બની ગઈ છે. કોઈપણ કવિની પ્રતિભાથી એની પંક્તિ ભાષામાં કહેવત કક્ષાએ પહોંચે ત્યારે એ કવિ અવગણના જેવો હોતો નથી. પોતાની પાસે અંગ્રેજી ડિગ્રી નહોતી અને રાજકોટની હંટરમેલ ટ્રેનિંગ કોલેજમાં દાખલ થવા માટેની પ્રવેશપરીક્ષામાં નિષ્ફળ ગયા છતાં આજીવન ‘અનટ્રેઈન્ડ’ શિક્ષક તરીકે આ કવિએ ટૂંકા પગારમાં કામ કર્યું. ગરીબાઈમાં સબડતા રહ્યા, પણ પોતાના અથાક પરિચયથી છંદ અને ભાષા પર ખાસ્સો કાબુ મેળવી દીધો.આંટાવાળી કાઠિયાવાડી પાઘડી, પહેરણ અંગરખું અથવા દેશી ઢબનો હાફકોટ, ગામઠી ધોતિયું અને ખેસ- માં જૂનવાણી તરીકે ઊઠતી આ કવિની છબી પાછળ ભાવભર્યું સંવેદનશીલ, હંમેશા સુન્દરને જોતું એક હૃદય પડ્યું છે. આ જ કારણે બોટાદકર રામસીતા સાથે લક્ષ્મણ વનમાં જતાં સ્વેચ્છાએ પતિવિયોગ સહન કરતી લક્ષ્મણની પત્ની ઊર્મિલાની વેદનાને તેઓ ‘ઊર્મિલા' કાવ્યમાં પકડી શક્યા છે. આ જ કારણે ‘એભલવાળો’ કાવ્યમાં લોકકથાના ચારણી ચમત્કારોને ગાળી નાખીને પતિપત્નીના પ્રેમના ચમત્કારને- દાંપત્યસ્નેહના ચમત્કારને બોટાદકર પ્રકાશિત કરી શક્યા છે; ‘રામાશ્વમેઘ’માં પણ એમણે રાજા રામમાં જાગી ગયેલા વ્યક્તિ રામનું સંવર્ધન ઝીલીને દાંપત્યપ્રેમને જ વ્યક્ત કર્યો છે. પ્રસંગ બહુ જાણીતો છે. લોકોને નજરમાં રાખી રાજા રામે સીતાનો ત્યાગ કરેલો. અને સીતાનો ત્યાગ કર્યા પછી રોજિંદા રાજકાજમાં બાર વર્ષ એમણે વીતાવી દીધેલા. રાજધર્મને અનુસરીને પછી અશ્વમેઘ યજ્ઞ કરવાનો અવસર ઊભો થાય છે ત્યારે રામની સાથે પ્રશ્ન એ ઊભો થાય છે કે અશ્વમેઘ ક્રિયા વખતે સહધર્મચારિણી તરીકે કોને બેસાડવાં? અશ્વમેધ તો રાજા રામે કરવાનો હતો પણ સહધર્મચારિણી તરીકે કોને પોતાની સાથે બેસાડવાં એનો નિર્ણય રાજા રામે નહીં પણ વ્યક્તિ રામે કરવાનો હતો. લોકોમાં પોતે ‘નિર્બળ' ઠરે તેમ છતાં રામ સહધર્મચારિણી તરીકે સીતાની સુવર્ણપ્રતિમાને પોતાની સાથે રાખે છે આ જાણીતા પ્રસંગ વખતે રાજા રામના હૃદયમાં ઊઠેલાં સંવેદનોનું બોટાદકરે ‘રામાશ્વમેઘ' માં વર્ણન કર્યું છે. કાવ્યની શરૂમાં જ રામ જુએ છે કે ‘સદનથી વહી દૂર ગઈ ભલે નયનના પથમાં ન રહી ભલે હૃદયથી પણ દૂર નથી થઈ નયનમાં વિલસી રહી છે છબી' આટલાં વર્ષો પછી પણ રામના હૃદયમાં સીતાનું સ્થાન એનું એ જ છે. રામ વિચારે છે કે જગતની અપેક્ષિત નીતિએ મેં સીતાનો ત્યાગ કર્યો છે, પણ જગતથી પર મારા પ્રેમે સીતાનો ત્યાગ કર્યો નથી. કારણ? રામ કહે છે : ‘જગત માલિક આ મતિનું હશે/ પણ ન અંતરનું બની એ શકે' બુદ્ધિ અને અંતરના માસિક જુદા થતાં રામ જોઈ શકે છે ; ‘જગતનો દૃઢ રાઘવ વજ્રનો/ હૃદયનો મૃદુ રાઘવ મીણનો' અને પછી નિશ્ચય કરે છે કે જગતથી ડરીને બહુ સમય જીવ્યો, પણ હવે મેં ધારણ કરેલો કપટ નાટકવેશ ઉતારી નાખવા માગું છું. આથી ‘જગ ભલે નબળા ઉરને હસે' પણ રામને એની ચિન્તા નથી. રામને આજે પ્રતીતિ છે કે ‘પણ ન અંતર અંતરમાં જરી નથી ત્યજી નથી વા ગઈ જાનકી' જાનકી ક્યાંય ગઈ નથી. તો ત્યાગ કર્યો તે કઈ જાનકી? રામ અંતની કડીમાં જણાવે છે : ‘જગતની હતી જાનકી તે ગઈ/ હૃદયની હૃદયે હજી યે રહી/ સકળ કાર્ય તણી સહભાગિની, હૃદયરાઘવની હૃદયેશ્વરી' દ્રુતવિલંબિત છંદની ત્વરિત ધીમી ગતિમાં રામની સીતા ત્યાગ પછીની સીતાવિયોગની વેદના બોટાદકરે માર્મિક રીતે વ્યક્ત કરી છે. આખા કાવ્યમાં જગત અને રામ વચ્ચેનો વિરોધ સામસામે મૂકી કવિએ ‘રામાશ્વમેધ' કાવ્યને રસપ્રદ કર્યું છે.