રચનાવલી/૯


૯. અર્જુનગીતા (ધનદાસ)


ગુજરાતી મધ્યકાલીન સાહિત્યના કેન્દ્રમાં ધર્મ છે અને ધર્મના કેન્દ્રમાં ભક્તિ છે. દક્ષિણ ભારતમાંથી ભક્તિઆંદોલનની છોળ ઉત્તરમાં જઈને પૂર્વ- પશ્ચિમમાં પ્રસરી ગઈ અને એણે ધર્મજ્ઞાનના ચિંતનયુક્ત પ્રવાહને ધર્મભક્તિના ઊર્મિયુક્ત પ્રવાહમાં પલટી નાખ્યો. ભક્તિ એ ધર્મનું અંગત સ્વરૂપ છે ભક્તિ વાયુ જેવા અદૃશ્ય તત્ત્વ સાથે બાથ નથી ભીડતી પણ ભક્તિ પાણી જેવા પ્રવાહી તત્ત્વમાં હાથ નાખે છે અને સ્પર્શે છે, એને સંવેદે છે ભક્તિના સ્વરૂપને સમજાવતા દેવજી મોઢા જેવા ગુજરાતી કવિએ એને અંગે એક સરસ પંક્તિ આપી છે : ‘ભક્તિ ઘટ્ટ થતાં થતાં થઈ ગઈ, શી અંતમાં રાધિકા’ ભક્તિ પરમ અદૃશ્ય તત્ત્વનું પ્રત્યક્ષ દૃશ્ય અને ઘનરુપ છે. આથી જ મધ્યકાલીન કવિઓએ ચિંતન માટે યોગ્ય સંસ્કૃત જેવી અઘરી ભાષાને છોડીને લોકો જે બોલતા હતા તે ભાષાની નજીક જઈને ભક્તિને યોગ્ય લોકોની સરળ ભાષામાં રચનાઓ કરી. ગુજરાતી ભાષામાં પોતાની રીતે રામાયણ અને મહાભારત ઉતાર્યા, પુરાણો ઉતાર્યાં ભાગવત ઉતાર્યું અને ભગવદ્‌ગીતાનો પણ અખાના સમકાલીન કવિ નરહરિએ સૌથી પહેલો ગુજરાતીમાં પદ્ય અનુવાદ આપ્યો. ભગવદ્ગીતાનું આકર્ષણ ભારતની પ્રજામાં પહેલેથી જ રહ્યું છે. એનો પ્રભાવ એટલો મોટો છે કે એનો આધાર લઈને એનો સાર લઈને અને એનું સ્વરૂપ લઈને એ પ્રકારની બીજી અનેક ગીતાઓ મધ્યકાળમાં લખાયેલી છે. ખુદ ભગવદ્ગીતાને ગુજરાતીમાં ઉતારનાર નરહરિએ યોગમાર્ગની પરિભાષામાં ઈશ્વરસ્વરૂપ વર્ણવતી ‘જ્ઞાનગીતા’ અને લઘુ યોગવશિષ્ઠને આધારે અનુવાદ જેવી ‘વાસિષ્ઠસાર ગીતા’ પણ આપી છે. અદ્વૈતવાદને કાવ્યમાં પ્રત્યક્ષ કરતી અખાજીની ‘અખે ગીતા' તો મધ્યકાલીન કવિતાનું ઊંચુ શિખર છે. આ ઉપરાંત વેદતત્ત્વને પ્રગટ કરતી ગોપાલદાસની ‘ગોપાલ ગીતા’, વીસ વિશ્રામમાં ઉદ્ધવ અને ગોપીઓના પ્રસંગને રજૂ કરતી કવિ પ્રીતમની ‘સરસગીતા’, સીતા ત્યાગનો વેધક પ્રસંગ આપતી મુક્તનંદની ‘ઉદ્ધવગીતા’ અને વિધવાઓને લક્ષ્ય કરીને લખાયેલી ‘સતી ગીતા આ બધી મધ્યકાળમાં લખાયેલી ગીતાઓમાં કાવ્યતત્ત્વની રીતે ઉત્તમ ગણાતી ‘અખે ગીતા’ પછી લોકપ્રિયતાની દૃષ્ટિએ બીજું સ્થાન ‘અર્જુન ગીતા’નું આવે છે. ‘અર્જુન ગીતા’ સત્તરમી સદીમાં થઈ ગયેલા કવિ ધનદાસની રચના છે. કહેવાય છે તેઓ ધંધુકાના વતની હતા. કેટલાક ઇતિહાસકારો એમને આગલોડના કડવા પાટીદાર ધનાભગત સાથે સાંકળે છે. જો એમ હોય તો ધનદાસ તે ઉદાસંપ્રદાયના ધનાભગત છે એવું અનુમાન થઈ શકે. ગમે તેમ પણ ગુજરાતી પ્રજામાં અને ખાસ તો ગ્રામવિસ્તારમાં ધનદાસની ‘અર્જુન ગીતા’નું ચલણ વિશેષ છે. સ્નાન કર્યા પછી એનો પાઠ કરવાનો રિવાજ છે. કવિ ધનદાસે અર્જુનગીતામાં ભગવદ્ગીતાનો સારાનુવાદ નથી આપ્યો પણ એમાં માત્ર ગીતાનો મુખ્ય સૂર પકડી પોતાની રીતે ઈશ્વર અને ભક્તનો મહિમા સમજાવ્યો છે. ઈશ્વર અને ભક્ત વચ્ચેના સંબંધને તેમજ ભક્ત અને એની ભક્તિનાં વિવિધ રૂપો એમાં વર્ણવ્યાં છે. તેથી ‘અર્જુનગીતા’ એક રીતે જોઈએ તો, ‘ભક્ત ગીતા’ કે ‘ભક્તિ ગીતા’ પણ છે. ઈશ્વરના સંદર્ભમાં ભક્ત અને ભક્તિનો અહીં અનન્ય પુરસ્કાર થયો છે. પરમેશ્વર જેવો પરમેશ્વર પણ અહીં એમ ઉચ્ચરે છે કે ‘હું ભક્તની સંગે ફરું મને ભક્તનો આધાર ઈશ્વરના આધાર પર ટકતા ભક્તનું રહસ્ય એ છે કે ઈશ્વર ભક્તના આધાર પર ટકેલો છે. ઈશ્વર એ મનુષ્યની એકદમ નિજી અને અંગત મૂડી છે એનો કવિ ધનદાસે અજાણ્યે અણસાર કર્યો છે. ‘અર્જુન ગીતા’ સરસ્વતી છંદની ચાલમાં લખાયેલી છે. એમાં સાત માત્રાનો એક એકમ જેને સપ્તકલ કહે છે પુનરાવૃત્ત થતો હરિગીત છંદની જેમ મળી આવે છે. રામનારાયણ પાઠકે આથી એને છંદની દૃષ્ટિએ જરા અટપટી રચના કહી છે. અહીં ‘અર્જુન સુણે ગીતાસાર પાંડવ માનજો નિરધાર’ એવી ટેક પણ છે. પહેલી કડી સાથે તેમજ પછીની ૪૬ કડી સાથે આ ટેકને ગાવાની રહે છે. મૂળ ગીતા પ્રમાણે અહીં પણ અર્જુન પૂછે છે, પણ અહીં ભક્તો મહિમા પૂછે છે અને અર્જુનને અપાયેલા જવાબમાં કૃષ્ણ અર્જુનને ભક્ત અને ભક્તિનો મહિમા સમજાવે છે. કૃષ્ણ ચમત્કૃતિપૂર્ણ ઉક્તિ સાથે કહે છે કે ચૌદ લોક એમને વશ છે અને બ્રહ્માંડનો ભાર છે પણ ચૌદ લોકમાં વસનાર કૃષ્ણની ધન્યતા એના ભક્તના હૃદયમાં છે. ભક્તના હૃદયમાં નિવાસ એ જ કૃષ્ણની સાર્થકતા છે. કૃષ્ણ ભક્તનું લક્ષણ આપતા જે કહે છે તે ગુજરાતી સાહિત્યની અત્યંત પ્રસિદ્ધ પંક્તિઓ છે. કૃષ્ણ કહે છે ‘સંસારમાં સરસો રહે ને મન મારી પાસ/ સંસારમાં લેપાય નહિ તે જાણ મારો દાસ' ભગવદ્ગીતાના સ્થિતપ્રજ્ઞનું આ સરળમાં સરળ રૂપાંતર છે. સંસારમાં રહેલા છતાં સંસારમાં નહીં રહેતા ભક્તનું કૃષ્ણે આપેલું વૈષ્ણવી ચિત્રાંકન પણ જોવા જેવું છે. ‘કર માંહી તુલસી, કર્ણે તુલસી, કંઠ તુલસી હાર / બહુ તિલક છાપાં શોભતાં મુજ ભક્તનો શણગાર' પણ પછી કૃષ્ણ તરત શણગારના બાહ્યાચારને દંભથી અળગો વર્ણવે છે. ભક્તનું ચિત્ર આપ્યા પછી ભક્તને વશ થઈ જુદે જુદે અવતારે અને સ્વરુપે જુદી જુદી સ્થિતિમાં જુદાં જુદાં કષ્ટમાંથી ભક્તોને પોતે કેવી રીતે ઉગાર્યા છે અને સહાય પહોંચાડી છે એના લસરકે લસરકે અતિ સંક્ષેપમાં કૃષ્ણે લઘુચિત્રો આપ્યાં છે. ગોવર્ધનધારણ પ્રસંગ એક જ કડીમાં વેધક સાદગીથી રજૂ થયો છે ‘વળી ઇન્દ્ર જ્યારે કોપિયો ત્યારે કોઈ ન આવ્યું આડ / ગોકુલ રાખ્યું રેલતું ગોપીને લડાવ્યા લાડ.’ ધ્રુવ, પ્રહૂલાદ, ચન્દ્રદાસ, હરિશ્ચંદ્ર, સુધન્વા, દ્રૌપદી, અજામિલ, ગજરાજ જેવા ભક્તોનો સંદર્ભ અહીં અતિ સંક્ષેપમાં ગૂંથી લેવામાં આવ્યો છે. અલબત્ત કૃષ્ણે પોતાનું ચિત્ર આપતાં વધુ કડીઓ રોકી છે એમાં કવિનો કૃષ્ણ પરત્વેનો પક્ષપાત સૂચવાય છે. આમ ‘અર્જુનગીતા’ એ ઈશ્વર અને ભક્ત વચ્ચેના અંતરને ગળી જતું દર્શાવીને ભક્તિથી ઈશ્વરજ્ઞાનનો મહિમા કરતી રચના છે. આ રચનામાં કૃષ્ણ સહજપણે કહે છે : ‘કૌરવોનું કુળ સંહારિયું, મેં સાર્યો તારો અર્થ / હું ચૌદ ભુવનનો રાજવી મેં હાંકો તારો રથ આથી જ રચનાના અંતમાં કવિએ અર્જુનને ભક્તમાં પલટાવી એનું અતિશયોક્તિપૂર્ણ ચિત્ર આપ્યું છે : ‘હરિભક્તિ મહિમા સુણી અર્જુન પામ્યો હરખ અપાર / મૂર્છિત થઈ અવની પડ્યો રેલે વહે જલધાર.’ સંસારી જન માટે સમર્પણ ભાવ સંસાર સાથે થનાર વિસંવાદને ઓગાળી નાંખે છે અને એને સમતાભર્યા વર્તન તરફ દોરી જાય છે. દરેક સ્નાન પછી સ્વચ્છ થતાં શરીરનું મન પણ આવી જ ગીતાના સ્નાનથી સ્વચ્છ થાય એ સ્વાભાવિક છે. ‘અર્જુન ગીતા’એ મનનું સ્નાન છે.