રમણલાલ સોનીની ૫૦ ઉત્તમ બાળવાર્તાઓ અને વાર્તા-પઠન/૩૧. શશી માશીનાં શક્કરિયાં

Revision as of 11:56, 27 April 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૧. શશી માશીનાં શક્કરિયાં|}} {{Poem2Open}} પપુ વાંદરો એક ઘરના છાપરા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૩૧. શશી માશીનાં શક્કરિયાં


પપુ વાંદરો એક ઘરના છાપરા પર બેઠો હતો. બેઠાં બેઠાં તેણે જોયું તો એક માણસ માથે ચકરી પાઘડી મૂકી. ખભે ખેસ નાખી, પટાક પટાક લાકડાની ચાખડીઓ બોલાવતો જતો હતો ને જતા આવતા લોકો એને હાથ જોડી પંડિતજી! પંડિતજી! કહી પગે લાગતા હતા. પપુએ નક્કી કર્યું કે મારે પંડિત થવું.

નદી કિનારે ગેબનાથ મહાદેવના મંદિર પાસે વડનું ઝાડ હતું. ત્યાં કપિરાજ પંડિતની પાઠશાળા ચાલતી હતી. પપુ વાંદરો એ પાઠશાળામાં દાખલ થઈ ગયો અને થોડા વખતમાં સ્નાતક પણ થઈ ગયો.

હવે એ પપુ પંડિત કહેવાયો. રસ્તે જતાં જે મળે તેને કહે કે પંડિતને સલામ કરો. સામો માણસ સલામ ન કરે ત્યાં સુધી એને એ રોકી રાખે અને પોતાનું વિદ્વત્તાભર્યું ભાષણ સાંભળવાની એને ફરજ પાડે.

એકવાર પપુ પંડિતે શશી બિલાડીને ચૂલા આગળ બેઠેલી જોઈ. એ શું કરે છે તે જોવા એ ધીરેથી એની બાજુમાં જઈને બેઠા ને વિનયથી બોલ્યા: ‘વંદે માતરમ્! શશી માશી! મજામાં ને?’

પંડિતે પોતાને માશી કહી તેથી શશી ખુશ થઈ. તેણે કહ્યું: ‘વંદેમાતરમ્! પપુ પંડિત! હું મજામાં છું, સૌ મજામાં છે.’

પંડિતે જોયું કે શશીના વિનયવિવેકમાં કંઈ ખામી નથી. દરમિયાન એને ખબર પડી ગઈ હતી કે શશીએ ચૂલાની રાખમાં શક્કરિયાં બાફવા નાખ્યાં છે. એટલે એકાએક મોં પર પ્રસન્નતા આણી એણે કહ્યું: ‘આહાહાહા! શી ફક્કડ સુગંધ છે! શશી માશીને આજે જામફળ હાથ ચડ્યાં લાગે છે.’

શશી ફૂલીને ફાળકો થઈ ગઈ. હસીને કહે: ‘જામફળ નથી. બોલો, શું છે?’

પંડિતે કહ્યું: ‘હું કહું છું, દાડમ છે!’

શશી ખડખડ હસી પડી. કહે: ‘નહિ, દાડમ નથી.’

‘તો સફરજન છે! નહિ’

‘નહિ!’ શશીએ કહ્યું.

પંડિત કહ્યું: ‘નહિ? તો શીશી માશી, તમે જ કહો આ શું છે?’

‘હું નહિ કહું. તમે પંડિત છો, તમે કહો!’ શશીએ કહ્યું.

‘હું કહું છું કે એ કેરી છે; કેરી નહિ, તો પપૈયું છે.’ જાણી જોઈને પપુ ખોટા નામ બોલતો હતો.

શશી જોરથી હસી પડી. તેને થયું કે પંડિતની આવી મશ્કરી કોઈએ કરી નહિ હોય. તે બોલી: ‘કેરી કે પપૈયાને કોઈ ચૂલામાં બાફવા નાખે ખરું? તમે ભલે પંડિત કહેવાઓ, પણ તમે ભણ્યા પણ ગણ્યા નહિ!’

પોતાની પંડિતાઈ પર આવો આક્ષેપ પંડિતથી સહન થયો નહિ, પણ અત્યારે એમનું ધ્યાન સામે રંધાઈ રહેલા મિષ્ટાન્ન પર હતું. તેણે કહ્યું: ‘તો મારાં વહાલાં માશીબા, તમે એવી કઈ સરસ ચીજ અત્યારે બાફવા નાખી છે એ મને કહેવાની કૃપા કરશો?’

શશીના ગર્વનો પાર ન રહ્યો. તે હસીને બોલી: ‘આ શક્કરિયાં છે, કરસન પટેલની વાડીનાં શક્કરિયાં છે. શું સમજ્યા?’

પંડિતે કહ્યું: ‘શું કહો છો! કરસન પટેલની વાડીનાં શક્કરિયાં! મૂળે સરસ, વળી તમારા હાથમાં પડ્યાં, એટલે વધારે સરસ થયાં! ખરેખર, શશી માશી, રાંધણ કળામાં તમારા જેવી પારંગત બાઈ મેં ક્યાંય જોઈ નથી. તમે જો રાંધણ કળા વિશે ગ્રંથ લખો તો પાકી કેરીની જેમ તેની લાખો નકલો ચપોચપ વેંચાઈ જાય અને તમારે ઘેર નાણાંની ટંકશાળ પડે!’

હવે શશીના ગર્વનું શું પૂછવું? તે બોલી: ‘રાંધણની કળા તો જેને આવડે તેને આવડે!’

પંડિતે કહ્યું: ‘ખરું કહ્યું! હું તો ચૂલા આગળ બેસતાં યે ફફડું છું, દાઝવાથી બીઉ છું. હેં શશીમાશી, તમે આ શક્કરિયાં ચૂલામાંથી કેવી રીતે કાઢશો? ચીપિયા વડે?’

શશીએ કહ્યું: ‘ચીપિયાનું શું કામ છે? આ હાથ છે ને!’ બોલતાં બોલતાં શશીએ ચૂલાની રાખમાં હાથ ઘાલ્યો ને એક શક્કરિયું બહાર કાઢ્યું. પછી કહે: ‘લ્યો જુઓ, થયું છે કંઈ મારા હાથને?’

પંડિતે કહ્યું: ‘વાહ, તમે તો જબરાં કલાકાર!’

દરમિયાન પંડિતે શક્કરિયું ડાબા હાથે ખસેડી જમણા હાથમાં લઈ મોંમાં મૂકી દીધું હતું.

શશી પોતાની કુશળતા દેખાડવામાં મસ્ત હતી. બે બોલી: ‘બીજા કલાકારોને પોતાની કલા દેખાડવા માટે આ જોઈએ ને તે જોઈએ. મારે કશું જ ન જોઈએ!’

આમ કહી એણે બીજું શક્કરિયું ચૂલાની રાખમાંથી બહાર કાઢ્યું. પપુએ તે ડાબા હાથથી સરકાવી જમણા હાથે મોંમાં મૂકી દીધું.

હવે પંડિતે બોલવાનું ઓછું કરી નાખ્યું હતું, શશી જ વધારે બોલતી હતી. પોતાની કલા દેખાડવી હતી ખરીને? શશી એક પછી એક શક્કરિયું કાઢતી ગઈ અને પપુ તે હોઈયાં કરતો ગયો. છેવટે ચૂલામાં એક પણ શક્કરિયું રહ્યું નહિ. શશી બોલી: ‘જોયુંને, કેટલી વારમાં મેં બધાં શક્કરિયાં બાફી નાખ્યાં! લો, જુઓ, થયું છે મારા હાથને કંઈ?’

છેલ્લું શક્કરિયું પેટમાં ઉતારતાં પંડિતે કહ્યું: ‘ના, કશું જ થયું નથી તમારા હાથને!’ હું ફરી કહું છું કે તમારા જેવું બાફતાં દુનિયામાં કોઈને આવડતું નથી!’

પંડિતે પોતાની આટલી બધી કદર કરી એટલે શશીને થયું કે આને એક શક્કરિયું ભેટ આપું. તે માટે શક્કરિયું લેવા જતાં તેણે જોયું તો ત્યાં એક શક્કરિયું ન મળે!

પંડિતે ઠાવકાઈથી કહ્યું: ‘શું શોધો છો, મારાં શશી માશી? આપનું મુખારવિંદ એકાએક શાથી આમ કરમાઈ ગયું છે?’

હવે શશીને વાત સમજાઈ. પંડિતની સામે જોઈ તેણે ઘુરકિયું કર્યું.

પંડિતે કહ્યું: ‘તમારી રાંધણકળા જોઈ હું ખુશ થયો છું, શશી માશી! તમે જો રાંધણકળા વિશે ગ્રંથ લખો—’

‘શું લખે, તારું કપાળ?’ શશીએ છાશિયું કર્યું.

‘જી, ના! મારું પેટ!’ કહી પપુ પંડિત ઠેકડો મારી છાપરા પર ચડી ગયો. તેને ખાતરી થઈ ગઈ હતી કે પંડિતાઈ પેટ ભરવામાં બહુ કામ લાગે છે.

[‘સોનાનો ચાંદ વાર્તાવલિ’]