રમણલાલ સોનીની ૫૦ ઉત્તમ બાળવાર્તાઓ અને વાર્તા-પઠન/૪૦. ધોળો ગધેડો ને કાળો હાથી

From Ekatra Wiki
Revision as of 10:47, 29 April 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૪૦. ધોળો ગધેડો ને કાળો હાથી


સોમાજી માલપુર ગામના સરપંચ ચુંટાયા અને સરપંચની ખુરશીમાં બેઠા કે તેમને સમજાઈ ગયું કે હું સરકાર છું. સરપંચ એટલે જ સરકાર!

તેમણે મનોમન નક્કી કર્યું કે ગામનું રૂડું દેખાય અને મલકમાં ગામનું નામ થાય એવું કરવું.

વૌઠામાં સાત નદીઓનો સંગમ થાય છે. તેમાં માલપુરવાળી વાત્રક નદી પણ ખરી. એટલે કારતકી પૂનમે વૌઠામાં મેળો ભરાયો ત્યારે સોમાજી સરકાર એ મેળો જોવા ગયા. આ મેળામાં એક બીજો મેળો હતો ગધેડાંનો. ત્યાં ગધેડાંની લે-વેચ થતી. સોમાજી સરકાર મેળામાં કોઈ ઓળખીતો મળી આવશે એવી સમજી હોંશે હોંશે ફર્યા. ઓળખીતો તો કોઈ ન મળ્યો, પણ એક અણ ઓળખીતો મળ્યો. એ હતો ગધેડો — દૂધ જેવો ધોળો. સોમાજી પ્રસન્ન થઈ જોઈ રહ્યા: ‘વાહ, શો સુંદર વાન છે!’

એટલામાં ગધેડો પૂંછડી ટટાર કરી આકાશભણી મોં કરી ભૂંક્યો. સોમાજી સરકાર કહે: ‘વાહ, જેવું રૂપ છે તેવો જ ધ્વનિ છે!’

તે જ પળે તેમણે નક્કી કરી નાખ્યું કે આ ગધેડો લેવો.

અને એમણે એ લીધો — મોં માગી કિંમતે!

ગધેડાવાળાએ ગધેડો સોમાજી સરકારને સોંપતાં કહ્યું: ‘હંસની ચાકરી બરાબર કરજો. બહુ ઊંચા કુળનો છે.’

સોમાજી સરકારે કહ્યું: ‘હંસ કોણ?’

ગધેડાવાળાએ કહ્યું: ‘આ ગધેડાનું નામ હંસ છે. એને પાંખો નથી એટલી જ માત્ર એનામાં ખામી છે.’

સોમાજી સરકાર ખુશ ખુશ થઈ ગયા. તેઓ ગધેડાને લઈને માલપુર આવ્યા. લોકોએ ઉત્સાહથી તેમનું અને ગધેડાનું સામૈયું કર્યું.

સોમાજી સરકારે પોતાના ઘરના વિશાળ આંગણામાં ‘હંસ’ના રહેઠાણની ગોઠવણ કરી.

રોજ અસંખ્ય માણસો ‘હંસ’નાં દર્શન કરવા આવે અને એનાં રૂપગુણનાં વખાણ કરે.

ગામના કવિએ ‘હંસ’ના મહિમાનું કવિત જોડ્યું; ગામના પુરાણીએ ‘હંસપુરાણ’ની કથા કહી: તેણે કહ્યું: ‘પૂર્વે સૂપકર્ણ નામનો એક રાજા થઈ ગયો. એ મહાદુષ્ટ હતો. રૈયતને એ ખૂબ દુ:ખ દેતો. એક વાર જાડાને શૂળીએ ચડાવે તો બીજી વાર પાતળાને શૂળીએ ચડાવે; એને કંઈ સંતાન નહોતું, એટલે ગામમાં જેને ઘેર છોકરાં હોય એને એ સજા કરતો. આવો આ પાપી રાજા એક શ્વેત ખરની સેવા કરીને તરી ગયો. શ્વેત ખર સ્વર્ગીય જીવ છે. મનુષ્યને એની સેવાચાકરીનો લહાવો મળે એટલા જ માટે એ પૃથ્વી પર આવે છે ને કામ પૂરું થતાં સ્વર્ગમાં ચાલી જાય છે. આ શ્વેત ખરને સ્વર્ગમાં જવાનું થયું? ત્યારે આ દુષ્ટ રાજાએ એની પૂંછડી પકડી લીધી અને શ્વેત ખરની સાથે રાજા પણ સ્વર્ગમાં પહોંચી ગયો! આવું છે આ શ્વેત ખરની સેવાનું ફળ! આપણો આ ‘હંસ’ પણ એવો સ્વર્ગીય ખર છે.’

સોમાજી સરકાર પોતાના પ્રિય ‘હંસ’નું આ માહાત્મ્ય સાંભળી ખુશ થયા. તેમને ખાતરી થઈ ગઈ કે ગામનું નામ ઇતિહાસમાં લખાવાને હવે બહુ વાર નથી.

એવામાં અદ્ભુત બનાવ બની ગયો. પચીસ ત્રીસ વર્ષ પહેલાં ગામનો એક છોકરો નિશાળમાં માસ્તરના માથા પર સિલેટ પછાડી ગામ છોડી ભાગી ગયો હતો અને પછી એના વિશે કોઈ કંઈ જાણતું નહોતું. પણ એ છોકરો તો કાશીપુરીમાં ગંગાજીના ઘાટ પર એક મઠનો મહંત બની ગયો હતો. એની એવામાં કેટલાયે સાધુ-બાવાઓ અને કેટલાયે હાથી હતા. નદીએ સ્નાન કરવા જાય ત્યારે પણ એ હાથી પર સવારી કરીને ધામધૂમથી જાય. પચીસ વર્ષ જતાં અચાનક એ મહંતશ્રીને માલપુર યાદ આવી ગયું. એમણે હુકમ કર્યો: ‘વૈશાખી પૂનમે વેત્રવતી-સ્નાનનો મહિમા છે. ચલો જાત્રાએ!’

વેત્રવતી એટલે વાત્રક નદી. માલપુર ગામ આ નદી તટે છે.

ઠેકઠેકાણે મુકામ કરતી મહંત હનુમાનદાસની સાવારી માલપુર ગામે આવી પહોંચી. ચેલાઓ દ્વારા ગામમાં મહંતના મહિમાની જાહેરાત થઈ ચૂકી હતી, એટલે મહંતજીના સ્વાગતમાં કંઈ ખામી રહી નહિ. હવે સૌએ જાણ્યું કે આ તો માસ્તરના માથા પર સિલેટ પછાડીને ભાગી ગયેલો એ મથુરિયો છે. એ શિક્ષક પણ હયાત હતા. તેમણે ભાવપૂર્વક મહંતજીને પ્રણામ કર્યા અને મહંતજીની વિધવા માતા હયાત નહોતી, નહિ તો એ પણ મહંતજીનાં દર્શન કરી એમના આશીર્વાદ પામવા ભાગ્યશાળી થાત!

આઠ-દસ દિવસ ગામનું આતિથ્ય માણી મહંતજીએ વિદાય લીધી ત્યારે ગામને તેઓ હાથીનું એક મદનિયું ભેટ આપતા ગયા. ગામને એટલે સરપંચને, સોમાજી સરકારને. સોમાજી સરકારે ઘરના આંગણામાં હંસની બાજુમાં આ મદનિયાના રહેઠાણની ગોઠવણ કરી.

પોતાની બાજુમાં કાળા હાથીને જોઈ શ્વેત ખરે મોં બગાડ્યું: ‘અરે, હંસની સભામાં આ કાગડો?’ તે પછી હાથીને થાળ ભરી ખાવાનું પીરસાયું તે તો એને બિલકુલ ગમ્યું નહિ. તેણે તિરસ્કારથી કહ્યું: ‘એ…ઈ કાળિયા બે પૂંછડીવાળા, અહીં કેમ આવ્યો છે તું?’

હાથીએ નમ્રતાથી કહ્યું: ‘આપની જરી ભૂલ થાય છે — હું બે પૂંછડીવાળો નથી. તમે જેને મારી બીજી પૂંછડી કહો છો તે તો મારો હાથ છે. હું ચાર પગ ને એક હાથવાળું પ્રાણી છું — આવું પ્રાણી જગતમાં હું એક જ છું તેથી સૌ મને માન આપે છે બીજા કોઈ ચાર પગવાળાં પ્રાણીઓને એવું માન મળતું નથી.’

શ્વેત ખરે કહ્યું: ‘એટલે મારા કરતાં તું વધારે માનપાત્ર છે એમ તારું કહેવું છે? અરે, જા રે જા, કાળિયા, મારી આગળ તારો શો હિસાબ?’

હાથીએ કહ્યું: ‘ઠીક, તો આપણે ખાવાની હરીફાઈ કરીએ. ખાતાં જે થાકે તે હાર્યો ગણાય!’

ખરે કહ્યું: ‘ખાવાની તે કંઈ હરીફાઈ યોજાતી હશે? હરીફાઈ તો ગાવાની કરીએ તો શોભે.’

હાથી ઉત્સાહમાં હતો. તેણે કહ્યું: ‘તો ગાવાની હરીફાઈ! પહેલો તું ગાય છે કે હું ગાઉં?’

ખરે કહ્યું: ‘પહેલો તું!’

હાથીએ સૂંઢ ઊંચી કરી ગાવાનું કર્યું, પણ એના ગળામાંથી તીણી ચીસો સિવાય કંઈ નીકળ્યું નહિ. થાકીને એણે ગાવાનું બંધ કર્યું.

હવે ખરે ગાન શરૂ કર્યું. ગાવાનો એને શોખ હતો અને પાકો મહાવરો પણ હતો. એના ગાનથી આખું આકાશ જાણે ધ્રુજી ઊઠ્યું. કૂતરાં ભસતાં બંધ થઈ ગયાં. પંખીઓ ઊડતાં થંભી ગયાં અને માણસો એ લલકાર સાંભળવા ટોળે વળ્યાં.

હાથીએ પોતાની હાર કબૂલ કરી; સાથે તેણે કહ્યું: ‘એક માત્ર ગાવાની હરીફાઈથી પાસ-નાપાસ નક્કી ન થાય.’

‘તો શું કરવું છે?’ ખરે કહ્યું.

‘આપણે દોડવાની હરીફાઈ કરીએ.’

હાથી બાળક હતો બિન-અનુભવી હતો. એના મનથી એમ કે સૂંઢ વિનાનું જાનવર દોડી દોડીને કેટલું દોડવાનું છે?

ખરે આ વાત મંજૂર કરી.

પછી બેઉ વચ્ચે દોડવાની હરીફાઈ થઈ. ‘એક, દો, તીન’ કહેતાં બેઉએ દોટ મૂકી. હાથીનું શરીર બહુ ભારે, એના પગ પણ થાંભલા જેવા, એટલે એ દોડ્યા તો ખરો, પણ પાતળા પગવાળો અને ઓછા વજનવાળો ખર એનાથી ઘણો આગળ નીકળી ગયો.

હાથીએ ખેલદિલીથી પોતાની હાર કબૂલ કરી.

બબ્બે વાર જીત્યો એટલે હવે ખરના ગર્વનો પાર ન રહ્યો. તેણે હાથીને કહ્યું: ‘હું તને એક વધારે તક આપવા માગું છું. આપણે એક છેલ્લી ને ત્રીજી હરીફાઈ કરવી છે?’

ખરે કહ્યું: ‘વજન ઊંચકવાની!’

વિદ્વાનોના મુખે એણે સાંભળ્યું હતું કે દુનિયામાં ગધેડો જેટલું વજન ઊંચકી શકે છે એટલું બીજું કોઈ જાનવર ઊંચકી શકતું નથી. એની વાત સાવ ખોટી પણ નહોતી. પરંતુ હાથી તો મોટા મોભ ઊંચકનારો. એણે કહ્યું: ‘આમાં તું હારવાનો! ઊંચકી ઊંચકીને તું શું ઊંચકવાનો છે?’

ખરે મિજાજમાં કહ્યું: ‘આમ કહી તું મારું અપમાન કરે છે! અરે, હું ધારું તો તને આખો ને આખો મારી પીઠ પર લઈને દોડું!’

હાથીએ કહ્યું: ‘એમ તો હુંયે તને ઉપાડી લઉં! ચાલ, આવી જા મારી પીઠ પર!’

ખરને આ બહુ ગમ્યું. તેણે ચારે તરફ ભેગા થયેલા લોકોની સામે જોઈ કહ્યું: ‘તાલી બજાઓ, બચ્ચે લોક, હું હાથી પર સવાર થાઉં છું.’

આમ કહી એ ઠેકડો મારી હાથીની પીઠ પર સવાર થઈ ગયો, ને એને હુકમ કરવા લાગ્યો: ‘એ…ઈ કાળિયા, ડાબા ડાબા…એ. ઈ જાડિયા, જમણા જમણા!’

હાથીને આ અપમાન લાગ્યું. પણ એણે ગુસ્સો બહાર દેખાવા દીધો નહિ.

સવારી પૂરી થયા પછી ખરે તુમાખીથી કહ્યું: ‘કેમ રે કાળિયા, ત્રીજી વાર પણ મેં તને હરાવ્યોને?’

હાથીએ કહ્યું: ‘હજી ક્યાં હરાવ્યો છે? મારે સવાર થવાનું બાકી છે.’

ખરે કહ્યું: ‘તો જોઈ શું રહ્યો છે? ઝટઝટ સવાર થઈ જા મારી પીઠ પર!’

હાથી જરા ખચકાયો. ખરે એની મશ્કરી કરી: ‘બી ગયોને? બીકણ!’

હાથીથી બધું સહન થાય, પણ કોઈ એને બીકણ કહે એ એને માથાના ઘા જેવું લાગે, તેણે કહ્યું: ‘ઠીક, તો હોશિયાર!’

ખરે કહ્યું: ‘હું હોશિયાર જ છું. મારી હોશિયારી સૌએ જોઈ, હવે તારે તારી દેખાડવાની છે!

તે જ ઘડીએ હાથી ખરની પીઠ પર સવાર થઈ ગયો!

પોતાના માથા પર ઓચિંતાનો પહાડ તૂટી પડ્યો હોય એમ ગધેડાના મોંમાંથી કરામી ચીસ નીકળી ગઈ — એના ચાર પગ ચાર દિશાએ લાંબા થઈ ગયા; એનું પેટ ધરતી સાથે જડાઈ ગયું.

સોમાજી સરકાર બોલી ઊઠ્યા: ‘અરે, અરે, મારા લાખેણા ગધેડાને આ શું થયું?’ જોયું તો ગધેડો મરી ગયો હતો.

તે જ ઘડીએ હાથીના મહાવત તરીકે રહેલા બાવાજીને સોમાજી સરપંચે કહી દીધું: ‘આવો પાપી હાથી અમારે નહિ જોઈએ! એને અબઘડી અહીંથી લઈ જાઓ!’

આખા માલપુર ગામે શ્વેત હંસ જેવા આ ગધેડાનો શોક પાળ્યો, પણ ગધેડો મર્યો એમાં વાંક કોનો હતો તે કોઈએ જાણ્યું નહિ.

[ટોપી-પંડિત]