રવીન્દ્રનાથ-એક કવિનું શબ્દચિત્ર/પ્રાસ્તાવિક


પ્રાસ્તાવિક

કોમિલા, બાંગ્લાદેશમાં જન્મેલા બુદ્ધદેવ બસુ (૧૯૦૮-૧૯૭૪), બંગાળના ૨૦મી સદીના રવીન્દ્રનાથ પછીના અગ્રગણ્ય કવિ છે. યુનિવર્સિટી ઑફ ઢાકામાંથી એમ. એ. ની ઉપાધિ મેળવ્યા બાદ કલકત્તામાં સ્થાયી થયા. જાદવપુર યુનિવર્સિટીમાં કમ્પેરેટીવ લિટરેચર વિભાગના સ્થાપક અને વર્ષો સુધી તેના અધ્યાપક રહ્યા. ઈ.સ. ૧૯૬૭માં સાહિત્ય અકાદમીના પુરસ્કારથી સન્માનિત બુદ્ધદેવને ભારત સરકારે ઈ.સ. ૧૯૭૦માં પદ્મ ભૂષણથી નવાજ્યા હતા. ૧૯ વર્ષની વયે તેમણે ‘પ્રગતિ’ નામના આધુનિક કવિતાના સામયિકનું સંપાદન અને પ્રકાશન સંભાળ્યું હતું જેમાં બંગાળના અગ્રગણ્ય કવિઓની પ્રારંભની રચનાઓ પ્રગટ થતી હતી. ઈ.સ. ૧૯૩૫ના અરસામાં તેમણે ‘કવિતા’ નામનું સામયિક શરૂ કર્યું જે તત્કાલીન બંગાળી કવિતાનું મુખ્ય સામયિક હતું. એમણે પોતે અનેક કાવ્યસંગ્રહો, નવલકથાઓ, વાર્તાસંગ્રહો, નાટકો, નિબંધગ્રંથો ઈત્યાદિ પ્રગટ કર્યા હતા. બંગાળી કવિતામાં નવા અવાજને એમના સતત પ્રોત્સાહનને કારણે ૨૦મી સદીના બંગાળી સાહિત્યકારોમાં એમનું સ્થાન સન્માનીય હતું. એમના આધુનિક કવિતા વિશેના નિબંધો વિશ્લેશણના ઊંડાણ તેમ જ અદ્‌ભુત ગદ્યને કારણે આજે પણ પ્રશંસનીય લાગે છે. ૨૦મી સદીની બંગાળી કવિતાનો એમનો અભ્યાસ અને તારણ અદ્વિતીય કહી શકાય. તેઓ પાશ્ચાત્ય સાહિત્યના ઊંડા અભ્યાસી હતા અને એમની શૈલી પર તેનો પ્રભાવ દેખાઈ આવે છે. એમણે બોદલેર અને રિલ્કેનાં કાવ્યોનો બંગાળી અનુવાદ તેમ જ પોતાની રચનાઓનો અંગ્રેજી અનુવાદ કર્યો હતો. અંગ્રેજી ઉપરનું તેમનું પ્રભુત્વ અસાધારણ કહી શકાય. બુદ્ધદેવનો જયારે સાહિત્ય જગતમાં પ્રવેશ થયો ત્યારે રવીન્દ્રનાથ બંગાળના સાહિત્ય જગત ઉપર જ નહીં, સમગ્ર જગત ઉપર છવાઈ ગયા હતા એમ કહેવામાં અનૌચિત્ય નથી. વીસમી સદીમાં જન્મેલા અને તત્કાલીન સમયના ઐતિહાસિક ઘટનાક્રમથી અને પરિવર્તનશીલ આદર્શોથી રંગાયેલા લેખકોમાંના અગ્રગણ્ય બુદ્ધદેવ, રવીન્દ્રનાથના સર્વવ્યાપી વ્યક્તિત્વથી પ્રભાવિત તો હતા પણ સાથે સાથે તેમના અતિપ્રબળ પ્રભાવથી મુક્તિ પણ ઈચ્છતા હતા. આ દ્વન્દ્વનું પ્રાથમિક પરિણામ પ્રતિકાર અને અંતે સન્માનીય સમાધાન અને સંપૂર્ણ સ્વીકાર. ૧૯૬૨ના માર્ચમાં તત્કાલીન બોમ્બે યુનીવર્સીટીના નિમંત્રણથી રવીન્દ્ર-જન્મ-શતાબ્દી નિમિત્તે આપેલાં વ્યાખ્યાનો પાંચ ભાગમાં ‘ટાગોર: પોર્ટ્રેટ ઓફ અ પોએટ’ શીર્ષક હેઠળ પ્રગટ થયાં હતાં. તેનો અનુવાદ અહીં પ્રસ્તુત છે. કવિ રવીન્દ્રનાથનું આટલું ગહન (છતાં સંક્ષિપ્ત!) વિશ્લેષણ અન્યત્ર જોવામાં આવ્યું નથી. અહીં રવીન્દ્રનાથનાં કાવ્ય સાહિત્યના જાણકાર માટે એક નવી દિશા ખુલી જાય છે અને આગંતુક માટે રવીન્દ્રનાથનાં કાવ્ય સાહિત્ય માટે જિજ્ઞાસા.