રવીન્દ્રનાથ-એક કવિનું શબ્દચિત્ર/2

From Ekatra Wiki
Revision as of 23:07, 14 January 2022 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| ૨. વિશ્વકવિ અને બંગાળી | }} {{Poem2Open}} રવીન્દ્રનાથ ટાગોરમાં હું...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૨. વિશ્વકવિ અને બંગાળી

રવીન્દ્રનાથ ટાગોરમાં હું સહેલાઈથી એક અસાધારણ કવિ અને લેખકના દર્શન કરી શકું છું. લખાયેલા શબ્દમાં એમના જેવી ઊર્જાની(energy) અભિવ્યક્તિ ક્યારેય થઈ નથી. એેમના ગદ્ય અને પદ્ય પરના પ્રભુત્વ, સાહિત્યના વિવિધ રૂપ અને દરેક રૂપમાંના વિષય-વૈવિધ્યના સચોટ અને અદ્‌ભુત નિરૂપણને કારણે એેમની તુલનામાં આવે તેવી કોઈ વ્યક્તિ ધ્યાનમાં નથી આવતી. સંજોગવશાત્‌ આમ કહેવું મારે માટે સહેલું છે પણ હું નથી માનતો કે તે બધાંને માટે શક્ય છે અને મારા બંગાળ બહારના મિત્રો આની સાથે સંમત નથી. આ સદીના બીજા અને ત્રીજા દસકામાં રવીન્દ્રનાથને આખા જગતમાં મળેલી ખ્યાતિમાં પાછળથી જે ઓટ આવી હતી તેમાં એેમના મૃત્યુથી કે હાલમાં ઉજવાયેલી શતાબ્દીથી કાંઈ જ ફેર પડ્યો નથી. એમની શતાબ્દી ઔપચારિક રીતે બધે જ ઉજવાઈ હતી અને એ જાણીને આનંદ થયો હતો કે રવીન્દ્રનાથના પ્રશંસકો દૂર દૂરના દેશોમાં ફેલાયેલા છે. પણ સખેદ નોંધવું જોઈએ કે એમની મોટા ભાગની પ્રશંસા એક રાષ્ટ્રીય, આંતરરષ્ટ્રીય પ્રતિભા, શાંતિના મસીહા, ભારતીય સંસ્કૃતિની મૂર્તિ, પૂર્વ અને પશ્ચિમના મિલન-બિંદુ ઈત્યાદિના સ્વરૂપમાં થઈ. એમ કહેવા નથી માંગતો તે આ બધું ન હતા. પણ એ યાદ રાખવું ઘટે કે તે એક કવિ હતા અને જો તે કવિ ન હોત તો તેમના બીજા બધા સ્વરૂપો અર્થવિહીન હોત. અને હજીય આપણી નજર ક્ષિતિજ પર છે - આપણે પ્રતીક્ષા કરીએ છીએ, જગતના બીજા કોઈ ભાગમાંથી કોઈના આવવાની, જે આપણને કહી શકે કે તે રવીન્દ્રનાથની કવિતાને માત્ર કવિતા તરીકે માણે છે અને મનોગમ્ય કલ્પના કે વિભાવનાની અભિવ્યક્તિ તરીકે નહીં.

હું ભૂલી નથી શકતો કે આજથી અડધી સદી પહેલાં એક આઇરિશ, એક ફ્રેન્ચ અને એક અમેરિકને રવીન્દ્રનાથની અંગ્રેજી ગીતાંજલિ વાંચીને ત્રણ અત્યંત સમજપૂર્ણ નિબંધો લખ્યા હતા. આજે એ નિબંધો વાંચવામાં આવે તો માત્ર યેટ્‌સ, જિદે અને પાઊન્ડની સૂક્ષ્મદૃષ્ટિ અંગે જ નહીં પણ તેમના જેવા ભિન્ન સાંસ્કૃતિક ભૂમિકાવાળા અને રવીન્દ્રનાથથી જુદા સાહિત્યિક લક્ષ્યાંક ધરાવતા માણસોએ પણ એેમને એક આદર્શ ઉદાહરણ તરીકે સ્વીકાર્યા હતા તે અંગે પણ આપણે નોંધ લેવી ઘટે. તો પછી થોડા જ સમય પછી તેમનો રસ કેમ ઓછો થઈ ગયો? તેમના વિજયોત્સવના માત્ર વીસ વર્ષ બાદ પશ્ચિમમાં રવીન્દ્રનાથનું નામ કેમ શિષ્ટ ઉદાસીનતાથી વધુ કાંઈ જ સંવેદના ઉપજાવતું ન હતું? એક દેખીતું કારણ તેમના અનુવાદોની નિમ્ન કક્ષા જરૂર કહી શકાય અને તેની ચર્ચા અહીં અસ્થાને કહેવાશે.[1] બીજું કારણ હતું એેમને પાશ્ચાત્ય વાચકો તરફથી મળેલું ધાર્મિક કવિનું જીવલેણ ઉપનામ. આને કારણે એેમનું નામ બનાવટી રહસ્યવાદીઓ, તાંત્રિકો અને ખલિલ જીબ્રાન જેવા તમને સારું લગાડતા કવિઓ સાથે મૂકાતું થઈ ગયું. તદુપરાંત ૧૯૧૫માં એેમણે પ્રગટ કરેલા કબીરના અનુવાદ પ્રગટ થતાં એક ગેરસમજુતી ઊભી થઈ. એેમના લંડનના મિત્રો એકબીજાને પૂછતા: એેમણે શા માટે આનું પ્રકાશન કર્યું? હવે એેમને કોણ વાંચશે? એેમને આ મધ્યયુગના રહસ્યવાદીમાં રવીન્દ્રનાથ જેવું જ કોઈ દેખાયું - માત્ર વધારે યથાર્થ. રવીન્દ્રનાથના ચરિત્રકાર, એડવર્ડ થોમ્પ્સનના શબ્દોમાં: ‘એેમને માટે કબીરમાં ખાનદાની પૌરૂષ હતું. રવીન્દ્રનાથની આગવી શૈલીના અલંકારો તે વધુ નિષ્ઠાથી વાપરતા હતા.’ એેમને લાગ્યું કે રવીન્દ્રનાથનું વક્તવ્ય સાહિત્યિક હતું, સાચું નહીં. આ ગંભીર ભૂલ માટે તેઓ પોતે જ જવાબદાર હતા. તેઓ રવીન્દ્રનાથને એક હિન્દુ સિવાય ઓળખવા તૈયાર ન હતા. તેઓ એક તદ્દન સાદી વાત સમજી શકતા ન હતા: કબીર એક સાચા રહસ્યવાદી હતા અને રવીન્દ્રનાથ એક સાચા કવિ; રહસ્યવાદીઓ ક્યારેક કવિ હોય છે પણ તેમના પોતાના ઈરાદાથી નહીં અને જ્યારે કવિને રહસ્યવાદનો ભાવાવેશ હોય છે ત્યારે તે બીજા કોઈની પણ માફક ઉચિત શબ્દરચનામાં પોતાને સભાનપણે વ્યક્ત કરે છે પણ તે અભિવ્યક્તિ એક દૃષ્ટાની નથી હોતી.

રવીન્દ્રનાથની પ્રતિષ્ઠાના અધ:પતનનું ત્રીજું કારણ જે થોમ્પ્સને નોંધ્યું છે અને અમે બધાં પણ તેની સાથે સંમત છીએ. પહેલા વિશ્વયુદ્ધના અંતથી સાહિત્યના ભાવમાં ઘણો બદલાવ આવ્યો હતો. માત્ર પશ્ચિમમાં જ નહીં પણ રવીન્દ્રનાથના દેશમાં પણ ભાવ, શૈલી, સ્વરૂપ તેમ જ કવિનો કવિતા અને જગત પ્રત્યેનો દૃષ્ટિકોણ, બધું જ બદલાઈ ગયું છે. આ ક્રાંતિનો આરંભ તેમ જ પરાકાષ્ટા રવીન્દ્રનાથે જોઈ હતી. તેમણે ૧૯૩૦ના દસકામાં ગદ્યકાવ્યો અને રોજીંદા જીવનની કવિતાઓ લખી એટલે ઘણા બંગાળીઓ એમ માને છે કે એેમના પર આ ક્રાંતિની અસર પડી હતી. પણ હું તેમ નથી માનતો. તેમની કવિતાનું બાહ્ય સ્વરૂપ બદલાયું હતું પણ તે તો પહેલાં અનેક વાર બદલાયું હતું. પણ એેમના જીવન પ્રત્યેના અભિગમમાં કે ભાષાના ઉપયોગમાં તે પોતાની બહાર નીકળ્યા ન હતા. બંગાળી જાણનારા અને રવીન્દ્રનાથની સાથે સદા સંપર્કમાં રહેલા થોમ્પ્સનનું માનવું છે કે એલિયટથી પ્રભાવિત યુગમાં રવીન્દ્રનાથને ન્યાય મળવો અશક્ય છે. આ મંતવ્ય સાચું છે કે પછી સાચા સવાલને ટાળવાનો પ્રયાસ છે?[2]

રવીન્દ્રનાથને વડ્‌ર્ઝવર્થ અને હ્યુગો સાથે સરખાવીને વાત પડતી મૂકી શકાય તેમ છે. એમ કહી શકાય કે સમયની ચેતના આ કવિઓનો વિરોધ કરે છે; આ શોચનીય હોઈને પણ તે માટે કાંઈ પણ કરી શકાય તેમ નથી. આજના બહુ ઓછા વાચકો - માત્ર પાશ્ચાત્ય જ નહીં - વડ્‌ર્ઝવર્થ કે શૅલીને બે ચાર કડીને બાદ કરતાં કંટાળ્યા વિના સતત આનંદથી વાંચી શકે. આપણને ગમે કે ન ગમે, રવીન્દ્રનાથમાં વડ્‌ર્ઝવર્થ, શૅલી અને કીટ્‌સના અંશ ક્યાંક ક્યાંક વેરાયેલા પડ્યા જ છે. ક્યાંક ક્યાંક તે આપણને વ્હીટમેનની પણ યાદ અપાવે છે. ભલે તેમનામાં કેટલીક લાક્ષણિકતાઓ સરખી હોય પણ આપણે રવીન્દ્રનાથને કવિ તરીકે શૅલી કે કીટ્‌સ, વડ્‌ર્ઝવર્થ કે ટેનીસન, કે પછી બીજા કોઈ પણ રોમેન્ટિક કવિની કક્ષામાં મૂકી શકીએ? રવીન્દ્રનાથને તેમની સમગ્રતામાં જોતા તરત જ ખ્યાલ આવશે કે આ સંભવ જ નથી. બંગાળી સાહિત્યમાં તેમનું સ્થાન ફ્રેન્ચમાં હ્યુગોના સમાન છે. કવિતાના કેટલાક પ્રકારોમાં અને ગદ્યમાં બંને કરતાં મહાન સાહિત્યકારો છે. પણ જ્યારે તેમનું વૈવિધ્ય, વૈપુલ્ય અને વિસ્તાર જોઈએ ત્યારે રવીન્દ્રનાથને એક આગવું સ્થાન આપવાની ઈચ્છા પ્રબળ થતી જાય છે. વૈપુલ્યની સરખામણીમાં યુરોપના માત્ર ગુથે તેમની સાથે ઊભા રહી શકે અને તે બંને વચ્ચેનું સામ્ય સુયોગ્ય કહેવાય. અને સમયની ચેતના ગુથેના પણ વિરોધમાં નથી? તેમની ભવ્ય કલ્પના અને કુશળ પ્રસ્તુતિને કારણે ગુથેની કવિતા, કવિતા તરીકે સૂક્ષ્મ સંવેદનશીલ વાંચકોને પણ સ્પર્શતી ન હોય એ વાત આપણે નથી જાણતા? છતાંય હ્યુગો અને લામાર્ટિન ફિક્કા પડી ગયા અને વડ્‌ર્ઝવર્થની અસર પણ ભૂસાઈ ગઈ તોય ગુથે સમયના પ્રવાહમાં અડીખમ ઊભા છે! શ્રી. ટી. એસ. એલિયટ, જેમને કવિ તરીકે સન્માનતા નથી એવા ગુથેને સંત તરીકે સ્વીકારે છે. ક્લૉડેલ માટે ગુથે છે: ‘પેલો મહાન ગંભીર ગધેડો!’ વૅલેરી ગુથેનું વર્ણન કરતાં કહે છે: ‘જગતના રંગમંચ પર માનવજાતની સૌથી વધુ નસીબવંતી પ્રસ્તુતિ!’ બીજી સૌથી વધુ નસીબવંતી પ્રસ્તુતિ, નસીબની ગૌરવપૂર્ણ બલિહારી તે રવીન્દ્રનાથ - અને પશ્ચિમ એમનો પરિચય કર્યા પછી પોતાના પરિઘની બહાર ચાલી જવા દે છે!

તમે કહેશો કે આ દૃષ્ટિથી ગુથે અને રવીન્દ્રનાથની તુલના ન થઇ શકે. ગુથે માત્ર સાહિત્યના અર્થમાં નહીં પણ આદર્શના અર્થમાં પણ યુરોપીયન છે - સમગ્ર યુરોપીય ચેતનાનો સ્થાપક છે અને માટે તે પશ્ચિમને માટે અનિવાર્ય છે. પણ એ ભૂલવું ન જોઈએ કે જગત સાહિત્યની વિભાવના ગુથેએ જ પ્રસ્થાપિત કરી હતી. સાથે એ પણ નોંધવું જોઈએ કે આજે પણ મોટા ભાગના યુરોપિયનો માટે યુરોપ એટલે જ જગત; અર્થાત્‌ તેમને માટે યુરોપની બહારના જગતનું કોઈ અસ્તિત્વ જ નથી. ગુથે એ તેની યુરોપિયન ચેતનામાંથી જગત વિકસાવ્યું અને તેને જ્ઞાન લાધ્યું કે સાહિત્ય એક આંતરરાષ્ટ્રીય વાર્તાલાપ છે અને સમગ્ર જગત ગમે તેટલું વિશાળ હોય પણ તે વતનનો જ વિસ્તાર છે. અને પછી: ‘હું શોધું છું મારું એ ઘર જે બધે જ હોય; મને શોધ છે એ વતનની જે દરેક દેશમાં હોય.’ આ અંતિમ વિધાન રવીન્દ્રનાથ ટાગોરનું છે, જે બંગાળી હતા, ભારતીય હતા અને માનવ બાળકને જગતના સાગરતટે રમતા જોતા હતા. આમ આપણે કહી શકીએ કે ગુથેના સ્વપ્નનો પ્રથમ કુદરતી આવિષ્કાર રવીન્દ્રનાથના વ્યક્તિત્વમાં થયો; ગુથેની સભાન શોધ જેને માટે હતી તે રવીન્દ્રનાથમાં અંત:પ્રજ્ઞાની અનુભૂતિ હતી જે તેમના આરંભના તેમ જ પરિપક્વ સર્જનોમાં દેખાય છે અને તેને કારણે તેમણે પોતાની માતૃભૂમિને સર્વવ્યાપી કહી અને પોતે કહ્યું કે જ્યાં તે જગત સાથે જોડાયેલા છે ત્યાં તે ઈશ્વરને મળે છે. તેમના કાવ્યોમાં સૌથી વધુ આવતો શબ્દ વિશ્વ છે અને કદાચ તેથી જ બંગાળીઓએ તેમને વિશ્વકવિ કહ્યા હશે! પણ ગુથેના શબ્દો યાદ કરીએ તો રવીન્દ્રનાથને માટે આ યથાર્થ વિશેષણ નથી?

વિશ્વકવિની વ્યાખ્યા બે રીતે થઈ શકે; એક તો એક પ્રશિષ્ટ કવિ જેનું આકર્ષણ થોડાક વાચકોને દરેક સ્થળે કે કાળે રહે; બીજી રીતે એક એવો કવિ જેને માટે સમગ્ર સાહિત્ય એક જ છે જેના અનેક આકાર છે, એક એવો ઉત્સવ જેમાં બધા જ લોકો અને યુગો ભાગ લેતા હોય, અને જ્યાં તેને પણ થોડા સમય માટે નિમંત્રણ મળ્યું હોય. એક અસાધારણ કવિમાં આ બંનેનો સુભગ સમન્વય હોય છે - તે એકબીજા પર અવલંબિત હોય કે ન હોય. પણ મને લાગે છે કે ગુથેની કલ્પના બીજા સાથે વધુ મળતી આવે છે જે વધુ વિરલ હોય છે. અને રવીન્દ્રનાથની આ લાક્ષણિકતા છે.[3] પણ ગુથેની આ સુંદર વિભાવના, જગત સાહિત્યની કલ્પના, વર્તમાન સમયમાં અધૂરી રહી જાય જો, એમાં રવીન્દ્રનાથનો સમાવેશ ન થયો હોય તો. તેમનો વિચાર માત્ર ભારતીય, એશિયન કે પૌર્વાત્ય સાહિત્યની દૃષ્ટિથી કરવામાં આવે તો આપણે તેમનો મુખ્ય મુદ્દો સમજ્યા નથી એમ કહેવાય.

જેમ સાહિત્યનું ભાષા કે રાષ્ટ્રીયતા મુજબ વિભાજન કરી શકાય તેમ પાશ્ચાત્ય અને પૌર્વાત્ય સાહિત્યને જુદા પણ ગણી શકાય. રવીન્દ્રનાથ ભારતીય હોવા છતાં અને તેમના સાહિત્યના અનુવાદો ઉત્કૃષ્ટ કે વિપુલ ન હોવા છતાં એક કવિ અને લેખક તરીકે પશ્ચિમમાં તેમની ગણના યોગ્ય રીતે થાય છે. આના સિવાય બીજા પણ કારણો હોઈ શકે પણ આ બંનેની અને ખાસ કરીને બીજા કારણની અસર તો પડતી જ હોય છે. બીજું પણ એક કારણ છે જેને કારણે ગુથે આપણા બંગાળી કવિ કરતાં આગળ રહે છે. ગુથે સ્પષ્ટવક્તા છે અને તેના વિધાનો પૌરૂષ-સભર અને સઘન છે; તેનું પાંડિત્ય નજરે ચડે તેવું છે; તેને કારણે શ્રી.એલિયટ કહે છે: ‘તેમના ગદ્ય અને પદ્યના વિધાનો માત્ર તેમના પાંડિત્યના ઉદાહરણો છે.’ હું તમારું ધ્યાન આ ‘માત્ર’ પ્રતિ તરફ દોરવા માંગું છું; આનો અર્થ એમ થાય કે ગુથે આપણને શાણા બનાવવા માટે જ લખતા હતા - આ માનવું કે નહીં તે આપણે નક્કી કરવાનું છે. તેમના પાંડિત્યને કારણે તેમના લખાણો પ્રત્યેનો આપણો પ્રતિકાર ભાંગી પડતો ઘણાંએ અનુભવ્યો છે. આ પાંડિત્ય જ વિદેશીઓનું ગુથે પ્રત્યેનું વલણ એક શબ્દમાં વર્ણવી શકે તેમ છે અને તે જ તેની જગત-કવિની પ્રતિષ્ઠાનો પાયો છે. બીજી બાજુ રવીન્દ્રનાથની અભિવ્યક્તિમાં એક સ્ત્રૈણ માનસનો રણકો સંભળાય છે. તે જટિલ અને આડકતરા છે અને તેમની સાદગી ભ્રામક છે; એમને સમજવા માટે તમારે વિદ્વાન કે ખંતીલા હોવું જરૂરી નથી પણ જો તમે એમ માનો કે તે સમજવા સહેલા છે તો તમે જરૂર ભૂલ કરો છો. તે એક ખુલ્લા મેદાન જેવા નથી જેના પર ભવ્ય ઇમારતો ચણી શકાય કે પર્વતમાંથી બોગદા ખોદી શકાય; તે તો એક મહાસાગર જેવા છે - અખંડ પણ સદા બદલાતા, સદા વહેતા, દેખાવે શીતલ અને સૌમ્ય પણ અગાધ; બેધ્યાન રહો તો તેમાં વહેતા ગુપ્ત પ્રવાહોમાં ખેંચાઈ જવાય! બંગાળીમાં ઈશારો, ચળકાટ, ઘૂસપૂસ, ચેષ્ટા જેવા અનેક શબ્દો છે જેનો રવીન્દ્રનાથના ગદ્ય અને પદ્યમાં છૂટથી ઉપયોગ થયો છે. તેમના ગીત અને કવિતાની અંતરામાં વારંવાર રુસો જેવું ‘હું નથી જાણતો’ આવતું રહે છે. તે તો કવિ છે વ્યાખ્યાને પડકારતા, ચંચળ ક્ષણોના, પરોઢિયે યાદ આવતા સ્વપ્નના, ગત અસ્તિત્વની યાદોના અને અનિર્વચનીયના. સૂક્ષ્મ ભેદ અને નજાકત પર તેમનું અમોઘ પ્રભુત્વ છે. મને નથી લાગતું કે તે આપણને શાણા બનાવે છે પણ તે આપણી એક નવી સંવેદનશીલતાને જગાડે છે જે આપણામાં હતી તેની આપણને જાણ ન હતી અને જેના વિના આપણે ઘણા દરિદ્ર રહી જાત! તે આપણને જગતની અનુભૂતિ કરાવે છે અને એેમને માટે અનુભૂતિ એ સમજણનો જ એક પ્રકાર છે. તેમના કાવ્યોમાં કોઈ સવાલ કે કોયડો નથી હોતો જેની સાથે તમે વિવાદ કરી શકો; એેમની જે કાંઈ પણ માન્યતા છે તે કોઈ ધર્મના શાસ્ત્ર પર આધારિત નથી જેથી તમે તેના ઉપર કાંઈ વિશ્લેષણ કરી શકો; નથી તે તમને મુક્તિ કે પરિપક્વતાનો માર્ગ બતાવતા. એમણે નથી સર્જ્યું શાકુંતલ કે ફાઊસ્ટ, કોમેડિઆ કે વૉર એન્ડ પીસ; એેમને સંપૂર્ણપણે આવરી લેતા એક સર્જન માટેની આપણી શોધ વ્યર્થ અને નિરર્થક છે. તે દરેક અર્થમાં ગીતોના કવિ છે પણ તેમનું એક પણ કાવ્ય કે પુસ્તક એવું નથી કે જેનો એેમના સમગ્ર સાહિત્ય સાથે એવો સંબંધ હોય જેવો રિમ્બોના ધ ડ્રન્કન બોટ કે બ્લેકના સોંગ્સ ઑફ ઈનોસન્સ એન્ડ એક્સપીરીયન્સને તેમના સાહિત્ય સાથે છે. એેમની અસર ધીરે ધીરે થાય છે અને ઉત્તરોત્તર વધતી જાય છે; એેમને જે આપવું છે તે પામવા માટે તમારે એમના કાવ્યોમાં આગળપાછળ જવું પડે છે. અને જો તમને એેમની કવિતા ન સ્પર્શે તો તે તમને કાંઈ જ નહીં આપી શકે. રવીન્દ્રનાથની આ જ તકલીફ છે.

અલબત્ત, રવીન્દ્રનાથને જોવાની બીજી પણ એક રીત છે. એેમની એકદમ નજીકના લોકો પર એેમની શું અસર પડી હતી તેનું નિરીક્ષણ કરવાની. તમારી સંમતિને મળેલી માનીને હું પ્રયત્ન કરીશ તમને કહેવાનો કે બંગાળીઓને માટે એેમનું શું મહત્વ છે. આ એક એવી વાત છે કે જેની અવગણના કરવી અશક્ય છે. રવીન્દ્રનાથ બંગાળીઓ માટે જે છે તે પુશ્કીન રશિયનો માટે અને ગુથે જર્મનભાષીઓ માટે હતા. આ સરખામણી ઐતિહાસિક દૃષ્ટિકોણથી પણ યોગ્ય છે; આ દેશમાં રવીન્દ્રનાથમાં એક નવો યુગ મૂર્તસ્વરૂપ થયો હતો જેમ પુશ્કીન અને ગુથેમાં તેમના દેશમાં હતો. મહાન કવિઓની જેમ તે આરંભે નસીબવાન હતા. તે એવા સમયે જન્મ્યા હતા કે જ્યારે એેમનો દેશ એક પરિવર્તનશીલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હતો અને વિદેશી અસર અને ઉદાહરણો થકી પુનરૂત્થાનના પ્રવાહો જીવન અને સાહિત્યમાં વહી રહ્યા હતા; એ સમય હતો પરિશ્રમ અને સંઘર્ષનો, જ્યારે ચોમેર નવી ક્ષિતિજો ખુલી રહી હતી અને શક્યતાઓ અગણિત હતી પણ ઘણું કરવાનું બાકી હતું અને ભાષા પોતે આકાર વિનાની, શૈશવમાં હતી. આવો હતો રવીન્દ્રનાથના આરંભનો સમય, જેને ઘણાં બંગાળના પુનરૂત્થાન તરીકે ઓળખાવે છે - સાચેસાચ તો એ ભારતના પુનરૂત્થાનનો સમય હતો જેની સ્થાપના થઈ હતી કલકત્તામાં - રવીન્દ્રનાથના જન્મના શહેરમાં. આ પ્રક્રિયા તો એેમના આવતા પહેલાં બે પેઢીથી ચાલતી હતી અને એેમના પહેલા એેમના વંશમાં અનુકરણીય આગેવાનોની હારમાળા આવી ગઈ હતી. તેમના દાદા, દ્વારકાનાથ ટાગોર, બરાબર પુનરૂત્થાનને શોભે તેમ, એક સાથે બાહોશ વ્યવસાયી અને પ્રખર માનવતાવાદી હતા. તે પ્રાચીન રૂઢિનો વિરોધ કરતા અને સામાજિક સુધારા અને વિજ્ઞાનને પ્રોત્સાહન આપતા. આધુનિક ભારતના પિતા સમાન રામમોહન રોયે સુધારાવાદી હિંદુ પંથની સ્થાપના કરી હતી જે એક બ્રહ્માની પૂજામાં માનતો હતો. બ્રહ્મસમાજ લાંબે ગાળે એક પંથ તરીકે ન ટકી શક્યો પણ રવીન્દ્રનાથના જન્મ સમયે તે એક રચનાત્મક ભૂમિકામાં હતો અને જ્યારે એેમના પિતા, દેવેન્દ્રનાથે તે સ્વીકાર્યો ત્યારે તે એક મુક્તિકારક શક્તિના સ્વરૂપમાં હતો. રૂઢિચૂસ્ત વાતાવરણમાં બીજો એક પ્રબુદ્ધ સુધારક આગેવાન પણ હતો - ઈશ્વરચન્દ્ર વિદ્યાસગર. તેમના પ્રયત્નોથી હિંદુ વિધવાના લગ્ન કાયદેસર થયા, આધુનિક કેળવણી સ્થાયી થઈ અને બંગાળી ગદ્યને સાહિત્યમાં સ્થાન મળ્યું. બંકિમચન્દ્ર ચેટરજીએ ગદ્ય નવલકથાનું સર્જન કર્યું; ત્યાં સુધી સાહિત્યનો આ પ્રકાર જાણીતો ન હતો. મધુસુદન દત્તના અછાંદસ કાવ્યોથી બંગાળી કવિતા પંક્તિના અંતે પૂરી થતી દ્વિપદીના બંધનમાંથી મુક્ત થઈ. બીજા પ્રબુદ્ધ સજ્જનો, જેમાં રવીન્દ્રનાથના મોટા ભાઈઓનો સમાવેશ કરી શકાય - તેમના વિષે સમય-સંકોચને કારણે આપણે વાત નહીં કરીએ. આ બધા જ માનવતાવાદીઓ, સામાજિક અને ધાર્મિક સુધારકો, સાહિત્યકારો, રાષ્ટ્રીયવાદીઓ - આ બહુમુખ કાર્યક્ષેત્ર જે અડધી સદી પર ફેલાઈ ગયું હતું - તે બધું જ રવીન્દ્રનાથમાં કેન્દ્રિત થઈને, તેમનામાં ભળી અને ઓગળી જઈને એક સ્થાયી અને સુંદર આકાર પામે છે; આ બધા જ ખાનદાન અને ઉદાત્ત માણસોના કામની પરાકાષ્ટા અને ફળશ્રુતિ તે રવીન્દ્રનાથ. આ છે બંગાળની જનતાનો રવીન્દ્રનાથ માટેનો દૃષ્ટિકોણ.

આ સમયના બંગાળના ઈતિહાસમાં રોમાંચક રાષ્ટ્રીયતાનું એવું વલણ ચાલી આવતું દેખાય છે જે વિદેશી રાજ્યને કારણે ગંભીર હોવા છતાં તેને રાજકીય પ્રક્રિયા કરતાં સાંસ્કૃતિક પુનર્જન્મ સાથે વધુ સંબંધ છે. યુવાન રવીન્દ્રનાથના શબ્દો: ‘જાગી ઊઠ્યું છે મારું મન. મને વળગેલી આ ઉત્કંઠતા, હવે નહીં રૂંધી શકું.’ ગુલામીની સજા અને ફાંસીના માંચડામાં પણ ઊર્મિશીલ મુક્તિ જોતા બંગાળના આતંકવાદીઓની ભાવનાની પણ આ જ અભિવ્યક્તિ હોઈ શકે. વ્યક્તિગત તેમ જ સામાજિક રીતે અંત:પ્રેરણા હતી આત્મશોધની અને અંગત અભિવ્યક્તિની. ભૂતકાળમાં ડૂબકી મારીને પુનરૂત્થાનના ગોપન સ્રોતને શોધવાના પ્રયાસ થતા હતા; સંસ્કૃતમાંથી અનુવાદ થતા હતા; લોકકાવ્યો અને પરીકથાઓના સંગ્રહો પ્રગટ થતા હતા; પ્રેરિત બિન-વ્યવસાયીઓના પરિશ્રમથી ઈતિહાસ, ભાષાશાસ્ત્ર, પુરાતત્ત્વવિદ્યાનો ઉત્સાહપૂર્વક અભ્યાસ થતો. ભૂતકાળના આદર્શોનો સભાન અસ્વીકાર થતો અને આલોચના પણ થતી; રૂઢિ અને પરંપરા વચ્ચેનો ભેદ સમજાતો હતો અને દૃઢ માન્યતા હતી કે આખા જગતને આત્મસાત કરવાનું હતું. સોનેટને પોતાની માતૃભાષામાં અપનાવનાર અને ઇલિયડના અનુવાદનો આરંભ કરનાર મધુસુદનનું લક્ષ્ય હતું સંસ્કૃતની આંધળી નકલમાંથી બંગાળી ભાષાને છોડાવવાનું. સંસ્કૃતના વિદ્વાન, ઈશ્વરચન્દ્ર વિદ્યાસાગરે ધ કોમેડી ઓફ એરર્સનું રૂપાંતર કર્યું અને બંકિમચન્દ્રે તેમના સાહિત્યિક નિરીક્ષણમાં યુરોપીય ફિલસૂફી પરની ટિપ્પણી પ્રગટ કરી. પશ્ચિમ જેવા નાટ્‌યગૃહોની સ્થાપના થઈ. સમૃદ્ધ વર્ગમાં એકબીજાની સાથે બિન-વ્યવસાયી નાટકીય પ્રયોગો કરવાની હરીફાઈ શરૂ થઈ. જ્યારે રવીન્દ્રનાથ બાળક અને યુવાન હતા ત્યારે આમાંનું મોટા ભાગનું કલકત્તામાં થતું હતું અને રવીન્દ્રનાથના પારિવારિક રહેઠાણ જોડાસાંકોમાં પણ. તે તેમાં ભાગ લેવાને ઉત્સુક પણ હતા અને ક્ષમતા પણ ધરાવતા હતા.

ગુથે જેમ જર્મનીમાં કરતા તેમ તે લગભગ દરેક પ્રવૃત્તિમાં ભાગ લેતા. તમે કદાચ નોંધ્યું હશે કે જે સમયનું મેં વર્ણન કર્યું તે ગુથેના શૈશવના જર્મનીમાં પ્રવર્તતા ઝંઝાવાત અને દબાવના વાતાવરણ જેવો જ હતો. પણ આ તુલના બંને વ્યક્તિના પરિપક્વ સમયે અર્થહીન બની જાય છે; ગુથે તેમની પ્રારંભિક લાગણીશીલતામાંથી સાવ મુક્ત થઈ ગયા હતા જ્યારે રવીન્દ્રનાથ રાષ્ટ્રીયતાથી કંટાળ્યા હોવા છતાં તેની અને એેમના રાષ્ટ્રની નિયતિ સાથે ભાવપૂર્વક સંકળાયેલા જરૂર હતા. બીજો મુદ્દો: જર્મન કવિતા માટે ગુથે અને શિલર બંને એક સાથે હતા. પોતાની મધ્યવયે રવીન્દ્રનાથ બંગાળી સાહિત્યમાં સર્વોપરી હતા. એેમનો કોઈ પ્રતિસ્પર્ધી ન હતો કે એેમના સિવાય બીજી કોઈ શૈલીના ઉદાહરણ પણ ન હતા; એેમને લાભ થાય તેવી કોઈ આલોચના ન હતી; જેને પોતાને સમકક્ષ કહી શકે તેવી કોઈ સાહિત્યિક પ્રતિભા પણ ન હતી. એેમના પુરોગામીઓ પ્રતિષ્ઠિત અને સન્માનીય હતા પણ બંગાળી સાહિત્યમાં એેમના સમકાલીનોમાંથી કોઈ પણ એવું ન હતું જેની સાથે એેમની તુલના થઈ શકે કે જેનાથી એેમને થોડો પણ અસંતોષ થાય. મારા મતે આ એેમનું દુર્ભાગ્ય હતું. એેમની એકલતામાં વામણા પ્રશંસકો વચ્ચે ઘેરાયેલા રવીન્દ્રનાથનો વિચાર કરતાં ખેદ થાય છે. તદુપરાંત તે એક સંસ્થાનનો પાઠ પણ ભજવતા અને સમગ્ર દમનગ્રસ્ત રાષ્ટ્રની ચિંતામાં સહભાગી થતા. આ આગવી પરિસ્થિતિને કારણે તે ઘણું બધું પોતાને માથે લેતા અને ઘણું અનાવશ્યક લખતા. અસંખ્ય જાહેર પ્રસંગે તે ઉપલબ્ધ હતા. એેમના પોતાના જેવા કલ્પનાશીલ અને ઉપાયચતુર માણસ માટે પણ એમણે માથે લીધેલી જવાબદારીઓ વધુ પડતી હતી.

તે ટૂંકી વાર્તા અને નવલકથા લખતા, ગદ્ય અને પદ્યમાં નાટક લખતા, નિબંધો, પ્રવાસ પુસ્તકો, પાઠ્યપુસ્તકો, ઉપદેશો, જોડકણા, હાસ્યાસ્પદ લેખો અને અલબત્ત કવિતા - હંમેશા કવિતા લખતા. એેમણે લખ્યું છે ઈતિહાસ, ધર્મ, કેળવણી, સૌંદર્ય અને કાવ્યશાસ્ત્ર વિષે અને સામાજિક અને રાજકીય પ્રશ્નો વિષે. તે હંમેશા લખતા જ રહ્યા, રોજ લખતા જ રહ્યા, જાણે શબ્દોમાં વહેતા જ રહ્યા - મુશ્કેલની મંત્રમુગ્ધતાથી થતા ત્રાસ કે ભાવહીનતાની વ્યથા જાણ્યા વિના! તે જે કાંઈ લખતા તેમાં એેમનો સુવર્ણ સ્પર્શ રહેતો જે એેમના સિવાય બીજું કોઈ પણ બંગાળી ભાષાને આપવા અસમર્થ હતું. એેમના લખાણોનો સારો એવો ભાગ પત્રોનો છે જે અગણિત છે અને હજી ઘણા પ્રગટ થવાના બાકી પણ છે. તમે કદાચ જાણતા હશો કે એેમણે બે હજારથી વધુ ગીતો લખ્યાં છે અને તેમને સ્વરાંકિત પણ કર્યાં છે. આ બધાં હવે બંગાળના રોજીંદા જીવનનો એક અવિભાજ્ય ભાગ બની ચૂક્યાં છે. આ ગીતો હવે રેડિઓ, સિનેમા, અસંખ્ય શાળાઓ અને સંસ્થાનોના માધ્યમ દ્વારા પ્રચલિત થતાં જાય છે. બંગાળની બીજી પેઢી, જે રવીન્દ્રનાથના સાહિત્યિક વારસાના સહજ ઉપભોક્તા છે, તેમને રવીન્દ્રનાથનો ઊંડો પરિચય મુખ્યત્વે એેમના આ ગીતો દ્વારા જ થયો છે. હું તો એટલે સુધી કહું છું કે એક બંગાળી જે રીતે અનુભવે છે, જે રીતે વર્તે છે, તેમાં પણ એેમના આ ગીતોનું પ્રદાન છે. એેમના ગદ્ય અને પદ્યમાં સતત બંગાળના ઋતુચક્ર અને પ્રાકૃતિક દૃશ્યોનું પ્રતિપાદન થતું. એેમણે ભાવ જગાડયો છે એેમના યૌવન અને પરિપક્વ જીવનના પૂર્વ બંગાળના નદી સિંચિત મેદાનો અને તેની હરિયાળીનો તેમ જ છેક છેડે આવેલા પશ્ચિમ બંગાળના સૂકા, લાલ માટીવાળા મેદાનોનો જ્યાં તે ધીરે ધીરે અને સૌંદર્યપૂર્ણ રીતે વયોવૃદ્ધ થયા. એેમના અનેક પ્રવાસો છતાં એેમનાં પ્રવાસ પુસ્તકો સિવાય એેમના સાહિત્યમાં તે બંગાળની બહાર ખાસ ગયા નથી. વિદેશી પ્રદેશોની યાદો તેમની કવિતાના કલ્પનોમાં દેખા દેતી નથી. માત્ર એક જ વાર એેમણે એક દૃશ્ય ભારતની બહારનું લીધું છે. હૈદરાબાદ, બનારસ અને શિલોંગ જેવા નગરો ક્વચિત્‌ દેખાય પણ બહુધા એેમની નવલકથા કે ટૂંકી વાર્તામાં બંગાળના જ દૃશ્યો દેખાય છે. એેમના બે હજારથી વધારે ચિત્રો એેમનું એક વધુ અને નવું પાસું પ્રસ્તુત કરે છે. મને નથી લાગતું કે એેમના ચિત્રોની નોંધનીય અસર થઈ હોય પણ બંગાળની અનેક પેઢીઓએ એેમના હસ્તાક્ષરમાં રવીન્દ્રનાથના હસ્તાક્ષરની નકલ કરવાનો પ્રયત્ન કર્યો છે. એમના ચિત્રો એેમની હસ્તપ્રતોમાંના છેકામાંથી ઉદ્‌ભવ્યા છે. એેમના સુંદર અને સપ્રમાણ હસ્તાક્ષર જોવામાં આનંદ આવતો અને તેનાથી બંગાળી લિપિ ત્રાંસામાંથી વળાંકવાળી થઈ ગઈ. એમણે અમારા રોજીંદા જીવનના ભાષા અને શિષ્ટાચારમાં સુધારો કર્યો, અમારી માતૃભાષાને પ્રેમ કરતાં અને સન્માન આપતાં શીખવ્યું, અમારા હસ્તાક્ષરનું પણ રૂપાંતર કર્યું. જો આધુનિક બંગાળી સંસ્કૃતિ જેવી કોઈ ચીજ હોય - હું માનું છું કે તે છે! - તો તેનો આધાર રવીન્દ્રનાથ છે એમ હું કહું તો તમને આશ્ચર્ય ન થવું જોઈએ.

એેમની બીજી પ્રવૃત્તિઓ પ્રતિ તમારું ધ્યાન દોરવાની ભાગ્યે જ જરૂર હોય - શાંતિનિકેતનની શાળા, આંતરરાષ્ટ્રીય દૃષ્ટિકોણ ધરાવતી વિશ્વ ભારતી, રાજકીય ઘટના માટેની એેમની સતત રહેતી ચિંતા, શોષિત વર્ગને ટેકો, સાંસ્થાનિક પ્રશાસનનો વિરોધ ઈત્યાદિ. ‘આ કવિતાની કલામાંથી ચળવા માટે મને બધું જ લલચાવે’ - આ શબ્દો રવીન્દ્રનાથના હોવા જોઈતા હતા! પણ તે બધાંની સાથે કવિતા પણ કરતા રહેતા અને ક્યારેક વર્તમાન વિષયો પણ એેમની કવિતામાં સ્થાન લેતા. એમની માનવતા સભર કરુણાની પણ આપણે નોંધ લેવી જોઈએ. એેમનો એેમના દેશવાસીઓ માટેનો પ્રેમ અને એેમની નાની ક્ષતિઓની હળવી મશ્કરી કરવાની એમની રીત યાદ કરવી જોઈએ. એમના પોતાના લોકો માટે એેમને એટલો બધો પ્રેમ હતો કે તેઓ અજાણ્યા અને એમની કવિતામાં જરા પણ રસ ન ધરાવતા કે એેમની પાસેથી કાંઈ પણ ગ્રહણ કરવાની ઈચ્છા ન ધરાવતા લોકો તરફથી પણ ગુરૂદેવનું સંબોધન સ્વીકારતા. એેમની પાછલી વયમાં એેમણે કેટલાય પત્રો માત્ર ‘કવિ’ તરીકે સહી કરીને મોકલ્યા હતા - તેમાં વક્રોક્તિની ઝાંય જરૂર હતી પણ તે જાણતા હતા કે કેટલાય લોકો એેમને આ જ રીતે જાણતા અને સંબોધતા હતા. તે ઘણી વાર ફરિયાદ કરતા કે મૂર્તિપૂજક બંગાળીઓએ એેમને અનેકમાંની એક કઠપૂતળી બનાવી દીધા હતા. છતાં એેમના દેશવાસીઓ માટે તે બહુવિધ પ્રવૃત્તિમાં વ્યસ્ત થતા; એમ કહેવાય કે એમણે એેમની પ્રતિભાને પોતાની દુ:ખી માતૃભૂમિના ખોળે મૂકી દીધી હતી. એેમની રચનાઓની અસમાનતા, એેમની શિથિલ કે પુનરાવર્તિત ક્ષણો અને એમની ક્વચિત્‌ દૃષ્ટિગોચર થતી આવેશપૂર્ણ છટા ધ્યાનમાં લેતા એમ લાગે કે કવિતાથી અસંબદ્ધ ઘણી બાબતે લલચાવાથી એેમણે એેમના અમરત્વના એક અંશનો ભોગ આપ્યો હતો. જો તેમ હોય તો ભારત પર તેમનું એટલું વધારે ઋણ છે.

  1. અહીં ચોક્કસ નોંધવું જોઈએ કે રવીન્દ્રનાથના ગીતાંજલિ પછીના અનુવાદોએ - જે વિરોધી-પરાકાષ્ટા સમાન હતા – તેમની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો. નીચે દર્શાવેલ યેટ્સના ઉદ્ગારો ઉદાહરણીય છે: ‘સ્ટર્જ મૂર અને મેં ત્રણ સરસ પુસ્તકો બહાર પાડવામાં મદદ કરી અને પછી તેમને [રવીન્દ્રનાથને] મહાન કવિ થવા કરતાં અંગ્રેજ થવામાં વધારે રસ પડ્યો અને તેમણે વ્યર્થ ભાવનાત્મક સાહહિત્ય બહાર પાડ્યું અને પોતાની પ્રતિષ્ઠાને ખરાબે ચડાવી.’ (મોટે ભાગે મે ૧૯૩૫માં રોધેન્સ્ટાઈનને લખેલાં પત્રમાંથી – પા. ૮૩૪, લેટર્સ ઓફ ડબ્લ્યુ. બી. યેટ્સ, હાર્ટ ડેવિસ, લંડન, ૧૯૫૪). યેટ્સ આગળ લખે છે, ‘રવીન્દ્રનાથ અંગ્રેજી નથી જાણતા, કોઈ પણ ભરતીય અંગ્રેજી નથી જાણતો. જે ભાષા બાળપણમાં ન શીખ્યા હોય કે બાળપણથી જે ભાષામાં વિચારતાં ન શીખ્યા હોય તે ભાષામાં સંગીતમય શૈલીમાં લખવું અશક્ય છે.’ આંગ્લ-ભારતીયો માટે આ શબ્દો પચાવવા અઘરા છે પણ રવીન્દ્રનાથ આ વિધાનના બીજા ભાગ સાથે સંપૂર્ણપણે સંમત થયા હોત.
  2. રવીન્દ્રનાથની પાશ્ચાત્ય ખ્યાતિની પાછળ કામ કરી રહેલા રાજકીય પરિબળોની વાત કરવા હું નથી માંગતો પણ પહેલા વિશ્વયુદ્ધ પછી જર્મન પ્રજાએ એેમને આપેલું માન એ ભૂતપૂર્વ શત્રુના શત્રુને અપાતું માન હતું. એક પ્રશંસકે ૧૯૨૧માં લખ્યું હતું: ક્કજર્મનીમાં રવીન્દ્રનાથના આગમનથી એક બુદ્ધિહીન ખળભળાટ મચી ગયો છે . . . કે પછી રાજકારણી તુક્કો . . . જનતા એેમને જર્મનીની મહાનતાના . . . અને શત્રુઓએ તેના પર કરેલા ઘોર અન્યાયના સાક્ષી તરીકે બીરદાવવા માંગે છે. ઘણાંને એમ લાગે છે કે એક હિન્દુસ્તાની માટે આ અશક્ય છે અને તેઓ રવીન્દ્રનાથના પ્રશંસકોની એક વિદેશીને આદરભાવે જોવા માટે ટીકા કરે છે. તેઓ કહેતા કે વિદેશી નોબેલ પુરસ્કાર વિજેતાને ઢોંગી માનનારા પણ તેને પગે પડતા હતા જ્યારે એેમનાથી ઘણી વધારે લાયકાત ધરાવનારા જર્મનોને આ સન્માન નથી મળ્યું.ક્ર બીજી તરફ શિષ્ટ અને સંસ્કૃત અંગ્રેજોને થતું કે ભારતમાં અંગ્રેજ ગેરવર્તણૂક માટે રવીન્દ્રનાથ થકી બદલો ચૂકવાય છે. યેટ્‌સ આઇરીશ હતા અને રાજકીય દૃષ્ટિએ અંગ્રેજોની સામે હતા. તેમણે નોબેલ પુરસ્કાર જાહેર થતાં પહેલાં, ૧૯૧૨માં, રવીન્દ્રનાથને કોઈ સમિતિમાં લેવા માટે ભલામણ કરી હતી કારણ કે રવીન્દ્રનાથને સન્માનવા એ અંગ્રેજોના દૃષ્ટિકોણથી રાજાશાહીનું શાણું પગલું ગણાશે! અંગ્રેજ અમલદારો માટે રવીન્દ્રનાથમાં એક સ્થાયી મિત્રની અપેક્ષા હતી; તેઓ માનતા હતા કે એક ભારતીયને મળેલો નોબેલ પુરસ્કાર સાંસ્થાનિક શોષણનો બદલો હતો અને અંગ્રેજ સામ્રાજ્યનું સમર્થન હતું. તેમણે સરનો ખિતાબ આપીને રવીન્દ્રનાથની ખુશામત કરી પણ ૧૯૧૯માં જલિયાનવાલા બાગના હત્યાકાંડના વિરોધમાં જ્યારે રવીન્દ્રનાથે ખિતાબ પાછો આપ્યો ત્યારે કલકત્તાના ધ ઈન્ગ્લીશમેન નામના અખબારે હૃદયમાં રહેલું ઝેર ઓકતા લખ્યું: ક્કઆનાથી કાંઈ જ ફરક નથી પડતો એમ જાણીને રવીન્દ્રનાથ સખેદ આશ્ચર્ય પામશે . . . આ બંગાળી કવિ સર કહેવાશે કે સીધોસાદો બાબુ એનાથી અંગ્રેજ રાજ્ય કે ન્યાયની શાખ, પ્રતિષ્ઠા કે રાજ્યને બે પૈસાનો પણ ફેર પડવાનો નથી.ક્ર રવીન્દ્રનાથની સાહિત્યિક લાયકાતને માટે તે જ વર્તમાનપત્રમાં અહેતુપૂર્ણ હાસ્યાસ્પદ પરિસ્થિતિમાં લખ્યું હતું: ક્કતે(રવીન્દ્રનાથ) કર્નલ ફ્રેન્ક જ્હોન્સન(પંજાબના માર્શલ લૉના વહીવટદાર) કરતાં વધુ વિખ્યાત લેખક નથી!ક્ર બાર વર્ષ પછી પણ બીજા એક અંગ્રેજ વર્તમાનપત્રે બે રાજકીય કેદીઓની હથિયારધારી રક્ષકો દ્વારા હત્યાના વિરોધમાં રવીન્દ્રનાથે લખેલો પત્ર છાપવાની ના પાડી હતી.
  3. આપણે નોંધવું જોઈએ કે આજનું જગત ગુથેના સમય કરતાં વધુ વિસ્તારિત છે અને તેના સાંસ્કૃતિક ઢાંચામાં પણ સુધારાવધારા થયા છે. નૂતન જગત હવે અગ્રસ્થાને છે અને પુરાતન સંસ્કૃતિ પણ નૂતનમાં ઘડાતી જાય છે. તેથી ગુથેના વિચારો ફળી રહ્યા છે તેમાં કાંઈ આશ્ચર્યની વાત નથી. અને આ બધું વિશ્વવિદ્યાલયોમાં બની રહ્યું છે. બધું જ સાહિત્ય એકબીજા સાથે સંકળાયેલું છે એ સિદ્ધાંતનો સ્વીકાર એજ આજે જેને મહાવિદ્યાલયોમાં તુલનાત્મક(comparative) સાહિત્ય કહેવાય છે તેના પાયામાં છે. એક ઐતિહાસિક અને અર્થપૂર્ણ સંદર્ભમાં રવીન્દ્રનાથે આ શબ્દ-સમૂહનો ઉપયોગ ૧૯૦૮માં કર્યો હતો.