રવીન્દ્રપર્વ/૧૧૦. કૃષ્ણકલિ આમિ તારેઇ બલિ

૧૧૦. કૃષ્ણકલિ આમિ તારેઇ બલિ

હું એને જ કહું કૃષ્ણકળી, ગામના લોકો જેને કાળવી કહે. વાદળભર્યા દિવસે મેદાનમાં મેં એ કાળી કન્યાની કાળી હરણી જેવી આંખો જોઈ હતી. એના માથા પર સહેજ સરખોય ઘૂમટો નહોતો, એની મુક્ત લટ પીઠ પર આળોટતી હતી. કાળવી? ભલે ને એ ગમે તેટલી કાળી હોય, મેં તો એની કાળી હરણી જેવી આંખો જોઈ છે. ગાઢ વાદળ છવાયાથી અંધારું થયેલું જોઈને બે કાળી ગાયો ભાંભરતી હતી. તેથી એ શામળી કન્યા ઉતાવળી વ્યાકુળ ઝૂંપડીમાંથી ગભરાઈને બહાર આવી. આકાશ ભણી એની બંને ભ્રમર ઊંચી કરીને એણે થોડી વાર મેઘની ગર્જના સાંભળી. કાળવી? એ ભલે ને ગમે તેટલી કાળી હોય, મેં તો એની કાળી હરણી જેવી આંખો જોઈ છે. એકાએક પૂર્વનો પવન દોડી આવ્યો. ધાનનાં ખેતરને તરંગિત કરી ગયો. હું ક્યારીની ધારે એકલો ઊભો હતો, મેદાનમાં બીજું કોઈ હતું નહીં. એણે મારા ભણી મીટ માંડીને જોયું કે નહીં તે તો હું જ જાણું ને એ કન્યા જ જાણે. કાળવી? એ ભલે ને ગમે તેટલી કાળી હોય, મેં તો એની કાળી હરણી જેવી આંખો જોઈ છે. આમ જ કાળો કાજળવર્ણો મેઘ જેઠ માસમાં ઇશાન ખૂણે ચઢી આવે છે. આમ જ કાળી કોમળ છાયા આષાઢ માસમાં તમાલવનમાં ઢળે છે. આમ જ શ્રાવણની રાતે એકાએક ચિત્તમાં આનંદ ઘનીભૂત થઈ ઊઠે છે. કાળવી? એ ભલે ને ગમે તેટલી કાળી હોય, મેં તો એની કાળી હરણી જેવી આંખો જોઈ છે. હું કૃષ્ણકળી એને જ કહું છું, બીજા લોકોને જે કહેવું હોય તે કહે. મયનાપાડાના મેદાનમાં એ કાળી કન્યાની કાળી હરણી જેવી આંખો જોઈ હતી. એણે માથા પર વસ્ત્રનો છેડો ખેંચી લીધો નહોતો, એને તો લજ્જા પામવાનો અવકાશ પણ ન મળ્યો. કાળવી? એ ભલે ને ગમે તેટલી કાળી હોય, મેં તો એની કાળી હરણી જેવી આંખો જોઈ છે. (ગીત-પંચશતી)