રવીન્દ્રપર્વ/૧૧૯. કેન બાજાઓ કાઁકન

૧૧૯. કેન બાજાઓ કાઁકન

તું આમ રમત કરતી કેમ કંકણ રણકાવ્યા કરે છે? કનકકળશમાં જળ ભરીને તું ઘેરે પાછી ચાલી આવ. તું શા માટે જળમાં તરંગો ઊભા કરીને છાલક ઉડાડીને રમત રમ્યા કરે છે? તું રમત કરતી કોના તરફ ક્ષણે ક્ષણે ચકિત નયને જોઈ રહી છે? જો, યમુનાને કાંઠે આળસમાં નાહક કેટલી વેળા વીતી ગઈ! હાસ્યભર્યા તરંગો રમતમાં કલસ્વરે છાનુંછપનું કશુંક કહી રહ્યા છે. જો, નદીને સામે કાંઠે આકાશને કિનારે વાદળોનો મેળો જામ્યો છે. એ બધાં રમતમાં હસીને તારા મુખભણી જોઈ રહ્યાં છે. (ગીત-પંચશતી)