રવીન્દ્રપર્વ/૧૪૬. પ્રાણેર રસ

૧૪૬. પ્રાણેર રસ

મારી આ આટલી માત્ર વેળા
ઊડી જાય છે.
ક્ષણજીવી પતંગિયાની જેમ
સૂર્યાસ્ત વેળાના આકાશે
રંગીન પાંખોની છેલ્લી રમત ચૂકવી દેવા,
વૃથા કશું પૂછશો નહીં.

વૃથા લાવ્યા છો તમે તમારા અધિકારનો દાવો.
હું તો બેઠો છું વર્તમાનની પીઠ કરીને.
અતીતની તરફ નમી પડેલા ઢાળવાળા તટપર
અનેક વેદનામાં દોડતા ભટકતા પ્રાણ
એક દિવસ લીલા કરી ગયા
આ વનવીથિની શાખાઓથી રચાઈ
પ્રકાશછાયામાં.

આશ્વિનની બપોર વેળાએ
આ લહેરાતા ઘાસની ઉપર,
મેદાનની પાર, કાશના વનમાં,
પવનની લહરે લહરે ઉચ્ચારાતી સ્વગતોક્તિ
ભરી દે છે મારી જીવનવીણાની ન્યૂનતાને

જે સમસ્યાજાળ
સંસારની ચારે દિશાએ ગાંઠે ગાંઠે વીંટળાઈ વળી છે
તેની સર્વ ગૂંચ ઊકલી ગઈ છે.
ચાલ્યા જવાના પથનો યાત્રી પાછળ મૂકી જતો નથી
કશો ઉદ્યોગ, કશો ઉદ્વેગ, કશી આકાંક્ષા,
કેવલ વૃક્ષનાં પાંદડાંઓનાં કમ્પનમાં
આટલી વાણી રહી ગઈ છે. —
તેઓ પણ જીવતાં હતાં,
તેઓ નથી એનાથીય વિશેષ સાચી આ વાત.

કેવળ આજે અનુભવને લાગે છે
તેમનાં વસ્ત્રના રંગનો આભાસ,
પાસે થઈને ચાલ્યા જવાનો વાયુસ્પર્શ,
જોઈ રહેવાની વાણી,
પ્રેમનો છન્દ —
પ્રાણગંગાની પૂર્વમુખી ધારામાં
પશ્ચિમ પ્રાણની જમુનાનો સ્રોત.
(શ્યામલી)