રવીન્દ્રપર્વ/૧૫૯. આત્મપરિચય

૧૫૯. આત્મપરિચય

સ્વાગતમ્ | હું પૃથ્વીનો કવિ છું, પૃથ્વીના જે જે તાર રણઝણી ઊઠે છે તેનો પ્રતિધ્વનિ મારી બંસીના સૂરમાં પડે છે. પણ એના બધા જ ઝંકાર મારી બંસીએ ઝીલ્યા નથી તે હું જાણું છું. માણસના અન્તરમાં પ્રવેશ મેળવવો સૌથી દુર્ગમ છે. એના અન્તરમાં જાતને સાવ ઓગાળી દઈને અન્તરમય ન થઈએ ત્યાં સુધી એનું પ્રવેશદ્વાર આપણે માટે નહીં ખૂલે. માનવસમાજના ઉચ્ચ મંચ પર બેસીને સાંકડી બારીમાંથી મેં જોયું છે. કવિતાના હાટમાં નકલી માલનું જરાય ચલણ નથી. હું મારા સૂરની અપૂર્ણતા સ્વીકારી લઉં છું. અનેક માર્ગે મારી કવિતાએ વિહાર કર્યો છે. છતાંય, એ સર્વત્રગામી તો નથી બની. સાચું મૂલ્ય ચૂકવ્યા વિના સાહિત્યમાં ખ્યાતિની ચોરી કરવી તે તો ઠીક નથી. માટે હે અખ્યાત જનના, નિર્વાક્ મનના કવિ, હું તને સાદ દેતો જાઉં છું. આ પ્રાણહીન દેશની ચારે દિશા અવજ્ઞાના તાપથી શુષ્ક, નિરાનન્દ મરુભૂમિ બની ગઈ છે. એને તું રસથી પૂર્ણ કરી દેજે. એના અન્તરમાં જે ોત રુંધાઈને પડ્યો છે તેનો તું ઉદ્ધાર કરજે. સાહિત્યની સંગીતસભામાં જેને માથે એકતારો બજાવવાનું આવ્યું છે તેનું પણ અસમ્માન ન થાઓ. જે લોકોનાં સુખદુ:ખને વાચા નથી, જે લોકો વિશ્વસમ્મુખે નતશિર થઈને ઊભા છે, જેઓ પાસે છતાં બહુ દૂર રહી ગયા છે, તેમની વાણી સૌને સંભળાય એવું કરજે. તું એ સૌનો જ થઈને રહે. જેથી તારી ખ્યાતિ તે એમની ખ્યાતિ બની રહે. હે કવિ, હું તને નમસ્કાર કરું છું.