રવીન્દ્રપર્વ/૧૭૦. દાન

૧૭૦. દાન

હે પ્રિય, આજે આ પ્રભાતે મારે હાથે તમને શેનું દાન દઉં? પ્રભાતના ગીતનું? પ્રભાત તો પોતાની જ દાંડી પર સૂર્યનાં તપ્ત કિરણોથી કરમાઈ જાય છે. થાકેલા ગીતનું અવસાન થાય છે. હે સખા, દિવસને છેડે મારે દ્વારે આવીને તમે શું ચાહો છો? તમને શું આણી દઉં? સાન્ધ્યદીપ? એ દીપનો પ્રકાશ તો નિર્જન ખૂણાનો — સ્તબ્ધ ઘરનો. તમારા ચાલવાના માર્ગે એને જનતા વચ્ચે લઈ જવા ઇચ્છો છો? હાય, એ તો રસ્તાના પવનથી બુઝાઈ જાય છે. મારામાં એવી શકિત ક્યાં છે કે તમને ઉપહાર દઉં? એ ફૂલ હોય કે ગળાનો હાર હોય એક દિવસ એ જરૂર સુકાઈ જ જશે, મ્લાન છિન્ન થઈ જશે ત્યારે એનો ભાર તમે શા સારુ સહેશો? મારી પાસેથી તમારા હાથમાં જે કાંઈ મૂકીશ તેને તમારી શિથિલ આંગળી ભૂલી જશે. ધૂળમાં સરી પડીને અંતે ધૂળ થઈ જવાનું છે. એના કરતાં તો કોઈ વાર ઘડીભર અવકાશ મળે ત્યારે વસન્તે મારા પુષ્પવનમાં અન્યમનસ્ક બનીને ચાલતાં ચાલતાં અજાણી ગુપ્ત ગન્ધના હર્ષથી ચમકીને થંભી જશો તો પથ ભૂલ્યો તે ઉપહાર એ જ તમારો થશે. મારી વીથિકામાં થઈને જતાં જતાં આંખે નશો ચઢશે, સન્ધ્યાના કેશપાશમાંથી ખરી પડેલું એક રંગીન પ્રકાશકિરણ થરથર કંપતું સ્વપ્નોને પારસમણિનો સ્પર્શ કરાવી જતું એકાએક તમારી નજરે પડશે. એ કિરણ એ અજાણ્યો ઉપહાર એ જ તો તમારો છે. મારું જે શ્રેષ્ઠ ધન તે તો કેવળ ચમકે છે ને ઝળકે છે, દેખા દે છે, ને પલકમાં અલોપ થાય છે. એ પોતાનું નામ કહેતું નથી, માર્ગને પોતાના સૂરથી કંપાવી દઈને ચકિત નૂપુરે એ તો ચાલ્યું જાય છે. ત્યાંનો માર્ગ હું જાણતો નથી — ત્યાં નથી પહોંચતો હાથ કે નથી પહોંચતી વાણી, સખા! ત્યાંથી સ્વેચ્છાએ તમે જે જાતે પામશો તે ન ચાહવા છતાં, ન જાણવા છતાં એ ઉપહાર તમારો જ હશે. હું જે કાંઈ દઈ શકું તે દાન તો સામાન્ય — પછી એ ફૂલ હોય કે ગીત હોય. (બલાકા)
(એકોત્તરશતી)