રવીન્દ્રપર્વ/૧૭૨. ખોવાઈ જવું

૧૭૨. ખોવાઈ જવું

મારી નાની દીકરી બહેનપણીઓનો સાદ સાંભળતાં જ સીડીએ થઈને ભોંયતળિયે ઊતરતી હતી, અન્ધકારમાં બીતી બીતી, થોભતી થોભતી. હાથમાં હતો દીવો, પાલવની આડશે રાખીને સાચવી સાચવીને ચાલતી હતી. હું હતો અગાશીમાં તારાભરી ચૈત્ર માસની રાતે. એકાએક દીકરીનું રડવું સાંભળીને ઊઠીને દોડતો જોવા ગયો. જતાં જતાં સીડીની વચ્ચે એનો દીવો પવનથી હોલવાઈ ગયો છે. હું એને પૂછું છું, ‘બામી, શું થયું છે?’ એ નીચેથી રડતી રડતી કહે છે, ‘હું ખોવાઈ ગઈ છું.’ તારાભરી ચૈત્રમાસની એ રાતે અગાશીમાં પાછા જઈને આકાશ ભણી જોતાં મને થયું: મારી કન્યાના જેવી જ કોઈ બીજી કન્યા નીલામ્બરના પાલવ ઓથે દીપશિખાને જાળવીને ધીમે ધીમે એકલી જાય છે. જો એનો દીવો બુઝાઈ જાત ને જો એ એકાએક અટકી જાત તો આકાશને ભરી દઈને રડી ઊઠત: ‘હું ખોવાઈ ગઈ છું.’ (બલાકા)
(એકોત્તરશતી)