રવીન્દ્રપર્વ/૧૭૫. આશંકા

Revision as of 09:12, 5 October 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૭૫. આશંકા| }} {{Poem2Open}} મને પ્રેમનું મૂલ્ય બે હાથ ભરીને જેમ જેમ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૧૭૫. આશંકા

મને પ્રેમનું મૂલ્ય બે હાથ ભરીને જેમ જેમ વધારે ને વધારે દઈશ તેમ તેમ મારા અન્તરની આ ઊંડી વંચના આપોઆપ ખુલ્લી નહીં પડશે કે? એના કરતાં તો ઋણના રાશિને ઠાલવી દઈને ખાલી હોડી ન લઈ જાઉં? ભૂખથી પીડાતા રહેવું તેય સારું, સુધાથી ભરેલું તારું હૃદય પાછું લઈને ચાલી જા. રખે ને મારી પોતાની વ્યથા દૂર કરવા જતાં તારા ચિત્તમાં વ્યથા જગાડી બેસું; રખે ને મારો પોતાનો બોજો હળવો કરવા જતાં તારા પર બોજો લાદી બેસું; રખે ને મારા એકાકી પ્રાણના ક્ષુબ્ધ સાદથી તને રાતે જાગતી રાખું; — આ બીકનો માર્યો જ મનની વાત ખોલીને કરી શકતો નથી. જો ભૂલી શકે તો તું એ ભૂલી જાય એ જ સારું. હું નિર્જન માર્ગે ચાલ્યો જતો હતો, ત્યાં તું મારા મુખ ઉપર દૃષ્ટિ કરતી આવી. મનમાં હતું કે તને કહું: ‘સાથે ચાલ, મારી સાથે કશીક વાત કર.’ પણ તારા મુખ ભણી જોતાં, કોણ જાણે શાથી, મને મનમાં ભય લાગ્યો. તારા પ્રાણની મધ્યરાત્રિના અન્ધકારને ઊંડે તળિયે મેં સૂતેલા અગ્નિને સંતાઈને બળતો જોયો હતો. તપસ્વિની, જો હું તારા તપની શિખાને એકાએક જગાવી બેસું, તો એના જ દીપ્ત પ્રકાશમાં આવરણ ખસી જતાં મારું દૈન્ય પ્રગટ થઈ જશે. તારા પ્રેમના હોમાગ્નિમાં હવિ થાય એવું મારી પાસે આપવા જેવું શું છે? તેથી જ તો હું તને નતશિરે કહું છું કે તારા દર્શનની સ્મૃતિ લઈને હું એકલો પાછો ફરીશ. (પૂરબી)
(એકોત્તરશતી)