રવીન્દ્રપર્વ/૨૦૨. મેઘદૂત


૨૦૨. મેઘદૂત

આજે સવારથી જ વાદળ થયાં છે. ચારે બાજુ ધૂંધળું ધૂંધળું લાગે છે. જેને ઘનઘોર ઘટા કહીએ તેવું નથી. જે દિવસે મેઘદૂત લખાયું હતું તે દિવસે પહાડ ઉપર વીજળી ચમકતી હતી. તે દિવસના નવવર્ષાના આકાશમાં ચાલવાની વાત જ પ્રધાન હતી. દિગન્તથી તે બીજા દિગન્ત સુધી વાદળો દોડ્યે જતાં હતાં. તોફાની પવન ‘શ્યામજમ્બુવનાન્ત’ને ઝુલાવતો ફુંકાતો હતો; તે દિવસે યક્ષનારી બોલી ઊઠી હતી. ‘ઓ મા, આજે તો પહાડ સુધ્ધાં ઊડવા લાગ્યા કે શું!’ તેથી જ મેઘદૂતમાં જે વિરહ છે તે ઘરમાં બેસી રહેનારો વિરહ નથી, એ તો ઊડીને ચાલ્યો જનારો વિરહ છે. તેથી જ એમાં દુ:ખનો ભાર નથી એમ કહેવું પડશે; એટલું જ નહીં, એમાં મુક્તિનો આનન્દ પણ રહ્યો છે. પ્રથમ વર્ષાધારાએ જે પૃથ્વીને ઉચ્છલ ઝરણાએ, ઉદ્વેલ નદીોતે, મુખરિત વનવીથિકાએ સર્વત્ર જગાડી દે છે તે પૃથ્વીની વિપુલ જાગૃતિના સૂરે લયે યક્ષની વેદના મન્દાક્રાન્તા છન્દે નૃત્ય કરતી કરતી ચાલી જાય છે. મિલનને દિવસે મનની સામે આટલી મોટી વૈવિધ્યભરી પૃથ્વીની ભૂમિકા નહોતી — નાનો સરખો એનો વાસકક્ષ, — એકાન્ત — પણ વિચ્છેદ તો નદી ગિરિ ને અરણ્યશ્રેણીમાં મુક્ત થઈ ગયો છે. તેથી જ મેઘદૂતમાં ક્રન્દન નથી, ઉલ્લાસ છે. યાત્રા જ્યારે પૂરી થઈ ને મન જ્યારે કૈલાસ પહોંચ્યું ત્યારે જાણે ત્યાંના નિશ્ચલ નિત્ય ઐશ્વર્યમાં જ વ્યથાનું રૂપ જોવા મળ્યું — કારણ કે ત્યાં કેવળ પ્રતીક્ષા જ છે. આમાં એક સ્વતોવિરુદ્ધ તત્ત્વ આપણને દેખાય છે. અપૂર્ણ યાત્રા કરીને જઈ રહ્યું છે પૂર્ણ તરફ — એ ચાલે છે માટે જ એનો વિચ્છેદ પગલે પગલે એક પ્રકારનો ગભીર આનન્દ પામે છે, પણ એ પરિપૂર્ણ છે તેને ચાલવાનું છે નહીં, એ ચિરકાળથી પ્રતીક્ષા કર્યા કરે છે. એનાં નિત્ય પુષ્પ ને નિત્ય દીપાલોકની વચ્ચે એ નિત્ય એકાકી, તેથી એ જ યથાર્થ વિરહી. સૂર બાંધતા હોઈએ ત્યારેય વીણામાં સંગીતની ઉપલબ્ધિ ધીમે ધીમે થતી જાય છે, પણ અગીત સંગીત અસીમ અવ્યક્તિમાં રહીને માત્ર રાહ જ જોયા કરે. જે અભિસારિકા તેની જ જીત, કેમ કે આનન્દથી એ કાંટાને કચડીને ચાલી જાય. પણ વૈષ્ણવ અહીં આપણને અટકાવીને કહેશે કે જેને માટે અભિસાર છે તે પણ થંભીને ઊભા રહ્યા નથી. સદાકાળ એમની બંસી બજ્યા કરે છે — પ્રતીક્ષાની બંસી. તેથી જ અભિસારિકાનું ચાલવું અને વાંછિતનું આહ્વાન: એ બેનો પગલે પગલે મેળ થતો જાય છે. તેથી જ નદી વહે છે યાત્રાના સૂરે, સમુદ્ર આન્દોલિત થઈ ઊઠે છે આહ્વાનના છન્દે. વિશ્વવ્યાપી વિચ્છેદની મહેફિલ મિલનના ગીતથી જ બરાબર જામે છે. આમ છતાં, પૂર્ણઅપૂર્ણનું મિલન કદી વાસ્તવમાં સંભવતું નથી, એ સંભવે છે ભાવમાં. વાસ્તવમાં જો એ મિલન થતું હોત તો સૃષ્ટિ રહેત જ નહીં, કારણ કે ચિર અભિસાર અને ચિર પ્રતીક્ષાનું દ્વન્દ્વ એ જ સૃષ્ટિની મર્મકથા છે. ઉત્ક્રાન્તિ(ેંવેંલ્ુત્ોંન્િં)નો મર્મ જ એ. જવા દો, મારે કહેવું હતું એમ કે વાદળભર્યો દિવસ તે મેઘદૂતનો દિવસ નથી, એ તો અચલતાનો દિવસ, વાદળ ચાલે નહીં, પવન વાય નહીં, વૃષ્ટિધારામાં પણ ગતિ હોય એવું લાગતું નથી, ઘૂમટાની જેમ એ દિવસનું મુખ ઢાંકી બેઠી છે. પ્રહરો વીતતા નથી, વખત કેટલો થયો છે તેય કળી શકાતું નથી. સુવિધા માત્ર એટલી કે ચારે બાજુ વિશાળ મેદાન છે, અવારિત આકાશ છે ને પ્રશસ્ત અવકાશ છે. ચંચળ કાળનું પ્રબળ રૂપ જોયું છે ખરું, પણ આજે તો અચંચલ દેશનું બૃહત્ રૂપ જોઈ રહ્યો છું, શ્યામા જોવામાં આવી નથી, પણ શિવનાં દર્શન તો થયાં છે. (સંચય)