રવીન્દ્રપર્વ/૨૦૬. વર્ષાનો એક મધ્યાહ્ન


૨૦૬. વર્ષાનો એક મધ્યાહ્ન

પ્લેટિનમની વીંટીમાં જડેલો હીરો જાણે — આકાશમાં દિશાઓના છેડાને ઘેરી લઈને વાદળાં જામ્યાં છે. એની વચ્ચેથી ફાંકમાં થઈને તડકો પડે છે પરિપુષ્ટ શ્યામલ પૃથ્વી પર. આજે હવે વરસાદ નથી, સૂસવાટા કરતો પવન વાય છે, સામેના પીપળાનાં પાંદડાં કંપે છે; અને દૂર ઉત્તરના મેદાનમાંની મારી પંચવટીના લીમડાની ડાળે ડાળે આન્દોલન ચાલી રહ્યું છે, એની પાછળ ઊભું છે એકાકી તાડનું ઝાડ, એના માથા પર એકસરખો બકબકાટ ચાલી રહ્યો છે. અત્યારે અઢી થયા હશે. અહીં મારે તો ફરી દૃશ્યપરિવર્તન થયું છે — ઉદયનને બીજે માળે બેઠકના ઓરડાની પશ્ચિમ તરફ જે નાવણી હતી તેને પ્રમોશન આપીને બેઠકની ઓરડી બનાવી દીધી છે. એની પાસેના છજામાં ખાસું મોટું ટેબલ પસારીને બેઠો છું. પાછળ દક્ષિણ દિશાનું આકાશ, સામે ઉત્તર દિશાનું. આષાઢ માસનો સ્નાનનિર્મલ સ્નિગ્ધ મધ્યાહ્ન આ બંને બાજુની ખુલ્લી બારીમાં થઈને મારા આ નિર્જન ઘર વચ્ચે આવીને ઊભો છે. મનમાં ને મનમાં વિચારું છું કે આવે દિવસે બહુ પહેલાના દિવસનો એક આભાસ ચિદાકાશના દિક્પ્રાન્તે કોઈક અદૃશ્ય ગોવાળની જેમ મૂલતાને શાને બંસી બજાવી ઊઠે! આવો દિવસ જાણે વર્તમાનની કશી જવાબદારીને સ્વીકારતો નથી, એને મન કશું જાણે જરૂરી છે જ નહીં. જે બધા દિવસો સાવ ચાલી ગયા છે તેની જેમ આ પણ વર્તમાન અને ભવિષ્ય સાથેના બન્ધનને છેદી નાંખીને ઉદાસી થઈને રહે છે, કોઈ આગળ એને કશો જવાબ આપવાપણું જાણે છે જ નહીં. પણ આ અતીત વસ્તુત: કોઈ કાળે હતો જ નહીં, જે હતો તે તો વર્તમાન — એની પીઠ પર લાદીને જે બધી ક્ષણો હારબંધ ચાલી જતી હતી તેનો એને હિસાબ આપવો પડ્યો હતો. ‘ગઈ કાલ’ કહીને જે ભૂતકાળને ઓળખીએ છીએ તે આજે જ છે, ગઈ કાલે એ હતો જ નહીં. એ સ્વપ્નરૂપી, વર્તમાનની ડાબી બાજુએ એ બેસી રહે છે. મધુર થઈ ઊઠવામાં એને કશો ઝાઝો ખરચ કરવો પડતો નથી. આથી વર્તમાનમાં જ્યારે કોઈ એક દિવસનો વિશુદ્ધ સુન્દર ચહેરો જોઉં છું ત્યારે કહું છું કે એ અતીત કાળનો વેશ ધરીને આવ્યો છે. પ્રેયસીને કહીએ છીએ કે તું તો મારી જન્માન્તરની પરિચિતા, એટલે કે એવા સમયથી પરિચિત જે સમય સર્વ સમયથી અતીત, જે સમયમાં સ્વર્ગ, જે સમયમાં સત્યયુગ, જે સમય ચિર અનાયત્ત. આજનો આ સોનાથી પન્નાથી છાયાથી પ્રકાશથી વિજડિત સુગભીર અવકાશના મધુથી ભરેલો મધ્યાહ્ન સુદૂર વિસ્તૃત લીલાછમ મેદાનની ઉપર વિહ્વળ થઈને પડ્યો છે, એની અનુભૂતિમાં એક વેદના એ રહી છે કે એને પામી શકાતો નથી, સ્પર્શી શકાતો નથી, સંગ્રહી શકાતો નથી, એટલે કે એ છે છતાં નથી. તેથી જ તો એને એક દૂરના અતીતની ભૂમિકા પર જોઉં છું. આ અતીતની જે માધુરી તે વિશુદ્ધ; એ અતીતમાં જે ખોઈ બેઠાનો નિ:શ્વાસ નાંખું છું તેની સાથે એવુંય ઘણું ચાલી ગયું છે જે સુન્દર નહોતું, સુખકર નહોતું. પણ એ બધું અતીત નથી, એ બધું તો વિનષ્ટ; જે સુન્દર અને જે સુખકર તે જ ચિર અતીત, તે કોઈ દિવસ મરતું નથી, છતાં એમાં અસ્તિત્વનો કશો ભાર વરતાતો નથી. આજનો આ દિવસ એ જ પ્રકારનો છે, એ છે છતાં નથી. આ મધ્યાહ્ન ઉપર વિશ્વભારતીનો કશો હક નથી, એ ગૌડ સારંગનો આલાપ, પૂરો થતાં હિસાબની ખાતાવહીમાં કશો આંકડો પાડી શકાય નહીં. (સંચય)