રવીન્દ્રપર્વ/૪૦. સુન્દર તમે આવ્યા

૪૦. સુન્દર તમે આવ્યા

સુન્દર તમે આવ્યા’તા આજ પ્રભાતે
અરુણવરણ પારિજાત ધરી હાથે.

નિદ્રિત પુરી, પથિક કોઈ ના પથે,
ચાલી ગયા તમે એકલા સુવર્ણરથે,
બારીએ મારી ઘડીક થંભી જૈને

જોયું હતું તમ કરુણ નયનપાતે
સુન્દર, તમે આવ્યા’તા આજ પ્રભાતે.

આ શી સુવાસે સોણલાં મારાં મઘમઘી ઊઠ્યાં આજે,
અંધાર મારા ઘરનો આ તે પુલકિત શા હરખે,
ધૂળમાં લોટતી નીરવ મારી આ વીણા
બજી ઊઠી આજે અનાહત શા આઘાતે.

ઘણુંય મને મનમાં થયું જે બસ, હું જાગી જાઉં,
આળસ છોડી બહાર આવી મારગે દોડી જાઉં,
ઊઠી હું જ્યારે, ચાલી ગયા તમે ત્યારે

ના થયાં દર્શન ઓળખ તમારી સાથે
સુન્દર, તમે આવ્યા’તા આજ પ્રભાતે.
(ગીતાંજલિ)