રવીન્દ્રપર્વ/૪૮. સ્વપ્ન

૪૮. સ્વપ્ન

દૂરે બહુ દૂરે
સ્વપ્નલોકે ઉજ્જયિનીપુરે
ક્ષિપ્રાનદીતટે ગયો’તો હું શોધવાને
મારી પૂર્વજનમની પ્રથમા પ્રિયાને.
મુખે એને લોધ્રરેણુ, નીલપદ્મ હાથે,
કર્ણમૂળે કુન્દકળી, કુરબક માથે;
નીવીબન્ધે બાંધ્યું રક્તામ્બર તનુ દેહે
ચરણે નૂપુરદ્વય રણઝણી ઊઠે.

વસન્તને દિને
મારગ શોધતો ભમ્યો’તો હું દૂર દૂરે.

મહાકાલના મંદિર મહીં
ત્યાં ગભીર સૂરે થતી હતી સન્ધ્યારતિ.
જનશૂન્ય પણ્યવીથિ, ઊંચે દિયે દેખા
અંધારા હર્મ્યની પરે સન્ધ્યારશ્મિરેખા.

પ્રિયાનું ભવન
બંકિમ સંકીર્ણ પથે દુર્ગમ નિર્જન.

દ્વારે આંક્યા શંખચક્ર, એની બન્ને બાજુ
ઊછેર્યાં છે પુત્રસ્નેહે શિશુ નીપતરુ.
તોરણના શ્વેત સ્તમ્ભે ઊભી
સિંહની ગમ્ભીર મૂર્તિ જાણે દમ્ભભરી.

પ્રિયાની કપોતજોડી પાછી વળી ઘરે
મયૂર નિદ્રામાં મગ્ન સ્વર્ણદણ્ડ પરે
સાન્ધ્યલક્ષ્મી સમ સાન્ધ્યતારક લૈ કરે.
અંગની કુસુમગન્ધ, કેશધૂપવાસ-
ઢાળ્યો એણે અંગે મારે વિહ્વલ નિ:શ્વાસ.
દેખાઈ ત્યાં અર્ધચ્યુતિ વસન-અન્તરે
ચન્દનની પત્રલેખા વામ પયોધરે.

પ્રતિમાની જેમ ઊભી રહી ત્યાં એ
નગરગુંજનક્ષાન્ત નિસ્તબ્ધ સન્ધ્યાએ.

પ્રિયા જોઈ મને
ધીરે ધીરે દીપકને દ્વારે મૂકી દૈને
આવી ઊભી સામે; મારો હાથ લઈ હાથે
નીરવે કેવળ પૂછ્યું સકરુણ આંખે:
‘હે સખા, કુશળ છે ને?’ જોઈ એનું મુખ
ગયો હું કહેવા કશું, થઈ ગયો મૂક.
ભુલાઈ ગઈ જ ભાષા! અમે બન્ને જણે
યાદ કરી જોયાં નામ, કશુંય ના સ્મરે!
પરસ્પર ભણી જોઈ કર્યો ઘણોયે વિચાર,
નિ:સ્પન્દિત નેત્ર થકી વહૃાાં અશ્રુઓ અપાર.

ક્યાં સુધી વિચાર્યા કર્યું બેસી દ્વારતરુતલે
ના જાણું ક્યારે શા છલે
સુકોમળ કર સંતાડી દીધો ત્યાં એણે
માહરા દક્ષિણ કરે, નીડે વળવા ઉત્સુક
કો સાન્ધ્ય પંખીના જેવો. મુખ એનું ત્યારે
નતવૃન્ત પદ્મસમ વક્ષ પરે મારે
ઢળી પડ્યું ધીરે ધીરે. વ્યાકુલ ઉદાસ
નિ:શબ્દે આવીને ભળ્યા નિ:શ્વાસે નિ:શ્વાસ.
રજનીનો અન્ધકાર —
ઉજ્જયિની કરી દીધી એણે લુપ્ત એકાકાર.
દીપક ત્યાં દ્વારે
ઝંઝાવાતે હોલવાયો, ના જાણું ક્યારે!

ક્ષિપ્રાનદીતીરે
આરતિ વિરમી ગઈ શિવના મન્દિરે.
(કલ્પના)
ગદ્યાનુવાદ એકોત્તરશતીમાં પૃ. ૧૩૨