રવીન્દ્રપર્વ/૫૨. આજે મેઘમુક્ત દિન

૫૨. આજે મેઘમુક્ત દિન

આજે મેઘમુક્ત દિન, પ્રસન્ન ગગન
હસે છે સખાની જેમ, સુન્દર પવન
કરે છે મધુર સ્પર્શ મુખે વક્ષે આંખે
સુપ્ત કોઈ દિગ્વધૂનો અંચલ એ જાણે
ઊડી આવી પડ્યો અંગે, વહી જાય હોડી
પ્રશાન્ત પદ્માના સ્થિર વક્ષ પરે થઈ
તરલ કલ્લોલે અર્ધમગ્ન વેળુ તટ
દૂરે રહૃાો પડી, કોઈ દીર્ઘ જલચર
તડકો ખાય છે જાણે, ભગ્ન ઉચ્ચ તીર,
ઘનચ્છાયા પૂર્ણ તરુ, પ્રચ્છન્ન કુટીર,
વક્ર શીર્ણ પથરેખા ગામમાં થઈને દૂરે
તૃષ્ણાર્ત જિહ્વાની જેમ. ગ્રામવધૂગણ
અંચલ વહાવી જળે આકણ્ઠમગન
કરે છે કૌતુકાલાપ. મુક્ત મિષ્ટ હાસ્ય
જલકલસ્વરે ભળી પામે છે પ્રવેશ
કર્ણે મમ. બેસી એક નૌકા પરે
વૃદ્ધ માછી નત શિરે જાળ ગૂંથ્યા કરે —
સૂર્યની કરીને પીઠ. નગ્ન એનું બાળ
આનન્દે કૂદીને જળે પડે વારંવાર
કલહાસ્યે, ધૈર્યમયી માતાની સમાન
પદ્મા સહી લે છે એનાં મસ્તી ને તોફાન.
હોડીમાંથી સામે જોતાં દેખું બેઉ પાર
સ્વચ્છતમ નીલાભ્રનો નિર્મલ વિસ્તાર,
મધ્યાહ્ન-પ્રકાશપૂરે જલે સ્થલે વને
વિવિધ વર્ણની રેખા. આતપ્ત પવને
તીર-ઉપવન થકી કદી આવે વહી
આમ્રમુકુલની ગન્ધ, કદી રહી રહી
વિહંગનો શ્રાન્ત સ્વર.