રવીન્દ્રપર્વ/૫૪. એક સાંજે

૫૪. એક સાંજે

કાળા અન્ધકારને તળિયે
પંખીનું છેલ્લું ગીત ડૂબી ગયું છે.
પવન થંભી ગયો છે,
ઝાડનું પાંદડુંય હાલતું નથી,
સ્વચ્છ રાત્રિના તારાઓ
જાણે ઊતરી આવ્યા છે.
પુરાતન મહા નિમવૃક્ષના ઝિલ્લિઝંકૃત રહસ્યની સાવ પાસે.
એવે સમયે તેં એકાએક આવેગથી
ધરી લીધો મારો હાથ;
કહ્યું, ‘તમને હું નહિ ભૂલું કદિય.’
દીપહીન વાતાયને
મારી મુખાકૃતિ હતી અસ્પષ્ટ,
એ છાયાના આવરણે
તારા અન્તરતમ આવેદનનો સંકોચ
છેદાઈ ગયો હતો.
એ ક્ષણે તારા પ્રેમની અમરાવતી
વ્યાપી ગઈ અનન્ત સ્મૃતિની ભૂમિકા પર.
એ ક્ષણનાં આનન્દવેદના
બજી ઊઠ્યાં કાળની વીણાએ.
પ્રસારિત થયાં આગામી જન્મજન્માંતર સુધી.
એ ક્ષણે મારો ‘હું’
તારી નિબિડ અનુભૂતિમાં પામ્યો નિ:સીમતા.
તારા કમ્પિત કણ્ઠની વાણી માત્રમાં
સાર્થક થઈ મારા પ્રાણની સાધના.