રવીન્દ્રપર્વ/૮૯. ઓ મંજરી, ઓ મંજરી

૮૯. ઓ મંજરી, ઓ મંજરી

હે મંજરી, હે મંજરી, આમ્રમંજરી! આજે શું તારું હૃદય ઉદાસ થઈને ઝરી જાય છે? મારું ગીત તારી સુગન્ધ સાથે ભળીને દિશાએ દિશાએ ગુંજતું ગુંજતું ફરી ફરીને ફરે છે. પૂણિર્માનો ચન્દ્ર તારી શાખાએ શાખાએ તારી સુગન્ધ સાથે એનું તેજ ભેળવી દે છે. આ દક્ષિણનો પવન સુગન્ધથી ઉન્મત્ત થઈને આગળા તોડી નાખીને ગોળ ગોળ ફરતો બધે ફરે છે. (ગીત-પંચશતી)