લીલુડી ધરતી - ૧/અને વાજાંવાળા ગયા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|અને વાજાંવાળા ગયા|}} {{Poem2Open}} પાદરમાં વાગતાં મોરલીવાજાંના સર...")
 
No edit summary
 
Line 96: Line 96:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = આખરી ગાન
|previous = વાજાંવાળા આવ્યા
|next = સમશેર તારી ભોંઠી પડી રે
|next = શુકન પકવ્યાં
}}
}}

Latest revision as of 06:10, 30 June 2022


અને વાજાંવાળા ગયા

પાદરમાં વાગતાં મોરલીવાજાંના સરોદ સાંભળીને જ ‘અંબાભવાની’માં બેઠેલા રઘાના કાન ચમકી ઊઠ્યા હતા, પણ અત્યારે થડે બેસાડવા માટે કોઈ સ્વયં સેવક હાથવગો ન હોવાથી એ પોતાનું તખત છોડી શક્યો ન હતો. વાજતું-ગાજતું બધું ય માંડવે આવવાનું જ, એવી અટળી શ્રદ્ધાથી એ આ આગંતુકોની રાહ જોઈ રહ્યો હતો. રઘામાં બીજા ગમે તે અવગુણ હશે, પણ એનો એક મોટામાં મોટો ગુણ તો એના દુશ્મનોએ ય કબૂલ કરવો પડતો. એ ગુણ હતો, પારકાને ખાતર ઘસાઈ છૂટવાનો ગુણ.

રઘો પારકી છઠ્ઠીનો જાગતલ માણસ હતો. જે જમાનામાં ‘સેવા’ પ્રવૃત્તિ એક વળતરદાયક વ્યવસાય તરીકે હજી સ્થિર થઈ નહોતી, એ જમાનામાં રઘો એ ગામમાં સ્વયંનિયુક્ત સેવક બની રહેલો. સદ્દગુણદુર્ગુણના વિચિત્ર દ્વંદ્વસમો આ માણસ ગુંદાસરમાં ‘જાગતું પડ’ ગણાતો. કોઈને ઘેર મંદવાડ-સંદવાડ હોય તો રઘો કાળી રાતે પણ હાજર થઈ જાય. બહારગામથી કોઈ અપંગઅભ્યાગત આવે તો રઘો શુશ્રષા કરે જ. ફોજદારથી માંડીને ભવાયા સુધીના આગંતુકના ઉતારા ‘અંબા ભવાની’ને આંગણે જ હોય. આવી ખાતરબરદાસ્ત કરવાનો રઘાને એક પ્રકારનો શોખ પણ હતો. એમ કરવાથી એનામાં રહેલો કોઈક જાગ્રત-અજાગ્રત અહંભાવ પણ પોષાતો હતો. તેથી તો અત્યારે આ અનાથાશ્રમનાં બાળકોને જોતાં જ એણે સાધુઓની મૂંડીની જેમ ઝડપભેર એમનાં માથાં ગણી ​ કાઢ્યાં અને તુરત ચા ઉકાળનાર છનિયાને આદેશ આપી દીધો :

‘એલા, અઢાર કોપ કડક પેસિયલ ઉકાળજે !’

અંબા−ભવાનીમાં દૂધમાં પાણીનો ભેગ કર્યા વિના કદી ચા ન ઉકાળનાર છનિયો આ વરદી સાંભળીને નાંદમાંથી પાણીનો કળશો ભરવા વળ્યો કે તુરત રઘાએ આંખ રાતી કરીને સંભળાવી :

‘ઓલ, નકરા દૂધની મેલ્ય !’

‘તમે તો પેસિયલ કીધી ને ?’ છનિયે સામું પૂછ્યું. સ્પેશિયલ ચહા એટલે આધા દૂધ, આધા પાની, એવો આ હૉટેલનો શિરસ્તો હતો.

‘આજે પ્યૉર પેશિયલ ઉકાળ્ય !’ રઘાએ કરડાકીથી સૂચવ્યું. પોતે આફ્રિકા ફરી આવેલો ત્યાંથી ‘પ્યૉર’ જેવા થોડા અંગ્રેજી શબ્દો શીખી લાવેલો.

છનિયો ચૂલાની ધમણ દાબતો દાબતો બબડ્યો : ‘કીધા વિના ક્યાંથી ખબર્ય પડે ? હું કાંઈ ભગવાન થોડો થઈ આવ્યો છઉં'...’

‘એલા હું કંઉ નંઈ તો ય તારી આંખ્ય તો ઉઘાડી હતી કે નંઈ ? આંગણે કોણ ઊભાં છે, ભાળશ કે નંઈ... ?’

‘ભાળું છઉં... મોરલીવાજાવાળાં આવ્યાં છ.’

‘મૂરખના જામ ! આ વાજાંવાળાં નથી, કે તારા વરઘોડામાં આવ્યાં, આ તો અનાથ અભ્યાગત છે, અભ્યાગત !’ કહીને રઘાએ સંતોષ વ્યક્ત કર્યો : ’અંબા−ભવાનીનું આંગણું આજે પાવન થઈ ગ્યું.’

ઊભી બજારે સાંપડેલા આ અણધાર્યા આવકારથી અનાથો રાજીરાજી થઈ ગયા અને એમણે હૉટેલના આંગણામાં બમણા ઉત્સાહથી ગાયન-વાદન કરવા માંડ્યું.

બે જડબાંની બખોલમાં પાનના ડૂચા ચાવતાં ચાવતાં રઘો આ અનાથોના ચહેરાનું નિરીક્ષણ કરી રહ્યો.

ઝીણવટથી નિરીક્ષણ કરતાં કરતાં એકાએક એની ચૂંચી આંખ ચમકી ઊઠી. આમ તો પોપચાં ને નેણ ઉપર ઝળુંબતા ​ જાડા જાડા ચરબીના થરને લીધે રઘાની ઝીણી આંખના ડોળા એટલા તો ઊંડા ઊતરી ગયેલા કે એની પાંપણ ખુલ્લી છે કે બંધ એ કહેવું ય મુશ્કેલ બની રહે. ૨ઘાનાં માનસિક ભાવ૫રિવર્તનો એની માંજર–આંખો પરથી ભાગ્યે જ ઓળખી શકાય. પણ અત્યારે એણે જે દૃશ્ય જોયું તેથી એ ચૂંચી આંખ પણ ચારગણી પહોળી થઈ ગઈ. તુરત એણે થડાની માંડણી પછવાડે પાનનું થૂંક રેડી દઈને જીભ છુટી કરી નાખી અને મોટે અવાજે છોકરાને હુકમ કર્યો :

‘છનિયા ! જા ઝટ, ગિધાની હાટેથી ડબલ માવાના દૂધપેંડા લઈ આવ્યા ! કણીદાર તાજું જોઈને અઢી શેરનું પડીકું બંધાવી આવ્ય; જા ઝટ !’

આ અજાણ્યે અને અણધાર્યે સ્થળેથી વરસી રહેલી કૃપાપ્રસાદીથી અનાથો તો કૃતકૃત્યતા અનુભવી રહ્યા અને હજી ય અદકા ઉત્સાહથી સંગીતની રમઝટ બોલાવી રહ્યા.

આજે આ અતિથિઓને કેવળ ચાનાસ્તો કરાવીને જ રઘાને સંતોષ ન થયો. ગામમાંથી રોકડ નાણાં, જૂનાંપાનાં કપડાં વગેરે ઉઘરાવવામાં પણ એણે મોખરે રહેવાની તૈયારી બતાવી. ‘સંતુ. રંગીલી,’ ‘ભારી બેડાં’ ને ‘ચંદનહાર’નાં જ ગાયનો સાંભળવાને ટેવાયેલું એનું ઊર્મિતંત્ર આજે આ અનાથોને મોઢેથી શોકગીતો સાંભળીને દ્રવી ઊઠ્યું કે શું, પણ એણે છનિયાને વળી એક વધારે હુકમ સંભળાવ્યો : ‘માટલામાંથી મારું પહેરણ કાઢ્ય ઝટ !’

આમ તો અહોનિશ ઉઘાડે ડિલે જ પડ્યો રહેનાર રઘો કોઈ અસાધારણ પ્રસંગે પહેરવા માટેનું એક કધોણિયું કૂડતું ‘અંબાભવાની'ની અભરાઈ પરના ખાલી માટલામાં મૂકી ૨ખાવતો. અત્યારે પોતાની અદોદરી ને કઢંગી કાયા ઉપર, અહીંતહીં લોખંડી ખીંટીના કાટ ખાધેલું ફૂડતું વધારે કઢંગુ લાગ્યું. પણ એની કશી ય પરવા કર્યા વિના રઘો છનિયાનો ટેકો લઈ તખત પરથી હેઠો ઊતર્યો.

‘છનિયા ! થડો સંભાળજે... ખાનામાંથી એક ફદિયું ય ચોર્યું ​ છે, તો તારી માના સમ છે... મને પૂછ્યા વન્યા પાનની કટકી ય ખાધી છે તો તારા બાપના સમ છે. કીટલીમાં વધેલી ચાને અડ્યો છે, તો તારી ઓખાત ખાટી કરી નાખીશ ! એકે ય ઘરાકનું કાવડિયું નેફે ચડાવ્યું છે તો હાડકાં ભાંગી નાખીશ...’ આવી આવી આકરી ધમકીઓ આપીને રઘો મહેમાનોને મોખરે થયો.

‘હાલો તમને સારાં સારાં ખમતીધર ખોરડાં દેખાડું. તમે તો ગામનાં અજાણ્યાં એટલે ક્યાંથી જાણો કે કોણ કસવાળું છે, ને કોણ નથી ?... અજાણ્યાં ને આંધળાં, બે ય બરોબર....’

અહોનિશ ‘અંબા ભવાની’માં જ પડ્યો રહેનારો રઘો ઉત્તરાવસ્થામાં સાવ બેઠાડુ થઈ ગયેલો તેથી તેને સરિયામ રસ્તા પર પગે ચાલવાનું બરોબર ફાવતું નહિ, એનું એક કારણ કદાચ એ પણ હશે કે એના વિશાળ કટિપ્રદેશ ઉપર ધોતિયાની કાછડી સ્થિર રહી શકતી નહિ. નદીએ નહાવા જતી વેળા તો ગામઝાંપાની બહાર જ ચાલવાનું હોવાથી રઘાને આ બાબતની બહુ મૂંઝવણ થતી નહિ; પણ અત્યારે ઊભી બજારે ને પ્રતિષ્ઠિત ખોરડાંઓને આંગણે જવાનું હોવાથી એની અકળામણનો પાર ન રહ્યો. કટિપ્રદેશના પહોળા પરિઘમાંથી વારંવાર સ્થાનભ્રષ્ટ થઈ જતી કાછડીની પુનઃપ્રતિષ્ઠા કરતો કરતો અને કોઈ તોફાની છોકરા પાછળ આવીને કશો અટકચાળો ન કરી જાય એની તકેદારી રાખતો, ડુંગળી−બટાટા ભરેલા મોટામસ બારદાનની જેમ એ મહાકષ્ટે અને મંથર ગતિએ આગળ વધ્યો.

ગિધા લુવાણાની હાટડીની ભીંત પર પાનની પિચકારી છાંટીને રઘાએ અનાથોને આદેશ આપ્યો :

‘આંયાં કણે વગાડો.... સારી પટ... ખમતીધર આસામી છે.’

‘આ શું ગોરબાપા ! અટાણના પો’રમાં આ પળોજણ ?’ ગિધાએ કહ્યું, ‘હજી તો બોણી ય થઈ નથી.’

‘એલા ગિધિયા ! જલમ ધરીને કોઈ વાર સાચું બોલ્યો હો ​ તો તારી માના સમ ખા ! તારી છઠ્ઠી મંડાણી’તી તે દિ’ ય તું સાચું નો’તો રોયો.’

’તમે તો ભાર્યે બટકબોલા !’

‘તું મોઢામાં આંગળાં ઘાલીને બોલાવ્ય પછી તો બોલવું જ પડે ને ! તેં કીધુ કે હજી સવારના પોરમાં બોણી નથી થઈ. આ ઘડીક મોર્ય છનિયો પાકા અઢીશેર પેંડાનું પડીકું બંધાવી ગ્યો ઈ તો તેં પીળે પાને ઉધારીને આપ્યું હશે, કેમ ભલા ?’

‘બોલવામાં તો તમને કોઈ ન પૂગે, ગોરબાપા !’

‘તો પછી ડાયો થઈને નાખી દે આ પેટીમાં પાંચ રૂપિયા.’ કહીને રઘાએ સિક્કાની પેટીવાળા માણસને દુકાનના ઉંબરા નજીક ખેંચ્યો, અને બાળકોને આદેશ આપ્યો : ‘એલાવ, જરાક જોર કરીને વાજાં વગાડો ને ગિધાકાકાને ગમે એવું ગીત ગાવ !’

‘બચાડાં ગરીબ છોકરાંવનાં ગળાં શું કામે ઢરડાવો છો ?’

‘તો પછી ઝટ રૂપિયા નાખી દે પેટીમાં તો છોકરાં થાય હાલતાં...’

‘એમ રૂપિયાનાં ક્યાં ઝાડ ઊગે છે, તી ખંખેરી દઉં ? આ ભૂડથાં હાર્યે વેપાર કરવામાં સાંજ પડ્યે શેર ધૂળ પેટમાં જાય છે.’

‘એલા, ભૂડથાં ભૂંડથાં કરીને ગામ આખાને લૂંટશ, ને વળી : પાછો મારી આગળ ચેષ્ટારી કર છ ? ઉઘાડ્ય ઈસ્કોતરો !’

‘એમ ઇસ્કોતરા ઉઘાડવા બેહીએ તો સાંજ મોર્ય દીવાળું નીકળે, દીવાળું !’ કહીને ગિધાએ ઉમેર્યું, ‘ઈસ્કોતરો એક ને માગણ અનેક—’

‘માગણ’ સાંભળીને રઘાના મગજની કમાન છટકી, ‘એલા: કહું છું કે આ માગણ નથી, આ તો મોભાદાર ઘરનાં માવતર વિનાનાં છોકરાં છે...’

અને બોલતાં બોલતાં તુરત રઘો મૂંગો થઈ ગયો, ગંભીર બની ગયો. એની ઝીણી આંખમાં કોઈક વિચિત્ર વિષાદ આવી બેઠો, ને ​ મોઢા ઉપર ઉદ્વેગની રેખાઓ ઊપસી આવી.

છોકરાઓ, રઘાની સૂચના પ્રમાણે, ગિધાને ‘ગમે’ એવું ગીત મોટે સાદે ગાઈ રહ્યા :

“નાનપણમાં કોઈનાં માતાપિતા મરશો નહિ....”

ગિધો આ કરુણ ગીતથી દ્રવિત થયો કે પછી રઘાની કરડાકીથી ગભરાઈ ગયો એ તો જાણે, પણ સવારના પહોરમાં આ વણનોતર્યા અતિથિઓની બલા ટાળવા એણે ઈસ્કોતરો ઉઘાડ્યો ને રઘાને રાજી કરીને સહુને વિદાય કર્યા.

 *** દુકાને દુકાને રઘો આ અનાથો માટે નાણાં ઉઘરાવતો રહ્યો. પણ હવે એની ચાલ કોણ જાણે કેમ, ધીમી પડી ગઈ. ‘આપો, દયા કરીને આપો ! બચાડાં માવતર વિનાનાં છોકરાં છે.’ એવું એવું બોલતી વેળા જાણે કે એનો કંઠ રૂંધાતો હતો. કોઈ કોઈ વાર તો નાણાં માટેની દર્દભરી વિનતિઓ અને આગ્રહ કરવા જતાં એની આંખમાં ઝળઝળિયાં આવી જતાં હતાં. એ જોઈને તો કેટલાક વેપારીઓને પણ નવાઈ લાગતી હતી : બહારથી કઠણ કાળજાવાળો ને કરડો દેખાતો રઘો અંદરથી આટલો પોચો છે ?

અનાથાશ્રમવાળાઓની મૂળ યોજના તો ગુંદાસરમાં અરધો દિવસ રહીને બાજુને ગામ ઉઘરાણું કરવા જવાની હતી, પણ રઘાએ આ મોંઘેરા મહેમાનોને આગ્રહ કરીને રોકી પાડ્યા. ‘અંબાભવાની’ના સાંકડા મેડા ઉપર તો આ આખી મંડળીનો સમાવેશ થઈ શકે એમ નહોતો, તેથી એણે ભૂતેશ્વરની જગ્યામાં એમના ઉતારાની વ્યવસ્થા કરી આપી.

ભૂતેશ્વરના મહંત જોડે રઘાને અનેક કારણોસર સારી ભાઈબંધી હતી તેથી ઈશ્વરગિરિએ આ અનાથોનું ઉમળકાભેર આતિથ્ય કર્યું. અલબત્ત, ઈશ્વરગિરિને પણ જરા આશ્ચર્ય તો થયું કે રઘા મહારાજ અત્યારે હૉટેલનો થડો છોડીને આ છોકરા પાછળ શા ​માટે હેરાન થાય છે ? પણ રઘાની ગત રઘો જ જાણે, એવું અનુભવસિદ્ધ જ્ઞાન ધરાવનાર મહંત બધી લીલા મનમાં જ સમજીને મૂંગા રહ્યા, મનશું વિચારી રહ્યા : રઘો તો રંગીભંગી માણસ છે. જેની ઉપર વરસે એની ઉપર અનરાધાર વરસે, ને જેની ઉપર વિફરે એની સાત પેઢીનાં મૂળ ખોદી નાખે ! રઘાની આવી ધાકને લીધે તો ઈશ્વરગિરિ પણ એનાથી દબાયેલા રહેતા.

ગિધાની હાટેથી સિધું-સામાન મંગાવીને રઘાએ પોતે જ ભૂતેશ્વરની ધરમશાળામાં પાકી રસોઈ કરીને પોતાના આ પરોણાઓને ભાવપૂર્વક જમાડ્યા.

છેક રોંઢા નમ્યા પછી આ અતિથિઓ ગામમાંથી વિદાય થયા ત્યારે પણ રઘો એમને વળાવવાને મસે જોડે જોડે હાલતો થયો.