લીલુડી ધરતી - ૧/પાછલી રાતે

From Ekatra Wiki
Revision as of 06:04, 30 June 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પાછલી રાતે

સંતુનો એ અજંપો ત્યારે જ ઓછો થયો જ્યારે ગોબરને સ્વમુખેથી આખી ય ઘટનાનો અહેવાલ એને સાંભળવા મળ્યો.

‘પછી ?’

‘પછી તો તલાટીની ધરમશાળામાં જ ઠૂંગાપાણી કર્યાં, મુખીએ હુકમ કર્યો કે પ્રાગડ વાયા મોર્ય જ ડુંગર ચડવા માંડવું છે, એટલે સહુ ઝટપટ સાબદા થઈ જાવ—’

‘પછી ? પછી ?’

‘પછી તો સામટાં નાળિયેરના કોથળા ઉપડાવવા મજૂર કર્યા : બે ડોળીવાળા બાંધ્યા.’

‘ડોળીયું બાંધી ? કોને સારુ ?’

‘એ તો મુખી સારુ, ભવાનદા આમે ય ગલઢું માણસ, ને વળી ભાર્યે કાયા...’

‘પણ બીજી ડોળીમાં કોણ બેઠું ?’

‘દલસુખશેઠ.’

‘દલસુખ ? ઈ તો જવાનજોધ લાગે છે, ને ડોળીમાં બેહતાં શરમાણો નઈં ?’

‘ઈ જવાનજોધ સાચો, પણ શહેરનો. સવારમાં ઊઠીને શિરામણને સાટે નાસ્તો કરનારો... દહીં- રોટલાને સાટે ચા ને ગાંઠિયા ખાનારો.' પાંચ પગથિયાં ચડે ત્યાં તો હાંફી રિયે. ઈ તો સાવ જાપાનીસ !’ ​‘સાવ જાપાનીસ હતો મૂવો. મોટે ઉપાડે રમવા શું કામ આવ્યો’તો ?’

‘એને પોતાને ક્યાં રમવાનું હતું ? એના વતી તો એનો વેરસીડો રમવાનો હતા. દલસુખ તો ગુંજામાં નોટું ભરીને જ આવ્યો’તો.’

ફાગણ મહિનાની એક પાછલી રાતે સંતુને ઓરડે આ સંવાદ ચાલી રહ્યો હતો. ગામમાં સોપો પડી ગયો હતો. સર્વત્ર બોલાશ બંધ થઈ ગયો પછી આ યુગલને જાણે કે વાચા ફૂટી હતી ગિરનારની ત્રીજી ટૂક પર ભજવાઈ ગયેલ કરુણ ઘટનાનો અહેવાલ ગોબર આમ તો દિવસ દરમિયાન અનેક વાર વર્ણવી ગયો હતો, સંતુએ એ સાંભળ્યો પણ હતો, છતાં અત્યારે પોતાના ઓરડાના એકાંતમાં એક જ ઢોલિયે બેસીને એ વૃત્તાંત જાણવામાં આ યુવતીને ઔર લિજ્જત આવતી હતી.

‘પછી ? પછી ?’

‘પછી તો જરાક મોંસૂઝણું થ્યું કે તરત મેં તળાટીમાં પહેલે પગથિયે ઊભીને નાળિયેર ફેંક્યું. વાંહે માંડણિયો ને વેરસીડો વાજોવાજ ધોડ્યા. જી પગથિયે જઈને ગોટો ઠેર્યો’તો ઈ પગથિયું આંકીને ઊભા રિયા.’

‘માંડણિયે બવ દાખડો કર્યો !’

‘દાખડો કર્યો એમ નહિ. સાચા દિલથી કર્યો. ઈ માણહમાં તને વશવા નો’તો, પણ આ ડુંગર ચડવામાં એણે દેખાડી દીધું કે એની જીભમાં મર કાંટા ભર્યા, પણ એના પેટમાં પાપ નથી. વેરસીડો કપટી માણસ હતો... નાળિયેર પૂગ્યું હોય એના કરતાં પાંચ પગથિયાં ઓર લીટો તાણે એવો. એક વાર મુખીને આ કૂડની ખબર પડી ગઈ એટલે એણે માંડણિયાને ચેતવી દીધો. પછી એને કહેવું ય પડે ? નાળિયેર ફેંકાય કે તરત વાંહોવાંહ માંડણિયો ઊડે. જી ઠેકાણે ગોટો થંભે ઈ જ ઠેકાણે એનો પગ થંભે. વેરસીડા આગળ ​ એક તસુભારે ય નમતું જોખે ને ! ઢોક ઓઢવા ટાણે માળીપરબે પૂગ્યા તંયે તો માંડણિયો બચારો ધોડા કરી કરીને લોથ પથારી જેવો થઈ ગ્યો.’

‘થઈ જ જાય ને ! હડી કાઢીને ડુંગર ચડવો કાંઈ રમત વાત છે ?’

‘માળી પરબે આગોતરાં મોકલેલાં પંદર કોથળા નાળિયેર પૂગી ગ્યાં’તાં. સૌએ થોડીક વાર પોરો ખાધો. આપણા ટપુડા વાળંદે મારે બાવડે તેલ ઘસ્યું ને હાથપગનાં ટચાકિયાં ફોડ્યાં.’

‘આંયાંકણે ટપુડાની વવ રૂડકી તો વાંહેથી મુખીનાં આટલાં વાંકાં બોલતી’તી... કિયે કે મારા વરને મોફતની વેઠ્યે પકડી ગ્યા.’

‘એમ તો ટપુડો ય આખે ય મારગે ટેં ટેં કર્યા કરતો’તો. પણ મુખી એને કાનસરો ય શેના દિયે? પછી તો મને જ દયા આવી. મેં મુખીને કીધું કે આ વાણદું ક્યુનું કચકચ કર્યા કરે છે, તો એને મેલોની ખસતું ? તો મુખી શું બોલ્યા, ખબર છે ?’

‘ના. શું બોલ્યા ?’

‘બોલ્યા, કે આ વહવાયાની જાત્યને જ વરદાન છે. ઈ તો ઊંટ જેવા જનાવર ગણાય, ને ઊંટ તો ગાંગરતાં જ પલાણાય.’

‘બિચારો ટપુડો !’ કહીને સંતુ હસી પડી. ‘પછી? માળીપરબેથી નીકળ્યા કેડ્યે શું થયું ?’

માળી પરબેથી નીકળતાં મુખીએ નાળિયેરનો હિસાબ ગણી જોયો. કેટલા ઘા બાકી રિયા ઈ જાણી લીધું. ને હવે કેટલે ઘાએ અંબામાને મંદિરે આંબી શકાય એવી અટકળ ટેવી જોઈ. તરત આવીને મારા કાનમાં ફૂંક મારી ગ્યા કે હવે આ શરત જીતવાનું વીમા જેવું લાગે છે. ઘા આઘેરા નાખતો જા તો જ પુગાય એમ છે... મેં કીધું કે ડુંગરનાં પગથિયાં આડાંઅવળાં છે, એટલે હું ગમે ઈટલું જોર કરું તો ય ઘા બવ ઝાઝો સહેલે નહિ... તો મુખીએ કીધું કે પગથિયાને મેલ્ય પડતાં ને આડેધડ ફેકવા માંડ્ય ઝટ, ​નીકર પાંચ–સાત ઘાના ફેરમાં જ દલસુખ જીતી જાશે.’

‘પછી ? પછી આડેધડ નાખ્યા ?’

‘નાખવા જ પડે ને ! નીકર તો થોડાક ઘા સારુ થઈને ઠેઠ કાંઠે આવેલું વહાણ ડૂબવા જેવું થાય.... પહેલી ટૂંકે પૂગતાં તો પચીસેક જેટલાં નાળિયેર મેં બચાવી દીધાં.’

‘પહેલી ટૂંકે પૂગી ય ગ્યા ?’

‘હા. આ તો તને વાત કરવામાં પૂગ્યો ગણાઉં'. સાચોસાચ પૂગતાં તો નેવાનાં પાણી મોભે ચડાવવા જેવું આકરું લાગ્યું’તું.’

‘ઈ તો હું યે સમજું છું. પણ પછે શું થયું ઈ તો કિયો ઝટ !’

‘પહેલી ટૂકે જઈને મુખીએ ફરીદાણ ગણતરી કરી જોઈ ને હવે બે ટૂક ચડતાં કેટલાં નાળિયેર ફૂટશે એની અટકળ કાઢી. મને કીધું કે ગોબર, આપણે અઢી હજારનો આંકડો બોલવામાં જરાક ભૂલ ખાધી છે. પાંચ−પચી ખૂટી પડશે એમ લાગે છે.’

‘પછી ? પછી ?’

‘પછી મેં કીધું કે નહિ ખૂટવા દઉં. જરાક આઘેરા ઘા નાખીને ય અઢી હજારમાં આંબી લઈશ.’ મુખી રાજી થયા. બોલ્યા : ‘મારી ને ગામની બેયની આબરૂ હવે તારા હાથમાં....’ માંડણિયાએ ય મને હૈયારી દીધી. ટપુડે ટેં ટેં કરતાં ય ફરીદાણ મારો હાથ રગદોળી દીધો ને અમે ઊપડ્યા. ધાર્યા કરતાં અરધા ઘામાં બીજી ટૂકને આંબી ગ્યા.’

‘હા, પછી શું થયું ? કજિયો કિયે ઠેકાણે થ્યો ? કેમ કરતાં થયો ?’

‘કજિયો તો ઠેક લગણ પૂગી ગ્યા કેડ્યે થ્યો. પણ બીજી ટૂકે અમને લાગ્યું કે હવે શરત જીતવામાં વીમો છે. હવે સમજાણું કે દલસુખે અઢી હજાર ઘામાં આપણને શું કામે શીશીમાં ઉતાર્યા’તા ને વેરસીને શું કામે રમવા નો’તો દીધો. માંડણિયો આવીને કહી ગ્યો કે હવે મામલો કટોકટીનો છે. એકેક નાળિયેરે કોથળામાંથી અમે ​અકેકો કાંકરો ઓછો કરતા આવતા’તા. કોથળો ખંખેરીને કાંકરા ગણી જોયા, તો બે વીસુમાં ય બે ઓછા નીકળ્યા. આડત્રી ઘામાં અંબામાની ટૂંકે અંબાય કે નો અંબાય; તો ય મેં તો મુખીને કહી દીધું કે જરીકે ય ચંત્યા કરશો મા. મારા મનનો મનોરથ છે, ઈ પાર પડ્યા વન્યા રે’વાનો જ નથી. મેં તો આપણી સતીમાતાને સંભારીને ઝનનન કરતું નાળિયેર ફેંક્યું; જાણે ગોફણમાંથી ગિલોલ વછૂટી ! ઊભે વગડે હઈણકું ઠેકડા મારતુ જાય એમ નાળિયેર ઠેક લેતું ગ્યું. કોથળામાં સાત કાંકરા બાકી રિયા તંયે અંબામાની ટૂકનું અરધ−ઝાઝેરું ચડાણ બાકી રિયુ’તું. મુખીને થ્યું કે આપણે હારી ગયા. માંડણિયે ય આશા મેલી દીધી. ટપુડાને ય લાગ્યું કે હવે નહિ અંબાય. દલસુખ ને વેરસીડો તો, હવે જીતી જ ગ્યા, એમ સમજીને લહેરમાં આવી ગ્યા. મનેય મનમાં થ્યું કે આ તો મુખીનું ને ગામનું બેયનું નાક વઢાશે. માંડણિયાને મેં કીધું કે તું સો સો પગથિયાં આગોતરો પૂગી જા. ને નાળિયેર ટપો ખાય ઈ પગથિયાંનો વેમ રાખજે... પછી મેં ઠીકઠીકનું જોર કરીને નાળિયેર ઉલાળ્યું તો બરાબર માંડણિયાના પગમાં જ જઈ પડ્યું. બીજુ ઉલાળ્યું ને બસેં પગથિયાં વળોટી ગયું. ત્રીજે ઘાએ તો અરધ−ઝાઝેરો મારગ કપાઈ ગયો.’

‘વાય રે વાય !’ સંતુએ શાબાશી આપી, ને આગળ પૂછ્યું : ‘પછી ? કજિયો કેમ કરતાં થયો ?’

‘સાંભળ તો ખરી ! ત્રણ ઘામાં અરધો મારગ વળોટાઈ ગ્યો ને અંબામા તો સાવ ઢુંકડાં જ દેખાણાં એટલે સામાવાળાનાં મોઢાં ઝાંખાંઝપ પડી ગ્યાં. દલસુખને થયું કે આ તો હંધુય ખરચ માથે આવી પડશે, પણ ત્યાં તો મારો ચોથો ઘા નકામો ગ્યો.’

‘એમ કેમ થ્યું ?’

‘કેડી સહેજ ત્રાંસી વળતી’તી ને ઈ ત્રાંસમાં નાળિયેર અરધે જ પૂગીને પાછું પછડાઈ ગ્યું. મુખીને બવ વસવસો થ્યો, પણ મેં ​કીધું કે હજી બે ઘા બાકી છે, ફકર્ય કરો માં. છઠ્ઠો ઘા ધમધમાવીને ફેંક્યો ને દોઢસેં પગથિયાં વળોટી ગ્યો. વરસીડો તો વિચારમાં પડી ગ્યો. હવે તો અંબામાનું દહેરું પડઘે ઘા જેટલું ઓરું લાગતું’તું, ઈ જોઈને દલસુખે વેરસીના કાનમાં કાંઈક ગુસપુસ કરી. મેં મનમાં કીધું કે હવે તમારી હંધીય હુશિયારી તમારે ઘેરે જ પડી રે’વા દેજો, આ અબઘડીએ હું અંબામાને જુવારું છું, એમ કહીને મેં તો છેલ્લો ઘા ફેંક્યો.’

‘પૂગી ગ્યો ?’

‘હા.’

‘અંબામાને ઉંબરે જ ?’

‘સાવ ઉંબરા લગોલગ તો નહિ પણ ઝરૂખાને પગથિયે જઈને ટપાકો ખાધો.’

‘ઈ યે ય પુગી જ ગ્યું ગણાય ને ? વદાયે પૂરો થઈ ગ્યો—’

‘ના. ઈમાં જ ઓલ્યાવે વાંધો પાડ્યો. દૂધમાંથી પોરા ગોતવા જેવું કર્યું. ગોટો ઝરૂખાંને પગથિયે પુગ્યો ઈ ના હાલે, ઉંબરાને અડવો જોઈએ, એમ દલસુખે કીધું. સાંભળીને મુખીનો મિજાજ ગ્યો ને એણે તો દલસુખને સારીપટ ઘઘલાવી નાખ્યો પણ વેરસીડો કોક કજાત નીકળ્યો. એણે મુખીને ન’કેવાનાં વેણ કીધાં એટલે મારાથી મૂંગા ન રેવાણું. મેં એને સામી સંભળાવી. મંદિરના આંગણામાં હો–ગોકીરો થઈ પડ્યો. એમાં વેરસીડે મને ગાળ્ય દીધી એટલે મેં એને ગડદો માર્યો. તરત એણે ભેટમાં સંતાડેલો જમૈયો કાઢ્યો ને મારી છાતી ઉપર ઘા તોળ્યો. તડકામાં તગતગતો જમૈયો ભાળીને મારી આંખે અંધારાં આવી ગ્યાં. મને થયું કે આજે પેટકટારી પરોવાઈ જ ગઈ ! પણ જોઉં તો માંડણિયે આડે હાથે દીધો છે—’

‘ભગવાન એને ક્રોડ વરહનો કરે !’ ​‘વેરસીને જમૈયે મારી છાતી વીંધવાને સાટે માંડણનું કાંડું વીંધાઈ ગ્યું. એમાંથી લોહીનો દરેડો વછૂટ્યો. તરત મેં એક હાથે વેરસીડાને બોચીમાંથી ઝાલ્યો, ને બીજે હાથે એનો જમૈયો કાંડું મરડીને ઝૂંટી લીધો.’

‘ભગવાને રખ્યા કરી !’

‘ભગવાને નહિ, માંડણિયાએ !’ ગોબરે કબૂલાત કરી.

‘વાત તો સાચી. ઈ આવીને આડો ન ઊભો હોત તો શુંનું શું થાત !’

‘હું વીંધાઈ જાત.’ કહીને ગોબરે ઉમેર્યું, ‘તું કે’તી’તી ને કે ભાઈબંધ તો એનું નામ, કે જી આડા ઘા ઝીલે !’

‘હા—’

‘તી આ માંડણે મારા ઘા આડેથી ઝીલી જાણ્યા. મને એણે નવી જંદગાની આપી.’

‘વાત તો સાવ સાચી, અંબામાએ જ માંડણ પાસે આડા હાથ દેવરાવ્યા.’ કહીને સંતુ પોતે માની લીધેલા દુશ્મન વિશેનો અભિપ્રાય બદલીને મૂંગેમૂંગે એનો અહેસાન માની રહી હતી, ત્યારે જુસબ ઘાંચીના વાડામાં કૂકડો બોલી રહ્યો હતો.


***

બીજે દિવસે ઈસ્પિતાલમાંથી સમાચાર આવ્યા કે માંડણનો હાથ કોણી સુધી કાપી નાખવો પડશે. તુરત ગોબર, હાદા પટેલ, મુખી વગેરે શહેરમાં પહોંચ્યા. જીવો ખવાસ જેલમાં ગયો તે દિવસથી શાદૂળ તો જાણે કે ઓઝલપડદે રહેતો હોય એમ ગઢની ડેલી બહાર પગ જ નહોતો મેલતો. રઘો પણ હમણાં સાંકડા ભોંણમાં આવ્યો હોવાથી લપાતોછુપાતો રહેતો હતો. પરિણામે માંડણના આ બન્ને વાલેશરીઓએ એનો ભાવ સુધ્ધાં ન પૂછ્યો. મુખીએ અને ગોબરે મળીને માંડણની ચાકરી કરી.

આખરે, એક હાથ ગુમાવીને ઠૂંઠા થયેલા આ જવાને ઈસ્પિતાલમાંથી ​ છૂટીને ગુંદાસરમાં પ્રવેશ કર્યો ત્યારે વળી એક પાછલી રાતે—

—ઓઝતનાં જળ જંપી ગયાં હતાં ત્યારે—

—આખા ગામની શેરીઓમાં સોંપો પડી ગયો હતો ત્યારે— એક માત્ર અંબા ભવાનીને મેડે ઝડાસ દીવો બળતો હતો.

મેડા પર ચાનાં ખોખાં ઊંધાં વાળીને ત્રણ માણસો બેઠા હતા. રઘો શાદૂળ ને માંડણિયો.

આ ત્રણે ય જૂના સાગરીદોની મુખરેખાઓ તંગ જણાતી હતી. રઘો અને શાદૂળ કરડી નજરે માંડણ ભણી તાકી રહ્યા હતા. તેઓ જાણે કે માંડણને મોઢેથી કશાક ઉત્તરની અપેક્ષા રાખી રહ્યા હતા અને માંડણ હવે શું બોલવું એની વિમાસણમાં પડ્યો હોય એવું લાગતું હતું.’

સારી વાર સુધી આ મૌન ચાલુ રહ્યું. આખરે માંડણે એ મૌનનો ભંગ કર્યો :

‘ઘરમાં જરાક કજિયા જેવું થઈ ગ્યું, એટલે આંહી આવવામાં અહૂરું થ્યું.’

‘કજિયો ? કજિયો તો તારે ક્યાં લેવા જાવો પડે એમ છે ?’ રઘાએ ટકોર કરી. ‘કજીયો કર્યા વિના તો તને ને જીવતીને રોટલો ન ભાવે !’

‘આજ જરાક વધારે બોલચાલ થઈ ગઈ. જરાક ધોલધપાટ–’

‘એલા, જરાક શેની, ઝાઝી કે’ની ? ને તારી ધોલધપાટ એટલે તો સીધી ભાઠાંવાળી જ ! હું ન જાણતો હોઉં તો ને ? બિચારી જીવતીને લાકડીએ લાકડીએ લમધારી નાખી હશે, કહે કે હા. હાડકેહાડકું ખોખરું કરી નાખ્યું હશે, કહે કે હા. બિચારીનાં સાલપાંખડાં જુદાં પાડી નાખ્યાં હશે, કહે કે હા—’

‘હા.’ માંડેણે ઢીલોઢફ હોંકારો ભણ્યો. ‘પણ રઘાબાપા ! ઈ કભારજા ઈને પાપે જ માર ખાય છે. હું ઈસ્પિતાલેથી આવ્યો, ને ​ હજી તો ઉંબરામાં પગ નથી મેલ્યો ત્યાં તો ઈ નઘરોળે મને પોંખવા જ માંડ્યો. બોલી : ‘મૂવા ! એમ હાથે ઠૂંઠો થઈને આવ્યો, ઈના કરતાં સંચોડો ઠાર કેમ ન થઈ ગયો ? તારી કોણીને સાટે કાળજે જમૈયો કાં ન પરોવાઈ ગ્યો ? ગરનાર ઉપર જ ઘીહોડાં ફૂંકતો ગ્યો હત તા આ નરકમાંથી તો હું છૂટત ?...’ એવાં વેણ સાંભળીને મને એવી તો દાઝ ચડી કે સાંબેલે સાંબેલે—’

‘સમજી ગ્યો સમજી ગ્યો ! હવે હાંઉં કર્ય. તાડનવિદ્યામાં તારા જેવો પારંગત કોઈ નથી.’ કહીને વળી રઘાએ મૂળ પ્રશ્ન પૂછ્યો : 'શાદૂળભાએ તેડું મોકલ્યું ઈ ભેગો તું આવ્યો કેમ નઈ ?’

માંડણ ફરી મૂંગો થઈ ગયો એટલે હવે શાદૂળભાએ જ પૂછ્યું, 'એલા, તારું મગજ ફરી ગ્યું છે ? અકલ સંધીય ગિધિયાને હાટે ગિરવી આવ્યો છો ? ગોબરનો આડો ઘા તેં શું કામે ઝીલ્યો ?’

જે પ્રશ્ન અંગે માંડણ ક્યારનો ભય સેવી રહ્યો હતો એ જ પ્રશ્ન આખરે આવી ઊભો. જે સવાલનો પોતાની પાસે કશો ખુલાસો જ નહોતો, એ સવાલ ફરીફરીને એને કાને અથડાઈ રહ્યો.

‘ગોબરિયો તારો કયો મોટો વાલેશરી હતો ? એના ઉપર તારાં કયાં હેત પ્રીત ઊભરાઈ જાતા’તાં તી આટલું ઓળઘોળ કરી ગ્યો ?’

શાદૂળ ને રઘો એકનો એક સવાલ વધારે ને વધારે વેધતાથી વારાફરતી પૂછતા રહ્યા.

‘વેરસીડાને હાથે ઈ વીંધાઈ જાતો’તો ઈમાં તને ક્યાંથી આટલું વહાલ ફૂટી નીકળ્યું કે આડો હાથ દીધો ?’

‘ટાઢે પાણી એ ખહ જાતી’તી, એમાં તને ક્યાંથી શૂરાતન ચડ્યું કે કોણીએ ઘા ઝીલવા પૂગી ગ્યો ?’

‘તે દિ’ વાવણી ટાણે ગોબરિયે આડા હાથની બુહટ મારીને તારું મોઢું તોબરા જેવું કરી મેલ્યું’તું ઈ ભૂલી ગ્યો ?’

‘જે માણસ નાનપણમાં જ તારા મારગમાં આડો ઊતર્યો, ને સંતુડીને પરણી ગ્યો, એની રખ્યા કરવા તું આડે ઊભો ?’ ​‘આવાં જિંદગીનાં જોખમ ખેડતાં જરાય વચાર ન થ્યો ?’

‘ના.’ એકાએક માંડણના મોઢામાંથી હરફ નીકળી ગ્યો. ‘ના, ઈ ટાણે મને જરા ય વચાર જ નો’તો થ્યો. ગઈ ગુજરી હંધી ય ભૂલી ગ્યો’તો. જૂનાં વેરઝેર સાવ ભૂલાઈ ગ્યાં’તાં. મારી નજર સામે વરસીડો ને એના હાથમાં તોળાતા જમૈયા સિવાય બીજુ કાંઈ કળાતું નો’તું. આંખના પલકારામાં ગોબરિયો વીંધાઈ જશે એમ સમજીને જ હું આડો ઊભી ગ્યો.'

‘આડો ઊભી ગ્યો !’ શાદૂળે વ્યંગમાં માંડણની ઉક્તિનું પુનરુચ્ચારણ કર્યું. ‘તારી કોણીને સાટે કાળજે જ ઘા પરોવાઈ ગ્યો હોત તો શું થાત એનો વિચાર કર્યો તો ?’

‘ના.’ માંડણે ફરી વાર એ જ મક્કમતાથી એ જ એકાક્ષરી ઉત્તર આપ્યો. ઈ ટાણે તો આવા કાંઈ વિચાર કરવાની વેળા જ ક્યાં રઈ’તી ? ઈ તો થાતાં થઈ ગ્યું.’

‘થાતાં થઈ ગ્યું ! રઘાએ પૂછ્યું, ‘બુદ્ધિ બહેર મારી ગઈ’તી ?’

‘હા, એમ જ હશે.’ માંડણે કહ્યું, ‘મને ય અટાણે અચરજ થાય છે કે મેં આડો ઘા શું કામે ઝીલ્યો ? પણ હવે લાગે છે કે મને મારા લોહીનો જ સાદ સંભળાણો હશે.’

‘લોહીનો સાદ ?’

‘હા, ગોબરના લોહીનો સાદ... એકગોતરિયાં લોહીનો સાદ... ઠુમરના લોહીનો સાદ... મારા પંડ્યના જ—’

પાછલી રાતના નીરવ વાતાવરણમાં એ પોતાનું અંતર પૂરું ઉકેલી શકે કે એના હૃદયને વાચા ફૂટી શકે એ પહેલાં તો બહારથી બુમરાણ સંભળાયું.

‘એ... ધોડજો ! ધેડાજો ! ઠારો ઝટ, ઠારો !’

સાંભળીને ત્રણે ય જણ ચોંકી ઊઠ્યા. બહારથી દોડધામ ને ધડબડાટી પણ સંભળાઈ.

રઘાએ કહ્યું : ‘એલા કણબીપા કોર્યથી જ અવાજ આવે છે. ​જો તો ખરો, કોનું સળગ્યું છે અટાણે ?’

મેડાની બારી નજીક વાંસો વાળીને બેઠેલા શાદૂળે ડોકું ફેરવીને બારી બહાર નજર કરી. બોલ્યો :

‘નથુ સોનીની ડેલીઢાળા ધુંવાડા ગોટાય છે.’

‘એલા, તારે ખોરડે જ લાગી હોય નહિ ક્યાંક !’ રઘાએ માંડણને પૂછ્યું, ‘ચૂંગીબૂંગી સળગતી તો મેલી આવ્યો નથી ને ?’

‘ઈસ્પિતાલેથી આવ્યા પછી ચૂંગીને અડ્યું છે જ કોણ ?’ માંડણે કહ્યું.

ત્યાં તો શેરીમાંથી માંડણના નામનો જ સાદ પડ્યો.

‘એલા માંડણિયા ! ક્યાં ઘલાણો છે આ ઘરણટાણે ? ઠાર્ય, તારી જીવતીને ઠાર્ય ઝટ, નીકર ભડથું થઈ જશે !’

માથે ફાળિયું વીંટવા કે પગમાં પગરખાં ય પહેરવા રોકાયા વિના માંડણિયો સડેડાટ અંબાભવાનીની નિસરણી ઊતરી ગયો. અદ્ધર શ્વાસે ઘર નજીક જઈને જોયું તો પોતાના જ ખોરડાનું ઘાસ ભરવાનું એકઢાળિયું ધૂંધવાઈ રહ્યું છે, ખપેડામાંથી ગોટેગોટા ધુમાડા નીકળે છે ને ક્યારેક ક્યારેક લાલચોળ અગનજીભ પણ લબકારા લેતી જાય છે.

ખડકીમાં બુમરાણ જામ્યું છે :

‘એલાવ, કમાડ ખેડવી નાખો, કમાડ !’

‘મારી હાળી પોતે તો સળગી પણ આખું ખોરડું સળગાવતી જાહે !’

‘કમાડ ન ખેડવાય તો ભાંગી નાખો, પણ માલીપાનું ખડ તો ઝટ ઠારી નાખો, નીકર આખી ડેલીમાં દવ લાગી જાહે !’

એક હાથ ઈસ્પિતાલમાં ગુમાવીને અપંગ બનેલો માંડણ જીવનનાટકનો આ કરુણ કાંડ અસહાય બનીને અવલેાકી રહ્યો.

પડોશના જુવાનિયાઓ બૂમ પાડતા હતા :

‘એલાવ કોઈ કોશ લાવો, સાંગડી લાવો !’ ​ ‘કમાડને ચણિયારેથી ઉથલાવી નાખો !’

અંદરથી ભડભડ બળતી જીવતી હવે આગ જીરવી શકતી નહોતી તેથી સહાય માટે બૂમો પાડતી હતી :

‘ઠારો, મને કોઈ ઠારો !’

‘તો માલીપાથી કમાડ ઠંહાવીને શું કામ સળગી ?’ બહારથી કોઈ ઠપકો દેતું હતું.

આ અણધારી ઘટનાથી માંડણ એવો તો બેબાકળો બની ગયો કે સાવ નિષ્ક્રિય થઈને એ તો એક તરફ બેસી જ ગયો. ‘મને ઠારો, કોઈ ઠારો !’ એવી જીવતીની ચિચિયારીના જવાબમાં માંડણ કહેતો હતો : ‘હું ઠૂંઠો માણસ કેમ કરીને ઠંહાવેલા કમાડને ખેડવું ?’ અને પછી અસહ્ય લાચારીથી પોતાની આજુબાજુના માણસોને વીનવતો હતો : ‘અરે કો’ક આ કમાડ ખેડવીને મારી ઘરવાળીને ઠારો મારા બાપ ! હું ગરીબ માણહ ઘરભંગ થઈ જાઈશ તો રખડી મરીશ.’

જિંદગી આખી પત્નીને પશુની જેમ મારપીટ કરનાર માંડણની અત્યારની અસહાય સ્થિતિ અને આર્તનાદો ભલભલાને પિગળાવે એવા હતા.

ગોકીરો સાંભળીને શાદૂળ તો છાનોમાનો ઘરભેગો થઈ ગ્યો, પણ રઘો તાબડતોબ માંડણને પગલે પગલે આવી પહોંચ્યો હતો અને એકઢાળિયાના કમાડને ખેડવવામાં દિગ્દર્શન કરાવી રહ્યો હતો. ગોબર તો સહુથી વહેલો એકઢાળિયાને ખોરડે ચડી ગયો હતો ને સળગતા ખપેડામાંથી અંદર ઊતરવા મથી રહ્યો હતો. જોતજોતામાં તો ભૂધર મેરાઈ, જેરામ મિસ્ત્રી, જુસબ ઘાંચી, સહુ એકઠા થઈ ગયા. મુખીએ આવીને પૂંજિયા ઢેઢ પાસે ઢોલ ટીપાવ્યો ને ગામ આખાને જાગતું કરી દીધું. ટપુડો વાણંદ ઘેરઘેર જઈને પાણીનાં બેડાં સાથે આવી પહોંચવાનું કહી આવ્યો,

આખરે પાંચસાત જુવાનિયાઓ કમાડ ખેડવી શક્યા. આગળાસોતું ​ એ બારણું નીચે પછાડાયું કે તરત સહુ અંદર ધસી ગયા. જોયું તો જીવતી ભડથું થઈ જઈને એક તરફ પડી ગઈ હતી, પણ ખૂણામાં ભરેલા સુકા ખડના પૂળાઓ ભડકે બળતા હતા; એ જોઈને વખતી ડોસીએ તો ટકોર પણ કરી :

‘જીવતીએ તો ભૂંડણે ભાર્યે કરી. પંડ્ય તો બળી મરી, પણ વાંહે માંડણિયાને ય મારતી ગઈ. વરહ આખાનો સૂકો ચારો સળગાવી મેલ્યો બચાડાનો !’

ગમાણમાં ઊઠેલી અગનઝાળે સડસડાવી મૂકેલા જીવતીના શરીરને બહાર કાઢીને ફળિયામાં એક ખાટલા પર નાખ્યું ત્યારે એના ખોળિયામાં હજી થોડોઘણો જીવ હતો. અસહ્ય વેદનાના ઉંકારાઓ વચ્ચે પણ એ માંડણિયાને ગાળો સંભળાવવા મથતી હતી, પણ એના હોઠમાંથી સ્પષ્ટ ઉચ્ચારણો નીકળી શકતાં નહોતાં તેથી એ વધારે કષ્ટાતી હતી.

મુખીએ હુકમ કર્યો : ‘ગાડું જોડો ઝટ. શહેરને દવાખાને પુગાડો. માંડણિયાનાં નસીબ ચડિયાતાં હશે તો બચી જાશે.’

ઠૂંઠો માંડણ રઘવાયો થઈને આમતેમ ભમતો હતો. ગોબર ખપેડામાંથી બેડાં મોઢે પાણી રેડી રહ્યો હતો. પણ આગના ભડકામાં પાણી કરતાં પવનનું પ્રમાણ વધારે ઉમેરાતું હતું, તેથી આગ કોઈ રીતે કાબૂમાં આવતી નહોતી. પાછલી રાતનો ફુંકાતો દખણાદો વાયરો આગને વીંઝણો ઢાળી રહ્યો હતો.

જીવતીને ભડથું થઈ ગયેલી જોઈને સહુને અરેરાટી છૂટતી હતી, ત્યારે માંડણના પડોશી નથુ સોની, એની વહુ અજવાળી કાકી અને જુવાન પુત્રી જડાવ એક જુદી જ ચિંતામાં પડ્યાં હતાં. જીવતી આપઘાત કરીને સળગી મરી એ બાબતનો એમને બહુ રંજ નહોતો; માંડણનું વરસ આખાનું સંઘરેલું ઘાસ અને એકઢાળિયું બળીને રાખ થઈ જાય એની પણ આ પડોશીઓને પડી નહોતી. એમને તો અત્યારે એક જ ફિકર હતી : 'માંડણિયાના ​એકઢાળિયાની આગ પોતાની ઓસરીને આંબી જાય તો ઘરમાં સંઘરેલું સોનુંરૂપું બચાવી લેવાની !

તેથી જ તો એકઢાળિયામાં બારણાં ભીડીને જીવતીએ પોતાને શરીરે આગ ચાંપી અને કમાડની તરડમાંથી તાતા ભડકા દેખાવા માંડ્યા કે તુરત નથુએ તિજોરી ને આરિયાં-કબાટ ઉઘાડીઉધાડીને સંધુ ય સોનું એકઠું કરવા માંડેલું. એનું ઘર અને હાટ બધુ ય ભેગું જ હતું; બલકે, ઘરમાં જ એક આગલે ઓરડે બેસીને નથુ સોનું ઘડતો, તેથી ઘરાકોનાં નામાંઠામાં ને લેણદેણના ચોપડા ઉગારી લેવાની પણ એને ચિંતા હતી. ફળિયામાં એકઠી થયેલી માનવમેદનીની કશી ય પરવા કર્યા વિના એ તો એક મેલા ફળિયામાં પોતાની માલમત્તા વીંટીને ગિધાને ઘેરે મૂકી આવવામાં રોકાયો હતો. અને એ કાર્યમાં પણ અસાધારણ ગુપ્તતા જાળવવા ખાતર એ લપાતો-છુપાતો જ આવજા કરતો હતો.

એકઢાળિયામાં ભડકે બળતું ખડું હજી ઓલવાય એવી શક્યતા દેખાતી નહોતી તેથી નથુ સોનીએ પોતાની પત્નીને તથા પુત્રીને ઓરડામાંથી બહાર નીકળી જવાની સૂચના આપી.

અજવાળી કાકી તો ઝટપટ બહાર નીકળવા તૈયાર થઈ ગયાં પણ જડાવ આનાકાની કરી રહી, તેથી માતાએ કોઈ સાંભળે નહિ એવા ધીમા સાદે પુત્રીને ધમકાવી કાઢી : ‘બવ વાયડી થા મા ! અટાણે આ ધડાપીટમાં કોણ તારું ડિલ ભાળી જાવા નવરું બેઠું છે ? ઝટ નીકળી જા બાર્ય, નીકર આ લાય આંઈ લગણ આંબી જાશે તો તું ય જીવતીની ઘેાડ૫ ભડથું થઈ જાઈશ...’

પણ પુત્રીને બહાર નીકળતાં પારાવાર ક્ષોભ થતો હતો તેથી અજવાળીએ એને ધમકાવી કાઢી : ‘અલી જડકી ! તું તો સાવ ઝોડ જેવી જ રહી ! એક તો આવા ઉફાંદ કરીને અમારું નાક વઢાવવા ઊભી થઈ છો, ને વળી આવે ટાણે અમને લમણાઝીક કરાવે છે ?’

અસાધારણ ક્ષોભ ને સંકોચ સાથે જડાવ નીચી મૂંડીએ ​માતા જોડે બહાર નીકળી ત્યારે આગ ઓલવવા ને જોવા આવેલા માણસોમાંથી કેટલીક ચકોર નજરો એ યુવતીના શરીર પર નોંધાઈ રહી.

જીવતીને શહેરને દવાખાને લઈ જવા નીકળેલું ગાડું અરધે મારગથી જ પાછું વાળવું પડ્યું. દવાખાને પહોંચતાં પહેલાં જ એનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું.

એકઢાળિયામાં લાગેલી આગ તો પરોઢ થતાં સુધીમાં ઓલવઈ શકી, પણ માંડણિયાના દિલમાં પ્રગટેલી પશ્ચાત્તાપની આગ ઉત્તરોત્તર વધારે પ્રજ્વળી રહી. જીવતીનું મૃત્યુ ‘આપધાતને કેસ’ ગણીને કાસમ પસાયતાએ શાપરથી શંકરભાઈ ફોજદારને તેડાવ્યા. ફોજદારે વળતો આખો દિવસ લાડુ જમવામાં અને પંચક્યાસ કરવામાં કાઢી નાખીને અને સારા પ્રમાણમાં ‘નૈવેદ્ય’ માગીને છેક મોડી સાંજે લાશની અંત્યેષ્ટીક્રિયા કરવાની રજા આપી. છેક મોડી રાતે પત્નીની દહનવિધિ પતી ગયા પછી માંડણ ફળિયામાં ખાટલા પર આડે પડખે પડ્યો હતો ત્યારે જીવતીની આત્મહત્યા અંગેના પશ્ચાત્તાપ વડે દ્રવી રહેલા એના ચિત્તમાં અચાનક ચંચળતાએ પ્રવેશ કર્યો. પોતાના ઠૂંઠા હાથ તરફ તાકી રહીને એ વિચારવા લાગ્યો ‘ગોબરનો ઘા મેં આડેથી ન ઝીલ્યો હોત તો ? વેરસીડાનો જમૈયો એની છાતીમાં પરોવાઈ જવા દીધો હો તો ?... આજે મારગમાંથી ગોબરનો કાંટો નીકળી ગયો હોત, ને એની સંતુ...’