લીલુડી ધરતી - ૧/પાણી ડહોળાયાં

From Ekatra Wiki
Revision as of 08:13, 28 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પાણી ડહોળાયાં|}} {{Poem2Open}} લાગલગાટ ચોથે દિવસે પણ ગુમ થયેલા ગિધ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પાણી ડહોળાયાં

લાગલગાટ ચોથે દિવસે પણ ગુમ થયેલા ગિધાના કશા જ સમાચાર ન મળ્યા ત્યારે મુખી ભવાનદાની ધીરજનો અંત આવ્યો.

‘હવે તો ગામ આખાને ખાતરી થઈ ગઈ કે ગિધાના ગુમ થવા પાછળ કશોક ભેદ છે. ચાર ચાર દિવસથી રઘાએ અને ગોબરે મળીને આખી સીમનાં કોતરોમાં તપાસ કરાવી જોઈ હતી. રખે ને અસૂરા પાછા ફરતા ગિધાને દીપડો ઉપાડી ગયો હોય, એને મારણ કર્યા પછી એનું હાડપિંજર ઓઝતના કોઈ ભાઠામાં ભરાઈ પડ્યું હોય એવી ગણતરીએ ગામના જુવાનિયાઓ જંગલની ઝાડીએ ઝાડી ખૂંદી વળ્યા હતા. છતાં ગિધાનું શબ તો શું, દીપડાનાં પગલાં પણ ક્યાંય દેખાયાં નહોતાં. પોલીસખાતામાં રીતસરની ફરિયાદ નોંધાવાઈ હોવા છતાં ગુમ થયેલા માણસનો ક્યાંયથી પત્તો લાગ્યો નહોતો.

ચારચાર દિવસથી ગામ આખામાં એક જ વાત ચર્ચાતી રહી : ગિધો ગુમ થયો છે !

ચાર ચાર દિવસથી એની હાટડી ઊઘડી ન હોવાથી અનેક માણસો મુશ્કેલીમાં મુકાઈ ગયાં હતાં. ગુંદાસરમાં ગિધો અફીણનો ઈજારદાર હતો. શાપરના ફોજદાર પાસેથી દર મહિને અફીણનો જથ્થો લાવતો અને શુદ્ધ અફીણમાં કાળી રાતે કાળીજીરીનો ભેગ કરીને એનું વજન બમણું કરી કરીને ચારગણે ભાવે ગામના અફીણિયાઓને ધાબડતો. કાપડ–કરિયાણાથી માંડીને ગાંઠિયાભજિયાં ​સુધીની વિવિધ સામગ્રીઓ વેચતો, ખાદ્ય વસ્તુઓથી માંડીને ખાંપણ સુધીની, ને ઘોડિયાંથી ઘોર લગીની વસ્તુઓ પૂરી પાડનાર આ અર્વાચીન ડિપાર્ટમેન્ટલ સ્ટોર જેવી દુકાનમાં ઈજારાનું અફીણ પણ મળતું હોવાથી ગિધાની સાખ ‘ગિધો અફીણી’ તરીકે પણ આજુબાજુના વિસ્તારમાં જાણીતી હતી.

આવી મહત્ત્વની દુકાનને બારણે ચાર ચાર દિવસ સુધી તાળું વસાયેલું રહે ત્યારે લોકોની સ્થિતિ કેવી વિષમ થઈ પડે ? સદ્‌ભાગ્યે આ ચાર દિવસમાં ગામમાં કોઈનું મૃત્યુ તો ન થયું અને તેથી ખાપણની જરૂરિયાત તો ઊભી ન થઈ; પણ વગર મૃત્યુએ મસાણની દિશામાં ધીમી ગતિએ કૂચ કરી રહેલા અફીણના રીઢા વ્યસનીઓની સ્થિતિ બહુ વિષમ થઈ પડી.

અફીણનો અમલ લીધા વિના એક ડગલુંય ચાલી ન શકનાર પંચાણભાભો તો ટાંટિયા ઘસવા લાગ્યો. ખુદ તખુભા બાપુને અમલ લીધા વિના નસો તૂટવા માંડી. ઉપરાંત, ગામના તેમ જ પરગામના બાવાસાધુઓ અને ફકીરફકરાં તો ગિધાની હાટને ઊંબરે ઓયકારાં કરતાં લોથપથારી થઈને પડ્યાં હતાં. એમાંના કેટલાક ગિધાના નામનો જાપ જપતા હતા, કેટલાક ગિધાને ગાળો સંભળાવતા હતા. ચાર ચાર દિવસ સુધી દુકાનનાં બારણાં ખૂલ્યાં જ નહિ તેથી કેટલાક વ્યસનીઓ ગિધાનું ઘર ગોતતા ગોતતા એની ડેલીએ પહોંચ્યા અને ગિધાના નામની પોક પડી ત્યાં સામેથી ચાર ચાર દિવસથી રડી રહેલી ઝમકુએ ગિધાની જોડે આ ઘરાકોનાં પણ છાજિયાં લેવા માંડ્યાં.

‘રોયાં ભિખારાંવ ! આ તમારુ ભીખનું નાણું અમારા ઘરમાં ગર્યું એમાં નખોદ નીકળી ગયું. તમારે પાપે અમારું ધનોતપનોત નીકળી ગયું. હવે તો અહીથી આઘાં મરો !’

અફીણના વેપારમાં સારો કસ જણાતાં ગિધાએ મોટી રકમ ચૂકવીને એનો ઈજારો રાખેલો. અલબત્ત, વધારે પડતી ઘસી નાખેલી ​ ચાંદીની ઝીણી બેઆની અને પાવલીનાં તોલાં વાપરીને ગિધો અફીણનો જોખ બહુ ઓછો કરતો, અને એ ઓછા માલમાંય અરધોઅરધ કાળીજીરીનો ભેગી કરીને મબલખ નફો કરતો, તેથી લોકો એને અને ઝમકુને પણ વારંવાર ચેતાવતાં ખરાં :

‘આ સર૫ પકડવા જેવો ધંધો સારો નથી. ગરીબગુરબાં ને માગણભિખારીનું ભીખેલું નાણું ઘરમાં ઘાલો છો એમાં સુખી નહિં થાવ.’

ગિધો તો આવા વહેમને ગણકારે એમ નહોતો, પણ ઝમકુને અત્યારે આફતને સમયે એ આગાહી સાચી પડતી લાગી; તેથી એ પતિના નામની પોક મૂકીને રડવા લાગી.

ચાર ચાર દિવસથી ચાલતી ઝમકુની આ રોકકળ સાંભળીને રઘાનું હૃદય દ્રવી ઊઠ્યું. એને થયું કે આ પરિસ્થિતિનો હવે કોઈક જલદ ઉપાય કરવો જ જોઈએ; ગિધાને જીવતો કે મરેલો પણ હાથ કરવો જ જોઈએ.

મુખી ભવાનદા પણ ચાર ચાર દિવસથી અકળાઈ રહ્યા હતા. ગામનો વેપારી ગુમ થાય અને પોતે એનું પગેરું ન મેળવી શકે એમાં એમને પોતાનું મુખીપદુ લજવાતું લાગતું હતું. ભવાનદા પોતાની જાતને ગામને સુખે સુખી ને ગામને દુઃખે દુઃખી ગણતા હતા; એમાં ઝમકુનો કાળો કકળાટ સાંભળીને એમનું માથું લાચારીથી શરમમાં ઝૂકી પડ્યું. ગિધાને જે જે ગામડાં જોડે વછિયાત–વેપાર કે ધીરધારના સંબંધો હતા તે તે ગામે મુખીએ ખાસ માણસો મોકલીને ભાળ કઢાવી જોઈ હતી, પણ ક્યાંયથી આ વેપારી અંગેના કશા જ વાવડ મળતા નહોતા, તેથી એમની અકળામણમાં વધારો થતો હતો.

ચાર ચાર દિવસ થયા તો ય આ ચતુર વેપારી ક્યાં રોકાઈ ગયો ? વેપારધંધામાં હજાર કામ હોય, ને ક્યાંક રોકાઈ જવું પડે તો ય માણસ કાંઈ કાગળપતર–ચિઠ્ઠીચપાટી કશુંક તો મોકલે જ ​ ને ? છેવટે કોઈ આવતાંજતાં માણસ સાથે સમાચાર તો કહેવડાવે કે નહિ ? ટપાલનું પત્તું લખવાના પૈસા બગાડતાં એનો જીવ ન ચાલે તો મોઢામોઢનો સંદેશો મોકલવામાં તો કશું ખરચ થતું નથી... પણ લાલો લાભ વિના લોટે એવો નથી. અહીં ગામમાં બંધ હાટડીએ ચાર ચાર દિવસના વેપારનો વકરો જાતો કરીને પરગામમાં અમથો અમથો જ પડ્યો રહે એવો હૈયાફૂટો તો એ નથી જ ! નક્કી આ કિસ્સામાં કાંઈ ભેદ છે.

ભવનદાને સાહજિક રીતે જ એક તુક્કો સૂઝ્યો અને તેઓ ઠુમરની ખડકી તરફ ઊપડ્યા.

ફળિયામાં ખાટલા ઉપર બેસીને રાશ–મોડાં વણી રહેલા હાદા પટેલ સમક્ષ મુખીએ ગિધા વિષેની પોતાની ચિંતા વ્યક્ત કરી. પણ એમણે જોયું કે ગિધા અંગે પોતાના કરતાં ય વધારે ચિંતા તો હાદા પટેલને છે. એક જ નવેળામાં બન્ને ઘરની પછીત પડતી હોવાથી ‘પહેલાં સગાં પડોશી’ની રાહે હાદા પટેલનું હૈયું તો મુખી કરતાં ય વધારે પ્રમાણમાં વલોવાઈ રહ્યું હતું.

મુખીએ વાત વાતમાં સીધો જ પ્રશ્ન પૂછી નાખ્યો, ‘ગિધો હશે તો હેમખેમ ને ? કે પછી કાંઈ રજાકજા થઈ હશે ?’

હાદા પટેલ મૂગા મૂંગા રાશને વળ દેતા રહ્યા.

હવે ભવાનદાએ સુચન કર્યું : ‘સતીમાને તો બોલાવી જુવો ! ખબર્ય તો પડે કે લુવાણો કઈ દિશામાં ગ્યો છે ?’

‘તમારા કીધા મોર્યનાં મેં તો બોલાવી જોયાં.’

‘બોલાવી જોયાં ? સાચે જ ?’

‘હા.’

‘શું કીધું ?—’ મુખીએ અધીરા અવાજે પૂછ્યું.

‘ગિધો કઈ દિશામાં ગ્યો છ ? શાપર ઢાળો કે રાણપર ઢાળો ? કેની કોર્ય આપણે પગેરું કાઢવું ?

‘પગેરું કાઢવાની જ જરૂર લાગતી નથી.’ કહીને હાદા પટેલ ​ફરી મૂંગા થઈ ગયા.

ભવાનદા ગભરાયા. પૂછી રહ્યા : ‘કેમ ? કેમ ?’

‘મને નથી સૂઝતું, ગિધો જીવતો હોય.’ કહીને હાદા પટેલે વિષાદપૂર્ણ ચહેરે મોડું વણવાની ચકરડીને વળ દીધો.

હવે શું કરવું એની ચિંતામાં મુખી પગના અંગૂઠા વડે જમીન ખોતરતા હતા ત્યાં તો ખડકીના ખુલ્લા બારણામાં રઘાની ભીમપલાસી કાયાએ દેખાવ દીધો. એની પાછળ દસબાર જુવાનિયાઓનું ટોળું હતું.

‘કાઢો સીંચણીયાં ને લાવો મીંદડી.’ રઘાએ માગણી કરી.

‘કોઈનો ઘડોબડો વાવ્યમાં પડ્યો કે શું ?’ મુખીએ પૂછ્યું.

‘ઘડાંબેડાં જેવાં ઠોસરાં સારું અમે હેરાન થઈએ એવા નથી.’ કહીને રઘાએ સમજાવ્યું : ‘ઓલો ગિધિયો ચાર ચાર દિ’ થ્યા ગામમાં ગૂડાણો નથી, તી જરાક વે’મ આવે છે.’

‘વે’મ તો અમને ય આવે છે.’ હાદા પટેલે કહ્યું.

‘ઈ લઘરવઘરિયો લુવાણો કાછડિયે સારીપટ રૂપિયા ચડાવીને ફરતો એટલે કોઈએ ઘડોલાડવો કરીને વાવ્યમાં ફેંકી દીધો હોય તો ?’

‘મારા મનમાં ય એવો જ વે’મ રહે છે.’ મુખીએ સમર્થન કર્યું.

‘મને થયું કે આપણી સીમના હંધાય વાવ કૂવા ડહોળી જોઈએ.’ ૨ઘો બોલ્યો. ‘જેટલાં સીંચણિયાં ઘરમાંથી નીકળે એટલાં આપી દિયો ઝટ.’

રઘાની જોડે આવેલા જુવાનો ગામ આખામાંથી ઊઘરાવેલ લોખંડની મીંદડીઓ ને સીંચણિયાંની ગાંઠો વાળી રહ્યા.

સંતુએ ઘરમાં શોધખોળ કરી અવાવરુ તેમ જ ચાલુ વપરાશનાં સીંચણિયાનો ઢગલો કર્યો. ઊજમે કોઢના ખપેડામાં ભરાવી રાખેલી લોખંડની મીંદડી ઉતારી આપી એટલે સઘળો સરંજામ લઈને રઘો બીજી ખડકીએ પહોંચ્યો. ત્યાંથી વધારે સાધનસરંજામ ​ઊઘરાવ્યો, અને ત્રીજી ખડકીએ જઈ ઊભો.

ઝમકુને જ્યારે ખબર પડી કે હવે તો મારા પતિની તલાશ વાવકૂવામાં થઈ રહી છે ત્યારે એની હિંમત હાથ ન રહી. મોટેથી ઠૂઠવો મૂકીને એ રડી પડી. હવે તો ગુમ થયેલા પતિને રાબેતા મુજબની ગાળો દેવામાં ય એને રસ રહ્યો નહોતો. એનું સમગ્ર લાગણીતંત્ર પોતાની સંભવિત નિરાધારતાને જ રુદન દ્વારા વ્યક્ત કરી રહ્યું.

પૂરતા પ્રમાણમાં સીંચણિયાં ને મીંદડીઓ એકઠી કરી રહ્યા પછી રઘો મૂળગર બાવાને આંગણે જઈને ઊભો રહ્યો.

‘હાલ્ય મારી ભેળો, કામ પડ્યું છે.’

રઘાનો આ આદેશ સાંભળીને મૂળગરને નવાઈ લાગી. મૂળગરનો મુખ્ય વ્યવસાય દિવસના દસ કલાક બીડીનાં ભૂંગળાં વાળવાનો હતો. ટીંબરું ને આ૫ટાનાં પાનની કાળા ને રાતા દોરાવાળી બીડીઓની મૂડીઓ વાળી વાળીને એ ગામની તેમ જ પરગામની દુકાનોએ પહોંચાડતો. આ મુખ્ય ધંધાની ટાંચી આવકમાં પૂર્તિ કરવા માટે એ વાવ-કૂવામાં ડૂબકી મારવાનો આડવ્વયસાય પણ કરતો. ઊંડા કૂવામાં કોઈ પાણીયારીનો ઘડો પડી જાય કે કાંડાબાવડાનું કશુંક ઘરેણું સરકી જાય અને લોખંડની મીંદડી વડે એ વસ્તુ પાછી મેળવવામાં મુશ્કેલી જણાય ત્યારે મૂળગર બાવાની મદદ લેવામાં આવતી. મૂળગર ડૂબકી દીઠ ‘અડધા રૂપિયા’ની બાંધી ફી લેતો. આજે ગામના તેમ જ સીમના વાવકૂવામાંથી ઘરેણગાંઠાંને બદલે ગિધિયાની ગોત કરવા માટે રઘાએ આ અઠંગ તરવૈયાની મદદ માગી, અને સાથોસાથ સ્પષ્ટતા પણ કરી :

‘આ ડૂબકીના સાટામાં ફાડિયું ફાડિયું નહિ જડે હોં ! આ તો ધરમનું કામ છે – ગામનું સહિયારું કામ છે. ઝમકુડી ને એનાં ઘેરોએક જણ્યાં બચાડાં રાતે પાણીએ રૂવે છે. હાલ્ય, ઊભો થા ઝટ; ડૂબકી મારીમારીને વાવકૂવા ડખોળી દે.’

બીડીઓ વાળવાનું પડતું મૂકીને મૂળગર આ માનવકાર્ય માટે ​સત્વરે ઊભો થઈ ગયો. પહેરણની ચાળ ઉપર જામેલો જરદો ખંખેરીને ડૂબકી મારવા માટે પંચિયું પહેરી લીધું ને રઘાની મંડળી જોડે ચાલતો થયો.

‘એલાવ, તમે ચાર જણા ઊગમણી સીમે જાવ... તમે તણ્ય દખાણાદી વાડિયુંમાં પૂગો... ઊંડેરી વાવ્યમાં મૂળગર ડૂબકી મારે...’

આવી આવી સુચનાઓ આપીને રઘાએ સીમની ચારે ય દિશાએ માણસો મોકલી દીધા. પોતે, બહુ લાંબું ચાલવાને અશક્ત હોવા છતાં કેટલાંક મહત્ત્વનાં સ્થળોએ જાતે હાજર રહ્યો.

‘એલાવ, ઓલી પિલુવાડીની તરકોસીમાં સારીપટ તપાસ કરી જોજો. સાંકડી નેળ્યને કાંઠે જ વાવ્ય છે, એટલે આડોડિયાવે એને આંતરીને પછે એમાં ઘા કરી દીધો હોય.’

‘ઓલી અવાવરુ ભૂતવાવ્યમાં મૂળગરને રાંઢવું બાંધીને ઉતારો. એની ભેખડ્યુંમાં ગિધાને હાથપગ બાંધીને સંતાડી દીધો નો હોય !’

રઘો આવી રીતે શોધખોળમાં દિગ્દર્શન કરાવતો હતો ત્યાં મુખી પણ એની મદદે આવી પહોંચ્યા. એમના મોઢામાં તો એક જ વાત હતી :

‘સાંજ મોર્ય ગિધાને જીવતો કે મરેલો પણ હાજર કરો, નીકર મારું નાક વઢાઈ જાશે.’

મુખીના આગમન પછી તો બમણા વેગે શોખખોળ ચાલી. સીમમાં એકેએક નાનીમોટી વાવમાં મીંદડીઓ નંખાઈ; મૂળગરે ડૂબકીઓ મારીમારીને પતાળપાણી સુધી ગિધાનાં પગેરાં કાઢી જોયાં.

જોતજોતામાં તો ગામમાં જેટલાં માણસો નવરાં હતાં એ સહુ બહાર આવી પહોંચ્યાં અને આ શોધખોળમાં શામિલ થઈ ગયાં. સીમમાં ખેડૂતો અને એમના સાથીઓએ કામકાજ પડતાં મૂકીને ગિધાની ગોતમાં સાથ આપ્યો.

‘આજનાં દૃશ્યો જોઈને લોકોને બરાબર બાર વર્ષ પહેલાંનો, માણસની શોધખોળનો આવો જ એક પ્રસંગ યાદ આવી ગયો. દેવશી ​ગુમ થયો, અને એણે બાવો થઈને વૈરાગ્ય લઈ લીધો છે એ વાતની જાણ થયા પહેલાં હાદા પટેલે એની આવી જ શોધખોળ કરાવી હતી. એમણે તો, માત્ર ગુંદાસરમાં નહિ પણ આજુબાજુનાં ચારપાંચ ગામની સીમના વાવ-કૂવા ડહોળાવી નાખેલા.

એ પ્રસંગની યાદમાંથી કોઈકને ટકોર કરવાનું સૂઝ્યું :

‘ગિધિયો ય દેવશીની ઘોડ્યે બાવો તો નહિ થઈ ગ્યો હોય ને ?’

‘હવે હાંઉ કરો, હાંઉ ! આવી ગધેડાને તાવ આવે એવી વાતું કરો છો !’ મુખીએ કહ્યું. ‘ગિધો તો મને ને તમને સહુને બાવા કરે એવો છે — પારકાંને જતિ કરે ઈ માંયલો !’

‘બાવા તો આપણને રોજ ઊઠીને ઈ કરતો જ ને ? ધૂળ જેવી ચીજના બમણાતમણા ભાવ લઈને ને ખોટે તોલેત્રાજવે ઓછું ઓછું જોખીને ગામ આખાને ભભૂત ચોળાવવા જેવું તો કરતો જ ગ્યો છ ને !’

‘એલાવ, અટાણે ઘરણટાણે એની વંશાવળી કાઢીને કાં બેહો ? સારો-નરસો, ભલો-ભૂંડો, જેવો હતો એવો પણ ગામમાં હાટડી માંડીને તો બેઠો’તો !’ મુખીએ ટીકાકારોને મૂગા કરતાં કહ્યું, ‘ગમે એવો લોભિયો ને લાલચુ હતો, તો ય ઘણાં ય દૂબળાં માણહને પીળે પાન લખીને ખાપણ ઓઢાડ્યાં છે.’

હાલ તુરત તો, ગુંદાસરના લોકોને ગિધાની ખોટ કોઈના ખાપણ વેતરાવવા માટે નહિ પણ નાનાં બાળકો ને ઊંઘાડવા માટેના આવશ્યક અફીણ-અમલની ખરીદી માટે સાલતી હતી. કામઢી માતાઓ કજિયાળાં બાળકોની ખલેલ ટાળવા માટે ગિધાની હાટેથી કાવડિયા કાવડિયાનું અફીણ ખરીદીને બાળકોને એના અમલ વડે ઘોંટાડી દેતી, પણ આજ ચાર-ચાર દિવસથી ગિધાની દુકાને ખંભાતી દેવાઈ ગયું હતું તેથી આ ગૃહિણીઓની મૂંઝવણનો પાર નહોતો. હવે જ સહુને સમજાયું કે પહેલી નજરે, કેવળ ઉદરનિર્વાહાર્થે ​તેલપળી કરનારો આ સામાન્ય હાટડીદાર પણ ગામના સમગ્ર જીવનવ્યવહારમાં કેવો તાણાવાણાની જેમ વણાઈ ગયો છે !’

અને તેથી જ તો એ માણસની ખોજમાં ગામનાં આબાલવૃદ્ધ સહુ શામિલ થયાં હતાં. મૂળગર ઉપરાંત બીજા જુવાનિયાઓ પણ અંધારી ઊંડી વાવમાં ઊતરી ઊતરીને જાનને જોખમે પણ ગિધાની ગોત કરી રહ્યા હતા. આમાં એક માત્ર માંડણિયાની જ ગેરહાજરી હતી. મુખીને એ યાદ આવતાં એમણે ગોબરને પૂછ્યું :

‘એલા, માંડણિયો કાં કળાતો નથી ?’

‘એનો હમણાં ક્યાં નેઠો છે ? ઈ તો બે દિ’ ગામમાં રિયે છ ને તણ્ય દિ’ ગાંમબારો રઝળે છે.’

‘ક્યાં રઝળે છે ?’

‘રઝળુનાં તી કાંઈ ઠેકાણાં હોય ? ગ્યો હશે રાણપર ઢાળો.’

‘રાણપર ? ત્યાં વળી શું ડાબલો દાટ્યો છે ?’

‘દૂદા ભગતની વાડીએ પડ્યો હશે – ગાંજાની ચલમું ફૂંકતો.’

‘ઈય માળો સાવ મગજ ફરેલ નીકળ્યો ! ખરે ટાણે ય ગામમાં નથી રે’તો !' કહીને મુખીએ વસવસો વ્યક્ત કર્યો. ‘અટાણે હાજર હોત તો આ ગિધાની ગોતમાં હાથ દેત ને ?’

સાંભળીને ગોબરને જરા હસવું આવ્યું, ‘ઈ ઠૂંઠો માણસ શું હાથ દેવાનો હતો ? ઓણ સાલ એની પંડ્યની વાડીમાં વાવ્યનાં પાણી ઊંડાં ગ્યાં છ, તી એનો ગાળ કાઢવાનું ય એનું ગજું નથી. હું ને અરજણિયો થઈને એનો ગાળ ઉલેચશું, તંયે થાશે.’

સાંજ પડી. સૂરજ આથમ્યો. ગોરજ ટાણા સુધી ગિધાની ગોત ચાલી, પણ ક્યાંય પત્તો ન લાગ્યો.

અરતીફરતી સીમના એકેએક અવાવરૂ તેમ જ વાવરુ વાવકૂવાનાં પાણી ડહોળાઈ–ડખેાળાઈ ગયાં, પણ ગિધાનું ક્યાંય નામનિશાન ન મળ્યું. એને સાટે જેની જરૂર નહોતી એવી સંખ્યાબંધ ચીજો હાથ આવી : લોખંડી મીંદડીના આંકડિયામાં ભરાઈ ભરાઈને ભાંગેલાં ​

બકડિયાં, તગારાં, બેત્રણ ઇંઢોણીઓ, એક ઘડો, એક કટાઈ ગયેલી કોદાળી વગેરે વણખપની વસ્તુઓનો ખાસ્સો ઢગલો થયો. દિવસ આખો વિવિધ વાવકૂવામાં ડૂબકીઓ મારી મારીને મૂળગર જેવો ઉસ્તાદ તરવૈયો પણ બશેર–અઢીશેર જેટલું પાણી પી ગયો અને બદલામાં ઊંડા કૂવાઓનાં તળિયાંના કાદવમાંથી એક બાવડાસાંકળી, બે સડી ગયેલાં બલોયાં અને એક રૂપાનો કંદોરો હાથ કરી આવ્યો.

પણ અત્યારે તો માણસ જેવા માણસની ખોટ પડી હતી, એમાં આવા સોનારૂપાની શી વિસાત ? ‘આ તો મારી જ સાંકળી’ પાણી સીંચતાં પડી ગઈ’તી.’ ‘કૂવામાં બાજોટિયો માર્યો તયેં મારો કંદોરો નીકળી ગયો તો,’ એવા એવા દાવા રજૂ કરનાર આ દાગીનાના સહુ માલિકોને મુખીએ હાંકી કાઢ્યા. ‘આ માલ તો મૂળગરે જીવનું જોખમ ખેડીને કાઢ્યો છે, એટલે મૂળગરને જ આપું છું, આમે ય આજે આખો દિ’ એણે બીડી નથી વાળી એટલે એનું દનિયું ભાંગ્યું છે ને વળી બચાડો નાકેમોઢેથી પાનશેર પાણી પી ગ્યો છે એટલે આટલા દાગીના મૂળગરના મહેનતાણાના.’

‘આ તો ગિધાની ગોતમાં મૂળગરને મજો થઈ ગયો.’ ઘરેણાંના માલિકોએ ફરિયાદ કરી.

 *** પાદરમાં અંધારાં ઊતર્યાં એટલે રઘો અને મુખી નિરાશ થઈ ગામમાં પાછા આવ્યા.

ઝમકુનું આક્રંદ વધારે ઉગ્ર બન્યું. આખી રાત એ લાંબા લાંબા ઠૂઠવા મૂકીને ધ્રૂસકે ધ્રૂસકે રોતી રહી અને એ રુદન સ્વર સાંભળીને અરધું ગામ પણ ચિંતાતુર બનીને જાગતું જ રહ્યું.

રાત આખી રાણપુરામાં દૂદા ભગતની વાડીએ ભજનમંડળીમાં બેસીને અને સેંથકનો ગાંજોચરસ કૂંકીને માંડણિયો વહેલી સવારે ગામમાં આવ્યો ત્યારે એણે એક સમાચાર આપ્યા :

‘ભજનમંડળીમાં બેઠેલો એક બાવો વાત લાવ્યો છે કે વાઘેસરના ​મંદિરની કાંટ્ય વચાળે મોટી મઘરપાટ છે એમાં કોઈ માણસનું મડરું તરે છે, ને શાપરથી શંકરભાઈ ફોજદાર એનો પંચક્યાસ કરવા ઊપડ્યા છે.’

સમાચાર સાંભળતાં જ મુખીએ ગોબરને તેડાવ્યો ને પોતાની ઘોડી હાજર કરી :

‘જા ઝટ, મારતી ઘોડીએ વાઘેસર પૂગ્ય ઝટ !’

માંડણે કહ્યું : ‘લાશ ફૂલીને ફુગાઈ ગઈ છે.’

‘તો ય ગિધો હશે તો સાવ અજાણ્યો થોડો રે’વાનો હતો ?’ કહીને ગોબર મારતી ઘોડીએ વાઘેસરને પંથે પડ્યો.

અને એવી જ માર માર કરતી ઝડપે એ પાછો પણ આવ્યો ને સમાચાર આપ્યા :

‘લાશ ગિધાની જ છે. મઘરપાટનાં માછલાંએ ડિલે આખે ફોલી ખાધી છે, પણ બાવડે બાંધેલું માદળિયું ઓળખાણું... ગિધાની દાઢીમૂછ ઓળખાણી... શંકરભાઈ ફોજદારે કીધું છ કે ભવાનદાને મોકલ તો લાશનો કબજો સોંપીએ...’

ઘરડે ઘડપણ પણ ભવાનદાએ કહ્યું : ‘ગોબર ! મને ટેકો દે... ઘોડીએ ચડાવ્ય !’

***

છેક રોંઢા ટાણે મુખી ગિધાની લાશને ગાડે ઘાલીને ગામમાં લાવ્યા ત્યારે ઝમકુ ઉપરાંત ઘણાં ય માણસો એ દૃશ્ય જોઈને રડી પડ્યાં. સહુને એક જ કુતૂહલ હતું : ‘ગિધાને કોણે માર્યો ?’

કાસમ પસાયતાએ ને શંકરભાઈ ફોજદારે મળીને આ રહસ્ય ઉકેલવા પ્રયત્ન કર્યો, થોડા દિવસ પહેલાં ગિધાએ વાઘેસરની બાજુના એક ખેડૂત ઉપર જપ્તીનું હુકમનામું બજાવેલું અને બેલીફને લઈને એ હુકમનામાની બજવણી કરવા ગયેલો. એટલી માહિતી ઉપરથી પેલા ખેડૂતને પરહેજ કરવામાં આવ્યો, પણ એ તો લાંબી તપાસને અંતે સાવ નિર્દોષ સાબિત થયો. ​બરોબર એક અઠવાડિયા પછી શંકરભાઈએ વાઘેસરની બાજુના ગિધાના જ એક જ્ઞાતિજન ઉપર છાપો માર્યો. એ માણસે ગિધાને ઘરઘરણાની લાલચ આપીને બોલાવેલો. ગરજુડો ગિધો ઘાએ ચડીને ગાંઠમાં સારીપટ સોનું ને રોકડ લઈને ગયેલો. કહેવાય છે કે આ કારસ્તાન ગોઠવનારાઓએ નસાડેલી એક નવોઢા જોડે ગિધાનાં પુનરલગ્નનો વિધિ પણ કરવામાં આવેલો, અને છેક છેલ્લી ઘડીએ એ કામાંધ માણસને કવિન્યાયની રાહે ગળચી દાબીને ગારદ કરી નાખવામાં આવેલો. દરદાગીના, રોકડ તેમ જ એનાં ખિસ્સાં સુધ્ધાં ખંખેરી લઈને લાશને મઘરપાટમાં પધરાવી દેવાયેલી...

ગિધાના ખૂનીઓઓને હાથકડી પહેરાવીને શાપરની જેલમાં મોકલી દીધાના સમાચાર જાણતાં રોતીરગળતી ઝમકુએ મૃત પતિને ઉદ્દેશીને છેલ્લી ગાળ સંભળાવી :

‘લેતો જા, મારા રોયા ! મારા નિહાહા લઈને નવી કરવા ગ્યો’તો તી હવે લેતો જા !’

*