લોકમાન્ય વાર્તાઓ/અભુ મકરાણી

અભુ મકરાણી

શિકારીની બંદૂક જોઈને ત્રસ્ત બનેલી હરિણીની જેમ દોડતી ગેમી ડેલાના દરવાજામાં ઘૂસી ગઈ. અંદરને ઓટે ગડાકુની તડપલી મસળતો અભુ મકરાણી હજી તો કાંઈ પૂછેગાછે, કે ડેલાનું બારણું વાસવા ઊભો થાય એ પહેલાં તો ગેમીએ જ જોશભેર ગળકબારીનું બારણું પછાડીને વાસી દીધું અને ઉપર આગળો ચડાવી દીધો. લુહારની ધમણની જેમ ગેમીની છાતીમાં શ્વાસ ધમાતો હતો. નસકોરાં ફૂલીને ફૂંફાડા મારતાં હતાં. ડોળા ચકળવકળ ફરતા હતા. આમેય ચણોઠી શા લાલચટક લાગતા મોં ઉપર વધારાનું લોહી ધસી આવતાં એ અત્યારે ધગધગતા તાંબા જેવું લાગતું હતું. ગડાકુ ફૂંકવાનું કોરે મૂકીને અભુ ગેમીની નજીક આવ્યો અને પૃચ્છા કરી પણ ઉત્તર આપવા મથતા ગેમીના ઓઠ આછા ફફડાટથી વધારે ઊઘડી જ ન શક્યા. અભુના પ્રશ્નોનો ઘોંઘાટ સાંભળીને દાડિયાંમાંથી બેત્રણ સ્ત્રીઓ દરવાજા પાસે આવી પહોંચી અને ગેમીની સ્થિતિ જોઈને બીજાં દાડિયાંને પણ સાદ કર્યો. થોડી વારમાં જ ગેમીને આખા કારખાનાનાં દાડિયાં ઘેરી વળ્યાં. ‘કારખાના’નું નામ તો ગામલોકોની ઉદારતાએ જ આપ્યું હતું. કાયદાની પરિભાષામાં એ કારખાનું નહોતું, કેમ કે એમાં ન તો ‘પાવર’નો વપરાશ હતો કે ન તો વીસથી વધારે માણસો એમાં કામ કરતાં. જીવન ઠક્કરને તમાકુનો મોટો વેપાર હતો એટલે તમાકુ દળવા માટે આ ડેલામાં દસબાર ઘંટીઓ માંડી દીધી હતી. ખોબા જેવડા ગામમાં આ ડેલો મોટો ગણાતો એટલે એને લોકોએ ‘કારખાનું’ કહી દીધું હતું. હા, એનો દેખાવ નાનાસરખા કારખાના જેવો હતો ખરો. ચારપાંચ એકઢાળિયા ઓરડા તમાકુના પાંદડાંથી ભર્યા રહેતા. એક ગમાણમાં ખાલી બોરાના ઢગ ખડકાયા હતા. ઓસરીમાં ખપેડામાંથી ટિંગાતો બધો તમાકુ ચાળવાનો મોટો ચાળણો હતો; અને ફળિયામાં ગોટેગોટ ઊડતી બજારની રજોટી જોતાં એમ સહેજે લાગે કે અહીં મોટા પાયા ઉપર કારખાનું ચાલી રહ્યું છે. સવારમાં હજી શિરામણ પણ ન થયાં હોય એ પહેલાં આ દાડિયાં ઝટપટ ઘેરેથી રોટલો શેકીને ડેલે આવી પહોંચતાં અને પોતપોતાની ઘંટીએ બેસી જતાં. બપોરે બાર વાગતાં તેઓ ફરી રોટલા ખાવા જતાં અને કલાકેકમાં તો કારખાને પાછાં ફરતાં, અત્યારે બધાં દાડિયાં રોટલા ખાઈને આવી પહોંચ્યાં હતાં. માત્ર ગેમીની ઘંટી ખાલી હતી. સૌ ગેમીની રાહ જોતાં હતાં ત્યાં જ એ હાંફતી હાંફતી આવી પહોંચી. લાંબી પૂછપરછને અંતે પણ ગેમીની જીભ ઊપડી ન શકી ત્યારે એના ભયગ્રસ્ત ચહેરા ઉપરથી જ સૌએ કશાક અનિષ્ટની કલ્પના કરી. અને થોડી વારમાં જ અનિષ્ટ પ્રત્યક્ષ થયું. ડેલાના તોતિંગ કમાડ ઉપર બહારથી ટકોરા પડ્યા. કમાડના ધોકા ઉપર પછડાતો બંદૂકનો કુંદો જાણે કે પોતાના વાંસા ઉપર જ પડ્યો હોય એમ ગેમી ભડકીને ભાગી અને જઈને ગમાણમાં ભરાઈ ગઈ. અભુએ હળવેકથી ગળકબારી ઉઘાડી તો બહાર થાણદારનો એ.ડી. સી. ઊભો હતો. ‘કોનું કામ છે?’ અભુએ પૂછ્યું. ‘હમણાં કોઈ બાઈ અંદર આવી કે?’ ‘હા.’ ‘એને પાછી કાઢો.’ ‘કાં?’ ‘થાણદાર સા’બે તેડાવી છે.’ અભુ ઘણું ઘણું સમજી ગયો. ચારચાર દાયકાની પહેરેગીરીમાં એણે જીવનના અનેક રંગ જોઈ નાખ્યા હતા. અમલદારી અત્યાચારો પણ એનાથી અજાણ્યા નહોતા. હિંમતભેર અભુએ કહી દીધું: ‘થાણદાર તો આ બાયું’ના માવતર કેવાય. દીકરિયું ઉપર બાપ નજર ન બગાડે.’ ‘ડોસા, તારી વાયડાઈ બંધ કર ને! કે પછી સાંકડા ભોણમાં આવ્યા વિના એરુ પાંસરો નહીં જ હાલે?’ ‘ભોણમાં આવશું તંયે જોયું જાશે. બાકી આ ડેલાનો દરવાજો ચાર દાયકાથી હું સંભાળું છું. આંહીનાં સંધાંય દાડિયાં મારી નજર સામે મોટાં થ્યાં છ, મારે જીવતે એની સામે કોઈ ઊંચી આંખ્યે ન જુવે.’ અભુ અને એ.ડી.સી. વચ્ચે રકઝક ચાલતી હતી ત્યારે ગમાણમાં ગેમીને ઘેરીને સૌ બાઈઓ પૂછપરછ કરી રહી હતી. ગેમીએ તૂટક તૂટક વાક્યોથી અને વધારે તો હાવભાવથી જ એટલું જણાવ્યું કે પોલીસથાણાને નાકેથી એક માણસના હાથમાંથી માંડ માંડ છૂટીને આવી છું. ‘બાઈ! પણ તને હજાર દાણ કીધું કે થાણાને રસ્તે ન હાલવું ને હડમાનદેરીને ફરીને આવવું, પણ તું હાલવાની કાયર અને ટપ દઈને ટૂંકે મારગે ચડી જા. લેતી જા હવે, ઈ રોયાં કૂતરાં હવે સગડ નંઈ મેલે.’ દાડિયાંમાંની એક પાકટ ઉંમરની બાઈએ જણાવ્યું. ‘ને વળી ગેમી ગમે તેવી તોય લીલો સાંઠો ગણાય. ક્યાંય ડગલું દેતાં મોર દહ દાણ વચાર કરવો જોઈ, બાપુ!’ સામું માણસ ભયમાં છે અને પોતે સલામત છે એની ખાતરી થતાં ઊપજતી નિરાંત અને સરસાપણાની રૂએ ગેમીને સૌ વા’લેશરીવટથી સલાહસૂચનો આપવા મંડી પડ્યાં. ‘આ દરબારી ગામમાં રેવું કાંઈ રમત વાત નથી, બાપુ!’ ‘પગનો અંગૂઠોય જીમીમાં ઢાંકીને હાલવું જોઈ. કોક નખ ભાળી જાય તોય એનો સગડ ન મેલે.’ ‘આપણા પંડ્યનાં જ પાંચેય આંગળાં ખરાં હોય તો એમાં કોકનું શું હાલવાનું હતું? આપણા પંડ્યમાં જ તેવડ્ય જોઈ. ઈ વિના સંધુંય ખોટું.’ આમાંની કઈ સલાહ-શિખામણ ગ્રહણ કરવી અને કઈ ઇનકારવી એ જ ગેમીને સમજાતું નહોતું. એને સાચું આશ્વાસન તો અભુ મકરાણીએ આપ્યું. થાણદારના એ.ડી.સી.ને ગાળ દઈને વળાવ્યા પછી દરવાજે આગળો ઠાંસીને એ ગેમી પાસે આવ્યો અને સતત ધ્રૂજતા હાથનો પંજો ગેમીને વાંસે મૂકીને પિતાની જેમ એણે અભયવચન આપ્યું. અભુ જાતનો મકરાણી હતો અને દાડિયાં સૌ હિન્દુ હતાં, પણ અહીંના શ્રમજીવનમાં કોમી ભેદભાવને ભાગ્યે જ કોઈએ પિછાણ્યા હતા. સૌની સરખી જ દરિદ્રતાએ અરસપરસ એવી તો આત્મીયતા ઊભી કરી હતી કે એમાં કોઈ ગેર-કોમનું આદમી છે એવો ખ્યાલ સુદ્ધાં ઉદ્ભવી શકતો નહીં. બહુમતી લઘુમતી કોમ, આત્મનિર્ણયનો અધિકાર, કે પક્ષીય રાજકારણના પ્રશ્નો કરતાં અનેક ગણો વધારે અગત્યનો અને તાત્કાલિક ઉકેલ માગતો પ્રશ્ન તે પેટના ખાડા પૂરવાનો હતો. પેટના અર્થકરણ પાસે રાજકારણ જાણે કે વામણું અને વહરું લાગતું હતું. સમુદુખિયામાં જ હોઈ શકે એવી આત્મીયતાથી અભુ ડોસાએ ગેમીને રક્ષણની ખાતરી આપીને સ્વસ્થ બનાવી. દરમિયાનમાં તો ડેલાના દરવાજા બહાર ત્રણ બંદૂકધારી સંત્રીઓ ગોઠવાઈ ગયા હતા. બે દોકડાના મકરાણી પહેરેગીરે થાણદાર જેવા અમલદારની માગણી ઇનકારી હતી એનો રોષ ત્રણેય સંત્રીઓની આંખમાં ભભૂકતો હતો. હમણાં કાં તો આખા ડેલા સામે તોપો મંડાશે ને કારખાનું પાડી પાદર કરી નખાશે એમ લાગતું હતું. પણ થાણદાર એવા ઉતાવળિયા નહોતા. એમને સાપ મારવો નહોતો તેમ લાકડી પણ ભાંગવી નહોતી, એમણે કારખાનાના માલિક જીવન ઠક્કર કનેથી કામ કઢાવવાની પેરવી કરી. થાણદારે પાસો તો આબાદ નાખ્યો હતો. જીવન ઠક્કર હજાર ગુનાના ગુનેગાર હતા. બહોળા વેપારધંધામાં અને મોટી ધીરધારમાં એમને અનેક કાળાંધોળાં કરવાં પડતાં. આજ સુધીમાં એમની સામેનાં સંખ્યાબંધ તહોમતો ભીનાં સંકેલાયાં હતાં; અને બીજાં એટલાં જ હજી તાતી તલવારની જેમ માથા ઉપર લટકતાં હતાં. આ બધી લટકતી તલવારો એકસામટી જીવન ઠક્કરના માથા ઉપર મૂકી દેવાનો થાણદારે મોકો સાધ્યો. જીવન ઠક્કર સમક્ષ બે વિકલ્પ આવી ઊભા: કાં તો પોતાના કારખાનાનાં દાડિયાંની ઇજ્જત લુટાવા દેવી, ને કાં પોતાની. આમાંનો બીજો વિકલ્પ તો એમને કેમેય કર્યો પોસાય તેમ નહોતો. એમણે ઓછું અનિષ્ટ પસંદ કર્યું. દુકાનેથી વાણોતર સાથે અભુ મકરાણીને સંદેશો મોકલ્યો કે ડેલાના દરવાજા ઉઘાડી નાખો. તે પહેલાં તો અભુએ, અગમચેતીથી ઠાંસેલાં બારણાં ઉપર તોતિંગ ભોગળ ભીડી દીધી હતી. હવે થાણદારનો બાપ આવે તોય જખ મારે છે એવો નિરાંતનો શ્વાસ ખેંચીને એ તડપલી લેવા બેઠો ત્યાં તો થાણદારના બાપને બદલે શેઠના વાણોતરે જ બહારથી સાદ પાડ્યો. અભુએ દરવાજા કે ગળકબારી કશું ઉઘાડવાને બદલે બારણાની સાંધમાંથી જ વાતચીત કરવાનું મુનાસિબ માન્યુ. વાણોતરે શેઠનો હુકમ પાઠવ્યો. અભુએ ચોખ્ખું ને ચટ્ટ સંભળાવી દીધું: ‘આ અભુના જીવતાં એમ દરવાજો નહીં ઊઘડે.’ સંત્રીઓમાંના એક જણે જઈને આ વાતચીતનો સાર થાણદારને કહ્યો. થાણદાર ધૂંવાંપૂંવાં થઈ રહ્યા. હવે તો વાત વટ ઉપર ચડી. વધારે કડક હુકમો અને વધારે માણસો સાથે સંત્રી પાછો ફર્યો. દાડિયાં કામે વળગ્યાં હતાં, પણ સૌના પેટમાં ફડકો હતો. કામ તો બધું રોજિંદે રાબેતે યંત્રવત્ ચાલતું હતું. પણ સૌનાં માનસમાં જુદી જુદી પ્રક્રિયાઓ ચાલી રહી હતી. માત્ર હાથ, આદતને વફાદાર રહીને, ફરજ બજાવ્યે જતા હતા. વર્ષોની એ આદત હતી. ચાળણાને આમથી તેમ હલાવીને તમાકુ ચાળ્યા કરવી, ઘંટીનાં ચક્કર ઉપર ચક્કર અવિરત પીસતાં જવાં. ઘંટીઓના હાથાનો પથ સતત વપરાશે ઘસીઘસીને વચ્ચેથી સાઠીકડા જેવા કરી નાખ્યા હતા. એ જ પથ્થરનાં પડ અને એ જ માંચીઓ અને નાકમાં છીંકણી પેસતી અટકાવવાનાં એ જ મોં-બંધણાં. દાડિયાં દિવસ આખો એકબીજાને પનારે પડ્યાં હતાં. મોં પર બુકાની સમા, ધૂળ-ધમાસાથી રજોટાયેલાં મેલાં મોં-બંધણાં બાંધવાથી એ નમણાં મુખ બેડોળ બનતાં લાગતાં, પણ આ દાડિયાંઓની રસદૃષ્ટિ અને સૌંદર્યદૃષ્ટિ બન્ને, વાસ્તવદર્શન સાથે તડજોડ સાધી ચૂકી હતી. મોં-બંધણાનું બેડોળપણું કે ભયંકરતા એમને સાવ સદી ગયાં હતાં. દિવસ આખો કસ્તર-તમાકુની ઊડતી ડમરીએ ઓધરાળાં બનતાં માથાંનું દર્શન પણ સામાન્ય થઈ પડ્યું હતું…અને આ બધાં ઉપરાંત, સમગ્ર વાતાવરણમાં ઠોંસાઠોંસ રહેતી તમાકુની વાસની ભયંકર ઉગ્રતા પણ આ જીવોને કોઠે પડી ગઈ હતી. એમને તો હવે આ ઉગ્ર વાસ એ જ ‘પ્રકૃતિ’ હતી; ડેલા બહારની સ્વચ્છ હવા ‘વિકૃતિ’ હતી. એકબીજાં સમદુખિયાંના અતિપરિચયે એમનામાં અવજ્ઞા ઉત્પન્ન નહોતી કરી. ઊલટું શ્રમજીવનના લાંબા સહવાસે એકબીજાને લોહી લગાં બનાવ્યાં હતાં. એકને દુ:ખે સૌ દુ:ખી થતાં; એકને સુખે સૌ સુખ અનુભવતાં. દરેક વ્યક્તિના જીવનની રજેરજ વાત સૌ સહકાર્યકરો જાણતાં હતાં. કોઈએ કશું છુપાવવા જેવું રાખ્યું નહોતું. ક્યાંય દિલચોરી નહોતી, ક્યાંય ચશમપોશી નહોતી, કેમ કે આ કારખાનામાં કશું લૂંટી ખાવાનું નહોતું, કોઈએ એ આવકમાંથી મેડીઓ બાંધવાની નહોતી; કાયા તોડીને કામ કરી પેટિયાં રળળાનો આ પરિશ્રમ હતો. આ સૌ દાડિયાંમાં ગેમી જુવાન હતી. ઘણાં વરસથી એને છીંકણી ખાંડવાનું અને એના પડિયા વાળવાનું કામ ફાવી ગયું હતું. વળી, મોટેરાં દાડિયાંની હૂંફ પણ એને હતી. ધીમે ધીમે સૌ વાતોએ વળગ્યાં અને લાગ્યું કે ગેમીનો શ્વાસ હવે હેઠો બેઠો છે, ત્યાં જ ડેલા બહારથી એક સંત્રીની બૂમ પડી. ‘અભલા, ડેલામાંથી જુવાન હોય એને ઝટ બહાર મોકલી દે, નીકર સંધાંયનું આજે આવી બન્યું સમજજે.’ આ આદેશનો શબ્દાર્થ તેમ જ ભાવાર્થ એકેએક દાડિયાંના હૃદય સોંસરો પહોંચી ગયો. એકબીજાં સાથેજ જીભ વડે નહીં પણ આંખની ભાષામાં જ વાતચીતો શરૂ થઈ અને એ બધી વાતચીતનું મધ્યબિંદુ ગેમી બનવા લાગી. કેમ કે, સૌમાં જુવાન તો એક માત્ર ગેમી જ હતી. આ આંખોના જે ભાલા ગેમી સામે નોંધાતા હતા તે સાચા ભાલાની અણીઓ કરતાંય વધારે અસહ્ય હતા એમ ગેમી અનુભવી રહી. વાતાવરણ એવું તો ભારઝલ્લું થઈ ગયું કે દરેકના માથા ઉપર જાણે કે મણમણની શિલાઓ તોળાતી ન હોય! માંડ માંડ જીભ સળવળતાં ધીમાં ધીમાં કાનસૂરિયાં શરૂ થયાં: ‘શું કરવું હવે?’ ‘કરે શું બીજું? રાજનો હકમ છે. ઈ તો શૂળીએ ચડાવે.’ ‘હા, બાઈ, સત્તા આગળ શાણપણ શું કામ આવે?’ ‘પીટડિયો થાણદાર છે જ એવો. સાવજને એનો ભખહ બાળવો સારો. નકર પેટનો દાઝયોગામ આખાને બાળે.’ ‘હા, બાઈ, હા. એકને ભારે સંધાયને બૂડવું પડશે.’ સૌની જીભેથી કાયારખી પામરતાનું નફ્ફટ પ્રદર્શન થઈ રહ્યું. અભુ મકરાણી હજી દરવાજે બેઠો બેઠો બહારના સંત્રીઓ સાથે માથાફોડ કરી રહ્યો હતો, અને ભીડેલી ભોગળ બરોબર સાબૂત છે કે કેમ, એની વારંવાર તપાસ કરી જોતો હતો. થોડી વારે જ્યારે ડેલા ઉપર હોગોકીરો વધતો સંભળાયો ત્યારે ફરી દાડિયાંઓએ પોતાની પામરતાનું પ્રદર્શન કરવા માંડ્યું. ‘બવ તાણ્યે તૂટે…ઝાઝા તંતમાં માલ નહીં.’ ‘રાજા, વાજાં ને વાદરાં ઈ ત્રણને રીઝવ્યાં જ ભલાં. રૂઠે તો એના જેવાં ભૂંડાં કોઈ નહીં.’ ગેમી આ બધી શાણી સલાહ સાંભળતી જતી હતી અને એનો જીવ કટકે કટકે કપાતો હતો. એને કાંઈકેય હૈયાધારણ હોય તો તે અભુ મકરાણીની હતી. એ ડોસાના ઈમાન અને ઇન્સાનિયત ઉપર ગેમીને ઇતબાર હતો. માત્ર આ ગામમાં જ નહીં પણ પંથક આખામાં થાણદારની રાડ હતી. એની સામે લોકોનો કાળો કકળાટ હતો. થાણદારને જ્યારે કહેવામાં આવ્યું કે અભુ મકરાણી ડેલો ઉઘાડવાની ના કહે છે ત્યારે એમનું સ્વમાન ઘવાતું લાગ્યું. જીવન ઠક્કર ઉપર વધારે દબાણ થયું. જીવન ઠક્કર એક તો કાછડિયા કોમના વેપારી માણસ અને એમાં દરબારી અમલદારોનું દબાણ થયા પછી શું બાકી રહે? જીવન ઠક્કરના મનમાં ધકબક બોલવા માંડી. બીજું તો કાંઈ નહીં પણ ભૂલેચૂકેય કોઈ પોલીસનું માણસ ડેલામાં દાખલ થઈ જશે તો ગેરકાયદે સંઘરેલો માપબંધીનો કેટલોક માલ છતો થઈ જશે એની પણ એમને પીડા ઊપડી. વાણોતરને મોકલ્યે કશું નહીં વળે એમ સમજીને જીવનશેઠ જાતે જ કારખાને આવ્યા. અભુ ડોસાને ગળકબારી ઉઘાડવાનું કહ્યું. શેઠને જાતે દરવાજો ઉઘાડવવા આવવું પડ્યું છે એમ જ્યારે દાડિયાં લોકોએ જાણ્યું ત્યારે તો એમના ક્ષોભનો પાર રહ્યો નહીં. એક ગેમીને જ કારણે સૌને આટલું સહન કરવું પડે છે એ વાત મોઘમ રીતે ઉચ્ચારાવા લાગી અને છેવટે, સૌ મનમાં તો ક્યારનાં વિચારી રહ્યાં હતાં, પણ બોલતાં જીભ નહોતી ઊપડતી, એ આદેશ, બની શકે તેટલા ધ્વન્યાર્થમાં રજૂ કરી દીધો: ‘સમજુ તો સાનમાં સમજી જાય…એને આટલું કહેવાપણું હોય? શેઠ જેવા શેઠ હાટ છોડીને અહીં સુધી આવ્યા છે.’ ગેમી હવે વધારે સાંભળી ન શકી. બધો જ રોષ ભેગો કરીને પહેલી જ વાર એણે મોં ઉઘાડ્યું: ‘મને કહેવા આવ્યાં છો, પણ તમારામાંથી જ એકાદી જણી જાવ તો?’ ‘ઓય વોય! અમારું જાવું કાંઈ ખપ આવે એવું હોય તો તો અમે તને કહેવા વાટ શેનાં જોઈ? સાંભળ્યું નંઈ, સિપાઈએ હકમ કર્યો’તો ઈ, કે જુવાન જણી જોઈને મોકલો!’ વર્ષોની આત્મીયતા, અને એકબીજાંને દુ:ખે દુ:ખી થવાની વૃત્તિ અત્યારે ખરાખરીને મોકે કોણ જાણે ક્યાં ચાલી ગઈ હતી. દાડિયાં વચ્ચે જ્યારે આવી રકઝક ચાલતી હતી ત્યારે જીવન ઠક્કર ને અભુ મકરાણી વચ્ચે મોટેથી બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. જીવન ઠક્કર માલિક તરીકે, અભુના પાલણહાર તરીકે, દરવાજો ખોલવાનો હુકમ કરતા હતા. અભુ માત્ર ઈમાન અને નેકીની રીતે દલીલ કરતો હતો. પણ ઇન્સાનિયત જેવી કોઈ ચીજને ન પિછાનતા જીવન ઠક્કર પોતા ઉપર તોળાઈ રહેલી તલવારોની જ ચિંતા કરતા હતા અને અભુને ઉતાવળ કરવાનું સૂચવતા હતા. છેલ્લા દાવ તરીકે તેમણે અભુને એના આશ્રિતપણાની યાદ આપી. હા, અભુ દાયકાઓ થયા આ ડેલાનો આશ્રિત હતો ખરો, એની દાઢમાં જીવન ઠક્કરનું અન્ન હતું એ વાત પણ ખરી. પણ એ અન્ન આવી ભ્રષ્ટ બુદ્ધિ પ્રેરતું અને પોષતું હશે એ હકીકતનો એને કદી ખ્યાલ નહોતો. અન્નદાતાનો આદેશ અને ઇન્સાનિયત એ બે વચ્ચે ભીંસાઈ રહેલા આ ભોળા આદમીએ હૈયાઉકલત અનુસાર એક માર્ગ શોધ્યો. ‘શેઠ, જરાક વાર ઊભા રહેજો. હું ગળકબારી ઉઘાડું છું. અડધોક રોટલો ખાવા જેટલી વાટ જુવો ને પછી બારીને ધક્કો મારજો.’ અભુની આ ઉદારતા જોઈને જીવન ઠક્કરનો ઊંચો શ્વાસ હેઠો બેઠો. એની સૂચના મુજબ, ‘અર્ધો રોટલો ખાતાં વાર લાગે’ એટલી વાર સુધી જીવન ઠક્કર બહાર થોભ્યા અને આ મકરાણી શી કરામત કરે છે એ જાણવા ઉત્સુક બની રહ્યા. દાડિયાં હજી પણ ગેમીને એ જ શાણી સલાહ આપતાં હતાં: ‘સમજુ તો સાનમાં સમજી જાય.’ કાન ફાડી નાખે એવો ધડાકો દરવાજામાંથી સંભળાયો. જીવન ઠક્કરે ચોંકી ઊઠીને ગળકબારી પર જોરથી પાટું લગાવ્યું; પણ ગળકબારી તો ઉઘાડી જ હતી! પોતાનો પગ પાછો પડતાં તેઓ છોભીલા પડી ગયા. પણ વધારે ક્ષોભ તો તેમણે જ્યારે બારીમાંથી ડેલામાં પ્રવેશ્યા ત્યારે જે દૃશ્ય જોયું, એથી અનુભવ્યો. બે પગ વચ્ચે બંદૂકનો કુંદો ભરાવીને અભુએ પોતાની છાતીમાં એની નાળ નોંધી હતી. એનાં આંગળાં બંદૂકના ઘોડા ઉપર હતાં. જીવન ઠક્કરે ઘાંઘાં થઈ જતાં, નજીક જઈને અભુના હાથમાંથી બંદૂક છોડાવવા વ્યર્થ પ્રયત્ન કરી જોયો. હા, વ્યર્થ પ્રયત્ન; કેમ કે બંદૂકનો ઘોડો દબાઈ ચૂક્યો હતો અને આ જઇફ આદમીની છાતી વીંધાઇને વાંસામાંથી ડૂચો નીકળી ગયો હતો. કારખાનાની સંપત્તિના રક્ષણાર્થે માલિકે વસાવી આપેલી બંદૂકે – બીજા કોઈએ નહીં તો બંદૂકે તો – પોતાની ફરજ બરોબર બજાવી હતી. બીજું કાંઈ નહીં તો ઇન્સાનિયતના એક ઉપાસકને ધર્મસંકટમાંથી તો એ બંદૂકે મુક્તિ અપાવી જ હતી.