વસુધા/આજે વસંતે

આજે વસંતે

આજે વસંતે,
પૃથ્વી-કિનારે મૃદુ મંદ મારુતો
વહી રહ્યા, લાવી રહ્યા સુગંધને
અસ્પૃશ્ય, આછી ઉરને ગલી કરી
જતી ચમેલી બટમોગરાની,
પ્રહર્ષ–મૂર્છા મહીં ભૃંગ ભારતી
પરાગકોશે મૃદુ પદ્મકેરા.

આજે વસંતે,
હૈયા મિનારે અનિલો ઉતાવળા
વસંતરંગ્યા ફુલબાગમ્હેંક્યા ૧૦
ચડીચડીને અથડાય તન્વી!
લહરી લહરી મરુતોતણીને
સુમૂર્તિ તારી શિખરે વિરાજતી
સ્પર્શી રહે આંતર બાહ્ય મારે.
સ્પર્શે અને એ વહી જાય પાછી,
ગયેલ પાછી વળીને અડી જતી.

સુદૂર વ્યોમાન્તરના ગ્રહે વસ્યાં
સુચક્ષુ તારાં નિજ તેજ કોમળાં
ખિલાવી મારા રસપદ્મને રહે.
પરાગ એનો અધ-મૂર્છને હા ૨૦
આવાં પ્રભાતે મુજને ઢળાવે.

તારી વહો એ સુરભિ સદૈવ
અસ્પૃશ્ય, અગ્રાહ્ય, અચુમ્બ્ય મોજ શી
વસંતના આ અનિલો સુમંદ શી
વહ્યા કરો અંતર બારીએથી.

બધાં પ્રભાતે
હૈયામિનારે હસતો ઉભું સદા,
ખસી પડું તો કરજે ક્ષમા, સુધા–
સંજીવની જીવનના વસંતની!