વસુધા/ધનયુગનો સ્થિતપ્રજ્ઞ

ધનયુગનો સ્થિતપ્રજ્ઞ

એ શેઠની મોટર હાંકનારો
જહીં જહીં શેઠ જતા તહીં તહીં
મહેલમાં મેહફિલમાં ચ બાગમાં,
ઉજાણીઓ, ઉત્સવ, નાચગાનમાં
સદા જતો; શેઠ જતા જ અંદરે
ને એ સુણી રે’ સઘળું બહારથી–
મચેલ મોંઘા જલસાની લિજ્જતો–
રકાબીઓના રણકાર, હાસ્યથી
કલ્લોલતાં એ નરનારીઓના
આકારનાં ડોલન દેખી એ રહે. ૧૦

મહેલથી મોટર જેમ બ્હાર રે’,
જતો રહી એમ બહાર સર્વ આ
આનંદ–કલ્લોલ-ઉમંગ–હાસ્યથી.
પ્રમાદનાં પૂર ચઢે ઘણાં છતાં
એનો ન ભીંજે પગનો ય અંગુઠો.

કલ્લોલનાં ધામની પાસ એને
બહાર ઊભો નિરખું ફરી, અને
જોઉં વળી મોટરને ય ત્યાં પડી.

કલ્લોલધામે કકળાટ થૈ રહ્યો,
મૃત્યુતણું ત્યાં પગલું પડી ગયું, ૨૦
કલ્લોલતું પંખિડું કો ઉડી ગયું.
જે આકૃતિઓ હસતી હતી અહીં
રહી પછાડી શિર શોકદુઃખથી.

ને તે ઉભો શૉફર ત્યાં જ તેવો
જેવો હતો મેહફિલટાંકણે ઉભો.
ત્યાં શોકની આ નદીઓ વહે છતાં
એનો ન ભીંજે પગનો ય અંગુઠો.