વસુધા/શશી ભૂલ્યો

શશી ભૂલ્યો

‘આપના ઉરની હૂંફ.’ ‘મીઠી શીતળતા તવ.’
‘આપના બાહુના બન્ધ.’ ‘તું માળા ફૂલની ઉરે.'

‘આપનું હાસ્ય બેફાટ.’ ‘તે તારાં નેત્રનાચણાં.’
‘આપની મેઘ શી કાયા.’ ‘તું વિદ્યુત સ્વર્ણરંગિણી’

‘આપની ગિરિ શી ઓથ.’ ‘નદી તું મુજ અંકની.’
‘આપના તેજ-અંબાર.’ ‘તું મારી પુણ્યપદ્મિની.’

‘આપના સ્નેહનો ધોધ.’ ‘તું મારાં ફીણની છટા.’
‘આપ તો માતરિશ્વા શા.’ ‘તું સુગન્ધ ધરાતણી.’

‘આપ ઐશ્વર્યના સ્રષ્ટા.’ ‘તું મારી રિદ્ધિરક્ષિણી.’
‘આપથી પ્રાણની વર્ષા.’ ‘તું પૃથ્વી પ્રાણધારિણી.’ ૧૦

અને એવાએવા કંઈ લવલવાટે ગઈ નિશા
સુતેલાં પ્રેમીની, પ્રણયભરતી ત્યાં ઉછળતી,
મહા મીઠી મોંઘી જગતસરણી બીજ ગ્રહતી:
અદેખો જોતો એ વિધુર શશી ભૂલ્યો પણ દિશા.