વાસ્તુ/17


સત્તર

અમૃતાના પપ્પા ખૂબ જાણીતા ન્યાયાધીશ. તે અપર્ણાને એમનું ઘર શોધતાં જરીકે વાર ન લાગી. ડૉરબેલ વગાડ્યો. બારણું ખૂલવાની રાહ જોતી અપર્ણા ઊભી રહી. થોડી વાર થવા છતાં બારણું ખૂલ્યું નહિ. બેલનો અવાજ સંભળાયો હશે? ફરીથી બેલ વગાડું? એમાં અવિવેક તો નહિ લાગે? ના, થોડી વાર હજી રાહ જોવા દે… ત્યાં તો બારણું ખૂલ્યું. સામે ઊભેલાં બહેનનો ચહેરો-મહોરો બરાબર અમૃતા જેવો જ. જોતાં જ ખબર પડે કે આ જ અમૃતાનાં મમ્મી. ‘તમે… અમૃતાદીદીનાં મમ્મી?’ અપર્ણાએ પૂછ્યું. એમના ચહેરા પર આનંદની ભરતી ઊમટી. અમૃતાએ ભાગી જઈને લગ્ન કર્યાં ત્યારબાદ એના પપ્પાએ સંબંધ સાવ તોડી નાખ્યો ત્યારથી પોતાની ‘અમૃતાનાં મમ્મી’ તરીકેની ઓળખ જાણે ભૂંસાઈ ગયેલી. અમૃતાનો રૂમ એમણે સ્મારકની જેમ જાળવી રાખ્યો છે. પહેલાં તો એની બહેનપણીઓના કલબલાટથી એનો રૂમ જ નહિ આખુંયે ઘર ઊભરાઈ છલકાઈ જતું. કેટલાં વરસો પછી ‘અમૃતાનાં મમ્મી’ શબ્દ કાને પડ્યો! ‘હા, આવ બેટા.’ અમૃતાનાં મમ્મી લાગણીભીના અવાજે બોલ્યાં. ‘આન્ટી, હું અપર્ણા… અમૃતાદીદી સાથે મારે ઘર જેવો સંબંધ છે. સંજય સરની હું વિદ્યાર્થિની.’ આ વાક્ય ક્યાંક એના પપ્પાના કાને પડશે તો? – એવી ફાળ સાથે તેઓ બોલ્યાં – ‘આવ બેટા, આપણે અમૃતાની રૂમમાં બેસીએ.’ ‘અમૃતાની રૂમમાં’ શબ્દ કાને પડતાં જ અપર્ણાની આંખોમાંય ઝળઝળિયાં આવું આવું થઈ રહ્યાં. ડ્રૉઇંગરૂમ ઓળંગી બંને અમૃતાની રૂમમાં ગયાં. ‘આન્ટી, તમને કશી ખબર છે?’ સીધો આવો સવાલ સાંભળીને અમૃતાનાં મમ્મીને ફાળ પડી. ‘કેમ આમ પૂછે છે બેટા? બધાં કુશળ તો છે ને?' ‘સરની માંદગીની તમને ખબર નથી?’ ‘ના… શું થયું છે સંજયકુમારને?’ અપર્ણા અહીં આવતાં આવી તો ગઈ. પણ હવે મૂંઝાવા લાગી કે અમૃતાનાં મમ્મીને કહેવું શું ને કઈ રીતે? ‘કેમ કંઈ બોલતી નથી બેટા? કોઈ ગંભીર રોગ છે?’ ‘હા આન્ટી..’ કહ્યા પછી એણે બે હોઠ દબાવી રાખ્યા. બીક લાગી કે આગળ કશું બોલવા જતાં શબ્દોને બદલે ક્યાંક ડૂસકું... ‘હમણાં શહેરમાં કમળો ને ઝેરી મેલેરિયા ખૂબ ચાલે છે. સંજયકુમારને ઝેરી મેલેરિયા તો નથી ને?’ ‘સરને…’ અપર્ણાએ હૈયું કાઠું કર્યું, ‘લોહીનું કૅન્સર છે આન્ટી…’ અપર્ણાએ કહેતાં કહી તો દીધું પણ પછી આંસુઓ રોક્યાં રોકાયાં નહિ. બમણા વેગથી ઊમટ્યાં. અમૃતાનાં મમ્મીએ અપર્ણાનો ચહેરો છાતીસરસો ચાંપ્યો ને એના માથે, પીઠ પર હાથ ફેરવતાં રહ્યાં… અપર્ણા સ્વસ્થ થઈ ને વાળ સરખા કરવા ગઈ તો એના વાળ ભીના થઈ ગયેલા – અમૃતાનાં મમ્મીનાં આંસુઓથી… ‘આન્ટી, અમૃતાદીદી તમને બધાંને બહુ જ યાદ કરે છે...’ ‘અમૃતાએ તમને અહીં મોકલ્યાં છે? કે સંજયે?’ કહેતાં, હાથમાં ચિરૂટ સાથે અમૃતાના પપ્પા પ્રવેશ્યા. અમૃતાનાં મમ્મી ગભરાઈ ગયાં. અપર્ણાએ જવાબ આપ્યો – ‘ના, હું મારી મેળે આવી છું… તમે લોકો સરની ખબર કાઢવાય હજી આવ્યાં નથી આથી અમૃતાદીદી ખૂબ દુઃખી થાય છે.' ‘તમે અમને કશી સલાહ આપવા આવ્યાં છો?' – કહી વળી એ રુક્ષ ચહેરે ચિરૂટ પીવા લાગ્યા. કશો જવાબ આપવાના બદલે અપર્ણા ઊભી થઈને ‘બાય, આન્ટી’ કહી સડસડાટ ચાલી ગઈ. ‘બિચારી છોકરીને કાઢી મૂકીને?’ અમૃતાનાં મમ્મીનો રોષ ભભૂક્યો, ‘સાવ પથ્થર છો, પથ્થર તમે તો… સાવ ખડક… ગમે તેટલાં મોજાંઓ અફળાયા કરે વારંવાર, તમને તો ક્યાં, કશું થવાનું હતું?’ અમૃતાના પપ્પાનો ચહેરો હજીયે શાંત-સ્વસ્થ ને કોરોકટ હતો. પત્નીનો ઊભરો ઠલવાઈ જાય એની રાહ જોતા તેઓ ઊભા હતા ચિરૂટ પીતા… પોણા છ ફૂટ ઊંચાઈ. તંદુરસ્ત શરીર. પહોળા ખભા. મોટું માથું, પહોળાં જડબાંવાળો સંવેદનશૂન્ય ચહેરો. ભાવશૂન્ય આંખો – ડિટેક્ટિવની જેમ બધું માત્ર અવલોકી રહેતી… વધારે પડતું પહોળું કપાળ. માથે ચમકતી ટાલ. હાથમાં ચિરૂટ... ‘ખબર છે, સંજયકુમારને શું થઈ ગયું છે?’ ‘હા, મને તો ક્યારની ખબર છે.’ ‘તો પછી તમે મને હજી લગી વાત સુધ્ધાં ન કરી?! ખરા મીંઢા છો. તમે તો બાપ છો કે કસાઈ?' ‘ના, એવું નથી. પણ હું રાહ જોઉં છું કે અમૃતા આવે ને મને બધી વાત કરે. સંજયને સારવાર માટે હું અમેરિકા મોકલવાય વિચારું છું...' ‘તમને બરાબર ઓળખવા છતાંય એ આવી'તી લગ્ન પછી… સંજયકુમારને લઈને, તમને પગે લાગવા. પણ તમે તો સંજયકુમારનુંય અપમાન કરી દીધેલું.. હવે એ તમારા ઘરનું પગથિયું ચઢતી હશે? એય તમારી દીકરી છે… નાકવાળી છે...’ થોડું હાંફી લઈ, દીર્ઘ નિ:શ્વાસ નાખીને એ કશું બોલવા ગયાં ત્યાં ઉધરસ ચઢી. થોડી ક્ષણ પછી પાલવથી નાક લૂછતાં લૂછતાં બોલવા લાગ્યાં– ‘તમારે ન આવવું હોય તો બહાર ગાડીમાં જ બેસી રહેજો. પણ મને તો તમારે સંજયકુમારની ખબર કાઢવા લઈ જ જવી પડશે… ને તમે નહિ લઈ જાઓ તો હું મારે રિક્ષા કરીને જઈશ, તમને પૂછવા નહિ રહું…’ પણ આ શબ્દો એમના કાન સુધી પહોંચ્યા નહોતા. ચિરૂટ પીતાં પીતાં તેઓ કશા વિચારોમાં ખોવાઈ ગયેલા… બોલ્યા – ‘અમૃતા એ છોકરાના જન્માક્ષર લઈ આવેલી ને મેં એ જોયા ત્યારની મને તો ખબર હતી કે આવું કંઈક થશે. આથી જ હું અમૃતાને સમજાવતો રહેલો પણ એ જિદ્દી છોકરી ન માની તે ન જ માની. ત્યારે તો સંજયને નોકરીયે નહોતી, બે-ચાર ટ્યૂશન કરતો. પૂછ્યું કે છોકરો શું કરે છે? તો ગર્વથી કહે – કવિ છે! એના વેવલાવેડાથી અમૃતા પ્રભાવિત થઈ ગયેલી… બીજું શું! નહીંતર તો મેં એને કહેલું કે સંજય કરતાં તો એનો પેલો ભાઈબંધ… એ વખતે મેડિકલમાં ભણતો… શું નામ એનું? મંદાર… એની સાથે લગ્ન કરવાં હોય તો મને વાંધો નથી.' અમૃતાનાં મમ્મીનેય યાદ આવ્યું – એના પપ્પાએ એ વખતે સંજયકુમારના જન્માક્ષર જોઈને કહ્યું તો હતું કે નાની ઉંમરમાં જ એને કશો અસાધ્ય રોગ થશે ને મરણ પણ… પણ અમૃતાએ એ વાત ઉડાવી દીધેલી – હું જ્યોતિષ-ફયોતિષમાં માનતી નથી... તમારી ઇચ્છા ન હોય તો સીધી જ ના પાડી દો પપ્પા… આમ બહાનાં ને બીક બતાવ્યા વિના… ‘હુંય છેવટે માણસ છું… સંજયના સમાચાર સાંભળ્યા ત્યારથી હુંય દુઃખી છું ને રાહ જોઉં છું કે અમૃતા મારી પાસે આવે ને...’ ‘ખરેખર તમને દીકરી માટે લાગણી હોય તો ચાલો સાંજે એના ઘેર…’ ‘તને હું લઈ જઈશ… પણ હું બહાર ગાડીમાં જ બેસી રહીશ… તું ખબર કાઢી આવજે.’

રોટલીનો લોટ બાંધતી અમૃતાના કાન ચમક્યા – અરે! આ તો પપ્પાની ગાડીનો અવાજ..! હા, એ જ... પપ્પા જ…! અમૃતા સાવ નાની હતી ત્યારેય આટઆટલી ગાડીઓમાંથી પપ્પાની ગાડીનો અવાજ ઓળખી કાઢતી ત્યારે એનાં મમ્મીની નવાઈનો પાર નહોતો રહેતો. આટઆટલાં વર્ષો પછી આજેય એણે પપ્પાની ગાડીનો અવાજ તરત પારખ્યો… તરત એના કાન ચમક્યા. વૉશબેસીનની ચકલી ચાલુ કરી એ તરત હાથ ધોવા લાગી ને પછી નૅપ્કિનના બદલે એના ગાઉનથી જ હાથ લૂછતી એ દોડી… બહારથી અવાજ આવ્યો – ‘અમૃતાનાં મમ્મી આવ્યાં.’ દો...ડતી જઈને અમૃતા મમ્મીને બાઝી પડી. બાળકો નહોતાં ત્યારે તો ક્યારેક માસીના ઘરે મમ્મીને મળવાનું ગોઠવાતું. પણ રૂપાના જન્મ પછી એય ઓછું થતું ગયું. પછી તો માસાની બદલી થઈ ગઈ. એનો ભાઈ મનન મુંબઈથી આવતો ત્યારે ત્યારે એ પપ્પાથી છુપાવીને મમ્મીને લઈને મળવા આવી જતો પણ હવે તો એય અમેરિકા… તે હમણાંથી તો… અમૃતાનાં મમ્મી દીકરીને જોઈ રહ્યાં… રૂપા જન્મી એ પછી અમૃતા થોડી જાડી થયેલી. વિસ્મયના જન્મ પછીયે એનું શરીર પ્રમાણસર હતું પણ અત્યારે એ સુકાઈને સાવ સળેકડી બની ગઈ છે. ગાલ બેસી ગયા છે. નાક બહાર ધસી આવ્યું છે. ગળા નીચે હાડકાં ઊપસી આવ્યાં છે. આંખો જરી ઊંડી ઊતરી ગઈ છે ને આંખો નીચે કાળાં કૂંડાળાં… અમૃતા મમ્મીનો હાથ પકડીને સંજયના રૂમમાં લઈ ગઈ. સંજય પથારીમાંથી ઊભો થઈ ગયો ને મમ્મીને પગે લાગ્યો, ‘આવો, મમ્મી.’ સંજયના માથે હાથ મૂકીને મમ્મીએ કહ્યું, ‘ખૂબ ખૂબ જીવો…’ અમૃતાનાં મમ્મી સંજયને જોઈ જ રહ્યાં.. શું આ જ સંજયકુમાર?! દાઢી નથી… ચામડીનો રંગ બદલાઈ ગયો છે... શરીર આમેય સુકલકડી હતું ને હવે તો સાવ હાડકાંનો માળો! વાળનો તો કેવો જથ્થો હતો! જ્યારે અત્યારે… લગભગ ટકો. ચહેરા ઉપરેય ભૂરી નસો ઊપસી આવી છે. અવાજનો રણકાર પણ હવે પહેલાં જેવો નથી… આંખોની ચમક હજી એવી ને એવી છે… આટલું બધું થઈ ગયું ને અમૃતાએ મને… ‘મમ્મી, પપ્પા ક્યાં?!’ ‘તારા પપ્પા બેસી રહ્યા છે બહાર ગાડીમાં…’ ને અમૃતા દોડી… પપ્પા પર જાણે હુમલો કરવાની હોય એમ! ગાડીનો દરવાજો ખોલ્યો. પપ્પાના મોંમાંથી ચિરૂટ લઈને ફેંકી દીધી ને પપ્પાનો હાથ પકડતાં-ખેંચતાં, ‘ચાલો, પપ્પા…’ દીકરીની આવી દાદાગીરી – લાડ આગળ પપ્પાની જિદ્દ ટકી નહિ. સામેથી સંજય પણ આવ્યો, પગે લાગ્યો. દીકરી હાથ પકડીને પપ્પાને અંદર લઈ આવી. વર્ષોથી તૂટેલો સેતુ ફરી સંધાયો. બા પણ ખુશ ખુશ દેખાતાં હતાં... ‘આવો, આવો. પધારો.’ આગળ શું બોલવું એ સૂઝતું નહોતું… દીકરો મરણના કાંઠે છે એનું દુઃખ જાણે વીસરાઈ ગયું ને હૈયે હરખ ઊભરાતો હતો. ‘મને જાણ તો કરવી'તી...’ અમૃતાના પપ્પા બોલ્યા. એમના અવાજના રણકા ઉપરેય જાણે નહિ વહેલાં આંસુઓનું આવરણ હતું. પપ્પા કશું બોલવાને બદલે જમાઈને જોઈ રહ્યા… આ હાલત થઈ ગઈ છતાં મને જાણ ન કરી…! દીકરો મનન તો અમેરિકામાં વેલ સેટ છે… ને અમૃતા મારી એકની એક દીકરી… આ બધી મિલકત છેવટે કોના માટે? લેટેસ્ટ ટ્રીટમેન્ટ માટે સંજયને અમેરિકા... ‘સંજય, તમે ખર્ચની ચિંતા નહિ કરતા… ટ્રીટમેન્ટ માટે અમેરિકા…’ ‘એ અમને ના પોસાય, પપ્પા…’ સંજયના બદલે અમૃતા જ બોલી. ‘પણ હું છું ને… મારી બધી મિલકત કોના માટે…’ ‘તમારા પ્રેમ-સ્નેહ-હૂંફ સિવાય અમને બીજું કશું જ ન ખપે… પપ્પા...!’ અમૃતા એકી શ્વાસે બોલી ગઈ ને પછી જરી હાંફવા લાગી. પિતા દીકરીને બરાબર ઓળખે છે – દીકરી પોતાના જેટલી જ સ્વમાની અને જિદ્દી છે. આથી તેઓ બોલ્યા – ‘તો… લોન પેટે…’ ‘એવી જરૂર પડશે ત્યારે જોઈશું, પપ્પાજી.’ બાપ-દીકરીની દલીલો આગળ વધતી અટકાવવા સંજય બોલ્યો. ‘ઓ.કે. થૅન્ક્યૂ.' અમૃતાના પપ્પા થોડાક કૉરા ચેક સહી કરીને સાથે લાવેલા, અમૃતાને આપવા માટે. પણ પછી થયું, અત્યારે તો એ નહિ જ સ્વીકારે. થોડો સમય અમે આવતા-જતા થઈશું ત્યારપછી જોયું જશે... અમૃતા મમ્મી માટે ચા અને પપ્પા માટે માટલાનું પાણી લઈ બનાવેલું, સહેજ જ ખાંડ ને મીઠું-જીરાળુ નાખેલું લીંબુનું શરબત લઈ આવી. ‘માટલાનું પાણી લીધેલું ને?' ‘હું તો કશું જ નથી વીસરી...’ સંજયની તબિયત, રિપોર્ટ્‌સ, ટ્રીટમેન્ટ અંગે થોડી વાતો કર્યા પછી પપ્પાએ અમૃતાને પૂછ્યું – ‘તારી નોકરી ચાલુ છે કે પછી…’ ‘રૂપાના જન્મ પછી છોડી દીધેલી. પણ હવે નોકરી…’ ક્યાં ક્યાં અરજી કરી છે ને ક્યાં ઇન્ટરવ્યૂ આપ્યા છે વગેરે વિગતો એમણે અમૃતાને પૂછી લીધી. રૂપા-વિસ્મયને તો એમણે પહેલી જ વાર જોયાં પણ માત્ર માથે હાથ મૂક્યો ને પછી બીજી વાતોમાં પરોવાયાં. જ્યારે રૂપા-વિસ્મયને જોતાં જ અમૃતાનાં મમ્મીના હૈયામાં તો જાણે સ્નેહનાં પૂર ઊમટ્યાં. બાને મન થઈ આવેલું કે સંજય-અમૃતા ન સાંભળે એમ એના પપ્પાને કહું કે સંજયની જિંદગી જો બચતી હોય તો એને અમેરિકા મોકલવાનું જલદી ગોઠવો. લોન પેટે પૈસા સ્વીકારવા માટે હું બેયને સમજાવીશ… પણ પછી હૈયા પર જાણે ઘંટીનું પડ મૂકી રાખ્યું…