વિદિશા/પરિચય

પરિચય

ભોળાભાઈ પટેલ

સર્જક-પરિચય
Bholabhai-Patel-239x300.jpg
ભોળાભાઈ પટેલ (જ. ૭ ઑગસ્ટ ૧૯૩૪ – અવ. ૨૦ મે ૨૦૧૨)

ભોળાભાઈ પટેલ (જ. ૭-૭-૧૯૩૪ – અવ. ૨૦-૫-૨૦૧૨) હિંદી સાહિત્યના અધ્યાપક અને ગુજરાતીના લેખક, વિવેચક અને સંપાદક, પ્રવાસ-નિબંધકાર અને અનુવાદક. એમનામાં વિદ્વાનની જિજ્ઞાસા અને સર્જકનું વિસ્મય એક સાથે વસતાં હતાં. એટલે નિરંજન ભગતે એમને ‘વિદગ્ધ રસિક’ તરીકે ઓળખાવેલા. વિદ્યાજિજ્ઞાસા એટલી કે શિક્ષક, અધ્યાપક ને પછી યુનિવસિર્ટીમાં હિન્દી સાહિયત્યના પ્રોફેસર થયા એ દરમ્યાન ને એ પછી પણ એ ભણતા રહ્યા – અંગ્રેજીમાં પણ એમ.એ. કર્યું, ભાષાવિજ્ઞાનનો ડિપ્લોમા કર્યો; પહેલાં બંગાળી ને પછી ઓડિયા જેવી ભારતીય ભાષાઓ શીખ્યા, જર્મન પણ શીખ્યા, જૂની લિપિના વર્ગો ભર્યા ને એની પરીક્ષા પણ આપી.

ત્રણ દાયકા સુધી ભણાવ્યું – એક જ શહેરમાં, અમદાવાદમાં. પણ એક જગાએ ધૂણી ધખાવી એમ નહીં, એ જાણે કે પ્રવાસી શિક્ષક રહ્યા. વિદ્યા-સાહિત્ય-નિમિત્તે પ્રવાસો કર્યા, નિજાનંદે પણ કર્યા, સાથી મિત્રો સાથે તેમ જ વિદ્યાર્થીઓ સાથે પણ સાંસ્કૃતિક ને

પ્રકૃતિદર્શનના પ્રવાસો એ કરતા રહ્યા…દેશમાં ને વિદેશમાં.

ગુજરાતીના લેખક તરીકે સૌ પહેલાં એ વિવેચક. ‘અધુના’(૧૯૭૩) વગેરે એમનાં ઘણાં મહત્ત્વનાં વિવેચન-પુસ્તકો છે – સમીક્ષાનાં ને તુલનાત્મક અભ્યાસનાં. દરમ્યાન હિંદી, બંગાળી, ઓડિયામાંથી સરસ અનુવાદો કર્યા – ‘વનલતા સેન’ (૧૯૭૬), ‘સ્વર્ગની નીચે મનુષ્ય’(૧૯૭૭) વગેરે અનેક ઉત્તમ અનુવાદ-પુસ્તકો આપ્યાં. સર્જક તરીકે એ સ્મરણીય પ્રવાસપુસ્તકોના લેખક –

‘વિદિશા’(૧૯૮૦) વગેરે કેટલાં બધાં પુસ્તકોમાં એમની પેલી વિદગ્ધ રસિકતા અનુભવાય છે!

ગુજરાતી સાહિત્ય પરિષદના સામયિક ‘પરબ’નું એમણે લાંબો સમય સુચારુ સંપાદન કર્યું ને સંપાદકીય લેખોનાં બે પુસ્તકો આપ્યાં. ‘મળી માતૃભાષા મને ગુજરાતી’(૧૯૯૭) અને ‘આવ, ગિરા ગુજરાતી’(૨૦૦૧) એે ઉપરાંત પણ એમણે ‘ગુજરાતી સાહિત્યનો

નવમો દાયકો’ વગેરે ઘણાં સંચયો-સંપાદનો કરેલાં.

શાંતિનિકેતનમાં તુલનાત્મક ભારતીય સાહિત્યના ફૅલો (૧૯૮૩-૮૪) રહેલા ભોળાભાઈ ગુજરાત સાહિત્ય અકાદમીના ચૂંટાયેલા પ્રમુખ હતા. ભારતીય સાહિત્ય અકાદમીના અવોર્ડ સમેત ઘણાં પારિતોષિકો એમને મળ્યાં હતાં.

‘વિદિશા’

વિદિશા – પ્રવાસ-સાહિત્યના ૧૧ નિબંધોનું આ પુસ્તક વર્તમાનકાળની આંગળી ઝાલીને ભૂતકાળમાં પણ વિહાર કરાવે છે. એ વિહાર સૌંદર્ય-વિહાર છે. આજના મધ્યપ્રદેશના વિદિશા શહેરમાં ફરતા ભોળાભાઈ કવિ કાલિદાસના ‘મેઘદૂત’ કાવ્યની રસિક નગરી વિદિશાને આંખ સામે ખડી કરે છે. તો, ‘ખજૂરાહો’ નિબંધમાં, શિલ્પોની મોહક અંગભંગીઓને જીવતી કરે છે ને એ રતિશિલ્પોમાં પ્રફુલ્લ સૌંદર્યનો અનુભવ કરાવે છે. આ નિબંધોની ભાષામાં ને સ્થળો જોવાની લેખકની રસિક દૃષ્ટિમાં એક રોમૅન્ટિક લહર છે – પણ એ મસ્તી છીછરી નથી પણ ઘુંટાયેલી છે એટલે સૌંદર્યનો સાચો બોધ કરાવે છે. એથી, તે જ્યાં જ્યાં જઈ આવ્યા છે ત્યાં જવા માટે આપણા મનને અધીરું કરે છે. તો, જલદી પ્રવેશીએ એમના રસ-વિશ્વમાં – લેખક અને કૃતિપરિચય : રમણ સોની