વેણીનાં ફૂલ/વીંઝણો

વીંઝણો
[ઢાળ-વહુવારૂને કોણ મનાવા જાય!]


આકાશે આ વીંઝણલો કોણ વાય!
રજની રે! તારો સલૂણો શશિયર રાણો વાય,
વીંઝણલામાં તારલિયાળી ભાત.

ધરતીમાં એ વીંઝણલો કોણ વાય!
સરિતાજી! તારો સાયબો સાયર રાણો વાય,
વીંઝણલામાં માછલિયાળી ભાત.

સરવર પાલે વીંઝણલો કોણ વાય!
કોયલ! તારો કંથ આંબો રાણો વાય,
વીંઝણલામાં મંજરિયાળી ભાત.

વાડીમાં એ વીંઝણલો કોણ વાય!
ઢેલડ! તારો વર રે મોરલિયોજી વાય,
વીંઝણલામાં ચાંદલિયાળી ભાત.

પીંજર પેસી વીંઝણલો કોણ વાય!
મેનાજી! તારો પિયુડો પોપટ રાણો વાય,
વીંઝણલામાં પીંછલિયાળી ભાત.

ગોખે બેસી વીંઝણલો કોણ વાય!
નણદલબાનો વીર વાલોજી મારો વાય,
વીંઝણલામાં રામ સીતાજીની ભાત.