વેણીનાં ફૂલ/વીરડો

વીરડો

વેકરામાં કોણે વીરડા ગાળ્યા?
વીર મારે ગાળ્યા!
વીરડા રૂપાળા કેને કાજે ગાળ્યા? બેનીને કાજ ગાળ્યા પંખીને કાજ ગાળ્યા.

વીરડાનાં પાણી કેણીયે ઉલેચ્યાં? ભાભીએ ઉલેચ્યાં કાકીએ ઉલેચ્યાં મામીએ ઉલેચ્યાં.
વીરડાનાં પાણી કોણે ડોળ્યાં? દેડકે ડોળ્યાં કાગડે ડોળ્યાં વાંદરે ડોળ્યાં.

વીરડાનાં પાણી કોણ કરે આછાં? મોર કરે આછાં મીન કરે આછાં ચકી કરે આછાં દેવ કરે આછાં.

વીરડાનાં પાણી આછર્યાં કેવાં? રાજાના હોજ જેવાં તારાનાં તેજ જેવાં પરીઓની પાંખ જેવાં ઈશ્વરની આંખ જેવાં.
વીરડાનાં પાણી કોણ પીશે? ગાવડી પીશે ઢેલડી પીશે કોયલડી પીશે વાદલડી પીશે