વેણીનાં ફૂલ/વેણીનાં ફૂલ

From Ekatra Wiki
Revision as of 11:02, 29 January 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
વેણીનાં ફૂલ
[ઢાળ-મારે ઘેરે આવજો માવા, ઉનાં ઉનાં ઢેબરાં ખાવા.]


મારે ઘેર આવજે બેની!
નાની તારી ગૂંથવા વેણી.

આપણા દેશમાં નીર ખૂટ્યાં ને
સળગે કાળ દુકાળ;
ફૂલ વિના, મારી બેનડી! તારા
શોભતા નો’તા વાળ – મારે૦

બાગબગીચાના રોપ નથી બે’ની
ઊગતા મારે ઘેર;
મોગરા ડોલર જાઈ ચંબેલીની
મારે માથે મ્હેર – મારે૦

રૂપ સુગંધી હું કાંઈ નો જાણું
ડુંગરાનો ગોવાળ;
આવળ બાવળ આકડા કેરી
કાંટ્યમાં આથડનાર – મારે૦

ડુંગરાની ઊંચી ટોચ ઊભેલાં
રાતડાં ગુલેનાર
સાપ-વીંટ્યા પીળા કેવડા હું મારી
બે’ન સાટુ વીણનાર – મારે૦

પ્હાડ તણે પેટાળ ઉગેલાં
લાલ કરેણીનાં ઝાડ;
કેશૂડલાં કેરી વાંકડી કળિયું
વીણીશ છેલ્લી ડાળ – મારે૦

ખેતર વચ્ચે ખોઈ વાળીને
ફૂલ ઝીણાં ખોળીશ;
વાગશે કાંટા, દુખશે પાની
તોય જરીકે ન બ્હીશ. – મારે૦

સાંજ વેળા મારી ગાવડી ઘોળી
આવીશ દોટાદોટ;
ગોંદરે ઊભીને વાટ જોતી બેની
માંડશે ઝૂંટાઝૂંટ – મારે૦

મોઢડાં નો મચકોડજે બાપુ!
જોઈ જંગલનાં ફૂલ;
મોરલીવાળાને માથડે એ તો
ઓપતાં’તાં અણમૂલ – મારે૦

શિવ ભોળા, ભોળાં પારવતી, એને
ભાવતાં દિવસ-રાત;
તુંય ભોળી મારી દેવડી! તુંને
શોભશે સુંદર ભાત. – મારે૦

ભાઈભાભી બેય ભોળાં બેસીને
ગૂંથશું તારે ચૂલ;
થોડી ઘડી પે’રી રાખજે વીરનાં
વીણેલ વેણી-ફૂલ!

મારે ઘેર આવજે બેની
લાંબી તારી ગૂંથવા વેણી!