વેરાનમાં/રોજ સાંજે


રોજ સાંજે

“તાનાજી! એ તાન્યા!” “જી આવ્યો.” “ચાલ જલદી ચહા કર.” "જી—". “અરે સબૂર: આ લે આ લખાણ પ્રિન્ટરને આપી આવ — અરે ઊભો રહે, નીચેથી એક પાંઉ લઈ આવ—” “હા.” “રહે રહે. અત્યારનું પેપર ફાઈલમાં કેમ નથી નાખ્યું? જા ઉપલે માળે જઈને “મોડર્ન રિવ્યુ” ભાસ્કરભાઈની પાસેથી — સમજ્યો?” "હા—ના—શું?” “આટલા દિવસથી આવ્યો પણ ગમ ન પડી? છે ને ગમાર!" તાનાજી અમારો એફિસ-બૉય. સવારના સાત વાગ્યાથી સાંજના સાત સુધી “તાનાજી!” એટલે અમારી પ્રત્યેક બૂમનો જીવતો પડઘો. અમારી અર્થાત અમારી ત્રણ જણની. ત્રણેના પછી એક અથવા એક સામટા હુકમો છુટે અથવા ત્રણેની આજ્ઞાઓની દોઢ્ય વળે : “તાનાજી, બાલદીમાં પાણી નથી. ” “તાનાજી, સાબુ ક્યાં ગયો?” “તાનાજી, કપડાંને અસ્તરી હજુ ન કરી?” “તાનાજી, સુતારને બેલાવ.” “તાનાજી, કેરી સમાર.” એક દિવસ અકસ્માત તાનાજીએ કાપેલી ત્રણ હાફુસ કેરીઓની જોડે છ રોટલી તથા દાળ, શાક, ચટણી જમ્યા પછી મને લેટતાં લેટતાં કલ્પના આવી : “તાનાજી, તું જમ્યો?” “હો–હો–ના” તાનાજીની જીભ થોથરાઈ. પોતે છુપીચોરીથી, ચહાની ઓરડીમાં ઊભાં ઊભાં, બારણું સહેજ આડું કરી, પસ્તીના એક પરબીડિયામાંથી ઉખેળીને જે કંઈ ભાતું બીકમાં ને બીકમાં ખાઈ લેતો, તેને ‘જમ્યો' જેવો અમીરી શબ્દ લાગુ પડી શકે ખરી? તેની તાનાજીને શંકા રહેતી હતી. “તાનાજી, ક્યાં રહે છે?” પદર દિવસે મને પૂછવાનું સૂઝ્યું: સહેજ: જમીને જરા આરામ લેવાનો હતો તેથી જ. “મઝગામ.” “જમવાનું જોડે લાવે છે? કોણ કરી આપે છે?” "બહેન છે.” “અહીં રહ્યો તે અગાઉ ક્યાં હતો?” “ક્યાંય નહિ. એક વરસથી બેઠો હતો.” "તે પહેલાં.” "…છાપખાનામાં હતો. રૂ. ૫૦ મિળતા.” મેં જરા કુતૂહલથી પાસું ફેરવ્યું. આખી વાત પૂછી. ભાંગ્યા તૂટ્યા બોલો એની જીભમાંથી મેં માંડ માંડ પકડ્યા. “પહેલે ઑફિસમાં–ત્રેવીસ રૂપિયા મિળતા. પછી મિસન પર પચાસ મિળતા. દસ વરસની નોકરી. પ્રેસ નવા માલિકના હાથમાં ગયું, તેણે સગળે જુને લોકને રજા આપી પોતાના જ જાતભાઈઓને ગોઠવી દીધા: અરધા પગારથી–ડબલ શીફટ કામ: તમામ પોતાના જ જાતભાઈઓ.” તાનાજીની આાંખમાં મેં નિહાળી નિહાળીને એક ખાસ નિરીક્ષણ કર્યું : એણે જ્યારે આ શબ્દ ત્રણ વાર ઉથલાવ્યા ત્યારે – “દસ વરસે અમને કાઢીને નવા માલિકે તમામ જાતભાઈઓને રાખ્યા.” એની આાંખો સળગતી હતી,– ને કેરી જરા વધુ પડતી ખવાઈ ગયાથી સહેજ નિદ્રાઘેરી આાંખે પડ્યો પડ્યો હું ચિંતન કરતો હતો કે– આ ‘જાતભાઈઓ' શબ્દ પરથી બે ત્રણ કૉલમો ઉપજાવી કાઢું. તાનાજી કોઈક દિવસ એ પ્રેસનો માલિક બને તો? વૈર વાળશે? પોતાના જાતભાઈઓને ગોઠવશે?