શાંત કોલાહલ/ફરી જુદ્ધ

ફરી જુદ્ધ

ગુલામીની શૃંખલાને ભાંગી છે મેં
ભાંગ્યાં છે મેં હાડ મારાં
શોણિતને વ્હેણે વહી
કેટલી યે વાર ઢળ્યો મોતને કિનાર
ઝાવાં લેઈ તોય ઊઠી ઊઠી હરેક તે વેળ
નવીન શહૂર થકી વીંઝી દીધ ઘાવ :
ગુલામીની શૃંખલાને ભાંગી છે મેં
ભાંગી નાખી સાવ.

અવકાશ મહીં ધરી ઉન્નત આ શિર કીધ : ‘હાશ.’
લીધ દીર્ઘ શ્વાસ....
જકડાઈ ગએલ તે અંગે લહી અખિલ વિશ્વની મોકળાશ.
આંનદનો નાભિ-જયઘોષ
દિગન્ત ગહને ધ્વનિ રહ્યો વાર વાર
લયમાન આવર્તને
ઊંડે ઊંડે હૃદયને લાધ્યો પરિતોષ...
અનંતનાં ઊઘડ્યાં દુવાર,

પૂર્ણશાન્ત એકાન્તની છાયાકુંજ મહીં
સરી સહુથી ય દૂર દૂર
પર્ણની પથારી પર કીધ મેં શયન
બંધ નયન
તંદ્રાશિથિલ ત્યહીં તંગ મુજ મન
પલનું ઉપલગાન રેલી વહી જાય કને કાલનિર્ઝરિણી.
સમયથી સહજ અભાન

નિદ્રા તણા સુમધુર ઘેનમહીં કંઈ સળવળ તણી
થઈ રહી જાણ :
અણગમા તણી એક રેખાની હેલાએ માત્ર પડખું ફરંત.
ક્યહીંક ભોંકાય ઝીણી શૂળ, ક્યહીં ષટ્પદ ગતિ,
મર્મસ્પર્શ...
સહસા જાગીને વિસ્ફારિત દૃગે નીરખું ચોમેર :
નથી કુંજ
શત શત ખંડ મહીં અંગ મારાં સહુય વિશ્લથ !
(એક જ સંકલ્પ કેરી સિદ્ધિ કાજે એક હતો લોકસમુદાય
સિદ્ધિને પ્રાંગણે એ જ સુંદ-ઉપસુંદ જેમ
સામસામી પેંતરામાં માંડી રહે પાય.)
શત શત ખંડ મહીં અખિલાઈ મારી છિન્ન છિન્ન !
અંગ મહીં કલિનો પ્રવેશ ?
મલિન હવાનું કંઈ લહાય તુફાન...
કાયહીન કોઈ મહારિપુ બલવાન ખલવેશ !

અબલ આવિલ પર એનું આક્રમણ
અબલની ઓથે, આવ્યું તે સકલ ભરખંત....
સકલ અશેષ.
ભીતર એ પુષ્ટ : રહે ખોળિયું તો કેવલ કંકાલ.
ઓળખી મેં લીધ એની ચાલ
પામરને જેહ કરી રહે છે પ્રમત્ત
અનુરાગ બને જ્યહીં આગ
નહીં જ્યાં ધરવ
લાવણ્ય ન, ઘુરકંત જ્યહીં પશુ વન્ય.

ફરી જુદ્ધ કાજ આવ્યો ઝીલું પડકાર
પથતરુડાળ પર બેઠેલ પ્લવંગ તણો ચાળો નહીં
અહીં છે પિશાચ.

પુરાણું ન ચાલે અહીં શસ્ત્ર
ફંગોળ્યું ન વીંધે કોઈ અસ્ત્ર...
જુદી અહીં ચાલ, જુદો વ્યૂહ.
-અડક્યા વિનાનું રહે અંગ આ અખંડ
થાય માંહ્યલા વેતાળ કેરું મોત.
અખૂટ શક્તિનો એનો ક્યહીં સ્રોત, જાણું
જાણું ક્યહીં નબળાઈ છે નિગૂઢ.

અવ દેઈ દીધ આહવાન.
ઘોર ગરજંત પશુ સંમુખ ધૂણે છે એની
ખુન્નસની ભરી લાલ આંખ.
જીવ પર આવી જઈ કેવલ અંધારમય કાળમુખ
ધસી રહે વીંઝી એની દિશાઓની પાંખ....

આ...હા...આય આય.
તેજની આ તાતી તેગ કેરો ઘાવ
જોઉં કેમ ઝીલે તવ કાય.
આઘાતે આઘાતે ચૂર ચૂર
તારી તમોછાયા રહે નહીં ક્યાંય...
આ...હા... આય આય.