શાંત કોલાહલ/ભતવારીનું ગીત

ભતવારીનું ગીત

નાની રે પીલુડી ઝાઝા ઘેરની
એની કંદરાની હેઠ
એની છાંયડીની હેઠ
ધોમ રે ધખ્યાની વેળા ગાળીએ.

દવ રે વરસે છે ખુલ્લાં ખેતરે,
વગડો સૂનો રે સુમસાન,
પંછિગણનું ન ગાન,
(ત્યારે) મોરલીમાં વેણ બે વજાડીએ.

મધ રે બપોરે માજમ ચાંદની,
વીંઝણો વાતુંનો ઢળાય,
નયને સોણલાં કળાય,
કાળજે ટાઢક મીઠી માણીએ.