શાંત કોલાહલ/૨ તોડી


૨ તોડી

તારી, પ્રિયે ! છવિ મનોહર, મુગ્ધ ન્યાળું :
પ્રાચી ગુલાલમય જ્યાં રવિરશ્મિ રાગે
કાસારની જલની લ્હેર કિનાર સાથે
ખેલે ત્યહીં તું ઘટ સંગ સુહાય ચારુ.

એ સ્વપ્ન-સૃષ્ટિ-લીન દૃષ્ટિ, ઉદાર વક્ષ !
હે તન્વિ ! તેજનમણી સરપદ્મિની હે !
તારું ઊડે વસન શ્વેત જરા જરા તે
ન્યાળું તથૈવ મુજ રે’ અણતૃપ્ત ચક્ષ.

ને તારું જ્યાં દ્રવતું પંચમ સૂર ગાન,
એકાન્ત શૂન્યરવ તે કશું લોલ બોલે,
વિશ્રંભથી વનવિહંગ કુરંગ જોને
સાન્નિધ્ય – નિર્મલ – સુધાનું કરંત પાન !

લજ્જા ઢળેલ દૃગથી ઉર દીધ જોડી ;
હે રાગિણી પ્રિય ! તું યૌવનરમ્ય તોડી.