શાલભંજિકા/નિવેદન

નિવેદન

પાછલા એક દાયકા દરમ્યાન લખાયેલા આ નિબંધો છે. દરમ્યાન મારા પ્રકટ થયેલા નિબંધસંગ્રહોમાં એમાંથી કેટલાક લઈ શકાયા હોત. પરંતુ એક સંચય થાય એટલા એક સ્વભાવના નિબંધોની રાહ જોવાની હતી. છેક એમ તો અહીં બની શક્યું નથી, તેમ છતાં આ બધા નિબંધો કંઈક અંશે સગન્ધી તો છે.

સંચયના આ નિબંધોમાં પણ કાલિદાસ અને રવીન્દ્રનાથ મારા વેદનાજગતમાં બિંબિત થતા રહ્યા છે, એ કારણે અગાઉના મારા કેટલાક નિબંધો સાથેનું પણ એમનું સગન્ધીત્વ દેખાશે.

‘તોમારિ ઇચ્છા હઉક પૂર્ણ’ ૧૯૮૩માં શાંતિનિકેતનના મારા નિવાસ દરમ્યાન લખાયેલી ડાયરીમાંથી કેટલાંક પૃષ્ઠ છે.

શાલભંજિકા નામ સુંદર છે, માટે આ સંગ્રહને આપ્યું છે, એ તો ખરું, પણ વિશેષે મારે મન એ ‘સુંદર’નો પર્યાય છે, માટે છે. આ નિબંધોમાંય એની ખોજ છે.

ભોળાભાઈ પટેલ


૩૨, પ્રોફેસર કોલોની અમદાવાદ ૩૮૦૦૦૯

વસંત પંચમી ૧૯૯૨