શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/કવિ શ્રી ચંદ્રકાન્ત શેઠનું ગદ્ય : વાણીનું સત

કવિ શ્રી ચંદ્રકાન્ત શેઠનું ગદ્ય : વાણીનું સત


સર્જનાત્મક નિબંધનું અપૂર્વ, અનન્ય રૂપ ‘નંદ સામવેદી’માં ઉઘાડ પામે છે.

આ નંદ સામવેદી કોણ છે?! — ‘નંદનું સાચું રૂપ સંકુલતા’ નિબંધમાં અંતે લેખક કહે છે —

‘…આ નંદને જોનારો પણ કદાચ પિંજરની બહાર નથી, અંદર છે — નંદની અંદર છે. એક નંદ જીવે છે, બીજો નંદ જુએ છે અને લખે છે. કદાચ નંદ બે નહિ પણ અનેક છે. એના એક ચહેરામાં અનેક ચહેરાઓ ભળી ગયેલા છે અને તેથી નંદની વાત સાચી છે ને તે સાથે સંકુલ પણ છે; કેમ કે, નંદનું સાચું રૂપ સંકુલતા છે.’

આ નંદ જાણે છે કે, ‘જે ગાડી કદી પહોંચતી નથી એ ગાડીમાં એ બેઠો છે.’

આ નંદને શું શું કરવું છે?! — ‘માછલીને જીવંત રહે એ રીતે પાણીથી અલગ પાડવી છે.’

*

‘કદીયે ઊછળતાં ન થાકતાં મોજાંનો ઉત્સાહ નંદ ઝંખે છે. કદીયે વાસી ન થતી ઉષા નંદને આંખમાં આંજવી છે; પણ નંદને ખાતરી થઈ ગઈ છે કે પોતે નંદ રહીને કશુંયે કરી શકવાનો નથી. તેથી નંદ નંદને મિટાવી દેવા માગે છે. નંદ નંદમાંથી છટકી જવા માગે છે અને છટકવા જતાં એને પહેલી વાર લાગ્યું કે પોતાને હાથ નથી, પગ નથી, આંખો નથી ને જીભ નથી.’

નંદ જાણે છે — ‘નંદ ભાગી ભાગીને ક્યાં જવાનો છે? નંદ ભાગે છે અને એની સાથે એના ઘરની દીવાલો પણ આવે છે!’

‘નંદ ખાઈ શકતો નથી, સૂઈ શકતો નથી, અમનચમન કરી શકતો નથી ને છતાં નંદ એની માતાને ચિઠ્ઠી પાઠવે છે: પોપટ ભૂખ્યો નથી/ પોપટ તરસ્યો નથી/ પોપટ આંબાની ડાળ/ પોપટ સરોવરની પાળ…’

નંદને કેવી ઇચ્છા થાય છે? —

‘મને મારી મીંચેલી આંખોવાળો ચહેરો અરીસામાં જોવાની ભારે ઇચ્છા થાય છે.’

*

‘મારો આ ચહેરો વિવિધ માણસોની આંખથી કઈ રીતે જોવાતો હશે? શું જેટલી આંખો એટલા મારા ચહેરા હશે? લોકો આંખ મીંચીને મને જોવા પ્રયત્ન કરે તો હું કેવો દેખાઉં?’

सृष्टिम् लीलाम् च दर्शयेत् । —

સૃષ્ટિની લીલાને અંદર પ્રવેશીને તથા બહાર રહીને જોયા કરનાર આ કવિ-ગદ્યકાર સૃષ્ટિની સાથે સાથે પોતાનેય નીરખ્યા કરે છે સતત — અંદરથી ને બહારથી, દૂરથી ને નજીકથી, ખુલ્લી આંખે ને બંધ આંખેય!; અજવાળે ને અંધારેય!; પોતાની આંખે ને અન્ય આંખો થકીયે!; ને મથે છે ‘સ્વ’ને શોધવા, પોતાના તાર સૃષ્ટિના તાર સાથે મેળવવા. અને આ માટે આ કવિ-નિબંધકાર other self રચે છે અને આ other self એટલે નંદ સામવેદી. એમના એક ગીતની પંક્તિ છે —

‘હું તો મારા ‘હું’ને કહું છું:
બહાર નીકળ તું બહાર!’

એમનું ખૂબ જાણીતું કાવ્ય — ‘ચંદ્રકાન્તનો ભાંગી ભુક્કો કરીએ…’ આ કવિ-ગદ્યકાર વારે વારે પોતાનો ભાંગીને ભુક્કો કરે છે ને ફરી ફરી પોતાને ઘડે છે! જેમ દર વરસે ગણપતિનું કલાત્મક સર્જન ને પછી વાજતે-ગાજતે ગણેશ-વિસર્જન!

‘ક્યાં છો ચંદ્રકાન્ત?’ કાવ્ય પણ આ ક્ષણે યાદ આવે. ‘હું’ને ઓગાળવાની ને ‘સ્વ’ને શોધવાની, ‘અસલ’ ચંદ્રકાન્તને પામવાની સર્જનાત્મક પ્રક્રિયા ચંદ્રકાન્ત શેઠના પદ્યમાં અને ગદ્યમાં સતત ચાલતી રહી છે.

નિબંધનું સ્વરૂપ જ એવું છે કે એમાં નિબંધકારનો ‘હું’ ઉઘાડો પડ્યા વિના ન રહે. જ્યારે ચંદ્રકાન્ત શેઠ તો ‘હું’ને ‘બહાર નીકળ તું બહાર’—કહેનારા! આથી ‘હું’ને ઓગાળવા માટે, ચહેરા ભીતરના ચહેરા ઉકેલવા માટે, અસલ ચંદ્રકાન્તને શોધવા માટે, મૂળની સાથે મેળ સાધવા માટે આ નિબંધકાર other self — ‘નંદ સામવેદી’ની રચના કરે છે. ને ‘નંદ સામવેદી’ના પડખે ઊભા રહે છે — ચંદુડિયો, ચંદરિયો, બચુડો, આર્યપુત્ર, બાલચંદ્ર, દક્ષ પ્રજાપતિ અને સાક્ષાત્ ભાઈરામ!

‘સ્વ’ની શોધ માટે ચંદ્રકાન્ત શેઠની મદદે આવે છે એમની વાણીનું સત, વાણીની શક્તિ; એમની અંદરનું તેજ ને અંદરના તીખારા; ભીતરના અખંડ દીવા અને દીવે દીવે દેવ!

‘હું’ને ઓગાળવા માટે ને ‘સ્વ’ની શોધ માટે એમણે ‘નંદ સામવેદી’ની રચના કરી; પણ અંતે ‘નંદ સામવેદી’નેય ઓગાળવા માટે ‘ભાઈરામ’ની રચના કરી! આ નિબંધકારને ‘ભાઈરામ’નો સાક્ષાત્કાર થયો છે. આ નિબંધકાર ક્ષણે ક્ષણે અનુભવે છે કે ભાઈરામ સતત પોતાની સાથે ને સાથે રહે છે તથા પોતાની ઝીણામાં ઝીણી કાળજી રાખે છે! આમ છતાં તેઓ આ ‘ભાઈરામ’થી અજાણ છે! કેવી સંકુલ વિ-સંગતિ! તેઓ કહે છે —

‘કોઈ કોઈ સાથી — મિત્ર કુતૂહલવશ મને પૂછે છેય ખરો: ‘આ ભાઈરામ કોણ છે? એનું નામ શું?’ ને આવા સવાલ વખતે, સાચું કહું? હું શરમના ભાર તળે જાણે દબાઈ જાઉં છું — મૂંઝાઈ જાઉં છું. જે મારી આટલો નજીક, એના વિશે હું આટલો બધો અજાણ! આ ભાઈરામ કોણ છે — એ વિશે તો મેં વિચારેલું જ નહીં! હા, એટલી ખબર છે કે જ્યારથી હું સમજણો થયો છું ત્યારથી હું એને મારી સાથે જ જોઉં છું.’

આ સર્જનાત્મક નિબંધોની આધુનિકતા, absurdity સ્પર્શી જાય છે. આ નિબંધકાર ‘આધુનિક’ છે, પણ અન્ય આધુનિક સાહિત્યકારોની જેમ નાસ્તિક નથી. એમણે આધુનિકતાનો સાક્ષાત્કાર કર્યો છે અને સાથે સાથે એમના શબ્દમાં એમની ભીતરના અધ્યાત્મનું તેજ પ્રગટતું રહે છે.

‘હું’ શું નથી એની આ નિબંધકારને પાકી ખબર છે. ‘હાન્સદાદાની જાદુઈ લાકડી’માં તેઓ કહે છે:

‘હાન્સ ઍન્ડરસનની જાદુઈ લાકડી મારા માથા પર ફરી ગઈ છે ને તેથી જ હવે હું નંદ સામવેદી નથી, હું હાડમાંસનો કોથળો નથી, હું પ્રાધ્યાપક કે રીડર નથી. હું નાગર કે હિન્દુ નથી. હું ફલાણા કે ઢીંકણાનો પતિ કે પિતા નથી. હું છું આ અનુભવ લખવા બેઠેલ ‘હું’. હું છું પેનથી આલેખાતી લીટીમાં સરકતી ચેતના. હું છું પીપળાના પાન પર થરકતી કીડી. હું છું કબૂતરના ઘૂઘૂકારમાં પડઘાતો અવાજ. હું ફૂલની અંદર છું. હું ફૂલ ઉપર ઊડનાર છું. મારો રંગ આ તડકામાં છે. મારી ચાલ આ પવનમાં છે.’

‘ખુમારી’ અને ‘લાચારી’ની વિ-સંગતતા આ નિબંધકાર તારસ્વરે પ્રગટાવી જાણે છે. ‘હું’ શું નથી ને ‘હું’ શું છું; હું શું કરી શકું તેમ છું ને શું નહીં એની આ નિબંધકારને પાકી ખબર છે. ‘માણસની શોધ — માણસની શ્રદ્ધા’ નિબંધમાં તેઓ કહે છે:

‘રોગ થશે તો પાંચ મહાભૂતોના આ કોટડાને થશે; મને શું થવાનું છે?’

તો, ‘નંદનું દર્શન: અનિષ્ટ-ઇષ્ટ’માં તેઓ કહે છે:

‘શું આ નંદ? — જે ફૂલોની વાતો કરતો હતો, જે સૂર્યોદય ને સૂર્યાસ્તના રંગોની વાતો કરતો હતો તે આનંદ? એ મુઠ્ઠીભર અનાજ માટે બજારમાં વેચાવા ઊભો રહ્યો છે.’

તો, ‘આનંદનો અમીર ગરીબ નંદ’ નિબંધમાં તેઓ ‘પહેરણ’ના રૂપક થકી શું કહે છે? —

‘નંદે એક વાર જીવાને કહ્યું: ‘તું શા માટે પહેરણને સાંધતો નથી?’ એનો જવાબ હતો: ‘સોય-દોરો જોઈએ ને?’ આ દેશની સ્થિતિ વરસોથી ફાટેલા પહેરાણ જેવી છે, પણ કોઈ એ સાંધતું નથી.’

સોય-દોરો છે એની પાસે ફાટલુંય વસ્ત્ર નથી અને ફાટેલું પહેરણ છે એની કને ‘સોય-દોરો’ નથી! — આ વસ્તુ લઈને એક અલગ એબ્સર્ડ એકાંકી ઇમ્પ્રોવાઇઝ થઈ શકે.

ક્યારેક આ નિબંધકારનો આક્રોશ આ રીતે પ્રગટે છે — ‘મુક્તિ — અમારી પ્રતીતિ — ક્યાં છે?’માં આક્રોશનો આ ‘ટોન’ સાંભળો:

‘ઉંબરા ઉખાડી ફેંકી દો, સલામતીનાં છત્રો ઉડાડી દો. મૂળભૂત રીતે અમે મુક્ત હતા. મુક્તિમાંથી અમારો જન્મ થયો છે; પણ કયા અદેખાએ જન્મતાંવેંત અમારી આંખે પાટા બાંધી દીધા? કોણે અમને વિધિનિષેધોની શતરંજ પર મહોરાં બનાવી ગોઠવી દીધા? મૂલ્યોની રેશમદોરીઓથી કોણે અમારા હાથપગ જકડી અમારી લીલાગતિને રૂંધી દીધી? આ ત્રાજવાં, આ ફૂટપટ્ટીઓ, આ કાયદાપોથીઓ ને આ નીતિશાસ્ત્રો, આ સંપ્રદાયો ને આ વાદો, આ સંસ્કાર મહાવિદ્યાલયો ને આ પરિષદો — અરે, શું કરવા ધાર્યું છે અમારું આ બધાંએ ભેગાં મળીને? અમને નગ્ન રહેવા દો. માટીનાં ઢેફાં રહેવા દો.’

કવિ શ્રી લાભશંકર ઠાકરે ‘નંદ સામવેદી’ની સંકેતક સમીક્ષા કરતાં યોગ્ય રીતે નોંધ્યું છે:

“ ‘સ્વ’ની શોધમાં નીકળેલાના આશાથી નિરાશા સુધીના, સ્પષ્ટતાથી અસ્પષ્ટતા સુધીના, હાસ્યથી શોક સુધીના, વાક્‌થી અવાક્ સુધીના અનેક ભાવો અનાયાસ પ્રકટ થયા છે. એક સ્વની, એક નંદની શોધમાં અહીં મનુષ્યમાત્રના મૂલની, આંતરિકની, રિયલની શોધપ્રક્રિયા છે. અહીં કોઈ ‘શોધ’ની સિદ્ધિ નથી, અહીં સંવેદનશીલ મનુષ્યનો મૂંઝારો પ્રકટ થાય છે. પરસ્પરને રૂંધતાં, પરસ્પરનો નાશ કરતાં, સંવેદનશીલતા ગુમાવી બેઠેલા આજના મનુષ્યના સામાજિક, રાજકીય. આર્થિક, ધાર્મિક, નૈતિક, કૌટુંબિક સંબંધ અહીં તળેઉપર થાય છે. માનવ્ય ટકી રહે તેવા મૂલાધારની અહીં શોધ-ઝંખના છે.”

‘ભાઈરામ’ વિશે લાભશંકરે નોંધ્યું છે —

“ ‘ભાઈરામ’માં સ્વચેતનાની અલગતાના સાનંદ સ્વીકાર સાથે નિત્યમિત્ર, અદૃશ્ય છતાં દૃશ્ય, અસ્પર્શ્ય છતાં સ્પર્શ્ય એવી વિશ્વચેતનાના નિત્યાનુબંધનો ચેતોવિસ્તાર અનુભવાય છે.”

‘ધૂળમાંની પગલીઓ’ ગુજરાતી ગદ્યમાં નોખી પગલીઓ પાડતી સ્મરણકથા છે. બાળપણનાં, શૈશવનાં, ઘર-વતનનાં સ્મરણો તો અનેક નિબંધકારોએ આલેખ્યાં છે. કાકાસાહેબ, સુરેશ જોષી તરત યાદ આવે, જયન્ત પાઠક ને ઉશનસ્ યાદ આવે; મણિલાલ હ. પટેલ યાદ આવે. પણ, આ બધાથી ચંદ્રકાન્ત શેઠની મુદ્રા અલગ કેમ પડે છે?! તો કે, એમની પાસે નંદ સામવેદી છે ને ભાઈરામ તો હાજરાહજૂર છે.

‘ધૂળમાંની પગલીઓ’માંય ગૌરીની વાત કરતાં આ ગદ્યકાર, ગદ્યશિલ્પી સહૃદય ભાવક સાથે આમ સંવાદ કરે છે —

‘હું ગૌરીની બાબતમાં જરાયે ગાફેલ રહી શકું? રહું તો પેલો નંદ સામવેદી મને શું કહે?’

નંદ સામવેદી નામે other self મળવાના કારણે ચંદ્રકાન્ત શેઠના ગદ્યને objectivityનું એક નવું પરિમાણ મળે છે; અંગતને તેઓ બિનંગતમાં સરળતાથી, સહજતાથી ઢાળી શક્યા છે તેમજ ‘હું’ને ખાળી શક્યા છે.

નિબંધકાર તરીકેની કેફિયત આપતાં તેઓ કહે છે: “ ‘નંદ સામવેદી’ના પતંગનો દોર રહ્યો છે સત્યના હાથમાં, પરંતુ એનું સહેલવાનું ક્ષેત્ર રહ્યું છે સૌંદર્યના આકાશમાં.”

છેંતાલીસ વરસે કવિ શ્રી ચંદ્રકાન્ત શેઠને થાય છે: ચાલો, આપણે પેલા નાનકડા ચંદ્રકાન્તને મળીએ… પછી તો કવિ રવાદાર લાપસી જેવી ધૂળમાં પડેલી પોતાની અવનવી પગલીઓ જુએ છે, એ પગલીઓ પર બાળક બની પગલીઓ મૂકીને ફરી ચાલે છે, ને બાળપણ ચણીબૉરની જેમ ચાખે છે ને આપણનેય ચખાડે છે. પ્રસ્તાવનામાં તેઓ કહે છે,

“ ‘ચાલતો મધુને પામે’ — આ સમજવા માટેય પાછું આપણે ચાલવાનું! કેટલુંક તો એવું જ કે ચાલતાં જ પમાય, ચાલતાં જ ચાલનું રહસ્ય પકડાય—પમાય; પગલીથી જ પગલીનો પરિચય પમાય — સાચો ને પાકો.”

‘અહીંનો પગલીનો પાડનાર તો એક ગામડિયો, ચાંદાસૂરજ છાપ થીંગડિયાળી ચડ્ડી ને સાંધેલું બાંડિયું પહેરી ફરતો રહેતો એક છોકરો, નામે બચુડો — ચંદરિયો — ચાંદરો; અને એને ઓળખાવવા બેઠેલો કવિતાવાળો ‘ચંદુડિયો’, ગૂજરાત વિદ્યાપીઠનો સેવક અને ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત શ્રી ક. લા. સ્વાધ્યાય મંદિરનો એક વેળાનો નિયામક-પ્રાધ્યાપક ડૉ. ચંદ્રકાન્ત શેઠ. બે વચ્ચે ઠીક ઠીક છેટું છે. દુનિયાદારીના દાવપેચ ને દાવાદંભ ને દોંગાઈ — ઘણુંબધું અખળડખળ વચમાં અટવાયાં કરે છે. આમ છતાં બે વચ્ચે સેતુ ટક્યો છે. પેલા ચંદરિયાની દોસ્તી ગુમાવવા જેવી નહીં એ ‘ચંદુડિયા’ના સર્જક કવિશ્રી સમજે છે.’

આમ, બે વચ્ચેનું ‘ઠીક ઠીક છેટું’ તથા ‘બે વચ્ચે સેતુ’નું સંતુલન આ સ્મરણકથાને નવું પરિમાણ અર્પે છે.

છેંતાલીસ વર્ષના કવિ, વિવેચક ચંદ્રકાન્ત શેઠને જેમ નાનકડા ચંદ્રકાન્તને મળવાનું ગમે તેમ સહૃદય ભાવકનેય ગમે જ ગમે નાનકડા ચંદ્રકાન્તને, કહો કે બચુડાને, ચંદરિયાને, ચંદુડિયાને મળવાનું ને એનાં વાણીનાંય વિવિધ રૂપો નિહાળવાનું —

‘મકાઈદોડાનાં પાંદડાં ને રેસા ઉતારતા હોય એમ સમયનાં પડ એક પછી એક ખસેડતા’ છેંતાલીસ વર્ષના કવિશ્રી ચંદ્રકાન્ત શેઠ;

લાલજીને પહેલી વાર પ્રસાદ ધરાવવાની વાતે રુદન સાથે વિરોધ કરતો બચુડો; પણ ધરાવેલો પ્રસાદ લાલજી જરીકે ખાતા નથી તેની ખાતરી થતાં ઉત્સાહથી લાલજીને પ્રસાદ ધરાવતો બચુડો; પોતાના હાથમાંનો લાડુયે લાલજી ખાતા નથી એ ઠીક ન લાગતાં એમનો હાથ વાળીને લાડુ ખવડાવવાના રાક્ષસી ઉપાયો કરતો ચાંદરો; સ્લેટને કોલસા-પાણીથી બરાબર ધોતો, પછી દિવેલનાં બી ઘસી થોડી ચિકાસ લાવતો ચંદરિયો; સૂર્યગ્રહણ જોવા માટે ભાંગેલા કાચ પર મૅશનું પડ ચડાવતો ચંદરિયો; ઠાકોરજી માટે રાયણ, ગોરસ આમલી તથા કેસૂડાં વીણી લાવતો ચંદરિયો; મા-બહેન પતરાળાં-પડિયાં બનાવતાં તો એમના માટે ખાખરાનાં પાનનો નાકડો ભારોય લઈ આવતો ચંદરિયો; દાઉદખાની ઘઉંમાંના કાંકરામાંથી બુદ્ધ અને કૃષ્ણની મૂર્તિઓ બનાવવા મથતો ચંદરિયો; આરતીટાણે મંદિરે નગારું ને ઘંટ વગાડવાની હુંસાતુંસી કરતો ચંદરિયો; ‘પૂજારી જે રીતે આરતીને અવકાશમાં ઊંચે સ્થિર કરી, તેને નમણા મરોડ આપતો’ એના પરવારી જતો ચંદરિયો; ગાડી આવી રહી છે કે નહીં તે નક્કી કરવા સ્ટેશને પાટા પર કાન માંડતો ચંદરિયો; બાલસખી ગૌરી માટે ખિસ્સાં ભરી ભરીને લિસ્સાં ચમકતાં ચણીબોર લઈ આવતો ચંદરિયો; રઢિયાળી ઓઢણી તળે ઢાંકીને દૂધ-પૌંઆ લઈ આવતી ગૌરી; બાલસખી ગૌરીના મોતને નહિ સ્વીકારી શકતો ચંદુડિયો; ગૌરીને પોતાના જીવનની ‘મિથ’ તથા ‘દિવાસ્વપ્ન’ કહેતો ચંદુડિયો…

આ યાદી તો હજીય લાંબી થઈ શકે. કેન્દ્રીય સાહિત્ય અકાદેમી દ્વારા પુરસ્કૃત ‘ધૂળમાંની પગલીઓ’નું ગદ્ય પણ ચણીબોર જેવું છે, ગોરસ આમલી જેવું છે, પલાળેલાં આમળાં જેવું છે… ચાલો, એમાંથી થોડુંક ચાખીએ —

‘પાંચ-૭ની ઉંમર, સાવ સુકલકડી શરીર. ઢીંચણ સુધીની ચડ્ડી ને તેય પાછી કમરેથી ઢીલી પડે એટલે વારંવાર ચડાવવી પડતી. ટૂંકું ખમીસ ને તેમાંય ત્રણમાંથી બે બટન તો ગેરહાજર હોય. પગમાં પગરખાંની તો વાત જ નહીં. ક્યારેક ચડ્ડી ને ખમીસમાં થીંગડાંય હોય. પણ કપડાંની ત્યારે જરાય સભાનતા નહીં. ચડ્ડીનાં બટનેય ખૂલી જાય ને ત્યારે કોઈ દોસ્ત જો પૉસ્ટ-ઑફિસ ખુલ્લી હોવાની ટકોર કરે તોવળી બદન બીડીએ.’

શિયાળામાં નાનકડા ચંદ્રકાન્ત, કહો કે ચંદરિયો, મિત્રો સાથે સવારે ચાલવા જતો એનું વર્ણન —

‘મથુરાથી મૂળ મોટાભાઈ માટે ખરીદી આણેલી પણ પછી એમને નાની પડતાં મારા સુધી પહોંચેલી રૂની બંડી અને એક-બે થીંગડાં ચોડેલો ચોરસો — આ વીંટાળીને ઊપડવાનું.

*

‘હાથમાં અહીંતહીંથી ઝાડવાંની કાપેલી ડાળીઓની સોટી હોય. એકાદ-બે પાસે બેટરીય ખરી. ગામમાંથી નીકળતાંયે આમતેમ કોઈ ઘરના ગોખ-જાળિયામાં આંખ મીંચકારતાં હોઈએ એમ બેટરી મારતા જઈએ ને વસાણા જેવી વજનદાર ગાળપણ સાંભળતા જઈએ.’

*

‘મારે શરીરે કોપરેલ ચોળતું હોય ને એની સાથે તડકોય મને ચોળાતો હોય એવો ભાવ હું અનુભવું છું. પીઠીની ભાવના તડકાને જોઈને તો નહીં સૂઝી હોય ને?’

*

‘આજે તો આ ધૂળ મને ખૂબ ગમે છે. જાણે નાતમાં ઘી-સાકરથી લચપચ હૂંફાળા કંસારની કથરોટમાં હું મારો હાથ નાખતો હોઉં તેમ આ ધૂળમાં હાથ નાખું છું.’

*

‘જે જગત આખાનો તારણહાર એનેય તરાવવાનો રસ અમે વૈષ્ણવો તો માણીએ. અમારા પુષ્ટિસંપ્રદાયની એ તો બલિહારી છે!’

*

‘એ આકાશને ઉઘાડી આંખે જોવાની તો મજા છે જ, મેં મીંચેલી આંખેય એની મજા ચાખવા પ્રયત્ન કર્યો છે. ક્યારેક સૂરજ આડે હથેલી રાખી એની રતાશનો ચટકો પકડવાનોયે પ્રયાસ કર્યો છે.’

*

‘જેમ ધૂળ પાણીથી ભીની થાય છે તેમ ચાંદનીથીયે ભીની થતી હશે!’

*

‘વાતાવરણમાં ચાંદનીનું કપૂર મઘમઘે છે. બધું જ ચાંદનીનું, ગાયો ને યમુના, ગોપ ને ગોપી — સૌ ચાંદનીમય.’

*

‘આ તાપણાદેવ કહો કે તાપણિયા દેવ, તેમની આગળ કંઈ કેટલીયે વહી ઉકેલાતી; પેલા બાવાએ પેલી રમા રાંડેલીને વશ કરી છે કે નહીં, પેલા ભાથી ખતરીવાળા વેચાત ભૂવાએ કોની સામે મૂઠ મારી છે, પેલી સવલી ગાંયજણ આજકાલ કોની હારે સૂએ છે, પેલો મનુ પાનવાળો હમણાં હમણાં ક્યાં લાઇન મારે છે.’

*

‘એક વાર મારા ખિસ્સામાં માએ આપેલી પિત્તળની બે આની હતી. મિત્રોએ પરાણે મારી પાસેથી લઈને પાટા પર મુકાવી. ગાડી આવી ને પેલી બે આની પરથી સલામત રીતે પસાર થઈ ગઈ, પણ મારી બે આની સપાટ થઈ ગઈ. એ જોતાં જ મારો ચહેરોયે એ બે આની જેવો જ બની ગયો!’

*

‘વરસાદ આવે કે અમે સદ્ય દિગ્વસન થઈને ઓટલેથી દેડકાની જેમ કૂદકો મારી ફળિયામાં પડીએ, શરીરે ધૂળ ચડાવીએ ને પછી ઘર ઘરનાં નેવે ઊભા રહી એને ધોતા જઈએ. જેમ આબુ પર અનેક ‘પૉઇન્ટ્સ’ છે તેમ અમારાંયે નાહવાનાં અનેક ‘પૉઇન્ટ્સ’ પહેલેથી જ નક્કી રહેતાં. મંદિરના ધોધવે ક્યારે જવું ને પેલી ધર્મશાળાના ધોધવે ક્યારે જવું તેનો પણ કાર્યક્રમ સુયોજિત. ક્યારેક નેવામાં નાહતા જઈએ અને સાથે સાથે પેશાબની ધારો લડાવતા જઈએ. કોઈ લાજશરમ નહીં કે ભલાંભૂડાંના નાગરિક-ગણિત નહીં. પાણી ખુલ્લા માથે, બરડે, છાતીએ પડવા દેવું. પાણીની પોશ પર પોશ ભરી તે ગટગટાવવું; મોઢું પહોળું કરી આકાશમાંનું પાણી સીધું જ એમાં ઝીલવું….’

*

‘કેટલુંક જલ એવું હોય છે જે નથી તારતું, નથી ડુબાડતું કે નથી ઠારતું. એ જલમાં આગ હોય છે અથવા એ જલ આગનું જ એક રૂપ હોય છે.’

*

‘કેટકેટલા શબ્દો, કેટકેટલી રીતે, કેટકેટલી વાર મારી કને આવ્યા? મારી ચેતનામાં રોજેરોજ કેટલા શબ્દો વવાતા ગયા? સતત વાવણી! સતત લણણી! મારા ચિદાકાશમાં શબ્દોનાં પંખીટોળાં ઊમટી આવે છે.’

ચંદ્રકાન્ત શેઠની ગદ્યલીલા તથા લીલાગદ્યની વાત કરતાં આ ક્ષણે સુરેશ જોષી અને ‘જનાન્તિકે’ય સાંભરે છે. પહેલી નજરે પ્રેમમાં પડી જવાય એવું ગદ્ય; પણ, આ ક્ષણે એક પ્રસંગ સાંભરે છે — એક સેમીનારમાં ચન્દ્રકાન્ત ટોપીવાળાએ સુરેશ જોષીના ગદ્યમાંથી કેટલાક ફકરાઓ વહેંચ્યા અને એ ફકરો નિબંધમાંથી છે, વાર્તામાંથી છે કે લઘુનવલમાંથી — એ અલગ તારવવાનું કહ્યું તો સુ. જો.ના શિષ્યો પણ એમાં સફળ થયા નહોતા! સુરેશ જોષીનું ગદ્ય માત્ર ‘જનાન્તિકે’ના ગદ્યમાં પુરાયેલું રહ્યું. એમાંથી બહાર આવી શક્યું નહીં.

ચંદ્રકાન્ત શેઠના ગદ્યની range ઘણી મોટી. એમણે નવલકથા સિવાય બધાં જ સ્વરૂપોમાં કામ કર્યું છે. લલિત નિબંધ, ચરિત્ર નિબંધ, હાસ્ય નિબંધ, ચિંતનાત્મક નિબંધ, સ્મરણકથા, હાસ્યકથા, એકાંકી, ટૂંકી વાર્તા… સ્વરૂપ પ્રમાણે તથા રચનાની જરૂર પ્રમાણે એમનું ગદ્ય પણ અલગ અલગ રૂપ ધારણ કરતું જણાય છે. `નંદ સામવેદી’ કરતાં `ધૂળમાંની પગલીઓ’નું ગદ્ય સાવ અલગ — તાજા ફૂટેલા ઝરણા જેવું. મોટા ગદ્યકારમાં sence of humour પણ જરૂરી. કાકાસાહેબની sence of humour તરત યાદ આવે. ચંદ્રકાન્ત શેઠની હાસ્યકથા `એ અને હું’નું ગદ્ય શીમળાનાં ઊડતા ફૂલ જેવું હળવું. એમના હાસ્યનિબંધનું ગદ્ય પીંછાં જેવું મુલાયમ — હળુ હળુ સ્પર્શે ને મંદ મંદ હસાવે; એમના ચરિત્રનિબંધનું ગદ્ય ચહેરા ભીતરના ચહેરાની રેખાઓ આંકી આપે તથા હૈયા ભીતરના હૈયાને તાદૃશ્ય કરે તેવું. એકાંકી તથા ટૂંકી વાર્તાના ગદ્યનું પોત અલગ. એમના ગદ્યના આંતરવહેણમાં દર્શન અને ચિંતન તારસ્વરે વહેતાં પમાય. એમના શબ્દમાં ક્યાંય બનાવટ નથી, કોઈ આડંબર નથી; એમના શબ્દમાં ભીતરની સચ્ચાઈ છે, એમનો શબ્દ સતની સાથે રહ્યો છે, એમનો શબ્દ શુભમાં શ્રદ્ધા ધરાવે છે.

ચરિત્રનિબંધ આલેખતી વેળાએ એમની કલમ જાણે કોઈ ચિત્રકારની પીંછી બની જાય છે! `બચુમિયાં બૅન્ડવાળા’માંથી એક ઉદાહરણ જોઈએ:

`બચુમિયાંએ `હસીના બૅન્ડ કંપની’ને ઠીક રીતે સમજાવેલી. સૌના માટે ખાખી પાયજામો ને ઉપર જાંબલી કોટ. માથે પઠાણી શૈલીની છોગાવાળી લાલ પાઘડી. સૌને બૂટમોજાંયે ખરાં જ. પોતાનો કાળો સૂટ અલગ. પોતે કોટમાં ગુલાબનું ફૂલ ખોસે ને ફૂલનો હાર પણ જો લગ્નવાળાઓએ પોતાને પહેરાવ્યો હોય તો તે ગળામાં લટકતો જ રાખે! વળી કોટ પર માનચાંદ ને પિત્તળનાં પૉલિશ કરેલાં બોરિયાં ચમકતાં હોય. બચુમિયાંની આખી છટા જ રુઆબભરી, એમાં પાછું પોતાના સૂટ પર અત્તર લગાડે. આંખમાં સુરમો આંજે ને મૂછની અણીઓને વળ ચઢાવીને અક્કડ બનાવે. પછી તેઓ ખુમારીથી આમતેમ નજર કરતાં ક્લેરિયોનેટના સૂર છેડે.’

`રૂપી ખવાસણ’નો ઉઘાડ જોઈએ:

`એનું નામ રૂપી. નામ એવું જ રૂપ; સાગના સોટા-શો દેહ. અણિયાળી ચમકતી આંખો. રસિકતાની ચાડી ખાતા પાતળા હોઠ. દીવાની શગ જેવું સુરેખ નાક. એ નાકમાંની ચૂની શુક્રના તારાની જેમ ઝગારા મારે.’

— વાંચતાં જ થાય કે આ ચરિત્રનિબંધના ગદ્યનો લય; — ચિત્રકારની પીંછીના લસરકે લસરકે વહેતો ગદ્યલય! આ ગદ્યકાર કવિ છે; છંદોના જાણકાર છે. આથી એમના ગદ્યમાં પણ વિવિધ લય અને વાગ્‌છટાઓના તેજ-લસરકા જોવા મળે છે.

`ગોપાલ બહુરૂપી’માંથી એક ઉદાહરણ જોઈએ:

`એક વાર ગોપાલ બહુરૂપીએ અમારા સૌની જાણ બહાર પોલીસ ઇન્સ્પેક્ટરનો વેશ લીધેલો. સાથે ત્રણચાર સિપાઈ-સપરાંયે ખરાં. ગામની દસ-બાર દુકાનો પર દરોડા પાડ્યા. ત્યાં દરેક દુકાને નાસ્તાપાણીયે કર્યાં ને વધારામાં કટકી રૂપે પચીસપચાસેય લીધા. સાંજે ઇન્સ્પેક્ટર સાહેબ દમામભેર પાછા ફર્યા. ગામમાં સૌ સડક. ચોરેચૌટે દરોડાની જ વાતો. ને ત્યાં તો ગોપાલ બહુરૂપીએ હસતાં હસતાં આવી જે જે દુકાનેથી કટકીનાં નાણાં લીધેલાં તે તે દુકાને આભારપૂર્વક પરત કર્યાં ને ત્યારે તો આખા ગામના વાતાવરણમાં જે પલટી આવી… હવામાં જાણે કે ગુલાલ ઊડ્યો!’

`વાણીનું સત, વાણીની શક્તિ’ એમનું મહત્ત્વનું પ્રદાન છે. વાણીના સતને, વાણીના તેજને ઉજાગર કરતી વેદોપનિષદની કેટલીક સુક્તિઓનું એમાં વિવરણ છે. ભાવકને તત્ત્વલક્ષી દર્શન કરાવતી એમની ભાષાય અનેરી છે.

આ નિબંધકાર સતનું જતન કરનારા છે; વાણીનો વિવેક અને ગરિમા જાળવનારા છે; જગતને — જડ-ચેતનને — અપાર ચાહનારા છે, આથી હળવી શૈલીના એમના નિબંધોમાં કટાક્ષ પણ કોઈને વાગે નહિ એ રીતે પ્રગટ થાય છે. એમના હાસ્ય-નિબંધોમાં નર્મ, મર્મ, વ્યંગ, વિનોદ વહાલપૂર્વક હળવાશથી વહેતા રહે છે.

`લાવો, સાંધી દઉં’ તથા `એ બાલ્કનીવાળી છોકરી અને —’ જેવી ઉત્તમ વાર્તાઓ પણ એમની પાસેથી મળી છે. `સ્વપ્ન-પિંજર’ એમનો એકાંકીસંગ્રહ છે. `લાઇન’ તથા `સ્વપ્નપિંજર’ જેવાં આધુનિક એકાંકી પણ એમની પાસેથી મળ્યાં છે. આમ, નવલકથા સિવાય સાહિત્યનાં બધા જ સ્વરૂપોમાં એમણે કામ કર્યું છે.

`ધૂળમાંની પગલીઓ’માં એમણે નોંધ્યું છે:

`ગૌરીની તો એક રમણીય નવલ થાય એટલી વાતો છે.’ તો, એમની પાસેથી રમણીય નવલ મળે તેવી આશા સાથે, અસ્તુ.

૧૧-૬-૨૦૧


-યોગેશ જોષી