શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૧૨. એક ઉંદરડી

૧૨. એક ઉંદરડી

આ એક ઉંદરડી
બ્રેડમાં પેસે,
મીઠાઈના ખોખામાં ફરે,
સ્ટ્રૉથી પેલા કાચના કબાટમાં મૂકેલી કોલા પીએ,
છટકીને ટૉકીઝનાં બંધ બારણાંની તરાડમાંથી અંદર ઘૂસે,
ને કોઈની આંખની સૂની બખોલમાં બેસી
ચટકે મટકે ફિલિમ જુએ…
ફિલિમ જુએ ને પાછી તક મળે તો
કોઈની સુંવાળી પાનીને અંધારામાં અડીયે લે!
પાછી કોઈના બ્લાઉઝ પર
ગોળ ગોળ ચકરાવાયે લઈ જુએ!

પાછી આ લુચ્ચી
ક્યાંક બગીચામાં ઝાડની ઓથે લપાઈ
અજાણ્યાં કો બે જણની મધમીઠી વાતોય ચાખી લે,
અને ભરી બજાર વચ્ચે રૂપાળી પૂંછલડી હલાવતી
ટગુમગુ ટગુમગુ આંખો નચાવતી
ભેળ ખાતી
ને ગોળો ચૂસતી
કૂદતી ને નાચતી
હસતી ને ગાતી

ભૂખરા એકાંતની ઠંડી હવાથી ડરીને
ગરમ કપડાંની દુકાન તરફ ભાગે છે ત્યારે,
સાચું કહું? મને હસવું આવે છે.

ભોળીભટાક ઉંદરડી!
એને ક્યાં જાણ છે કે એણે એ જોયું તે તો ઉંદરિયામાં જ જોયું છે.
ઉંદરડી ક્યાંય ગઈ નથી;
એ ઉંદરિયામાં જ છે,
મારા જ ઉંદરિયામાં.

(પવન રૂપેરી, ૧૯૭૨, પૃ. ૧૨૩)