શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૨૫. વાણી હો સ્વાદુ આપણી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૫. વાણી હો સ્વાદુ આપણી


(वाचं नः स्वदतु।)

યજુર્વેદના ત્રીસમા અધ્યાયમાં નારાયણ ઋષિ દ્વારા જીવનપ્રકાશના અધિષ્ઠાતા દેવતા સવિતાને પ્રાર્થવામાં આવ્યા છે. આ પ્રાર્થનામાં એ વાચસ્પતિ દેવતાને વાણી સ્વાદુ — પ્રિયમધુર બનાવવાની હિમાયત કરી છે, પરંતુ એ કરતાં પૂર્વે બુદ્ધિને પવિત્ર બનાવવાની (केतं नः पुनातु) વાત પણ કરવામાં આવી છે.

વાણીનો એક છેડો — શબ્દ — જો ધ્વનિલોકમાં છે તો તેનો બીજો છેડો — અર્થ — મનુષ્યના આંતરલોકમાં — મનોલોકમાં છે. કલાવાદીઓ પહેલા છેડા પર તો જીવનવાદીઓ બીજા છેડા પર સવિશેષ ભાર દેતા હોય છે. વાસ્તવમાં તો આ બંનેય છેડાની સંતુલા સુંદર રીતે સિદ્ધ થાય એમાં જ કલાની ચરિતાર્થતા છે. વાણીની શુદ્ધિ, તેની પવિત્રતા, તેની રસવત્તા તેના પ્રયોજનારની મનઃશુદ્ધિ, પવિત્રતા ને રસિકતા સાથે સીધો સંબંધ — સમસ્તસંબંધ ધરાવે છે. જેવી બુદ્ધિ એવા વિચાર અને જેવા વિચાર એવી વાણી. તેથી જ ખરા વાક્સાધકો અનિવાર્યતા સૂક્ષ્મ રીતે આત્મસાધકો — જીવનસાધકો બનતા જ હોય છે. આંતર અને બાહ્ય સર્વ કારણોનો સદુપયોગ કરતાં જીવન-સર્જનનો મનભર રસાસ્વાદ લેવો, એ રીતે પોતાની આંતરસમૃદ્ધિને — આંતરશ્રીને વિકસાવતાં રહેવું અને પોતાની ખુદવફાઈ યા સચ્ચાઈથી જે કંઈ અંદર સંચિત છે તેને સમ્યક્‌તયા સુંદર રીતે સ્વચ્છ વાણી દ્વારા પ્રગટ કરવામાં પ્રસન્નતાપૂર્વક એકાગ્ર થવું અને એમ કરવામાં પોતાની કૃતાર્થતા અનુભવવી — આ, વાણીને સ્વાદિષ્ટ બનાવવા ઇચ્છતા સર્વ વાગ્વીરોનો પ્રશસ્ત માર્ગ છે.

આપણી અંદરના રસનાં સર્વ નવાણોને ખોલી દેવાં એ મોટું કાર્ય છે. એ માટે રાજશેખરાદિ પ્રાચીન કાવ્યશાસ્ત્રીઓએ જે વાત કરી છે તેનો આંતરમર્મ ગ્રહણ કરવો જોઈએ — સર્વ ઇન્દ્રિયો દ્વારા સૌન્દર્યની ને રસિકતાની સમારાધના. આ સમારાધના શ્રદ્ધાપૂર્વક જે કરે છે તેની જ વાણી રસમધુર બને છે. આપણે તેથી વાગ્યોગ માટે અનિવાર્ય એવો મનોયોગ — જીવનયોગ પણ સાધવો જોઈએ. યાદ રહે કે આ યોગ અત્યંત સૂક્ષ્મતયા — સહજતયા, કહો કે આધ્યાત્મિક સ્તરે, નિરંતર ચાલતો યોગ છે. આ કોઈ અલગ, બાહ્ય, સ્થૂળ, વિધિ-પ્રવૃત્તિ રૂપે બહારનાંની નજરમાં આવે એવો નયે હોય.

સર્જનકલા – જીવનકલા જીવનની ખંડપ્રવૃત્તિ ન હોઈ શકે. તે સર્વાત્મભાવે ચાલ્યા કરતી અખંડપ્રવૃત્તિ છે; ક્યારેક એ પ્રગટ રૂપે અભિવ્યક્તિસ્તરે પ્રતીત થાય, પરંતુ પ્રચ્છન્ન રૂપે તે પરા-પશ્યંતી-મધ્યમાના સ્તરે અનવરત સક્રિય હોય એ જરૂરી છે. આ સર્જનકલા — કાવ્યકલા જીવનનો વિકલ્પ નથી, તો તે જીવનથી નિરપેક્ષ પણ નથી. તેનું સામર્થ્ય ને સાર્થક્ય જીવન સાથેના તેના અનુબંધ — સંબંધમાં છે તો જીવનનું સ્વાદુપણું આ સર્જનકલા — કાવ્યકલા સાથેના અનુબંધ — સંબંધમાં છે.

આપણે જ્યારે વાચસ્પતિ સવિતાને આપણી વાણી મધુર — પ્રકાશોજ્જ્વલ કરવાની પ્રાર્થના કરીએ છીએ ત્યારે તત્ત્વતઃ આપણા જીવનસમગ્રને — આપણી આંતરભૂમિકાને જ મધુર — પ્રકાશોજ્જ્વલ કરવાની ભાવના વ્યક્ત કરીએ છીએ.

વાણીનું સ્વાદુતમ સ્વરૂપ કલાકીય સ્તરે હોય છે અને તેથી આપણે વાણીને સ્વાદુ બનાવવા માટે કલાકીય ભૂમિકાએ ગાયત્રી — ભર્ગદેવતા — સવિતાની પ્રેરણાશક્તિની વાંછના કરીએ છીએ. આપણી અંદરના કોશ — સંચ ખોલવા માટે આંતરચેતના સાથે વૈશ્વિક ચેતનાને પણ આવાહન આપવાનું રહે છે. આપણી વાણીની સ્વાદિષ્ટતા માટે — અમૃતમયતા માટે એ અનિવાર્ય છે.

(વાણીનું સત, વાણીની શક્તિ, પૃ. ૮-૧૦)