શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૩૦. રામાની શોધમાં

૩૦. રામાની શોધમાં


‘રામની શોધમાં’ કે ‘કૃષ્ણની શોધમાં’ જેવાં લખાણ હોય તો તમે ખૂબ જ ઉત્સાહ તથા આસ્થાથી વાંચી લો અને સાથે સાથે પરભવનું ભાથુંયે બાંધી લો તે હું બરોબર જાણું છું. તમે એવાં લખાણો વાંચતાં એકલપેટા પણ ન રહો અને આસપાસનાં અનેકને પ્રેમથી એ વંચાવતા રહો એય હું જાણું છું. ‘રામની શોધમાં’ જેવા મથાળા હેઠળ લખાયેલું લખાણ સત્યનારાયણની કથાના શીરાની જેમ હોંશે હોંશે ગળે (ખરેખર તો કાન દ્વારા દિલ-દિમાગમાં) ઉતારી લેનારા તમે મારું આજનું આ ‘રામાની શોધમાં’ મથાળાવાળું લખાણ કદાચ વાંચશો જ નહીં અને જો ભૂલેચૂકે વાંચ્યું તો એને વાંચીને તુરત જે રીતે આત્મસાત્ કરવું જોઈએ એ રીતે નહીં કરો એવી મને દહેશત છે. મારા આ લખાણનો, દુષ્યંતે જેમ શકુંતલાનો કરેલો એમ, તમે જો અનાદર કરશો તો મને થશે એથીયે વધારે ગેરલાભ તમને થશે એવો મને ભય છે.

‘રામ’ ને ‘રામા’ વચ્ચે ખાસ અંતર ન ગણાય. બારાખડીમાં ‘મ’ પછી તુરત જ ‘મા’ આવતો હોય છે. એ રીતે ‘મ’ ને ‘મા’ અને તેના ફળ સ્વરૂપે ‘રામ’ ને રામા’ સાખપાડોશી જ લેખાય! ‘રામ’ સુધી જો તમે પહોંચી શકો તો ‘રામા’ સુધી પહોંચવું પછી મુશ્કેલ નહીં હોય એમ પહેલા ધડાકે લાગે, પણ જો તમે મારા અનુભવનું પ્રમાણ લો તો તમને તુરત પ્રતીત થશે કે ‘રામ’ સુધી પહોંચવું ભલે આસાન હોય, ‘રામા’ સુધી પહોંચવું એ તો લોઢાના ચણા ચાવવા જેવું કપરું છે. રામ મળવા સહેલા છે, રામાભાઈ મળવા મુશ્કેલ!

મને મારી દીકરી માટે જમાઈ શોધવામાં પડી નથી એટલી તકલીફ મારાં પત્ની માટે રામો શોધવામાં પડી છે. આજની આપણા દેશની કટોકટીભરી હાલતમાં યોગ્ય છોકરી ને નોકરી મેળવવી એને હું કામ અને અર્થના પુરુષાર્થમાં ન સમાવતાં એક અલગ પાંચમા પુરુષાર્થ તરીકે લેખું છું; પરંતુ રામો મેળવવો એ તો આ બેયથીયે ચડિયાતો છઠ્ઠો પુરુષાર્થ છે! છોકરી ને નોકરી એક વાર મળ્યા પછી ઘણું કરીને આપણી અનિચ્છા હોય તો યે આપણને વળગીને રહે છે; રામાનું એવું નથી. રામો મળ્યા પછી આપણને નયે વળગી રહેઃ બે દિવસ આવે ને ત્રણ દિવસ ગેરહાજર રહે. વળી ત્રણ દિવસ આવે છે, ચાર દિવસ ગાયબ થાય. રામાને આપણે વળગતા જવું પડે. ‘ના જાઓ જી તજી અમને’ એમ આપણે એને કહેવું પડે! રામાભાઈ એમની ગમે તેટલી મનમાની કરે, આપણાથી એમને અણગમતો હરફ સુધ્ધાંય કહેવાય નહીં. ‘તું ફલાણે દહાડે કેમ નહોતો આવ્યો?’ એટલુંયે જો ન પુછાય તો પછી પગાર કાપવાની તો વાત જ શી? ઊલટું, બેપાંચ દહાડાની ગાપચી પછી જો એ આવે તો તમાચો મારીને ગાલ લાલ રાખવાની રીતે એને શ્રીમતીજી તો આમ જ કહેવાનાં: ‘શું ભઈ, આવી ગયો! બહુ સારું થયું. કંઈ તકલીફ હતી? એવું હતું તો હજી પાંચ દહાડા વધારે રહ્યો હોત તોયે ચાલત. એ તો અમે સુખેદુખે નભાવી લેત!’ આ તો બધું બોલવામાં, બાકી આમ તો રામો જે દહાડે ઘરમાં ન આવે ત્યારે ઘર જાણે રામ વિનાના ખોળિયા જેવું જ અમને તો – ખાસ તો શ્રીમતીજીને લાગે છે! અરે! રામાના અભાવે એમના હાથપગ લકવાથી ઝલાઈ ગયા હોય એવી અપંગતા તેમને લાગે છે. આપણે તત્કાલ સી.એલ. લઈ ઘેર રહેવું પડે અને રામાની રીતે શક્ય બધું જ કરવું પડે; ને એ છતાં રામાને શ્રીમતીજીની વત્સલતાનો જે બિનશરતી અઢળક લાભ મળે તે આપણને તો જરાયે મળે જ નહીં! રામાની ગેરહાજરીમાં શ્રીમતીજીની તબિયત મોટા ભાગે નાદુરસ્ત જ જણાય. એમના હાથપગ કળવા માંડે. કેડ ઝલાઈ જાય. લમણાં તૂટી પડે ને માથું ફાટફાટ થાય! ક્યારેક તો એ કારણે એમનો મિજાજ પણ ગુમ થાય અને એ સર્વનાં ફળ ભોગવવાનાં આપણે! આવ બલા પકડ ગલાની રીતે તો છે આપણે રામાને રાખી ન જાણીએ, તો રામને ખોયાથી જે વેઠવું પડે તે આપણેય પછી વેઠવાનું રહે! જગતનો નાથ શિરે જે ગુજારે તે વેઠ્યે જ છૂટકો! રામાવતાર — રામાનું અવતરણ – આગમન થાય તો જ પછીથી કળ વળવાની — શ્રીમતીજીને — મને અને એ રીતે આખા ઘર-પરિવારને!

જેમ દૂરથી પતિને જોતાં મેડીએ ‘ખેલન લાગી ખાટ’ એવો અનુભવ થાય છે, તેમ દૂરથી રામાને જોતાં જ શ્રીમતીજીના જીવમાં જીવ આવે છે. ચોકડીમાં પડેલ વાસણનો ઢગલો, બાથરૂમમાં પડેલ મેલાં કપડાંનો ગંજ, બારીબારણે ને ફરસ પર બાઝેલ ધૂળના થર – બધું એને જોતાં જ જાણે વિદાય લેવાના ઉત્સાહમાં આવી જતું દેખાય છે. શ્રીમતીજીની દેહલતામાં સ્કૂર્તિની વીજળી ફરી વળે છે. એમનામાં પેલા રામ માટેના વાત્સલ્યની મંજરીના લચકેલચકા ખીલી ઊઠે છે! મનમાં ભારે ક્રોધ છતાં જીભ પર કોયલનો ટહુકો આવી જાય છે. ગૅસ પર તપેલી ચડી જાય છે ને આદું-ફુદીનાવાળી ચાની મહેકભરી ખળભળ શરૂ થઈ જાય છે. આમ તો મારા જ ખાવા માટે રાખી મૂકેલાં મૂઠિયાંની ડિશ એ પનોતા પગલાના નરપુંગવ આગળ હાજર થઈ જાય છે ને અમે એ સમગ્ર દૃશ્યના વિનીત – લાચાર પ્રેક્ષકમાત્ર થઈ રહીએ છીએ! રામાભાઈ વાસણો માંજે ને શ્રીમતીજી ભારે ઉમળકાથી તે વાસણો લૂછીને ગોઠવે. રામાભાઈ કપડાં ધોવા બેસે ને શ્રીમતીજી હોંશથી સાબુ ઘસી આપી તેમનાં ધોયેલાં કપડાં સૂકવી દેવાની રમણીય ચેષ્ટા કરે! હું તો બસ, જોઈ જ રહું. મારી પેનમાં સહી ભરી આપવામાં કંટાળો અનુભવતાં શ્રીમતીજી એ રામાભાઈને કચરાં-પોતાં કરવાનો ઉત્સાહ રહે એ માટે કઈ રીતે બાલદીઓ (ડોલો) ભરી આપતાં હશે એ મારા માટે એક કૂટ પ્રશ્ન છે!

વળી રામાભાઈ પધારીને જ્યારે વાસણ માંજવાનો – કહો કે પાત્ર-પ્રકાશનનો અથવા કપડાં ધોવાનો – વસ્ત્રવિશોધનનો એમનો સમારંભ ચાલુ કરે, વાસણોનો ખખડાટ ને કપડાં પરનો ધડબડાટ જ્યારે ખુલ્લંખુલ્લો સંભળાવે ત્યારે જ શ્રીમતીજી એમના કોયલકંઠને અસ્વાભાવિક રીતે બુલંદ કરીને મને કહે: સાંભળો છો?’

‘હા, બરોબર સાંભળું છું!’

‘તો એમ કરો ને, એક સોની નોટ આપો ને!’

હું દૂધની ગરમ તપેલીને હાથ અડી જતાં દાઝ્યો હોઉં એ રીતે આશ્ચર્યાઘાતે એમને પૂછું છું:

‘નહીં દસની, નહીં વીસ કે પચાસની, ને સીધી સોની નોટ શા માટે, વારુ?’

તેઓ મારા પ્રશ્નથી જ જાણે કોઈ વીજકરંટ લાગ્યો હોય એમ ઊછળી પડી કહે છે: ‘જોઈએ છે. મારે રામાને આપવા છે. હિસાબમાં પછી વાળીશું.’

‘પણ, હજી જૂના અઢીસો તો હિસાબમાં વાળવાના બાકી છે; ત્યાં આ પાછા…’

‘તે ક્યાં નાસી જવાના છે? એ છે ને!’

‘એનું તો શું કહેવાય?’

‘તમે તો ભાઈ, ભારે ચીકણા! આ શી પડપૂછ! પેલાં નૂતનબહેને રામાએ ચારસો માગ્યા ત્યારે પટ દઈને પૂરા પાંચસો મારા દેખતાં એને દઈ દીધેલા! એમના મિસ્ટર એક શબ્દ પણ નહોતા બોલ્યા; ને તમે તો ભાઈસા’બ!..’

તેમણે મને બે હાથ જોડી જે પહોંચાડવું હતું તે પહોંચાડી દીધું.

મેં થાકીને વાત સમેટતાં કહ્યું: ‘ભલે ને આપો. સો આપો, બસો આપો! ધ્યાન તમારે રાખવાનું છે!

‘તે અમે નહીં રાખતાં હોઈએ!’

‘ધ્યાન તો તમે રાખો જ છો, પણ રામાનું; એના બેફામ ઉપાડનું નહીં.’

‘તમારા આવા સ્વભાવે જ રામા મળતા નથી ને મળે છે તો ટકતા નથી!’

‘ભલે તો હવે તમે ટકાવો, બસ! લો આ સો, ને ઉપરથી આ બીજા સો!’

‘હવે દાનેશરી થવાનું રહેવા દો ને સો બસ છે!’

એમણે સોની નોટ લેતાં કહ્યું,

‘તમને ખબર નથી આજકાલ રામાની કેવી રામાયણ છે તે! તમે રામો શોધવા કેટલા ફરેલા? મળેલો? આય હું શોધી લાવી ત્યારે!’

‘તે તમારે રામો જ જોઈતો હતો પછી શું કરું? બાકી કામવાળી બાઈ હું શોધી જ લાવેલો ને! તને એ પસંદ ન પડી!

‘તે ન જ પડે ને! આ ઘરમાં હું મારા છતે કોઈ બીજીને ફરકવા જ ન દઉં!’

એમ! બીક છે મારી કેમ?’

‘બીક રાખે છે મારી બલારાત! તમને તો ભૂતડીયે વળગવાની ના કહે! આ તો પાડ માનો ભગવાનનો કે હું એક તમને મળી!’

‘એ મળી એ પરમકૃપાળુ પરમાત્માનો પાડ તો ખરો જ!

આજકાલની હડહડતી બેકારીમાંયે રામો મેળવવો એ નેવાંનાં પાણી મોભે ચડાવવા જેવું આકરું કામ છે. શેઠ જો રામાને શોધવા જાય તો પહેલપ્રથમ તો એ ઘણું કરીને નન્નો જ ભણે! શેઠને જોતાં રામાનો ભાવ ઊંચકાતો જાય. પગાર અને રજાઓ, કપડાં-લત્તાં ને નાસ્તાપાણી વગેરેની ઉદાર શરતોએ એ રામો કદાચ આવવા તૈયાર થાય તો ‘મોટું કુટુંબ ને દુઃખી કુટુંબ’ જોતાં, પરણવા આવેલા નેમિનાથજી જેમ પાછા વળી ગયા, એમ એ પાછો વળી જાય એમ પણ તને! વળી ધારો કે ‘નાનું કુટુંબ ને સુખી કુટુંબ’ જોઈ એ ઘરકામ ફરવા તૈયાર થાય તો ઘરવાળા શેઠાણી એની નજરમાં ન વસે એવુંયે બને! રસિક રામાને તો શેઠાણી પણ એવાં જોઈતાં હોય છે કે એમનાં ફૂલ ઝરતાં ફરમાનોએ હસી હસીને કામ કરવાનું મન થાય! રમણીય મુખાકૃતિનાં વેણ પણ રમણીય લાગે છે એ સૌનો અનુભવ છે!

મેં તો જોયું છે કે રામજી મંદિરે જઈ રામજીનાં દર્શન કર્યા વિના નહીં જમનાર ગૃહિણી પણ રામ ભગવાન કરતાં રામાભાઈને જમાડવાની ફિકર સવિશેષ કરતાં હોય છે! રામાને ચા-પાણી કે નાસ્તોભોજન દેવામાં જરાય મોડું ન થાય એની શ્રીમતીજી ખાસ કાળજી રાખે છે. ભલે પછી રામાને સાચવતાં આપણને ઑફિસે જવાનું મોડું થાય. આપણા ઑફિસના સાહેબને આપણા મોડા પડવાથી માઠું લાગે તો ભલે, પણ પેલા રામાભાઈને મોડાં ચા-પાણી દઈ માઠું ન જ લગાડાય! પેલા રામાને તો, શબરી જેમ રામજીને અછોવાનાં કરે એથી ક્યાંય વધારે અછોવાનાં શ્રીમતીજી કરે છે ને છતાંય રામાજીની લટકતી તલવાર તો માથે ખરી જ! રામો ગમે ત્યારે ગાયબ થઈ શકે ને ત્યારે એક સંનિષ્ઠ પત્નીવ્રત સ્વામી તરીકે એને નગરી નગરી દ્વારે દ્વારે ઘૂમીને ઢૂંઢી લાવવાનો પડકાર આપણે જ ઉપાડવો પડે છે! ગૃહસ્થજીવનની શાંતિ તથા સુખચેન માટે જેમ કોઈ રામાપીરને પ્રસન્ન રાખે તેમ અમેયે અમારા ભોગે અમારા ઘરના રામાભાઈને પ્રસન્ન કરવા થાય તેટલું બધું જ કરી છૂટીએ છીએ ને અમને એમાં અમારી અર્ધાંગનાનો વણમાગ્યો તન-મન-ધનનો અઢળક સહકાર એમ જ મળી રહેતો હોય છે!

(કાંકરીચાળો ને પથ્થરમારો, પૃ. ૪૭-૫૧)