શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૪૦. ટેકો રે મળે તો

૪૦. ટેકો રે મળે તો


ટેકો રે મળે તો ટકીએ આપણે,
ટેકો મળશે કોનો રે ટટાર?
એકલા ઊભીને તૂટીએ આપણે,
આપણી ચારે પાસ ધરાર
પડછાયાના ટેકા પ્હોળા જાણીએ. – ટેકો રેo

હાથ રે મળે તો ઝાલીએ આપણે,
હાથ રે કોણ દેવાને તૈયાર?
હાથ તો લંબાવી ભોંઠા આપણે,
આપણા સીમાડે આવકાર
હાથલા થોરોનો મનભર માણીએ. – ટેકો રેo

તેડું રે મળે તો જઈએ આપણે,
કોણ તેડે જાણીને બુખાર?
આપણા પાણીએ બળીએ આપણે,
આપણો ક્યાંથી હોય ઉગાર?
ઝાંઝવે વલોણાં જુઠ્ઠાં તાણીએ. – ટેકો રેo

(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૨૪)