શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૭૭. ચણો ભાઈ, ચણો)

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૭૭. ચણો ભાઈ, ચણો


ઈંટ પર ઈંટ
ચણો ભાઈ, ચણો
તળિયેથી ચણો ભાઈ,
ચણો મને, ચોદિશેથી ચણો…

ઈંટ છે ને પાકી?
માલ છે ને પાકો?
પાકે હાથે ચણો,
ચણો મને જડબેસલાક…

કેટલા છો ભલા!
તમે મારી ખાલ નહીં ઉતરડાવી,
કરાવ્યો ના હાથીપગે,
ફાંસી ના અપાવી,
ચડાવ્યો ના શૂળી પર,
જીવતો ના બાળ્યો મને ચિતા પર,
ઝેરના કટોરા નહીં દીધા,
દીધા નહીં હાથે પગે ખીલા,
– ક્રૉસ પર ચડાવ્યો ના,
ઘણું ઘણું કરી શકો એવા તમે,
છતાંયે ના એવું કશું કર્યું,
જેથી થાય રક્તપાત!
કેટલા મૃદુલ ને સુભદ્ર તમે!

તમે મને હોંશે હોંશે ખવડાવ્યું,
પ્યાસ જ્યારે લાગી, પાણી પાયું,
ગુમાવ્યો મિજાજ હશે મેં,
તમે તો સદાય કેવી ટાઢા કોઠે વાત કરી,
ભુલાવી દેવાને મથ્યા દર્દ,
મારા સાચા હમદર્દ!

તમે મારી ખામોશી વખાણી,
મારી સ્થિરતા પ્રમાણી,
ક્યાંય મારો ભૂલથીયે કૂંડાળે ના પડે પગ,
એટલે તો તળિયેથી બાંધી દીધો મને,
ઈંટ પર મૂકી ઈંટ,
ચણી મારી ચાલ,

તમે સલામતી કરી દીધી કેવી તો કમાલ!

તમે માત્ર ચાહ્યું,
નિરુપદ્રવી બની હું જીવું સ્થાણુ જેમ,
ઈંટની વચાળ થાઉં ઈંટ,
ભીંતથી વચાળ થાઉં ભીંત.

તમે તો,
હું કોઈ વાતે જરાયે ના આણું ઓછું,
એટલા માટે જ,
કાળજીથી શબ્દો જેમ ગોઠવાય વિનયના વાક્યે,
ગોઠવો છો કાળજીથી એમ મને ઈંટ સાથે…

ઈંટ પર ઈંટ,
ચણો ભાઈ, ચણો,
મૂળિયેથી ચણ્યો,
હવે ચણો મને ડાળીએથી, પાંદડેથી,
ચણો મને ફૂલથી ને ફળથીયે!
પાકી રીતે ચણો,
રખે, રહે ક્યાંય રન્ધ્ર;
ફળદાયી ચણો,
રખે, રાખો કશું વન્ધ્ય!

કેટલાં વરસ થયાં ચણવાનું ચાલે?!
માંડ હજુ ધડ લગી આવ્યા!
હવે તો આ ચણવાનું કરો તેજ,
લાગણીનો સૂકવીને ભેજ,
હાથપગ ચણાયા તો
બાકીનું તો ચણવું આસાન!
હાથપગ કરશે ના હવે કો વિક્ષેપ,
શેષ તો સરળ હવે ખેપ.
ભય નથી હવે – હું ખસી જાઉં એવો!
ભય નથી હવે – હું બેસી પડું એવો!

ફુલાવીને છાતી ફરું – એ જ હવે પરીકથા.
ભીંતમાં હું ભીંત થાઉં – એ જ મારી ભાગ્યકથા.

છાતી હવે બંધ,
ફેફસાંય થશે નહીં હવે વધુ તંગ.

શ્વાસ ક્ષીણસેર – શાંત – મંદ.
ચીસનો સવાલ નથી.
પડઘાય શોષી લેતા શૂન્યનો પ્ર-બંધ!

પાળિયાના સમું બધું સ્તબ્ધ.
પાળિયાના ઘોડા,
એની હોય હણહણાટી?
પાળિયાની તેગ,
એ શું વીંધે કોઈ છાતી?
પાળિયાની આંખ,
એમાં આગ હોય ક્યાંથી?
પાળિયાના પૌરુષને
ધાર હોય ક્યાંથી?
પાળિયો બનું કે બનું ઈંટ,
કોઈ રીતે માટી મહીં મળવાનું છે,
ધૂળ વચ્ચે ધૂળ બની ભળવાનું છે.

ચણો ને સત્વર,
હોઠ સુધી પહોંચાડી દો ઈંટનો આ થર,
બોલવાપણું રહે ના,
સુણવાપણું – તેય રહે ના,
બધું હો પ્રશાંત,
નહીં કશું ક્લાંત, નહીં ભ્રાન્ત.

ઈંટ પર ઈંટ,
જેમ વધુ ઈંટ,
તેમ ઊંચી ભીંત.
શીઘ્ર કરો તંત્ર,
ચલાવો ને ચોદિશાનાં યંત્ર.
ચણો સૌ દિશાઓ મારી;
ચણી લો વિચારો મારા,
ચણી લો
આ ફૂલ જ્યાંથી આવે છે તે સર્વે ક્યારા!
ચણી લો આ પંખીઓ આકાશસોતાં,
ચણી લો આ મોજાંઓ પવનસોતાં!
ચણી લો સૌ સ્વપન!
ચણી લો સૌ તેજ.
દીવાદાંડી ઢાળી દો સૌ,
ઢાળી દો સૌ શૃંગ;
વિખેરી દો સુગંધોને,
મૂંગા કરો ભૃંગ.

મારે હવે શું જોવાં’તાં શુભાશુભ?
મારે વળી તોલવાં શાં સદસદ્?
મારે નથી મૂલવવાં ઇષ્ટાનિષ્ટ,
મારે નથી તારવવાં મિષ્ટામિષ્ટ,
મારા ભાગ્યે ભલી બાંધી ઈંટ
એથી હું વિઠ્ઠલ!

ઈંટ તે કરોડરજ્જુ મારી!
ઈંટ તે જ હાડકાં ને પાંસળાંની પાળી!

ઈંટ પર ઈંટ,
ચણો, ભાઈ, ચણો,
તમે બ્હારથી જો ચણ્યો,
હવે માંહ્યથીયે ચણો…

હાડકાંમાં ગોઠવી દો ઈંટ હવે, ચુસ્ત!
મેળવી દો ચૂનો
મારા રક્ત મહીં શુદ્ધ!
ભલે મારી જિહ્વા થાય તરડાતી ક્ષીણ,
સુકાયેલા સરે જેવું મીન!

જળ લઈ આવે પેલાં વાદળાં ભોળુડાં,
તે પ્હેલાં તો,
આરંભ્યું તે પૂરું કરી નાખો આ ચણતર,
મારી પાસે હવે
ખોળિયે રહીને ક્ષણો ઘડાવાની રહી ગણતર.

તમે તો સુજાણ,
કેમ ગઢના પાયામાં સીસું પૂરવું હા, તેના!
તમે હવે રૂડી રીતે
મારા બેય કાન મહીં પૂરો એ ગરમ સીસું,
વાર ના લગાડો મને મૂંગો કરી દેવા મહીં,
વિચારોય મારા તમે કરી દેજો મૂંગા,
વિચારો સાંભળવાની પાડશો જો ટેવ,
તો તો પછી ચણી રહ્યા મને!
ભીંત જેવા બની નહીં શકો,
ભીંત પછી કેમ કરી કરશો રે મને?
વિચારો જો સાંભળી શકો તો પછી
તમારાથી ભીંત ના ચણાશે કોઈ,
તમારાથી ગઢ ના બંધાશે કોઈ!
બાળકની જેમ હું તો વિચારોથી રમું,
તમારાથી એમ ના રમાશે!
જે જે મારી રમવાની રીતો,
એથી તમારાં ના સધાવાનાં હિતો!
વિચારોને માની પ્રદૂષણ,
વેગળા એનાથી રહો, એમાં શાણપણ.

મારાં સર્વે છિદ્ર,
વાંસળીનાં પૂરો જેમ કાણાં, તેમ પૂરો,
કોઈ રીતે ક્ષુબ્ધ તમે થાઓ તેવો
થવા દો અવાજ, નહીં પૂરો કે અધૂરો.
અવડ કૂવાની જેવી લીલ
વેળ એવી ઓઢાડી
હો નિરાંતવા જીવ!

સળવળ નહીં કોઈ,
ચળવળ નહીં કોઈ,
શાંત બધું, મૌન બધું,
ઈંટ બાંધનારા હાથ,
કાળે કરી તેય થશે ક્ષીણ.
ચણનારા જીવ,
તેય કો દી ચણવાની ટેવ માટે થશે ખિન્ન!
ઈંટ સાથે ઈંટ કરી,
કોઈને ચણીને પછી જીવવું ઘણું કઠિન!
ઈંટના ભવિષ્યથી સભાન થતાં પ્હેલાં,
ચણવાનું કરી દો સમાપ્ત.
સૂર્ય હવે ડૂબવાની લગોલગ વેળ,
ચૂનો હવે પથરાળ થવાનીયે વેળ,
કાળનો ભરોસો નહીં,
ઈંટનાંયે છિદ્રોમાંથી સરી જાય,
શું શું એની સાથે આવી
સરી જાય, કોણ જાણે?

ચણી લેવું તન છે આસાન,
મનને જ ચણવામાં ખરી ખેંચતાણ.
ચિંતાઓ, શંકાઓ,
ભ્રાન્તિઓ, શ્રદ્ધાઓ,
વિચારો ને તર્કો,
ભાવો, ભાવનાઓ ને આદર્શો,
કલ્પનાઓ, તરંગો ને સ્વપ્નો,
સૌને દાબી બરોબર
ઈંટ પર મૂકી ઈંટ,
પૂરી કરી ભીંત.
પૂરું કરો જિંદગીનું ઈંટેરી આ ગીત!

ચણો ભાઈ ચણો!
તમે બ્હારથી તો ચણ્યો ઘણો,
આવીને અંદર મને ચણો,
મને અંદરથી ચણો,
આપોઆપ બ્હારથી ચણાઈ જઈશ હું!
સમાધિનું સ્વપ્ન મારું,
જોડાજોડ ચણાતું જ પામી લઈશ હું!

(જળ વાદળ ને વીજ, ૨૦૦૫, પૃ. ૭)