સંજુ વાળાનાં કાવ્યો/નક્કર ખાતરી

નક્કર ખાતરી

આંખ છે, ક્યારેક ભીની થાય ચૂવે પણ ખરી
હા, પરંતુ જીવતાં હોવાની નક્કર ખાતરી

જીવની પડખોપડખ જે બેસવા લાયક ઠરી
વ્યક્તિ એવી કેમ એકાએક આવી સાંભરી?

જે ૨.પા.ના ગીતસંગ્રહમાં મૂકી’તી કાપલી
પાનું ખોલીને સવારે જોયું તો થઈ ગઈ પરી

રાત તો હમણાં જ પૂરી થઈ જશે એ બીકમાં
મન અવાચક ’ને પ્રતીક્ષા થઈ બિચારી બ્હાવરી

તું જૂનાં સૌ કાટલાં લઈ એ જ રસ્તા માપ્યા કર
હું તો ક્યાંનો ક્યાંય નીકળી જઈશ ચીલો ચાતરી

ડાઘ પહેરણ પર જે લાગ્યા’તા છુપાવી ના શક્યા
કેવા કેવા ઘાટે જઈ અજમાવ્યા નુસખા આખરી

કાળ! હે મોંઘા અતિથિ! તારો દરજ્જો જાણું છું.
આવ સત્કારું તને હું, કાળી જાજમ પાથરી