સત્યના પ્રયોગો/કુલીપણાનો

૧૩. કુલીપણાનો અનુભવ

ટ્રાન્સવાલ અને ઑરેન્જ ફ્રી સ્ટેટના હિંદીઓની હાલતનો પૂરો ચિતાર આપવાનું આ સ્થાન નથી. તેનો ખ્યાલ મેળવવા ઇચ્છનારે ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’ વાંચવો જોઈએ. પણ તેની રૂપરેખા આપવી આવશ્યક છે.

ઑરેન્જ ફ્રી સ્ટેટમાં તો એક કાયદો કરી સન ૧૮૮૮માં કે તે પર્વે હિંદીઓના બધા હક છીનવી લેવામાં આવ્યા હતા. ત્યાં માત્ર હોટેલના વેટર તરીકે કે એવી કોઈ મજૂરીમાં રહેવા જેટલી હિંદીઓને છૂટ રહી. જે હિંદી વેપારીઓ હતા તેમને નામનો અવેજ આપી કાઢી મેલ્યા. હિંદી વેપારીઓએ અરજી વગેરે તો કર્યા, પણ તેમની તૂતીનો અવાજ કોણ સાંભળે?

ટ્રાન્સવાલમાં ૧૮૮૫માં સખત કાયદો થયો. ૧૮૮૬માં કંઈક સુધારો થયો. તેને પરિણામે હિંદીમાત્ર દાખલફીના ત્રણ પાઉન્ડ આપે એમ ઠર્યું. જમીનની માલિકી તેઓ માત્ર તેમે સારુ નીમેલા વાડામાં જ ધરાવી શકે. આમાંયે માલિકી તો મળી જ નહીં. એમને મતાધિકાર તો ન જ હોય. આ તો ખાસ એશિયાવાસીઓને લગતા કાયદા. વળી જે કાયદા શ્યામ વર્ણના લોકોને લાગુ પડે તે પણ એશિયાવાસીઓને લાગુ ખરા જ. તે મુજબ હિંદીઓ પગથી (‘ફૂટપાથ’) ઉપર હકપૂર્વક ન ચાલી શકે, રાતના નવ વાગ્યા પછી પરવાના વિના બહાર ન નીકળી શકે. આ છેલ્લા કાનૂનનો અમલ હિંદીઓ સામે ઓછાવત્તા પ્રમાણમાં થતો. જેઓ આરબ તરીકે ખપતા તેઓને મહેરબાની દાખલ આમાં ન ગણવામાં આવે. એટલે આવી રાહત પોલીસની ઇચ્છા ઉપર રહે.

આ બન્ને નિયમોની અસર મારે પોતાને વિશે તપાસવી પડી હતી. મિ. કોટ્સની સાથે ઘણી વેળા હું રાતે હું ફરવા નીકળતો. ઘેર જતાં દસ પણ વાગે એટલે મને પોલીસ પકડે તો? આ ધાસ્તી મને હતી તેના કરતાં કોટ્સને વધારે હતી. કેમ કે પોતાના હબસીઓને તો તે જ પરવાના આપે. મને શી રીતે પરવાનો આપી શકે? પરવાનો પોતાના નોકરને જ આપવાનો શેઠને અધિકાર હતો. હું લેવા માગું ને કોટ્સ દેવા તૈયાર થાય તોયે તે ન જ આપી શકાય, કેમ કે તે દગો ગણાય.

તેથી કોટ્સ કે પછી તેમના કોઈ મિત્ર મને ત્યાંના સરકારી વકીલ દા. ક્રાઉઝેની પાસે લઈ ગયા. અમે બન્ને એક જ ‘ઇન’ના બારિસ્ટર નીકળ્યા. રાતે નવ વાગ્યા પછી બહાર નીકળવાને સારુ મારે પરવાનો લેવો જોઈએ એ વાત તેમને અસહ્ય લાગી. તેમણે મારા તરફ દિલસોજી બતાવી. મને પરવાનો આપવાને બદલે પોતાના તરફથી એક કાગળ આપ્યો. તેની મતલબ એ હતી કે, હું ગમે તે વખતે ગમે ત્યાં નીકળું તેમાં પોલીસે મારી વચ્ચે ન પડવું. આ કાગળિયું હમેશ મારી સાથે રાખીનું હું ફરતો. તેનો ઉપયોગ કોઈ દિવસ કરવો નહોતો પડયો. પણ એ કેવળ અકસ્માત જ ગણાવો જોઈએ.

દા. ક્રાઉઝેએ મને પોતાને ઘેર આવવાનું નિમંત્રણ આપ્યું. અમારી વચ્ચે મિત્રાચારી બંધાઈ એમ કહું તો ચાલે. કોઈ કોઈ વેળા તેમને ત્યાં જતો થયો. તેમની મારફકતે તેમના વધારે પ્રખ્યાત ભાઈની મારે ઓળખાણ થઈ. એ જોહાનિસબર્ગમાં પબ્લિક પ્રૉસિક્યૂટર નિમાયા હતા. તેમના ઉપર બૉઅર લડાઈ વખતે અંગ્રેજ અમલદારનું ખૂન કરાવવાનું કાવતરું કરવા બાબત કામ પણ ચાલ્યું હતું ને તેમને સાત વર્ષની જેલ મળી હતી. તેમની સનદ પણ બેન્ચરોએ છીનવી લીધી હતી. લડાઈ પૂરી થયા પછી આ દા. ક્રાઉઝે જેલમાંથી છૂટયા, માન સહિત ટ્રાન્સવાલની કોર્ટમાં પાછા દાખલ થયા, ને પોતાને ધંધે વળગ્યા. આ સંબંધોનો મને પાછળથી જાહેર ઉપયોગ થઈ શક્યો હતો અને મારું કેટલુંક જાહેર કામ સરળ થઈ શક્યું હતું.

પગથી ઉપર ચાલવાનો પ્રશ્ન મારે સારુ જરા ગંભીર પરિણામવાળો નીવડયો. હું હમેશાં પ્રેસિડેન્ટ સ્ટ્રીટમાં થઈને એક ખુલ્લા મેદાનમાં ફરવા જતો. આ મહોલ્લામાં પ્રેસિડેન્ટ ક્રુગરનું ઘર હતું. એ ઘરને વિશે આડંબર જરાયે નહોતો. તેને ફરતું કમ્પાઉન્ડ પણ ન હતું. બીજાં પડખેનાં ઘરોમાં અને આમાં કશો તફાવત માલૂમ ન પડે. લક્ષાધિપતિઓનાં ઘણાનાં ઘર પ્રિટોરિયામાં આ ઘર કરતાં ઘણાં મોટાં, શોભીતાં ને વાડવાળાં હતાં.

પ્રેસિડેન્ટની સાદાઈ પ્રખ્યાત હતી. આ ઘર કોઈ અમલદારનું છે એમ તેની સામે એક સિપાઈ ફરતો હોય તે ઉપરથી જ જણાય. આ સિપાઈની લગોલગ થઈને જ લગભગ હમેશાં હું જાઉં. પણ સિપાઈ મને કંઈ ન કરે. સિપાઈ વખતોવખત બદલાય. એક વેળા એક સિપાઈએ, ચેતવ્યા વિના, પગથી પરથી ઊતરી જવાનું કહ્યા વિના, મને ધક્કો માર્યો, લાત મારી, ને ઉતારી મૂક્યો. હું તો વિમાસણમાં જ પડયો. લાત મારવાનું કારણ હું પૂછવા જાઉં તે પહેલાં કોટ્સ જ ઘોડેસવાર થઈ તે જ વેળા ત્યાંથી પસાર થતા હતા તેમણે મને પોકારીને કહ્યું :

‘ગાંધી, મેં બધું જોયું છે. તારે કેસ કરવો હોય તો હું સાક્ષી આપીશ. મને બહુ દિલગીરી થાય છે કે તારી ઉપર આવી રીતે હુમલો થયો.’

મેં કહ્યું : ‘તેમાં દિલગીરીનું કારણ નથી. સિપાઈ બિચારો શું જાણે? તેને મન તો કાળા એટલા કાળા જ. તે હબસીઓને પગથી ઉપરથી આમ જ ઉતારતો હશે એટલે તેણે મને પણ ધક્કો માર્યો. મેં તો નિયમ જ કર્યો છે કે મારી જાત ઉપર વીતે તેને સારુ મારે અદાલતે ન જ ચડવું. એટલે મારે કેસ નથી કરવો.’

‘એ તો તેં તારા સ્વભાવ પ્રમાણે જ વાત કરી, પણ તું ફરી વિચારી જોજે. આવા માણસને કંઈક પાઠ તો શીખવવો જ જોઈએ.’ આટલું બોલી પેલા સિપાઈની સાથે વાત કરી તેને ઠપકો આપ્યો. હું બધી વાત તો ન સમજી શક્યો. સિપાઈ ડચ હતો ને તેની સાથે વાત ડચમાં થઈ. સિપાઈએ મારી માફી માગી, હું તો માફી આપી જ ચૂક્યો હતો.

પણ મેં ત્યારથી આ શેરીનો ત્યાગ કર્યો. બીજા સિપાઈઓને આ બનાવની શી ખબર હોય? મારે હાથે કરીને ફરી લાત શા સારુ વહોરવી? એટલે મેં ફરવા જવાને સારુ બીજી શેરી પસંદ કરી.

આ બનાવે હિંદી નિવાસીઓ પ્રત્યેની મારી લાગણી વધારે તીવ્ર કરી. આ ધારાઓ વિશે બ્રિટિશ એજન્ટની સાથે ચર્ચા કરીને, પ્રસંગ આવે તો તે વિશે ‘ટેસ્ટ’ (નમૂના દાખલ) કેસ કરવાની વાત હિંદીઓ જોડે ચર્ચી.

આમ મેં હિંદીઓની હાડમારીઓનો વાંચીને, સાંભળીને અને અનુભવીને અભ્યાસ કર્યો. મેં જોયું કે સ્વમાન જાળવવા ઇચ્છનાર હિંદીને સારુ દક્ષિણ આફ્રિકા યોગ્ય મુલક નથી. આ સ્થિતિ કેમ બદલી શકાય એ વિચારોમાં મારું મન વધારેને વધારે રોકાવા લાગ્યું. પણ હજુ મારો મુખ્ય ધર્મ તો દાદા અબદુલ્લાના કેસને જ સંભાળવાનો હતો.