સત્યના પ્રયોગો/નવાબશાહી

૨. એશિયાઈ નવાબશાહી

નવા ખાતાના અમલદારો સમજી ન શક્યા કે હું ટ્રાન્સવાલમાં કેવી રીતે દાખલ થયો. તેમણે તેમની પાસે જતાઆવતા હિંદીઓને પૂછયું, પણ તેઓ બિચારા શું જાણે? અમલદારોએ અનુમાન કર્યું કે, હું મારી આગલી ઓળખાણોને લીધે વગરપરવાને દાખલ થયો હોવો જોઈએ. અનેએમ હોય તો મને કેદ કરી શકાય.

મોટી લડાઈ પછી હમેશાં થોડો સમય રાજ્યકર્તાઓને વિશેષ સત્તા આપવામાં આવે છે. તેમ દક્ષિણ આફ્રિકામાં પણ બન્યું હતું. ત્યાં શાંતિ જાળવવાનો કાયદો કરવામાં આવ્યો હતો. તેની એક કલમ એ હતી કે જે કોઈ વગરપરવાને ટ્રાન્સવાલમાં દાખલ થાય તેને પકડવામાં આવે ને તેને કેદ મળે. આ કલમના આધારે મને પકડવો જોઈએ એમ મસલતો ચાલી. પણ મારી પાસે પરવાનો માગવાની કોઈની હિંમત ચાલી નહીં.

અમલદારોએ ડરબન તાર તો મોકલ્યા જ હતા. અને જ્યારે તેમને ખબર પડી કે હું પરવાનો લઈને દાખલ થયો છું ત્યારે તેઓ નિરાશ થયા. પણ એવી નિરાશાથી આ ખાતું હારી બેસે તેમ નહોતું. હું આવ્યો તો ખરો, પણ મિ. ચેમ્બરલેનની પાસે મને ન જવા દેવામાં તેઓ જરૂર ફાવે એમ હતું.

તેથી પેલાં નામોની માગણી થઈ. દક્ષિણ આફ્રિકામાં રંગદ્વેષનો અનુભવ તો જ્યાં ને ત્યાં થતો જ, પણ અહીં હિંદુસ્તાનના જેવી ગંદકી અને ઘાલમેલની બદબો આવી. દક્ષિણ આફ્રિકામાં સામાન્ય ખાતાં પ્રજાને અર્થે ચાલનારાં રહ્યાં; તેથી અમલદારોમાં એક પ્રકારની સરળતા ને નમ્રતા હતી. આનો લાભ થોડેઘણે અંશે કાળીપીળી ચામડીવાળાને પણ અનાયાસે મળતો. હવે જ્યારે બીજું એશિયાઈ વાતાવરણ દાખલ થયું ત્યારે ત્યાંના જેવી જોહુકમી, તેવી ખટપટ વગેરે સડા પણ દાખલ થયા. દક્ષિણ આફ્રિકામાં એક પ્રકારની પ્રજાસત્તા હતી, જ્યારે એશિયામાંથી તો નકરી નવાબશાહી આવી. કેમ કે ત્યાં પ્રજાની સત્તા નહોતી પણ પ્રજાની ઉપર જ સત્તા હતી. દક્ષિણ આફ્રિકામાં તો ગોરાઓ ઘર કરીને વસ્યા હતા, એટલે તેઓ ત્યાંની પ્રજા ઠર્યા. આથી અમલદારો ઉપર અંકુશ હતો. આમાં એશિયાથી આવેલા નિરંકુશ અમલદારોએ ભળી હિંદીઓની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી કરી મૂકી.

મને પણ આ સત્તાનો ઠીક અનુભવ મળ્યો. પ્રથમ તો મને આ ખાતાના ઉપરી પાસે બોલાવવામાં આવ્યો. આ ઉપરી લંકાથી આવ્યા હતા. ‘બોલાવવામાં આવ્યો’ એ પ્રયોગમાં કદાચ અતિશયોક્તિનો ભાસ આવે, તેથી જરા વધારે સ્પષ્ટ કરું. મારા ઉપર કાંઈ ચિઠ્ઠી નહોતી આવી. પણ આગેવાન હિંદીઓને તો ત્યાં નિરંતર જવું જ પડે. તેવા આગેવાનોમાં મરહૂમ શેઠ તૈયબજી ખાન મહમદ પણ હતા. તેમને આ સાહેબે પૂછયું, ‘ગાંધી કોણ છે? એ કેમ આવેલ છે?’

તૈયબ શેઠે જવાબ આપ્યો, ‘તે અમારા સલાહકાર છે. તેમને અમે બોલાવેલ છે.’

‘ત્યારે અમે બધા અહીં શા કામને સારુ છીએ? અમે તમારું રક્ષણ કરવા નથી નિમાયા? ગાંધીને અહીંની શી ખબર પડે?’ સાહેબ બોલ્યા.

તૈયબ શેઠે જેમતેમ આ ઘા પાછો વાળ્યો : ‘તમે તો છો જ. પણ ગાંધી તો અમારા જ ગણાય ના? તે અમારી ભાષા જાણે; તે અમને સમજે. તમે તો અમલદાર કહેવાઓ.’

સાહેબે હુમક કર્યો, ‘ગાંધીને મારી પાસે લાવજો.’

તૈયબ શેઠ વગેરેની સાથે હું ગયો. ખુરશી તો શેની મળે? અમે બધા ઊભા રહ્યા.

‘કેમ, તમે અહીં શા સારુ આવ્યા છો?’ સાહેબે મારી સામે જોઈ પૂછયું.

‘મારા ભાઈઓના બોલાવવાથી તેમને સલાહ દેવા આપ્યો છું’, મેં જવાબ આપ્યો.

‘પણ તમે જાણતા નથી કે તમને અહીં આવવાનો હક જ નથી? તમને પરવાનો મળ્યો છે તે તો ભૂલથી અપાયો છે. તમે અહીંના રહેવાસી ન ગણાઓ. તમારે તો પાછા જવું પડશે. તમારાથી મિ. ચેમ્બરલેન પાસે નહીં જવાય. અહીંના હિંદીઓનું રક્ષણ કરવાને સારુ તો અમારું ખાતું ખાસ નિમાયું છે. ઠીક, જાઓ.’

આટલું કહી સાહેબે મને રજા આપી. મને જવાબ આપવાનો વખત જ ન આપ્યો.

બીજા સાથીઓને રોક્યા. તેમને ધમકાવ્યા ને સલાહ આપી કે મને ટ્રાન્સવાલમાંથી વિદાય કરે.

કસાણે મોઢે સાથીઓ આવ્યા. આમ નવો જ કોરડો અણધાર્યો અમારે ઉકેલવાનો આવ્યો.